શિવ રહસ્ય: એવું વરદાન આપો કે મારું શરીર સુવર્ણ જેવું થઈ જાય ને હું પરમ સુંદરી બનું

– ભરત પટેલ
કૈલાસ ખાતે વહેલી સવારે માતા પાર્વતી ભગવાન શિવની પૂજા-અર્ચના માટે ન પહોંચતાં શિવગણો ચિંતિત થાય છે. એજ ક્ષણે ત્યાં દેવર્ષિ નારદ ઉપસ્થિત થતાં ભગવાન શિવને કહે છે, ‘પ્રભુ માતા વહેલી પ્રભાતે તમારી પૂજા-અર્ચના કરતાં હોય છે, આજે કેમ નથી.’ ભગવાન શિવ નંદી મહારાજને મોકલે છે. નંદી મહારાજ પરત આવી કહે છે કે દ્વાર પર ગણેશ ઊભા છે અને તેમણે કહ્યું કે, ‘માતાનો આદેશ છે કે ભગવાન શિવ સિવાય કોઈને પણ અંદર પ્રવેશ આપવો નહીં.’ ભગવાન શિવ તુરંત માતાના ભવન પાસે પહોંચે છે. જુએ છે કે ગણેશ ત્યાં નથી. ભગવાન શિવ ભવનમાં પ્રવેશતાં જુએ છે કે માતા પાર્વતી તો તપમાં લીન છે. ભગવાન શિવના પૂછતાં માતા પાર્વતી કહે છે, ‘સ્વામી હું તારાની અવસ્થા જોઈ ખૂબ દુ:ખી છું. સ્ત્રીઓ ક્યાંય સુરક્ષિત નથી. મારી એવી કામના છે કે એક શક્તિ વન હોય જ્યાં દરેક સ્ત્રી સુરક્ષિત રહે, એ શક્તિવનમાં કોઈપણ પુરુષ પુરુષ ન રહેતાં સ્ત્રી બની જાય અને એ શક્તિવનમાં પ્રકૃતિની પ્રધાનતા રહે પુરુષની નહીં.’ આટલું સાંભળતાં જ ભગવાન શિવ કહે છે, ‘જેવી તમારી ઇચ્છા દેવી.’ માતા પાર્વતી અને ભગવાન શિવ શક્તિવનની પરીક્ષા કરવા કામ્યાખ વન પહોંચતાં જ ભગવાન શિવ પોતે ીરૂપ ધારણ કરે છે. બીજી તરફ માતા તારા અને બુધ ભગવાન શિવની આરાધનામાં લીન હોય છે. મહારાજ ઈલ અને રાણી વિજયા માતા તારા અને બુધ પાસે પહોંચી તેમના આશિર્વાદ લઈ કામ્યાખ વનમાં પ્રવેશ કરે છે.
કામાખ્યા વનમાં પ્રવેશ કરતાં જ મહારાજ ઈલ પણ સ્ત્રી બની જાય છે. મહારાજ ઈલ વિજયાને કહે છે, ‘ભગવાન શિવની લીલા અપરંપાર છે, ભગવાન શિવના આશીર્વાદ મેળવવા તપસ્વીઓ અહીં આવતા હોય તો આપણે હવે અહીં જ તપસ્યા કરવી જોઈએ.’ પ્રસન્ન માતા પાર્વતી અને ભગવાન શિવ ત્યાં ઉપસ્થિત થાય છે અને આશીર્વાદ આપતા કહે છે, ‘મહારાજ ઈલ અને રાણી વિજયા તમારું કલ્યાણ થાઓ, કામ્યાખ વનમાં જે યુગલ તપસ્યા કરશે તેમની દરેક મનોકામના પૂર્ણ થશે.’ સાથે સાથે તેમણે બુધ અને તેની માતા તારાને આશીર્વાદ આપી કલંક દૂર કર્યો, એ જ સમયે દેવગુરુ બૃહસ્પતિનું આગમન થતાં ભગવાન શિવે દેવી તારાને માફી આપવા જણાવ્યું. ભગવાન શિવની આજ્ઞાને શિરોમાન્ય કરી દેવગુરુ બૃહસ્પતિએ દેવી તારા અને પુત્ર બુધનો સ્વીકાર કર્યો. રાજમહેલ પરત ફરેલા મહારાજ ઈલ અને રાણી વિજયાને તેમના શરીરમાં અનેરી શક્તિનો સંચાર થયેલો જણાય છે અને નવ મહિનાના ટૂંકા ગાળામાં જ તેઓને પુત્ર રત્નની પ્રાપ્તિ થાય છે. પરત કૈલાસ ફરેલાં માતા પાર્વતી અને ભગવાન શિવનો ઘરસંસાર સારી રીતે ચાલતો હતો. ભગવાન શિવ વારે વારે માતા પાર્વતીને ‘કાળી’ કહીને ક્રોધિત કરતા, દેવી પાર્વતીને આ ગમતું નહીં, તેઓ અંદરથી ધૂંધવાઈ જતાં, પરંતુ પોતાના ક્રોધને કળાવા દેતાં નહીં. ‘કાળી’નું બિરુદ મહેણાંટોણાં રૂપે એમના અંતરને ઠેસ પહોંચાડતું હતું. ભગવાન શિવને માતા પાર્વતી આ પ્રકારે ગુસ્સો કરે એની મજા આવતી હતી.
