ઈશ્વરનું શ્રેષ્ઠ સર્જન ઈન્સાન તું થયો છે હેવાન
આચમન -અનવર વલિયાણી
દૂરથી માસ્તરને સાયકલ પર આવતા જોઈ વિનું દોડતો ઉપરના ખંડમાં પહોંચી ગયો. ‘ડેડિ, ટીચર આવે છે.’
તે ટેલિફોન પર વાત કરી રહ્યા હતા:
‘અરે ભાઈ, પચાસ-સાઈઠ હજાર થાય તો ભલે પણ બર્થ-ડે પાર્ટી ફર્સ્ટ કલાસ થવી જોઈએ, સમજ્યાં?’
રિસીવર મૂકી તે વિનુને પૂછે તે પહેલાં માસ્તર સીડી ચઢી ઉપર આવ્યા. માસ્તરને જોતાં તેમણે પિત્તો ગુમાવ્યો. વિનુ હળવેકથી નીચે ઊતરી પડ્યો.
‘મનુપ્રસાદ, તમે ટ્યુશન-ફીની ઉઘરાણી કરવા આવ્યા છો, તે હું જાણું છું. પણ તમને ખબર છે વિનુના માર્કસ કેટલા આવ્યા છે? ફક્ત પચાસ ટકા ને તમે ફી ફર્સ્ટ કલાસની લો છો.’
સ્કૂલમાં આખો દિવસ ભણાવતાં બોલ્યે ન થાકતા માસ્તર અહીં બે શબ્દો બોલતાંય એકદમ થાકી ગયા. તે કશું જ બોલી
શક્યા નહીં, ચૂપચાપ ધીમે પગલે તે
સીડીનાં પગથિયાં ઊતરી નીચે આવ્યા.
સામે હાથમાં ગ્લાસ લઈ ઊભેલો વિનુ
તેમની નજદીક આવ્યો. તેની આખમાં આંસુ હતાં.
‘સર, આ શરબત!’ આંગળીથી ગાલે સરકી રહેલ અશ્રુને લૂછતાં કહે: ‘સર, મારા જેવા ઠોઠને અહીં સુધી પહોેંચાડવા બદલ આંખી જિંદગી તમારો ઉપકાર નહીં ભૂલું.’
માસ્તર વિનુનો ચહેરો કેટલીક ક્ષણો સુધી જોઈ રહ્યા પછી તેના માથે હાથ મૂકી કહે બેટા મને મારી ફી મળી ગઈ.
આશ્રય સ્થાન
ગામમાંથી કોઈ માણસ શહેરમાં આવે છે શહેરમાં પહોંચીને પોતાનો સરસામાન કોઈ સુરક્ષિત જગ્યાએ મૂકીને તે ફરવા નીકળે છે.
આખો દિવસ ફરી ફરીને રાત્રે નિયત સ્થળે પહોંચી જાય છે અને નિશ્ર્ચિંત બનીને સૂઈ રહે છે.
શરૂઆતમાં જ જો તેણે આરામની જગ્યા ખોળી લીધી ન હોત તો રાત્રે થાક્યા પાક્યા પાછા ફર્યા પછી તેને ઘણી જ તકલીફ પડત.
બોધ:
- સંસારના કલેશોથી થાકેલા મનનો આશરો ઈશ્ર્વર-અલ્લાહ-ગોડ છે. એ સ્થાન પોતા માટે ખોળી રાખો, નહીંતર લટકતા રહેશો.
- સુખ-ભોગનો સમય પૂરો થતાં અંધકાર છવાઈ જશે એ વખતે તમને આશ્રય સ્થાનની જરૂર પડશે.
- આ મનુષ્ય જન્મ જે દુર્લભ છે તે મળ્યા છતાં ઈશ્ર્વર-પ્રભુની પ્રાર્થના ન થાય તેના દર્શન ન થાય અને ખુદાના દિદાર ન થાય તેનો જન્મ વૃથા છે.
મુક્તિનો માર્ગ
હવામાં ઊડતી બુલબુલ પીંજર પડે છે જ્યારે દિલમાં તલબ કરે છે અહીંથી છૂટીશ ક્યારે? ઈશ્ર્વરનું શ્રેષ્ઠ સર્જન ઈન્સાન તું થયો છે હેવાન કરતા ઉત્તમ તુજમાં એ ગુણ કયો છે? હેવાન ખાય, પીએ છે, બચ્ચા કરે પયદા તેવાજ તારા ધંધા. કરણી તું શું કરે છે? શ્રદ્ધા તણીએ મૂડી દિલથી વિસારી દીધી સેતાન તણી જે શીખો દિલમાં ઉતારી લીધી! વિચાર કર તું ઈન્સાન જગથી તરી જવાનો સારો છે એક જ રસ્તો જીવતાં મરી જવાનો!
(‘હેવાન’ શબ્દનો અર્થ: પશુ-જાનવર)