ધર્મતેજ

ગુણાતીત સ્થિતિ

ગીતા મહિમા – સારંગપ્રીત

ગત અંકોમાં આપણે સત્ત્વગુણ, રજોગુણ અને તમોગુણના બંધનને સમજ્યા. હવે ભગવાન કૃષ્ણ મુક્તિ માટે ગુણાતીતનાં લક્ષણ બતાવે છે, તે સમજીએ.

ગુણાતીત એટલે સત્ત્વગુણ, રજોગુણ અને તમોગુણથી પર ! હા, આ ત્રણેય ગુણોથી પર હોય તો જ ગુણાતીત કહેવાય. ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં ગુણાતીતનાં લક્ષણ કહે છે કે જે દુ:ખ અને સુખમાં સ્થિર હોય, જેના માટે સુવર્ણ અને ધૂળ એક સમાન હોય. તે સાચો જ્ઞાની હોય અને પોતાની પ્રશંસા અને દોષમાં એક સમાન દૃષ્ટિ રાખતો હોય. જેના માટે સન્માન અને અપમાનમાં ભેદ ન હોય અને આ લોકના તમામ સુખથી પર પરમાત્માના સુખમાં રચ્યો રહે. તેને ગુણાતીત કહેવાય.

માનવ સુખ માટે અનેક પ્રયાસ કરે છે, પરંતુ શાશ્વત સુખની ચાવી તો ગુણાતીત સ્થિતિમાં જ રહી છે. જીવનના દરેક ક્ષેત્રમાં આ સ્થિતિ પ્રાપ્ત કરવી અતિ આવશ્યક છે, જ્યારે રણભૂમિ વચ્ચે ગાંડીવ મૂકીને અર્જુન બેસી ગયો ત્યારે હતાશ, નિરાશ અને કર્તવ્યવિમુખ અર્જુનને આપેલો આ ગુણાતીત ઉપદેશ આજે પણ પ્રાસંગિક છે. જીવનના દ્વંદ્વો, અહંકાર, મોહ, મત્સર, અસૂયા, પ્રમાદ આદિ સ્વભાવોના કારણે મનુષ્ય માત્ર દુ:ખી રહે છે, જ્યાં સુધી જીવે ત્યાં સુધી જ દુ:ખી રહે છે એવું નથી, આ સ્વભાવો તેને નવો જન્મ અપાવવાનું કારણ બને છે. તેથી આ જન્મ મરણની ઘટમાળ ચાલતી જ રહે છે.

ભૌતિક પ્રકૃતિનાં સુખ ત્રણ ગુણમય હોય છે તેથી તે માણસને બંધનરૂપ છે, એટલે જ્યાં સુધી આ માયાવી સુખ અને ગુણોનો સંગ નહીં છૂટે ત્યાં સુધી બંધન મટતું નથી. ક્રિયા અને પ્રતિક્રિયાની આ ગુણમયી રમતથી બહાર નીકળીને સાધક જયારે ત્રણ ગુણોથી ઉપર ઊઠે છે એટલે કે ગુણાતીત થાય છે ત્યારે જ શાશ્વત આનંદ પામે છે.

ગીતા ગુણાતીત પુષનાં જે લક્ષણો બતાવે છે, તેનાથી સાર રૂપે કહી શકાય કે ગુણાતીત સ્થિતિથી યુક્ત વ્યક્તિમાં સમતા, ઐક્ય, સત્ય, સમજ, વિરક્તિ, અજાતશત્રુતા, સાદાઈ જેવા ગુણોનો સરવાળો જોવા મળે છે. અહીં ગીતા ગુણાતીત પુષનાં લક્ષણો જણાવીને એક રોલ મોડલ આપણી સમક્ષ બતાવે છે. ગીતા ધ્યાન દોરે છે કે આવા ગુણાતીત પુષ આ પૃથ્વી ઉપર જ હોય છે, જગતમાં રહેવા છતાં જગતથી નિ:સ્પૃહ રહેતા આ મહાપુષો ગીતા કથિત જ્ઞાનનું મૂર્તિમંત સ્વરૂપ હોય છે.
સન 2004માં પ્રમુખસ્વામી મહારાજ અમેરિકાના એડિસન શહેરમાં વિચરણમાં હતા.

બે યુવક જૈમિનભાઈ અને હિતેષભાઇ સ્વામીશ્રીને એક ખૂબ આધુનિક ગાડીમાં મંદિર તરફ લઈ જહ્યા રહ્યા હતા. મુસાફરી દરમ્યાન આ યુવકો ગાડીની અતિ આધુનિક વિશેષતાઓ સમજાવી રહ્યા હતા. પ્રમુખસ્વામી મહારાજ ખૂબ શાંતિથી સાંભળી રહ્યા હતા. પછી ધીરેથી બન્ને યુવકોએ કહ્યું કે બાપા આ ગાડી તમારા માટે અતિ ઉપયોગી છે અને અમારી ઇચ્છા છે તમને સેવામાં આપવાની ! ત્યારે પ્રમુખસ્વામી મહારાજે કહ્યું, “અમારે દેશમાં જે જૂની ગાડી છે તે બરાબર છે. અમારે કશું જ જોઈતું નથી,” પરંતુ બંને યુવકો સ્વામીશ્રીને ગાડીની અન્ય વિશેષતાઓ સમજાવતા રહ્યા. સ્વામીશ્રીની ઉંમર અને બીમારીમાં સુવિધા રહે તે માટે ગાડીની સ્વીકૃતિ આપવા ખૂબ આગ્રહ કર્યો.

અંતે હિતેષભાઈએ સ્વામીશ્રીને કહ્યું, “જયારે શાસ્ત્રીજી મહારાજે આપને સંસ્થાના પ્રમુખપદે નિયુક્ત કર્યા ત્યારે આપે વચન આપ્યું હતું કે હું હરિભક્તોને રાજી કરીશ. તો આજે અમારી આટલી વિનંતી સ્વીકાર કરી અમને રાજી કરો.” સ્વામીશ્રીએ કહ્યું, “તમારી ભાવના જોઈને તમારી ગાડીમાં બેઠો છું, અહીંયા આવીને તમને મળ્યા, આજ તમને રાજી કર્યા.” ત્યારે ફરી આગ્રહ કરતાં કહ્યું, “પણ સ્વામી આવી ગાડી તમને સમર્પિત કરવાની અમારી ઇચ્છા છે.”

“આવી ઇચ્છા ન કરવી.” સ્વામીશ્રીએ ખૂબ દૃઢતાથી તેમની વાત ફગાવી દીધી. વસ્તુના અભાવથી અથવા તેને પ્રાપ્ત કરવાની અસામર્થીથી અનાસક્તિ રાખવી એક પ્રકારની માયુસી છે, પરંતુ વસ્તુની ઉપલબ્ધિ અને સામર્થી બંને હોવા છતાં તેની સાથે આકર્ષણ ના થવું તે ગુણાતીત સ્થિતિનું ચરમ શિખર છે.

જેમ સૂર્યને પોતાનો પરિચય દેવા નથી પડતો, તેનો પ્રકાશ જ તેની ઓળખ કરાવે છે તેમ આવા મહાપુષનું જીવન જ તેની ઓળખ કરાવે છે. તેઓ ભગવાનને કર્તાહર્તા માનીને ભગવાનની આજ્ઞા અને શાસ્ત્રોએ કહેલ નિયમને જ પોતાનું જીવન બનાવે છે. તેમનું વર્તન જ તેમના ગુણાતીતપણાનો અનુભવ કરાવી દે છે. આ જ ગુણાતીત પુષની વિશેષતા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button