આ પણ વાંચો: શિવ રહસ્ય : કામ્યાખ વનમાં જે યુગલ તપસ્યા કરશે તેમની દરેક મનોકામના પૂર્ણ થશે…
એક દિવસ કૈલાસ પર વિરાજમાન ભગવાન શિવે માતા પાર્વતીને ‘કાળી’ કહીને સંબોધ્યાં. દેવીને થયું કે હવે તો હદ થાય છે. આનો કોઈ ઉપાય શોધી કાઢવો જોઈએ. મારા મૌનને સંમતિ માની સ્વામી આ મશ્કરી મૂકતા જ નથી. પોતાના સ્વામીએ ‘કાળી’ તરીકેનું સંબોધન કરતાં કાળજામાં તીરની માફક ખૂંચી ગયું. માતા પાર્વતીએ ગંભીર મુદ્રા ધારણ કરી લીધી.
ભગવાન શિવ: ‘પ્રિયે આજે મારી ઇચ્છા આનંદ વિહારની છે ચાલો આપણે ક્યાંક વિહાર કરીએ?
માતા પાર્વતી તરફથી કોઈ પ્રત્યુત્તર ન મળતાં ભગવાન શિવને ખાતરી થઈ ગઈ કે દેવીને જરૂર ખરાબ લાગ્યું છે. તેમણે ફરી ફરી ઘણીવાર માતા પાર્વતીને કહ્યું કે, ‘દેવી ચાલો આજે આપણે ક્યાંક આનંદ વિહાર કરીએ?’
તેમણે ઘણીવાર મનાવવાની કોશીશ કરી પણ દેવી માન્યા નહીં.
ક્રોધિત માતા પાર્વતી ગૃહત્યાગ કરીને હિમાલયના કોઈ ઉચ્ચ શિખર પર પહોંચી ગયાં. ત્યાં તેઓ કઠોર તપ કરવા લાગ્યાં. થોડાજ સમયમાં માતા પાર્વતી તપમાં તલ્લીન થઈ ગયાં. માતા પાર્વતીએ એક પગે ઊભા રહીને તપશ્ર્ચર્યા આદરી. એવામાં એક સિંહ આવી ચઢયો.
આ પણ વાંચો: શિવ રહસ્ય: હું રાણી વિજયાને કઈ રીતે કહી શકું કે તમારી કુંડળીમાં સંતાન યોગ નથી તેમને આઘાત લાગશે
સિંહે વિચાર્યું કે, વાહ મારું કામ તો થઈ ગયું. ક્યાં સુધી આ સ્ત્રી એક પગે ઊભા રહીને તપ કરશે? ક્યારેક તો બેશુદ્ધ બનીને ઢળી પડશે ને! ઢળી પડશે એટલે આ શિકારથી મારી ભૂખ ભાંગીશ.
એને ક્યાં ખબર હતી કે આ તો જગતજનની માતા પાર્વતીજીનું તપ હતું. દિવસોના દિવસો અને મહિનાઓ પસાર થઈ ગયા. માતા પાર્વતી તપમાં હજીય તલ્લીન હતાં. આદ્યશક્તિના અખંડ તપની પ્રશંસા દેવી-દેવતાઓ કરવા લાગ્યા. દેવર્ષિ નારદ ભગવાન શ્રીહરિ વિષ્ણુ પાસે પહોંચે છે.
દેવર્ષિ નારદ: ‘હે પ્રભુ! માતા પાર્વતીનું તપ તમે જ પૂર્ણ કરાવી શકો છો. તમારે મધ્યસ્થિ કરવી જોઈએ. જેથી માતા પાર્વતી પરત કૈલાસ ફરે.’
