ધર્મતેજ

દેવતાઓ તમે પણ ધર્મજ્ઞ છો,તમે જ બતાવો કે જ્યારેએ દૈત્યો મારા ભક્ત હોય તો હું કઈ રીતે તેમને મારી નાખું

શિવ રહસ્ય -ભરત પટેલ

(ગતાંકથી ચાલુ)

બ્રહ્મદેવ મયાસુરને આદેશ આપી બ્રહ્મલોક ચાલ્યા ગયા. ધૈર્યશાળી મયાસુરે પોતાના તપોબળથી નગરોના નિર્માણનું કામ આરંભ કરી દીધું. તેમણે તારકાક્ષ માટે સુવર્ણમય, કમલાક્ષને રજતમય અને વિદ્યુનમાલીને લોહમય એમ ત્રણ પ્રકારના ઉત્તમ દુર્ગ એકબીજાની ઉપર એક જ રેખામાં તૈયાર કર્યા. અસુરોના હિતમાં તત્પર રહેનારા અસુર શિલ્પી મયાસુરે પ્રથમ તારકાક્ષને સુવર્ણ નગરમાં લઈ જઈ માહિતી આપી તેમને સિંહાસન પર બિરાજમાન કર્યાં. એ જ પ્રમાણે કમલાક્ષને રજતનગરમા લઈ જઈ સિંહાસન પર આરૂઢ કર્યા, ત્યારબાદ વિદ્યુનમાલીને લોહનગરમાં લઈ જઈ તેમને પણ સિંહાસન પર બિરાજમાન કર્યાં. આ ત્રણે નગરો કલ્પવૃક્ષોથી વ્યાપ્ત અને હાથીઘોડાથી સંપન્ન હતા, એમાં મણિનિર્મિત જાળીઓથી આચ્છાદિત ઘણાબધા મહેલ પદ્મરાગથી બનેલા અને સૂર્યમંડળની જેમ ચારે દિશામાં ચમકીલા દરવાજા હતા. કૈલાસ શિખરોની જેમ જ ઊંચા અને ચંદ્રમા સમાન ઉજજવલ દિવ્ય પ્રાસાદો તથા ગોપુરોથી એમની શોભા અદ્ભુત હતી. ત્રણેય નગરો બાગ-બગીચાઓ અને વનથી સુશોભિત હતા. મોટી મોટી નદીઓ, નાની નાની સરિતાઓ જેમાં કમળ ખિલેલા હતાં. વિધવિધ પ્રકારના રથ અને શિબિકાઓથી અલંકૃત હતા, વેદ અધ્યનની પાઠશાળાઓ પણ હતી. તારકાક્ષ, કમલાક્ષ અને વિદ્યુનમાલી સિંહાસન પર આરૂઢ થઈ નવા નવા આદેશો આપવા લાગ્યાં.

તારકાક્ષ: ‘સૈનિકો આપણા નગરમાં માનવોની સંખ્યા ખૂબ જ ઓછી છે. પૃથ્વીલોક પર જાઓ અને આપણા નગરને શોભે તેવા સુંદર યુવક-યુવતીઓને બંદી બનાવી લાવો, અહીં તેમની પાસે ખૂબ કામ કરાવીશ.’

તારકાક્ષનો આદેશ મળતાં જ તેના સૈનિકો પૃથ્વીલોકથી યુવક-યુવતીઓને બંદી બનાવી ઉઠાવી લાવ્યા. તારકાક્ષ તેમને ગુલામ બનાવી તેમની પાસે કામ કરાવવા લાગ્યો. એ જોઈ કમલાક્ષે પણ તેના સૈનિકોને આદેશ આપ્યો કે, ‘સૈનિકો આપણા નગરમાં માનવોની સંખ્યા ખૂબ જ ઓછી છે. પાતાળલોક જાઓ અને આપણા નગરને શોભે તેવા સુંદર યુવક-યુવતીઓને બંદી બનાવી લાવો, અહીં તેમની પાસે હું પણ ખૂબ કામ કરાવીશ.’ કમલાક્ષનો આદેશ મળતાં જ તેના સૈનિકો પાતાળલોકથી યુવક-યુવતીઓને બંદી બનાવી ઉઠાવી લાવ્યા. કમલાક્ષ પણ તેમને ગુલામ બનાવી તેમની પાસે કામ કરાવવા લાગ્યો. બંને ભાઇઓ પાસે બંદી બનાવેલા ગુલામોને જોઈ વિદ્યુનમાલીએ પણ તેના સૈનિકોને આદેશ આપ્યો કે, ‘સૈનિકો આપણા નગરમાં માનવોની સંખ્યા ખૂબ જ ઓછી છે. ઈન્દ્રલોક જાઓ અને આપણા નગરને શોભે તેવા સુંદર યુવક-યુવતીઓને બંદી બનાવી લાવો, અહીં તેમની પાસે હું પણ ખૂબ કામ કરાવીશ.’ વિદ્યુનમાલીનો આદેશ મળતાં જ તેના સૈનિકો ઇન્દ્રલોક પર આક્રમણ કરે છે અને યુવક-યુવતીઓને બંદી બનાવી ઉઠાવી લાવે છે. વિદ્યુનમાલી તેમને ગુલામ બનાવી તેમની પાસે કામ કરાવવા લાગ્યો.

ઇન્દ્રલોક આવીને વિદ્યુનમાલીના સૈનિકો યુવક-યુવતીઓને ઉઠાવી ગયાની જાણ થતાં ઇન્દ્રદેવ ભયભીત થઈ જાય છે અને ઇન્દ્રલોક છોડી અગ્નિદેવ અને વાયુદેવને સાથે બ્રહ્માજીને મળવા બ્રહ્મલોક પહોંચે છે. બ્રહ્મલોક ખાતે કમળાસન પર બ્રહ્માજી ન દેખાતાં ઇન્દ્રદેવ આકુળ-વ્યાકુળ થઈ જાય છે અને માતા સરસ્વતીને કહે છે.

