ધર્મતેજ

યોગતત્ત્વજ્ઞાનદર્શનની ઊંચાઈ અને ઊંડાઈ – સંતવાણી

ભજનનો પ્રસાદ -ડૉ. બળવંત જાની

ભીમસાહેબને રવિભાણસંપ્રદાયના ભારે મોટા યોગી તરીકેનું સ્થાન-માન પ્રાપ્ત થયેલું છે, પરંતુ સૌથી મોટી વાત તો તેઓ પ્રેમલક્ષણાભક્તિના ભારે મોટા ભજનિક અને દાસીભાવથી ભક્તિ કરનારા દાસી જીવણના ગુરુ હતા. તેઓનો જન્મ મોરબી પાસે આવેલા આમરણ ગામમાં થયેલો.

પિતાનું નામ દેવજીભાઈ અને માતાનું નામ વીરુમા. જ્ઞાતિને હરિજન ગુરુ બ્રાહ્મણ હતા. જન્મથી ચમત્કારિક રીતે એમના મસ્તક ઉપર એક શીંગડું હતું એટલે એમને શૃંગીઋષિના અવતાર તરીકે પણ ઓળખવામાં આવેલા છે. એમનાં પત્નીનું નામ મોંઘીબાઈ હતું. લગ્ન છતાં આજીવન નૈષ્ઠિક બ્રહ્મચર્ય સ્વીકારીને બંનેએ યોગસાધનામાં ખૂબ જ ગતિ કરેલી. ભીમસાહેબની જે ભજનરચનાઓ મળે છે એમાં દાસી જીવણની મૂંઝવણના – પ્રશ્ર્નના ઉત્તરરૂપે ગાયેલી. દાસી જીવણને સંભળાવેલી ભજનરચના ખૂબ જ પ્રખ્યાત છે. એમાં સાધનાધારાને અને યોગસિદ્ધાંતને રસળતી રીતે સમજાવ્યાં છે.

