ધર્મતેજ

હનુમાનપણું એટલે અપાર ભક્તિયુક્ત સાત્ત્વિક સમર્પણ

ચિંતન -હેમંત વાળા

સનાતની સંસ્કૃતિમાં અને પ્રકારના અને અનેક કક્ષાના ભક્તોની વાત આવે છે. હનુમાનજી પણ શ્રીરામના પરમ ભક્ત છે. આમ તો તેઓ એક દેવ છે, અને પ્રત્યેક દેવની ભક્તિ સ્વાભાવિક છે. હનુમાનજીની પણ ભક્તિ – આરાધના – સાધના થઈ શકે. શ્રીરામની ભક્તિ – આરાધના – સાધના કરતા હોય છે. આધ્યાત્મના ક્ષેત્રની આ અનેરી ઘટના છે.

સમજવાની વાત એ છે કે આ હનુમાનજી કેવા છે, હનુમાનપણું એટલે શું, હનુમાનજીની મુખ્ય બાબતો કઈ કઈ છે જેનાથી તેઓ ‘હનુમાનજી’ તરીકે સ્થાપિત થયા છે. હનુમાનજી કેવા કેવા ગુણોના ધણી છે, કઈ કઈ વિશેષતાઓ તેમનામાં છે, કેવા પ્રકારનો સંદેશો તેઓ પોતાના જીવન થકી આપે છે, કેવા કેવા પ્રકારનું સામર્થ્ય તેમનામાં છે – તેમનું ગુણાત્મક વર્ણન કરવાનો બાળસહજ પ્રયત્ન છે.

હનુમાનજીનો પ્રાદુર્ભાવ એ સનાતની ઈતિહાસની અનેરી ઘટના છે. જેમના જન્મ સાથે જ દૈવી શક્તિઓ જોડાયેલી હોય, બાળપણમાં જ જેમણે પોતાનું સામર્થ્ય અને પ્રભાવ સ્થાપિત કર્યો હોય, અપાર સંભાવનાઓ સાથે પણ સંયમપૂર્વકનો જેમનો વ્યવહાર હોય, દુનિયાનું કોઈપણ કાર્ય કરવાની જેમની ક્ષમતા હોય, સાદગી જેમનું ઘરેણું હોય, શાલીનતાયુક્ત જેમનો વ્યવહાર હોય, વિવેક જેમનું વ્યક્તિત્વ હોય, વિનમ્રતા જેમનો સ્વભાવ હોય, શ્રીરામ પરાયણતા – ધર્મ પરાયણતા જેમના જીવનનો પર્યાય હોય, જેવો મૂળમાં પરદુ:ખભંજન હોય તેમની વાત કરવામાં આનંદ પણ થાય અને રોમાંચ પણ.

સૃષ્ટિના બધા જ સમીકરણોની જેમને જાણ છે તેવા પરમ જ્ઞાની, આધ્યાત્મિકતા તેમજ નૈતિકતાની દ્રષ્ટિએ શ્રેષ્ઠ કહી શકાય તેવા ગુણોના માલિક, વિદ્યા અને ચાતુર્યના સંયોગ સમાન, ત્રણેય લોકમાં કીર્તિમાન, કંચનના વર્ણ સમાન તેમજ વજ્ર સમાન ઘડાયેલ દેહધારી, પોતાના અસ્તિત્વમાં જ મહાન પ્રતાપી તેજની પ્રતીતિ કરાવી શકનાર અને જેમને યાદ કરતા બધા જ કઠિન કાર્ય સરળ થઈ જતા હોય તેવા હનુમાનજીને પ્રણામ કરવાનો આ પ્રસંગ છે.

