ધર્મતેજ

ઈશ્ર્વરતત્ત્વ આપણા ઘરમાં ભલે જન્મે પરંતુ એનો લાભ આખા જગતને મળવો જોઈએ

માનસ મંથન -મોરારિબાપુ

ઋષિમુનિઓએ કહ્યું,હે પૃથ્વી,અમારું ચિંતન-મનન રાવણના જુલમને લીધે અટકી ગયું છે. દેવતાઓએ કીધું કે અમે પણ પુણ્યવાળા માણસો છીએ,પણ પુણ્ય પૂરાં થઈ ગયાં છે ! આપણે બધા જ બ્રહ્માની પાસે જઈને ફરિયાદ કરીએ. અને બધાં પિતામહ બ્રહ્મા પાસે ગયા છે. ઋષિમુનિઓ, દેવતાઓ અને એક સમૂહ પ્રાર્થના શરૂ થઈ. સમૂહ પુકાર થયો છે. આકાશવાણીમાંથી આશ્ર્વાસન આવ્યું કે ધૈર્ય ધારણ કરો. ડરો નહીં. આખું અસ્તિત્વ એક વ્યક્તિના રૂપમાં પ્રગટ થશે અને એ કુળ ગૌબ્રાહ્મણ પ્રતિપાલનું પદ પૂરું કરશે. દેવતાઓના અંશો હતા એ બધા વાનરનાં રૂપ લઈ અને પરમાત્માની પ્રતીક્ષા કરવા લાગ્યા છે. માણસે પહેલાં પુરુષાર્થ કરવો જોઈએ. પણ આપણે માણસ છીએ. આપણા પુરુષાર્થની પણ સીમા છે. પૂરેપૂરો પ્રમાણિક પુરુષાર્થ કર્યા પછી જો પરિણામ ન આવે તો પછી પુકાર કરવો જોઈએ. અને પુકારની પણ સીમા છે. પુકારની અવધિ પૂરી થાય પછી પ્રતીક્ષા કરવી પડશે. મારાથી થાય એ બધું મેં કરી લીધું કે હવે હું રાહ જોઈશ. કૃષ્ણ દવે કહે એમ-
આવશે,એ આવશે,એ આવશે,એ આવશે.

            તું પ્રતીક્ષામાં અગર શબરીપણું જો લાવશે.

ત્રીજું પગથિયું છે અધ્યાત્મમાં પ્રતીક્ષા. પહેલાં પુરુષાર્થ,પછી પુકાર. આપણી ભાષામાં મેલડી મા તો મેલડી મા ! માર ડાક રામ,બે દાંડી માર જલ્દી ! કોઈએ ધૂણવાનું નથી,ખબરદાર ! આપણાં જૂનાં વાદ્યો છે એ એટલી જ માત્રામાં પ્રતિષ્ઠિત થાય એવો પણ મારી વ્યાસપીઠનો એક પ્રયાસ રહ્યો છે. હા, એક-એક વાદ્ય. આપણો રાવણહથ્થો પાછો વાગવો જોઈએ. ખાલી રેલવેના ડબ્બામાં જ વાગતો તો ને એ પણ નીકળી ગયો સાહેબ! કેવી કળા લઈ-લઈને રેલવેના ડબ્બામાં આવતા ! આ બધું પાછું સ્ટેજ ઉપર આવવું જોઈએ. પુકારો,મેલડી તો મેલડી અને મહાદેવ હોય તો મહાદેવ. તમારી જ્યાં ગુણાતીત શ્રદ્ધા હોય. આપણી પાસે જે હોય એ વગાડવું. આપણી જ્યાં શ્રદ્ધા હોય એને ગાઓ. એને ગાઓ. કોઈ જરૂર નથી કે તમારી પાસે વૈદિકમંત્ર હોય. ‘મા,મા,મા ’ કરો પહોંચી જવાય. પુરુષાર્થ કરી લેવો. પછી પુકાર કરવો. અને પુકાર કર્યા પછી છેલ્લું પગથિયું જ આપણું તૂટે છે ! આપણે પુરુષાર્થ બહુ કરીએ છીએ. પ્રાર્થનાઓ પણ બહુ કરીએ છીએ પણ રાહ નથી જોઈ શકતા કે આટલા ‘હનુમાનચાલીસા’ ના પાઠ કર્યા પણ ક્યાંય હનુમાન દેખાયો નહીં ! એ આટલાં ગાયત્રીનાં અનુષ્ઠાન કર્યાં પણ માતાજી ક્યાંય દેખાણાં જ નહીં ! ત્રીજું પગથિયું છે પ્રતીક્ષા. અને પરિણામ પ્રતીક્ષા પછી આવે છે. દેવતાઓ બધા પ્રતીક્ષા કરે છે. અને તુલસીદાસજી આપણને લઈ જાય છે અયોધ્યાજી.

