ઈશ્વર-અલ્લાહ તેરો નામ, સબકો સન્મતિ દે ભગવાન
આચમન -અનવર વલિયાણી
‘જે જ્ઞાન મનને ચોખ્ખું કરે છે એ જ જ્ઞાન છે, બાકી તો અજ્ઞાન છે.
- હૃદયની સચ્ચાઈથી આંસુ સારે એને જ ઈશ્ર્વર, અલ્લાહ, પ્રભુની પ્રાપ્તિ થાય છે, એવું દૃઢપણે માનનારા સંત રામકૃષ્ણ પરમહંસ દરેક ધર્મના લોકો માટે આદર્શરૂપ છે. ભારતના યશસ્વી સંત રામકૃષ્ણ પરમહંસનો જન્મ 1836માં બંગાળના હુબલી જિલ્લાના કામારપુકુર ગામમાં થયો હતો.
- સંત તોતાપુરી પાસે એમણે સંન્યાસની દીક્ષા લઈ વેદ-પુરાણોનો અભ્યાસ કર્યો હતો. સ્વામી વિવેકાનંદ તેમના પ્રિય શિષ્ય હતા.
- તેઓ પૂજારી હતા અને મહાકાળી માતાના ભક્ત હતા.
- પૂજારી રામકૃષ્ણને લોકો ઠાકુર કહીને પણ બોલાવતા.
- તેમનું બાળપણનું નામ ગદાધર હતું. સૌ તેમને ગદાઈ કહી બોલાવતા હતા.
- તેમના પિતાનું નામ ખુદીરામ તથા માતાનું નામ ચંદ્રામણિદેવી હતું.
- ગદાઈ પરિવારમાં સૌને શાસ્ત્ર, કર્મકાંડને જ્યોતિષનું જ્ઞાન હતું, પણ ગદાઈને આ શિક્ષણમાં રસ ન પડ્યો. તેમના ભાઈ રામકુમાર એમને કલકત્તા લઈ ગયા ત્યારે એમની વય 17 વર્ષની હતી.
રામકૃષ્ણ પરમહંસે નિશાળના ગણિતના બદલે પ્રકૃતિના પ્રેમાળ મનુષ્યોના સંગે આત્મપાન પ્રાપ્ત કર્યું. ગામના કુંભારો, શિલ્પીઓને ત્યાં જઈ એમનું કામ જોતા. એમાંથી જ તેમને કલાસર્જનની પ્રેરણા મળી. નૈસર્ગિક સૌંદર્ય જોઈને દિવ્ય અનુભૂતિ થતી. વેણુ વગાડતા શ્રીકૃષ્ણની ભૂમિકા હોય કે વ્યાકુળ રાધાની, કિશોર વયે તેઓ પૂરી તન્મયતાથી એ ભજવતા. તેઓ એક ધર્મ ને બીજા ધર્મ વચ્ચે ભેદ ન કરતા. તેમણે જગતના બધા ધર્મોની સાધના કરી હતી.પરમ પૂજ્ય રામકૃષ્ણ પરમહંસના જીવનકાળમાં કલકતાને પૂર્વ ભારતનું નવું શિક્ષણ મળવા લાગ્યું. તેમને મન જીવનનું સર્વોચ્ચ લક્ષ્ય ઈશ્ર્વર પ્રાપ્તિ હતું. તેઓ કહેતા કે, બધાં ધર્મના નામે લડે છે પણ વિચારતા નથી કે જે કૃષ્ણ કહેવાય છે એ જ શિવ છે. ઈશ્ર્વર ને અલ્લાહ પણ તેજ છે. એક રામના હજાર નામ. સરોવરના એક ઘાટ પર હિંદુ ઘડો ભરે, બીજા પર મુસ્લિમ મશક ભરે. એક જેને જળ કહે બીજો તેને પાની, ત્રીજા ઘાટ પર ક્રિશ્ર્ચિયન ‘વોટર’ કહે છે. કેટલા ઉચ્ચ આદર્શો.
આપ સ્વામી વિવેકાનંદના ગુરુ હતા. એક દિવસ નરેન્દ્રે (સ્વામી વિવેકાનંદ)એ તેમને પૂછયું- ‘આપે ઈશ્ર્વરને જોયા છે?’ ઠાકુરે તરત કહ્યું – ‘હા, તને જોઉં છું તેવી જ રીતે હું ઈશ્ર્વરને પણ જોઈ શકું છું. દોરામાં જો ગાંઠ પડી ગઈ હોય તો તે સોયનાં નાકામાં આવતો નથી અને તેનાથી સીવી શકાતું નથી. મનમાં પણ જો સંકીર્ણતાની ગાંઠી પડી જાય તો તે ઈશ્ર્વર સાથે જોડી શકાતું નથી અને જીવન લક્ષ્ય પણ મેળવી શકાતું
નથી.’
તેઓ નરેન્દ્રને કહેતાં – ‘ચુંબક અને પથ્થર પાણીમાં પડ્યાં રહે તો પણ તેનો લોખંડ પકડવાનો અને ઘસવાથી આગ ઉત્પન્ન થવાનો ગુણ નષ્ટ થતો નથી. વિષમ પરિસ્થિતિઓ છતાંય સજ્જન પોતાનો આદર્શવાદ છોડતો નથી. તેમ જ ઝેર સાપના પગમાં નહીં, મોંમાં હોય છે. વાહ! કેટલો સરસ બોધ.cસુજ્ઞ વાચક મિત્રો! સંત રામકૃષ્ણ પરમહંસનું પવિત્ર જીવન હિંદુ, મુસ્લિમ, ક્રિશ્ર્ચિયન સૌ સમુદાયો અને જગત આખા માટે આદર્શ દૃષ્ટાંત પૂરું પાડે છે. વર્તમાન સમયનો તકાજો બની રહે છે કે સંત રામકૃષ્ણ પરમહંસના પવિત્ર જીવનને પોતાની વાણી-વિચારોમાં અવિરત વહેતા રાખે. સમયનો આ તકાજો છે.
બોધ:-
ઈશ્ર્વર-અલ્લાહ તેરો નામ,
સબ કો સન્મતિ દે ભગવાન.