ઈન્દ્રદેવ: ‘માતા સરસ્વતીની જય હો, પરમપિતા બ્રહ્માજી દેખાતા નથી?’

માતા સરસ્વતી: ‘વારંવાર તેમના તપમાં ખલેલ પહોંચાડવામાં આવતા બ્રહ્માજી કંટાળીને અજ્ઞાતસ્થળે તપ કરવા ગયાં છે. ક્યારે આવશે તેનો અંદાજો મને નથી. અહીં ઉપસ્થિત થવાનું કારણ જણાવો તો હું તમને કંઈક મદદ કરી શકું છું.’

ઇન્દ્રદેવ: ‘માતા તમે જ કહો બ્રહ્માજી અસુરોને આમ વરદાન આપી દે તો કેમ ચાલશે? તેઓએ તારકાક્ષ, કમલાક્ષ અને વિદ્યુનમાલીને વરદાન આપતાં તેઓ નિર્ભય બની ગયા છે અને ત્રણે લોક પર આક્રમણ કરી યુવક-યુવતીઓને બંદી બનાવી લઈ ગયા છે.’

માતા સરસ્વતી: ‘ઇન્દ્રદેવ, હવે તીર કમાનથી નીકળી ચૂકયું છે, બ્રહ્માજીએ વરદાન આપી દીધું છે, હે દેવગણો તમારે એ દાનવોથી વિશેષ ભયભીત થવાની જરૂર નથી, હું એમના વધનો ઉપાય બતાવું છું. ભગવાન શિવ તમારું કલ્યાણ કરશે. હાલ ત્રિપુર ખાતે ત્રણે અસુરો ભગવાન શિવની તપસ્યા કરી રહ્યા છે તેથી તેમનું પુણ્ય પણ વધતું રહેશે. એટલે દેવરાજ ઇન્દ્ર તમારે દેવગણો સાથે ભગવાન શિવના શરણમાં જવું જોઈએ, કેમ કે એ ત્રણે અસુરોનો નાશ તેઓ જ કરી શકે છે.’

માતા સરસ્વતી દ્વારા યોગ્ય માર્ગદર્શન મળતાં ઇન્દ્રદેવ દેવગણો સાથે કૈલાસ પહોંચે છે.

દેવરાજ ઈન્દ્ર: ‘હે મહાદેવ, તારકપુત્રો ત્રણે ભાઈ મળીને ઇન્દ્રસહિત સમસ્ત દેવતાઓને હરાવી દીધા છે. હે ભગવન, એમણે ત્રિલોકને તથા મુનીશ્ર્વરોને પોતાને આધિન કરી લીધા છે અને સિદ્ધ સ્થળોને નષ્ટ-ભ્રષ્ટ કરીને આખા જગતને ઉત્પીડિત કરી રાખ્યું છે. એ દારુણ દૈત્ય યજ્ઞભાગને પણ સ્વંય ગ્રહણ કરી લે છે. હે ભગવાન શિવ આ ત્રિપુરનિવાસી દૈત્યો આ જગતનો વિનાશ કરી દે એ પહેલાં જ તમે કોઈ એક એવી નીતિનું વિધાન કરો, જેથી સૌની રક્ષા થાય.’

ભગવાન શિવ: ‘હે દેવગણો આ સમયે તો ત્રિપુરાધિપતીઓ મહાન પુણ્ય-કાર્યમાં લાગેલા છે, હું દેવતાઓના બધા કષ્ટોને જાણું છું તેમ છતાં એ દૈત્યો બહુ પ્રબળ છે, બધા દેવતા અને બધા અસુરો મળીને પણ એમનો વધ નહીં કરી શકાય. હે દેવતાઓ તમે પણ ધર્મજ્ઞ છો એટલે ધર્મદૃષ્ટિએ વિચાર કરીને તમે જ બતાવો કે જ્યારે એ દૈત્યો મારા ભક્ત હોય તો હું કઈ રીતે તેમને મારી નાખું, એટલા માટે હે દેવગણો જ્યાં સુધી તે દૈત્યો મારી ભક્તિમાં તત્પર છે ત્યાં સુધી એમનો વધ અસંભવ છે, તેમ છતાં તમે લોકો ભગવાન શ્રીહરિ વિષ્ણુના શરણે જાઓ, તેઓ જ વધુ માર્ગદર્શન આપી શકશે.’

ભગવાન શિવ દ્વારા યોગ્ય માર્ગદર્શન મળતાં દેવરાજ ઈન્દ્ર અને દેવગણો કૈલાસથી વિદાય લે છે અને તેઓ ભગવાન શ્રીહરિ વિષ્ણુનું માર્ગદર્શન લેવા ક્ષીરસાગર તરફ પ્રયાણ કરે છે.

ક્ષીરસાગર ખાતે શેષનાગ પર શ્રીહરિ વિષ્ણુ ન દેખાતાં ઇન્દ્રદેવ અને દેવગણો ફરી આકુળ-વ્યાકુળ થઈ જાય છે અને માતા લક્ષ્મીને કહે છે.

ઈન્દ્રદેવ: ‘માતા લક્ષ્મીનો જય હો, ભગવાન શ્રીહરિ વિષ્ણુ દેખાતા નથી?
(ક્રમશ:)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
અનંત-રાધિકાના સંગીતમાં પહોંચેલી આ એક્ટ્રેસે કેમ ફાડ્યો પોતાનો જ લહેંગો? WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા