હેં! ભગવાનને ફૂલોને બદલે જૂતા-ચપ્પલની માળા?!
વિશેષ -રાજેશ યાજ્ઞિક
ભગવાનના મંદિરમાં જઈએ એટલે જૂતા-ચપ્પલ બહાર ઉતારીને જવું જોઈએ, સાધારણ રસ્તા ઉપરથી પણ ભગવાનના દર્શન કરતા લોકો પગરખાં ઉતારીને નમન કરે છે. આ વાત સહુ જાણે જ છે. પણ જો તમને કોઈ એમ કહે કે કોઈએ ભગવાનને ચપ્પલ-જૂતા ધર્યા તો? એવું થાય તો હિંસા ફાટી નીકળે ને? પણ ના, એક એવું મંદિર પણ છે જ્યાં હકીકતમાં ભગવાનને ચપ્પલ-જૂતા અર્પણ થાય છે બોલો!
કર્ણાટકમાં ગુલબર્ગા જિલ્લામાં નજીકના લકમ્મા દેવી મંદિરમાં દેવી માને ચપ્પલની માળા અર્પણ કરવાની પરંપરા છે. આ પ્રથા સદીઓથી ચાલી
આવે છે, જેને લોકો આજ સુધી અનુસરી રહ્યા છે. એટલું જ નહીં, પણ અહીં ભગવાનની સન્મુખ પૂજા નથી થતી. તો કેવી રીતે થાય છે? એ પણ
રસપ્રદ છે.
ખેર, જ્યારે લોકોની આસ્થાની વાત આવે ત્યારે લોકો ઘણી અલગ અલગ રીતે ભગવાનની ભક્તિ કરતા હોય છે. એવી અલગ અલગ માનતાઓ, બાધા-આખડી રાખતા હોય છે કે આપણે વિચાર્યું સુધ્ધાં ન હોય. તેવી જ રીતે કર્ણાટકમાં એક એવું મંદિર છે જ્યાં લોકો દેવીને જૂતા-ચપ્પલની માળા અર્પણ કરે છે. પરંપરાગત ભક્તોને આઘાત લાગે તેવી આ રીતથી પણ લોકો પ્રભુ ભક્તિ કરે છે.
ફૂલો, શ્રીફળ, ધન-સંપત્તિ ન હોય તો ભગવાન ભાવના ભૂખ્યા છે, એક તુલસીદલ પણ અર્પણ થાય, ફૂલની એક પાંખડી પણ અર્પણ થાય, કંઈ નહીં તો માત્ર ભાવપૂર્વક હાથ જોડીએ તો પણ પૂરતું છે. ત્યારે શું છે આ પ્રથા, જેમાં ભગવાનને જૂતા-ચપ્પલ અર્પણ થાય છે?
મોટેભાગે જ્યારે કોઈપણ ભગવાનની માનતા માનવામાં આવે, અને માનતા પૂરી થાય એટલે જેમના માટે માનતા માની હોય તેમનો ફોટો, ક્યાંક ઘંટ, ક્યાંક શ્રીફળ, ક્યાંક પોતાના વાળ અર્પણ થાય. પરંતુ કર્ણાટકના આ લકમ્મા દેવી મંદિરમાં લોકો દેવીની માનતા માનવા આવે ત્યારે નવા જૂતા-ચપ્પલ વૃક્ષ ઉપર બાંધી જાય.
માનતા પૂર્ણ થાય ત્યારે એ ભક્તો આવીને માતાજીને વંદન કરીને જૂતા-ચપ્પલની માળા અર્પણ કરે છે. આવું કરતી વખતે તેમને દેવીનું અપમાન કર્યાનો ભાવ નથી હોતો, પરંતુ તેમના પ્રત્યે સંપૂર્ણ સદ્ભાવ, પૂર્ણ ભક્તિભાવ સાથે આવું કરવામાં આવે છે.
આ પાછળ લોકોનું માનવું છે કે નવરાત્રિ દરમિયાન દેવી માતા મંદિરમાં આવે છે અને ઝાડ પર લટકેલા ચપ્પલ પહેરીને ફરે છે. અહીં રહેતા લોકોનું એવું પણ માનવું છે કે ચપ્પલ ચઢાવ્યા પછી દેવી માતા ભક્તનું દુષ્ટ આત્માઓથી રક્ષણ કરે છે. તેમના પગ અને ઘૂંટણનો દુખાવો પણ કાયમ માટે મટી જાય છે. જો એ ચપ્પલ સવાર સુધીમાં ઘસાઈ ગયા હોય તો એનો અર્થ એ છે કે દેવી આ ચપ્પલ પહેરીને ફર્યા હતા.
માતાજીને ચપ્પલ અર્પણ કરવાની પરંપરા અમસ્તી શરૂ થઈ નથી. તેની પાછળ પણ એક ખૂબ જ લોકપ્રિય વાર્તા છે. પહેલાના સમયમાં મંદિરોમાં ભેંસની બલિ ચઢાવવામાં આવતી હતી. બાદમાં સરકાર દ્વારા તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. એવી વાયકા છે કે તેનાથી માતાજી નારાજ થયા. તેને પ્રસન્ન કરવા એક સંત ધ્યાનમાં બેઠા. આ પછી, ભક્તોએ ભેંસનો ભોગ આપવાને બદલે દેવતાને ચપ્પલ ચઢાવવાનું શરૂ કર્યું અને ત્યારથી આ પરંપરા અસ્તિત્વમાં આવી, જે આજે પણ ચાલુ છે.
આ મંદિરની બીજી એક વિચિત્ર વાત એ છે કે અહીં દેવી માતાનો ચહેરો જોવાતો નથી. ભક્તો તેમના નિતંબ અથવા પીઠ પર માથું નમાવે છે. મતલબ કે અહીં દેવીની પીઠની પૂજા થાય છે, જે ભારતના અન્ય કોઈ મંદિરમાં નથી થતી. અહીં શા માટે દેવી માતાના નિતંબ અથવા પીઠની પૂજા કરવામાં આવે છે તેની પાછળ પણ એક કથા છે.
એવું કહેવાય છે કે એક રાક્ષસે દેવી લકમ્માનો પીછો કર્યો હતો. તેનાથી બચવા માટે દેવી
માતા પૃથ્વી તરફ મુખ કરીને પડી ગયા.
તેના નિતંબ સિવાય તેનું શરીર ગાયબ થઈ ગયું. ત્યારથી, ગામલોકો તેની પીઠ અથવા નિતંબની પૂજા કરવા લાગ્યા.
દિવાળી પછીની પંચમી તિથિ પર મંદિરનો નજારો જોવા જેવો હોય છે. દર વર્ષે આ દિવસે અહીં એક વિશાળ મેળો ભરાય છે, જેમાં તામિલનાડુ, આંધ્ર પ્રદેશ અને મહારાષ્ટ્રથી ભક્તો આવે છે. દરેક વ્યક્તિ ચપ્પલ અર્પણ કરીને અને શ્રીફળ વધેરીને દેવી લકમ્માની પૂજા કરે છે. ભક્તો દેવી લકમ્માને દેવી કાલિકાનું સ્વરૂપ માને છે.