સૂર્યવંશ,ઈક્ષ્વાકુકુળ. પાવની પરંપરા અને એમાં દિલીપ,રઘુ,અજ અને પછી મહારાજા દશરથ. આ રઘુવંશનો રાજા દશરથજી. કેવા છે રાજા? ધરમધુરંધર; ધરમની ધૂંસરીને પોતાની કાંધ ઉપર ધારણ કરી છે. ધરમ ખાલી ધજામાં ન સમાઈ જવો જોઈએ. કાંધ ઉપર હોવો જોઈએ. ગુણનિધ; તમામ ગુણોના ભંડાર હતા અને જ્ઞાની હતા. પણ કેવળ જ્ઞાની,કેવળ કર્મઠ એટલું જ નહીં. હૃદયમાં સારંગપાણિની ભક્તિ છે. વેદોના ત્રણેય કાંડ લઈ અને રઘુકુળમાં અવતરેલ મહારાજ દશરથજી. જેમાં જ્ઞાનકાંડ,ઉપાસનાકાંડ અને કર્મકાંડ ત્રણેયનો મિશ્રિત વિગ્રહ છે,એનું નામ દશરથજી. કૌશલ્યાદિ પ્રિય રાણીઓ છે. રાજા બહુ જ પ્રેમ કરે છે પોતાની રાણીઓને ને રાણીઓ પણ એટલો જ આદર રાજાને આપે છે. અને પછી રાજા ને રાણી બધાં ભેગાં મળીને પરમતત્ત્વની ભક્તિ કરે છે. ત્રણ જ સૂત્ર દિવ્ય ગૃહસ્થજીવન માટે. ત્રણ જ મુદ્દાની ફોર્મ્યુલા. પતિ પોતાની પત્નીને પ્રેમ કરે. પત્ની પોતાના પતિને આદર આપે,સન્માન આપે અને બંને જણાં એના કુળમાં,એના જીવનમાં,એની પરંપરામાં જે ઈષ્ટનું ભજન હોય એ હરિ ભજે. એને ઘેર રામ જેવા દીકરાઓ જન્મશે. આટલું જ કરવાની જરૂર હતી પણ આટલું નથી થતું ! દશરથજીને થયું, આટલી રાણીઓ,આટલી સમૃદ્ધિ,વેદમાં પ્રસિદ્ધિ,પણ મારે પુત્ર નથી! કાલે અયોધ્યાનો કોઈ વારસદાર નહીં રહે ! એની ગ્લાનિ શરૂ થઈ ગઈ છે. આ પીડા હું કોને કહું? હું વારંવાર કહું છું, વર્ષોથી કહું છું, કહેતો રહીશ કે જ્યારે કોઈ જગ્યાએ પૂછવા ઠેકાણું બાકી ન રહે તે દિ’ તમારા ગુરુના દ્વારે જજો. દશરથ ગયા ગુરુદ્વાર. આજે રાજદ્વાર ગુરુદ્વાર જાય છે. ચરણમાં વંદન કર્યા છે.

સુખ-દુ:ખનાં સમિઘો અર્પણ કર્યા છે, ભગવન, એક વખત આપના મુખેથી સાંભળ્યું છે કે રઘુવંશ મારાથી ચાલુ રહેશે કે પૂરો થઈ જશે?’ અને ગુરુ કૃપાલુ બોલ્યા છે,રાજન્,થોડી ધીરજ ધારણ કરો. ચાર દીકરાના બાપ બનશો. પણ એક યજ્ઞ કરવો પડશે.’ પુત્રકામયજ્ઞનો આરંભ થયો છે. છેલ્લી આહુતિ ભક્તિ સહિત જ્યારે પધરાવવામાં આવે છે અને એ વખતે યજ્ઞપુરુષ અગ્નિકુંડમાંથી પ્રગટ થાય છે. હાથમાં સ્વર્ણકલશ છે. એમાં યજ્ઞનો ચરુ છે. બધું જ ગુરુ કરે છે. ધ્યાન રાખો,એક વખત ગુરુને શિશ સોંપી દીધું પછી બધી જવાબદારી ગુરુની થાય છે. શૃંગીને બોલાવ્યા ગુરુએ. યજ્ઞ કરાવ્યો ગુરુએ. પ્રસાદનો ચરુ નીકળ્યો તો ગુરુના હાથમાં પહેલો આવ્યો, ગુરુએ દશરથજીને આપ્યો. કહ્યું કે તમારી રાણીઓને વહેંચી આપો. બધામાં ગુરુ કેન્દ્રમાં છે. વશિષ્ઠજીના હાથમાં પ્રસાદનો ચરુ છે. દશરથજીને આપ્યો છે. પ્રસાદની વહેંચણી થઈ છે. આખા જગતમાં જેનો નિવાસ છે એવું બ્રહ્મતત્ત્વ,એવું પરમાત્માતત્ત્વ મા કૌશલ્યાના મહેલમાં પ્રગટ્યું છે ! ઈશ્ર્વરતત્ત્વ મારા, આપણા ઘરમાં ભલે જન્મે પણ એનો લાભ આખા જગતને મળવો જોઈએ.
(સંકલન : જયદેવ માંકડ)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ગણેશ ચતુર્થીની રાતે કરો આ ચમત્કારીક ઉપાય, બાપ્પા પૈસાથી ભરી દેશે તિજોરી… Classy દેખાવા માટે આ પણ છે જરૂરી આ કલાકારો રહી ચૂક્યા છે રિયલ લાઈફમાં ટીચર બુધ અને સૂર્યની યુતિથી સર્જાયો બુધાદિત્ય યોગ, જલસા કરશે આ રાશિના લોકો…