ધર્મતેજ

હારો મા, તમે હિંમત રાખો કથતા કવિ કલા ભગત

ભજનનો પ્રસાદ -ડૉ. બળવંત જાની

બરડાવિસ્તારના કોલીખડાનો કલો ભગત સૌરાષ્ટ્ર કંઠસ્થ પરંપરાના સાહિત્યમાં ભારે મોટી નામના ધરાવે છે. એમણે રચેલા રામાયણના પ્રસંગોના છક્કડિયા-ચાંવળા દુહા તો રાવણ-મંદોદરી-સંવાદ જેવી વિષ્ાયસામગ્રીને કારણે નૈતિક્તાની વાત ભારે અસરકારક રીતે કહી જાય છે. એમના રચેલા ઘણા બધા દુહા કંઠસ્થ પરંપરામાં આજે પણ જળવાયેલા જોવા મળે છે. એ નાનપણમાં જ વિધુર થયેલા. પછી તો જગત બહુ ખારું લાગ્યું અને વૈરાગ્યવૃત્તિ એની પ્રકૃતિ બની ગઈ. સત્સંગ અને હરિસ્મરણ એની રોજિંદી પ્રવૃત્તિ બની ગઈ. દ્વારકાની યાત્રાએ જતો સંઘ, સાધુમંડળી કલા પાસે કોલીખડામાં વિરામ લે અને ભોજન પછી હરિભજન સત્સંગ ચાલે.

કૃષ્ણભક્તિ કલા ભગતની કવિતાનું કેન્દ્રબિંદુ છે. એમની એક ભજનરચના ‘મારે ઘેર આવજે મારા સવારે ઢેબરું ખાવા’ તો લોકશાળામાં પ્રાર્થના તરીકે ગવાતી સાંભળી છે. તેઓની પ્રતિમા આજે પણ કોલખડી ગામમાં જોવા મળે છે.

આપણે ત્યાં અનેક સંતો ભક્તો થઈ ગયા. એની પ્રતિમા પૂજાતી હોય એવાં ઉદાહરણો બહુ ઓછાં છે. કલાની પ્રતિમા એના પડછંદ વ્યક્ત્વિનો, મૂર્તિવિધાનનો અને ભાવમુદ્રાનો લાક્ષ્ાણિક પરિચય કરાવે છે. કલાને લોકકવિ-ભક્તકવિ તરીકે આજે પણ પૂજવામાં
આવે છે.

કલા ભગત નિરક્ષ્ાર, રબારી જ્ઞાતિના અને તદ્ન અવ્યવહારુ હોવા છતાં એમની વાણીમાંથી જીવનબોધ, જીવનરહસ્ય અને
જીવનનું સારતત્ત્વ પ્રગટે છે. કલા ભગતની ભજનરચનાઓ કૃષ્ણભક્તિ ભજનવાણીમાં અનોખી ભાત પાડે છે. એમાં પરમ શ્રા, પરમ સદ્ભાવ અને પરમ શાંતિનો અનુભવ થાય છે. કૃષ્ણચરિત્રમાં કુબ્જાનો પ્રસંગ લઈને કલો ભગત જે બોધ પીરસે છે એને ચાખીને સ્વાદ લઈએ :

આ દાઝું ઓધાજી કેમ એ ઓલાય, કોની આગળ કહીએ,
વિધાતાનો વાંક નથી, દોષ્ા કરમનો દઈએ. (૧)

કંસની દાસી રાણી કુબ્જા કહીએ, માવે ચઢાવી મોઢે રે,
મારા શામળિયાની સેજ માથે, પનોતી થઈને પોઢે રે. (ર)

રમકઝમક રાણી ઠમકે ચાલે, મારા હરિશું કરે હાંસી રે,
મારા શામળિયાની સેજ માથે, દીવડો લઈ જાય દાસી રે. (૩)

કહ્યું તો કોઈનું કામ ન આવે, હું બેઠી છું હારી રે,
મોહનનાથે મુને મારવાનો, વિચાર કીધો જે ભારી રે. (૪)

હારો મા તમે હિંમત રાખો, હિણ્યું આવું શું ભાંખો રે,
કલો કહે કોલીખડામાં, રામ રદિયામાં રાખો રે. (પ)

દાઝ એટલે એનો અભિધાર્થ લેવાનો નથી પણ એનો પ્રદેશસંદર્ભ સાથે સંકળાયેલો તળપદો અર્થ કરવાનો છે. શરીરમાં આંખની આસપાસ, ગાલ ઉપર દાઝુ અર્થાત્ કાળાં ચાઠાં ચકામાં પડી જાય. એને ભૂંસાવા-ખોલાવવા કઈ રીતે એમ કંહીને કહો ઓધવજીને ઉદ્બોધીને પોતાની મનની ગોઠડી માંડે છે.