શ્રીરામના પરમ દૂત, શ્રીરામના કાર્યમાં જ વિશ્રામની અનુભૂતિ કરનાર, મા સીતા તથા મહાત્મા લક્ષ્મણ સહિત શ્રીરામને સદાય હૃદય કમળની અંદર જાળવી રાખનાર, શ્રીરામના હૃદયને હર્ષ અપાવવા મહાત્મા લક્ષ્મણ માટે સંજીવની લાવનાર, શ્રીરામની દ્રષ્ટિએ મહાત્મા ભરતને સમકક્ષ, શ્રીરામના ક્ષેત્રને દ્વારપાળ બની સદાય સંરક્ષણ પ્રદાન કરનાર, શ્રીરામ કથા સાંભળવા સદાય તત્પર, શ્રીરામના અસ્તિત્વને જ પોતાના જીવનનો શ્ર્વાસ માનનાર, શ્રીરામની હયાતીમાં જ જીવનને સાર્થક સમજનાર, શ્રીરામના એક ક્ષણના વિરહને પણ સ્વીકારવા તૈયાર ન હોય તેવા હનુમાનજીની સ્તુતિ પણ શ્રીરામને અતિ પસંદ હોય તે સ્વાભાવિક છે. હનુમાનજીના જીવનની સાર્થકતા શ્રીરામ સાથે સદાય જોડાયેલી રહેતી. શ્રીરામને પણ જેમની સ્તુતિ અપાર પસંદ છે તેવા હનુમાનજીનો જય જયકાર કરવાનો આ દિવસ છે.

માતા અંજની માટે પરમ આનંદદાયક, મહાન શક્તિશાળી પવનદેવના વંશજ, મહાદેવ શંકરના અવતાર સમાન, શેષનાગ, યમરાજ, કુબેર જેવા દિવ્ય આત્મા દ્વારા પ્રશંસા પામનાર, સુગ્રીવ ઉપર ઉપકાર કરીને તેને રાજ્ય અપાવનાર, રાવણના મૃત્યુ પછી લંકાની ગાદી પર બેસનાર વિભીષણને રામ-મંત્ર આપનાર, નારદ સનકાદિ બ્રહ્માદિ સમક્ષ પણ પોતાનો મહિમા સ્થાપિત કરી શકનાર, વાનરોમાં શ્રેષ્ઠ અને ભક્તોમાં અતિ શ્રેષ્ઠ, મહાન સાધક અને સાથે સાથે નિષ્કામ કર્મી, અને આ બધા સાથે ઉચ્ચ કક્ષાની તટસ્થતા સ્વસ્થતા નિર્ભયતા તેમજ આધ્યાત્મિકતા. હનુમાનજી પોતાની આંતરિક સ્થિતિની ઉચ્ચ કક્ષાને કારણે ‘હનુમાનજી’ તરીકે સ્થાપિત થઈ શક્યા.

વીરતામાં મહાન સ્થાન પ્રાપ્ત કરનાર, પરાક્રમમાં દરેક અસંભવને સંભવમાં તબદીલ કરી શકનાર, સૂક્ષ્મ તેમજ વિરાટ સ્વરૂપે અધર્મીનો નાશ કરી ધર્મીનું રક્ષણ કરનાર, બાલ્યાવસ્થામાં જ સૂર્યને પોતાનું સામર્થ્ય બતાવનાર, એક જ કૂદકામાં સાત સમંદર પાર કરવાની ક્ષમતા ધરાવનાર, દરેક પ્રકારના સંકટથી મુક્તિ અપાવનાર, દરેક પ્રકારના શુભ મનોરથ પૂર્ણ કરી આપનાર, આઠ સિદ્ધિ અને નવ નિધિને પ્રદાન કરવાનું સામર્થ્ય ધરાવનાર, સમાજની પ્રત્યેક વ્યક્તિની મતિ સારા માર્ગ પર લાવવા માટે પ્રેરક બની રહેનાર, પોતાના નામના ધ્વનિ માત્રથી પ્રત્યેક નકારાત્મક શક્તિને દૂર કરનાર, દરેક મહાત્માને નિર્ભયતા પ્રદાન કરનાર અને જેમના જાપ માત્રથી દરેક આધિ-વ્યાધિ-ઉપાધિ નાશ પામતી હોય તેવા દરેક લોકમાં પરમ વંદનીય ચિરંજીવી હનુમાનજીને વંદન છે.

શ્રીરામ જેમની શક્તિ છે, શ્રીરામ પ્રત્યે જેમની ભક્તિ છે, શ્રીરામ જેમની આરાધના છે, શ્રીરામ જેમના જીવનનો અર્થ છે, શ્રીરામનું સ્મરણ જેમનો શ્ર્વાસ છે, શ્રીરામનું કીર્તન જેમનો ધબકાર છે, શ્રીરામના નયન થકી જેમની નજર છે, શ્રીરામનો આદર્શ જેમનું કાર્યક્ષેત્ર છે, અને શ્રીરામના અસ્તિત્વમાં જ જેમનું અસ્તિત્વ સમાયેલું છે – આ છે હનુમાનજીનું હનુમાનપણું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button