ભગવાન શ્રીહરિ વિષ્ણુ: ‘તેમણે જે કાર્યસિદ્ધ માટે તપ શરૂ કર્યું છે એ બ્રહ્માજી જ પૂર્ણ કરી શકે. તમારે બ્રહ્માલોક જઈ બ્રહ્માજીને વિનંતી કરવી જોઈએ.’
આ પણ વાંચો: શિવ રહસ્ય: માતા તમારે દેવાધિદેવ ભગવાન શિવના આદેશનું પાલન અવશ્ય કરવું જોઈએ
સમગ્ર દેવતાઓ દેવર્ષિ નારદ સહિત બ્રહ્મલોક પહોંચે છે. તેઓ બ્રહ્માજીને માતા પાર્વતીનું તપ પૂર્ણ કરાવવા વિનંતી કરે છે.
બ્રહ્માજી: ‘પાર્વતીનો સ્વર બ્રહ્મલોક પહોંચશે ત્યારે હું એમને અવશ્ય વરદાન આપીશ. તમે સંસારના ઉત્કર્ષ માટે તમને જે જવાબદારી આપવામાં આવી છે એ પાર પાડો.’
બ્રહ્માજીની આજ્ઞા થતાં જ દેવતાઓ પોત પોતાના લોક પરત ફરે છે. થોડાં જ સમયમાં માતા પાર્વતીનો સ્વર બહ્મલોક પહોંચતાં બ્રહ્માજી પ્રસન્ન થાય છે અને માતા પાર્વતી પાસે પહોંચે છે.
બ્રહ્માજી: ‘દેવી, હું તમારા તપથી અતિ પ્રસન્ન છું, આવું કઠોર તપ તમારા સિવાય અન્ય કોઈ કરી શકે નહીં. તમે જે વરદાન માગશો એ વરદાન હું તમને આપીશ.’
માતા પાર્વતી: ‘વરદાનની આકાંક્ષાથી મેં તપ કર્યું નથી. વરદાન માગવાથી તપનું મહત્ત્વ ઘટી જાય છે’.
એકાએક માતા પાર્વતીની નજર સામે બેઠેલા ભૂખ્યા સિંહ પર પડી. માતા પાર્વતી સિંહની ઇચ્છાને પામી ગયાં હતાં.
આ પણ વાંચો: શિવ રહસ્ય : જનક આદરણીય હોય છે ને જનકને દંડ આપી શકાતો નથી
માતા પાર્વતી: ‘મને હવે જીવનો ખપ નથી, બિચારો સિંહ વર્ષોથી મને ટાંપીને ભૂખ્યો બેઠો છે, મારી રક્ષા કરી છે. માટે તેને વરદાન આપો.’
બ્રહ્માજીએ વિચાર કર્યા પછી વરદાન આપ્યું કે, ‘હે વનરાજ, તું ભગવાન શિવ અને માતા પાર્વતીનો અનન્ય ભક્ત થા. સંસારમાં કોઈ પ્રાણી તમારાથી બળવાન નહીં થાય.’
સિંહ માતા પાર્વતી અને ભગવાન શિવનો ભક્ત થયો. તેથી દેવી પાર્વતીને તો ખાઈ ન શકે! એટલે કૈલાસ તરફ આગળ વધ્યો.
બ્રહ્માજી: ‘દેવી પાર્વતી તમે જે બાબતે ક્રોધિત થઈ તપ કર્યું એ બાબતે તમારે અવશ્ય વરદાન માગવું જોઈએ.’
માતાને જ્ઞાત થતાં તેમણે કહ્યું: ‘મને એવું વરદાન આપો કે મારું શરીર સુવર્ણ જેવું થઈ જાય અને હું પરમ સુંદરી બનું, જેથી સ્વામી મને કાળી કહી ચીડવી ન શકે.’
બ્રહ્માજી: ‘તથાસ્તુ.’
તથાસ્તુ કહેતાં જ માતા પાર્વતી પરમ સુંદરી બની ગયાં. પ્રસન્ન માતા પાર્વતીને લઈ બ્રહ્માજી કૈલાસ પહોંચે છે.
માતા પાર્વતી સાથે બ્રહ્માજીને જોતાં ભગવાન શિવ પ્રસન્નતા અનુભવે છે અને શિવગણો માતા પાર્વતી અને બ્રહ્માજીનું સ્વાગત કરે છે.
(ક્રમશ:)