ગાંઠ છોડીને…. ચકામાં પડવા પાછળનું કારણ આંતરિક હોય છે. અહમ્ પણ એમ જ છે, છતાં કલો ભગત આ માટે કર્મને જ દોષ્ા આપે છે. કર્મના કુળમાં માનતો કલો વિધાતાનો વાંક કાઢતો નથી.
કંસ જેવા દુશ્મનની દાસી કુબ્જાને કૃષ્ણ ભગવાને મોઢે ચડાવી છે. બહુ અસરકારક શબ્દ છે. મોઢે ચડાવવું અર્થાત્ લાડ લડાવવાં. આના ફળસ્વરૂપે મારો-અહીં પણ માલિકીભાવ પ્રદર્શિત કરવા માટે ભારે સૂઝથી શબ્દ મારે પ્રયોજાયો છે. એની સાથે માત્ર સહચરીરૂપે નહીં પણ પથારીમાં સેજે-સહશયન કરે છે એનો નિર્દેશ અહીં છે. સહશયન કરે છે અને એ કારણે કૃષ્ણની ઉપર આધિપત્ય ભોગવે છે અને એની હાંસી ઉડાડે છે. મશ્કરી કરે છે. અપમાન કરે છે, અવહેલના કરે છે.

આવી વિકટ-વિષ્ામ પરિસ્થિતિમાં હૈયું હારી ગયેલી એવી પોતે માની લે છે કે મારા નાથે મને મારી નાખવા માટે જ જાણે કે આ કૃત્ય-કાર્ય આરંભ્યું છે. કૃષ્ણરાણીના આવા હળવા – હલકા વિચારથી, અને કૃષ્ણ વિષ્ાયે જે કંઈ વિચાર્યું છે એને દૂર કરવા કલો ભગત હવે પ્રવેશ કરે છે અને ગાય છે કે હારો મા તમે હિંમત રાખો આવું હલકું શું બોલો છો.
પરમ કૃપાળુ રામજી કૃષ્ણને હૃદયમાં રાખો. એ તમને નહીં
છોડે? તમને છોડ્યા છે એમ ન માનવાનું કહેતો કલો
જગન્નિયંતાના સર્વનિયંતાપણાના વ્યક્તિત્ત્વનો ભારે બળકટપણે પરિચય કરાવે છે.

કૃષ્ણ માટે માવો, હરિ અને મોહનનાથ તથા અંતે રામ નામો પ્રયોજીને કલો માત્ર પ્રાસ નથી મેળવતો પણ એ નામ દ્વારા
કૃષ્ણના વ્યક્તિત્ત્વને સંદર્ભ ખોલે છે. શરીરમાં ઊઠેલાં
ચકામાં, શરીરમાં પ્રગટેલી અંધશ્રદ્ધાના વંટોળને શમાવતો કલો માનવમાત્રને પ્રભુભક્તિમાં મગ્ન રહેવા, પ્રભુશ્રદ્ધા રાખવા માટે ભારે કુનેહથી કહે છે.

કલા ભગતની વાણીના અભિવ્યક્તિ કૌશલ્યની તપાસ પણ
વિગતે કરવા જેવી છે. ભજનનું સ્ટ્રકચર, એમાં ઓથર વોઈસ
તો છેલ્લે પ્રવેશ પામ્યો છે. ગોપાંગના-રાણીની મૂંઝવણે
એની પ્રતિક્રિયાને, કુબ્જાની ક્રિયાને અહીં જે રીતે કથનનું રૂપ
મળ્યું છે એ કલાની સહજસાધ્ય કથનકળાશક્તિનું અસરકારક ઉદાહરણ છે.

કલો અહીં માનવમાત્રને જાણે કે હિંમત રાખવા અને હિંમત
ન હારવા માટે જ કહેવા – સમજાવવા પ્રવૃત્ત છે. આ એ જ વસ્તુ
જો માણસને સમજાઈ જાય તો એનો ખરા અર્થમાં વિકાસ છે – વિસ્તાર છે.

કલો સાચું ભણે છે, હાર મા તમે હિંમત રાખો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button