ભીમસાહેબ વિશે એક એવી અનુશ્રુતિ પ્રચલિત છે કે એમણે, એક વખત ધૂધવા. વીજરાખી, બાણુગાર, પડાણા અને જાંબુડા એમ પાંચ-છ સ્થાનના બીજના પાટનાં વાયક સ્વીકાર્યાં. દાસી જીવણને વિચાર થયો કે ભીમ સાહેબ ચાર-પાંચ સ્થાને એક રાત્રિમાં કેવી રીતે પહોંચશે? એટલે દાસી જીવણ એક પાણીદાર ઘોડા ઉપર પલાણીને ભારે ઝડપથી પાંચેય સ્થાને વાયકસ્થળે ગયેલા. છેલ્લે જાંબુડા ગયા તો પ્રભાતનો પહોર હતો અને મહાપૂજાવિધિ વધાવીને બધું આટોપી રહેલા ભીમસાહેબને જોયા. દાસી જીવણને જોઈને ભીમસાહેબ કહે કે આ બિચારા મૂંગા પ્રાણીને ચાર-પાંચ ગામની ખેપ કરાવીને બહુ દુ:ખી ર્ક્યું. તમને દયા નથી આવતી એની ઉપર? કહેવાય છે કે દાસી જીવણ તો ભારે નાસ્તિક હતા અને ક્યાંય યોગ્ય તપસ્વી ગુરુને શોધી નહોતા શક્યા. પંદર-સત્તર જેટલા સ્થાનેથી ગુરુ ન મેળવી શકનાર દાસી જીવણ અહીં પ્રભાવિત થયા. ગુરુતપ-તેજથી અંજાયા અને પોતાની મૂંઝવણ ભજનગાનથી વર્ણવી. એના ઉપચાર લેખે પ્રત્યુત્તરરૂપી ભજન ભીમસાહેબે દાસીજીવણ સમક્ષ્ા ગાયું તે આ સંતવાણીની અમરફળ સમાન ભજનરચના.
જીવણ, જીવને જિયાં રાખીએ,
વાગે અનહદ તૂરા રે,
ઝિલમિલ જયોતું ઝળહળે,
વરસે નિરમળ નૂરા રે. …ટેક
પાંચ તત્ત્વ ને તીન ગુણ છે,
પચવીસાં લિયો વિચારી રે,
મથન ગોતેને મૂળનાં,
તત્ત્વ લેજો એક તારી રે. જીવણ…૧
ગંગા જમુના સરસ્વતી,
તરવેણીને ઘાટે રે,
સુખમન સુરતા રાખીએ,
વળગી રઈયેં વાટે રે. જીવણ…ર
અણી અગર પર એક છે,
હેરો રમતા રામા રે,
નિશદિન નીરખો નેનમાં,
સત્ પુરુષ્ા સામા રે. જીવણ…૩
અધર ઝણકાર હોઈ રિયા,
કર બિન વાજાં વાગે રે,
સુરતા ધરીને તમે સાંભળો,
ધૂન ગગનમાં ગાજે રે. જીવણ…૪
નૂરત-સૂરતની સાધના પ્રેમીજન કોઈ પાવે રે,
અંધારું ટળે એની આંખનું,
નૂર નજરે આવે રે. જીવણ…પ
આ રે સંદેશો સતલોકનો,
ભીમસાહેબે ભેજયો રે,
પત્ર લખ્યો ગુરુએ પ્રેમનો,
જીવણ, લગનેથી લેજો રે. જીવણ…૬
અહીં જીવણસાહેબને ઉદ્દેશીને ભીમસાહેબે ગાયું છે, પરંતુ એમાં અસ્થિર મનને સ્થિર બનાવવા માટેનો ગુરુમંત્ર અને સાધનાધારા પદ્ધતિ-રીત-સચવાઈ હોઈને કોઈપણ ભક્તને યોગસાધનામાં આ રચના ઉપયોગી થઈ પડે એ સ્વાભાવિક છે. ભીમસાહેબ તેમાં કહે છે કે હે જીવણ જીવને અર્થાત્ મનને ત્યાં રાખવાનું છે જયાં અનાહત નાદ સંભળાતો હોય. પરમાત્માની જયોત ત્યાં નિત્ય પ્રકાશમાન છે અને અવિરતપણે જે નિર્મળ તેજ વરસી રહ્યું છે એ પ્રદેશમાં મનને રાખો. આ ટેકની પ્રથમ કડી જ ભારે મહત્ત્વની છે, કારણ કે એ ધ્રુવપંક્તિ પણ છે. એનું સતત પુનરાવર્તન કરીને આ ક્રિયા પરત્વે ભીમસાહેબ આગ્રહપૂર્વક ખેંચે છે.

યોગસાધનામાં કહેવાય છે કે પાંચ તત્ત્વ, ત્રણ ગુણ, પચીસ પ્રકારની પ્રકૃતિની જાણકારીનું મહત્ત્વ વિશેષ્ા છે. એ વિષ્ાયે આત્મમંથન કરીને એનું મૂળ શોધીને એમાંથી તત્ત્વ તારવી લેવાનું અહીં ભીમસાહેબ પ્રારંભે જ સૂચવે છે.

ગંગા, જમુના, સરસ્વતી આ ત્રણે નદીનો ઘાટ એટલે એનો સ્થૂળ અર્થ કરવાનો નથી. હકીક્તે તો ગંગા એટલે ઈડાનાડી, જમુના એટલે પિંગલાનાડી અને શ્ર્વાસોચ્છ્વાસ દરમ્યાન ઓહમ્ એટલે કે, શ્ર્વાસ લેતાં અને સોહમ્ એટલે કે, શ્ર્વાસ કાઢતાં સમયે ડાબી ઈંડા અને જમણી પિંગલા વચ્ચે સુખમન સુરતા રાખીએ અર્થાત્ સુખમણા નાડીમાં શ્ર્વાસ થોડો સમય સ્થિર રહે છે. આ વાટે-રસ્તે વળગી રહેવાનું છે. અર્થાત્ સતત આ શ્ર્વાસોચ્છ્વાસ – ઓહમ્ – સોહમ્ અર્થાત્ અજપાજાપ ચાલુ રાખવાના છે. આ અજપાજાપથી જ સુષ્ાુમણાનાડીમાં ઠેરાયેલા શ્ર્વાસસ્થાને ધ્યાન ધરવાનું છે. અહીં નાભિ નીચે કુંંડલિની શક્તિ સર્પાકારે સાડાત્રણ આંટા લઈને અધોમુખી અવસ્થામાં સુષ્ાુપ્ત છે. યોગીઓએ ત્રિવેણીઘાટે ધ્યાનથી પવનપુરુષ્ાને – શ્ર્વાસોચ્છ્વાસને – પલટાવીને કુંડલિને ઊર્ધ્વમુખી કરવાની છે – જાગ્રત કરવાની છે. ભીમસાહેબ ત્રિવેણીઘાટે વળગ્યા રહેવાનું સૂચવે છે પણ તેઓ અંતે તો કુંડલિની જાગ્રત કરવા કહે છે.

ભીમસાહેબે પ્રયોજેલી પરિભાષ્ાા સમજવા જેવી છે. અણી અગર એટલે નાસિકાનો આગળનો ભાગ અર્થાત્ નાકનું ટેરવું. બંને આંખોની દૃષ્ટિને આ નાસાગ્ર ભાગે સ્થિર કરવાની ક્રિયા સૂચવાઈ છે. ત્યાં ધ્યાન ધરીને અહર્નિશ બેસો એટલે પછી નિરંતર એ અનેકમાં રમી રહેલા રામ નજરે આવશે. અહીં ધ્યાનની મુદ્રા – સ્થિતિની વાત કહેવાઈ છે. અહીં સુધી ભીમસાહેબ ષ્ાટ્ચક્રભેદનની સાધનાની વાત સમજાવતા જણાય છે એને નૂરતની-ઊલટની સાધના તરીકે યોગમાં ઓળખાવાઈ છે. એ પછી યોગસાધના -ધ્યાનક્રિયાથી બ્રહ્મરંધ્રમાં જે ઝણુંકારધ્વનિ અવિરતપણે બજી રહ્યો છે એના શ્રવણપાનની વાત કહી છે. આને
અધર ઝણકાર કહીને ભીમસાહેબે ઓળખાવેલ છે.

બ્રાહ્ય સાધનસામગ્રીના આધાર-સહાય વગર ઝણુંકાર ધ્વનિ બજી રહ્યો છે, એ ગગનમાં ગાજી રહ્યો છે એને સુરતાથી સાંભળવાનો છે. આ ક્રિયા પણ યોગીની એક અવસ્થા છે. એને સૂરતની-પલટની સાધના કહેવામાં આવે છે.

આ નૂરત-સૂરતની સાધના, ઊલટ-પલટની સાધના કોઈ પ્રેમીજન-યોગી જ પામી શકે. વ્યવહાર-જગતની દૃષ્ટિ દૂર થાય અને અધ્યાત્મપ્રદેશની દૃષ્ટિ સાંપડે એટલે અંધારું દૂર થયું અને નૂર-તેજ નજરે આવે. ક્રિયાના પરિણામની વાત પણ સૂચવીને ભીમસાહેબ નિર્મલ ચૈતન્ય દેશ સુધી પહોંચવાની અને પ્રાપ્તિની ભૂમિકા કહે છે. આ સંદેશ યોગક્રિયા સત્યલોકની છે. અને એ ભીમસાહેબે પત્ર-ભજનરૂપે પ્રેમથી પાઠવીને ત્યાં તમે લગનથી લેજો કહીને જીવણને જીવને-મનને ક્યાં કઈ રીતે રાખીને શું મેળવશો? એની આખી વાત ભીમસાહેબે ભજનના માધ્યમથી કહી છે. મારી દૃષ્ટિએ આ ભજન ગુજરાતી સંતસાહિત્યમાં રહેલા તત્ત્વદર્શનની ઊંડાઈ અને ઊંચાઈનો એક્સાથે પરિચય કરાવે છે. સંતવાણી ભલે સરળ, સાદી અને સહજોદ્ગાર સરખી લાગે પણ એની ભાષ્ાામાં અનુભવપૂત સત્ય અને તત્ત્વજ્ઞાનદર્શનનું તથ્ય નિહિત્ હોવાને કારણે એ ભારતીય સાહિત્યમાં મોભાનું સ્થાન-માન પ્રાપ્ત કરી શકે એ કક્ષ્ાાની છે. આવશ્યક્તા છે એની મહત્તાની પ્રમાણવાના પ્રયત્નો અને પરિચયની.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button