ધર્મતેજ

દરેક પ્રકારની સંભાવના માટે ઈશ્ર્વરે સ્વતંત્રતા આપી છે

મનન-ચિંતન -હેમંત વાળા

પ્રશ્ર્નો પુછાતા હોય છે. જો નજરઅંદર તરફ જ વાળવાની હોય તો ઈશ્ર્વરે ઇન્દ્રિયોને બાહ્યગામી કેમ બનાવી. જો મૃત્યુ આખરી સત્ય હોય તો તે સ્વીકારવા માનવીના મનમાં ડર કેમ રાખ્યો. જો અધર્મનું આચરણ સર્વથા અયોગ્ય હોય તો ઈશ્ર્વરે તે પ્રકારના આચરણની સંભાવના જ કેમ રાખી. સર્વ શક્તિમાન ઈશ્ર્વરના સામ્રાજ્યમાં રાવણ, કંસ તથા દુર્યોધન જેવી વ્યક્તિ આટલી સશક્ત કઈ રીતે થઈ. ઈશ્ર્વરે બધું જ પોતાના નિયંત્રણમાં રાખી માત્ર શુભ બાબતો જ સૃષ્ટિના અસ્તિત્વમાં આવી તેવી રચના કેમ ન કરી.

આ અને આવા પ્રશ્ર્નો વ્યાજબી છે. આવા પ્રશ્ર્નના જવાબ સ્વરૂપે જ “ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ નો સિદ્ધાંત સમજવો પડે. આપણે ઈશ્ર્વરના સંતાનો છીએ. સૃષ્ટિના વિશાળ પટ ઉપર ઈશ્ર્વરે પોતાના સંતાનોને રમતા મૂક્યાં છે. સમગ્ર સૃષ્ટિ આ સંતાનોનું કાર્યક્ષેત્ર છે. ઈશ્ર્વરે રોબોટિક મશીનનું સર્જન નથી કર્યું – તેમણે મુક્ત રીતે વિચરણ કરી શકે તેવાં સંતાનોનું સર્જન કર્યું છે.

જિંદગીના પ્રારંભિક તબક્કામાં મા-બાપ આપણને કેવી રીતે વર્તવું તેની સમજ આપે. જ્યાં સુધી આપણે ચાલતા શીખી ન જઈએ ત્યાં સુધી ટેકો આપે. જાતે સમજવાની ક્ષમતા ન કેળવાય ત્યાં સુધી મા-બાપ પોતાની સમજ બાળકની અંદર પ્રતિબિંબિત કરવાનો પ્રયત્ન કરે. બાળકની બુદ્ધિ ચોક્કસ સ્તરે ન પહોંચે ત્યાં સુધી મા-બાપ એને સંસ્કાર અને શિક્ષણ આપવાનો ધર્મ બજાવે. પછી બાળક સ્વતંત્ર છે.

મા-બાપ કાયમ પોતાના દ્વારા નિયંત્રિત થઈ શકે તેવા સંતાનની અપેક્ષા ન જ રાખે. મા-બાપ માટે બાળક એ ચાવી વાળું રમકડું નથી કે એક પ્રકારની ચાવીથી તે મંજીરા વગાડે અને બીજા પ્રકારની ચાવીથી ઢોલ વગાડવા બેસે. મા-બાપને આ પ્રકારનું સંતાન ક્યારેય માન્ય ન હોય. પોતાની ક્ષમતાના સીમાડા પાર કરીને બાળક ઉચ્ચ કક્ષા પ્રાપ્ત કરે તેવી હંમેશાં મા-બાપને અભિલાષા હોય. જો બાળક સંપૂર્ણપણે મા-બાપના નિયંત્રણમાં હોય તો બાળકનો અમુક કક્ષાનો વિકાસ ક્યારે સંભવી ન શકે. બાળક પોતાના કરતાં પણ ઉચ્ચ સ્થિતિ પ્રાપ્ત કરે તેવી પ્રત્યેક મા-બાપની ઝંખના હોય અને તે માટે બાળકને સંપૂર્ણ સ્વતંત્રતા આપવી જ રહે. આમાં કદાચ બાળક ખોટે રસ્તે પણ ચડી જાય. બાળક એ મુક્ત અસ્તિત્વ છે અને મા-બાપ એ નિમિત માત્ર છે.

ઈશ્ર્વરના સર્જન તરીકે મનુષ્ય પણ મુક્ત અસ્તિત્વ છે. ઈશ્ર્વરે બધી જ સંભાવના તેને આપી છે. તે પોતાની જાતને એટલો સક્ષમ બનાવી શકવા સમર્થ છે કે તે પોતે અન્ય સૃષ્ટિનું સર્જન પણ કરી શકે અને કોઈક સૃષ્ટિના પ્રલય માટેનું કારણ પણ બની શકે. તે ઈચ્છે તો શ્રીરામ પણ બની શકે અને જો તેની ઈચ્છાઓ વિપરીત હોય તો રાવણ બનવાની પણ તેની સંભાવના છે.

માનવી એ નિયંત્રિત અસ્તિત્વ નથી. માનવી એ ઈશ્ર્વર દ્વારા સર્જાયેલ મશીન નથી. માનવીની સાથે શરીર નામનું યંત્ર જોડાયેલું હોય છે પણ આ યંત્ર એ માનવીનું અસ્તિત્વ નથી. શરીર તો સાધન માત્ર છે, તેના પોતાના નિયમો છે. પણ આ નિયમોને પણ વિસ્તૃત કરી શકાય છે અથવા સંભાવના જાગે તો નિયમોની બહાર પણ નીકળી શકાય. આમ તો આ મશીન સ્વયં સંચાલિત છે તેમ કહેવાય પણ તેના પર માનવીના સૂક્ષ્મ અસ્તિત્વનો પ્રભાવ ચોક્કસ હોય છે. ભલે શરીર પોતાની જાતે પોતાનો ખોરાક ગોતે, પોતાની જાતે પોતાના ઘા રુઝાવી દે કે પોતે જ પોતાની માવજત કરી દે; પણ આ બધું ત્યારે જ શક્ય બને જ્યારે તેનું કારણ અને સૂક્ષ્મ અસ્તિત્વ સાથે મળીને શરીરને જીવંત રાખે.

માનવીની સાથે, આધુનિક ભાષામાં કહીએ તો, એક સોફ્ટવેર જોડાયેલું હોય છે. આ સોફ્ટવેર કેટલીક મર્યાદા ઊભી કરી શકે, પણ માનવીની ક્ષમતા એટલી હદે વિકસાવી શકાય કે કોઈક આ સોફ્ટવેરની પર પણ તે જઈ શકે. માનવી કોઈ રીતે પરતંત્ર નથી. તેના પર કોઈ બંધન નથી. ઈશ્ર્વરે અર્થાત્ તેના માતા-પિતાએ દરેક પ્રકારની સંભાવના સાથે તેનું સર્જન કર્યું છે. આ સંભાવનાઓને હકીકતમાં બદલવી પડે. તેમ ન થાય તો જીવન સૃષ્ટિના નિયમોથી બાધિત રહે.

જીવન ટકી રહે તે માટે ઈશ્ર્વરે શ્ર્વાસ લેવાની વ્યવસ્થા કરી આપી છે. આ શ્ર્વાસ અમુક સમયગાળા સુધી જીવન ટકાવી રાખે કુદરતના નિયમો પ્રમાણે અટકી જાય. સામાન્ય રીતે શરીરને ટકાવી રાખવા માટે મળેલ આ શ્ર્વાસનું નિયમન કરી, શરીરની અંદર પવનની ગતિ પણ નિયંત્રિત કરી ચોક્કસ પ્રકારની સ્થિતિ પ્રાપ્ત કરી શકાય, જ્યાં મૃત્યુ પણ એક વાર પૂછે. આ જ શ્ર્વાસ થકી પ્રાણની ગતિનું પણ નિયમન થઈ શકે અને પ્રાણની ગતિ વ્યક્તિના નિયંત્રણમાં આવી જતાં વ્યક્તિ ઈચ્છામૃત્યુને પણ પામે. શ્ર્વાસ એ ઈશ્ર્વર દ્વારા અર્થાત મા-બાપ દ્વારા અપાયેલી સંભાવના છે. મનુષ્ય તેનો પોતાની રુચિ અને ઇચ્છિત ગતિ પ્રમાણે ઉપયોગ કરી શકે. ઘણી સંભાવના છે. કર્મને કારણે જન્મ લીધા પછી કર્મના સિદ્ધાંતની ઉપરવટ પણ માનવી જઈ શકે. “ક્ષિપ્રમ્ભવતિ ધર્માત્માના ન્યાયે વ્યક્તિ એક જ ક્ષણની અંદર બધા જ કર્મ બંધનથી મુક્ત થઈ શકે. દરેક પ્રકારની સંભાવના માટે ઈશ્ર્વરે સ્વતંત્રતા આપી છે.

પ્રત્યેક સંભાવના અપાયેલી હોવાથી સિદ્ધિને પામી શકાય પણ આ સિદ્ધિનો ઉપયોગ કેવો કરવો તેની સ્વતંત્રતા પણ ઈશ્ર્વરે આપી છે – કારણ કે ઈશ્ર્વર આપણા માતા-પિતા સમાન છે. સંતાનને સદાય આધિન રાખવાનો પ્રયત્ન માતા-પિતા ન કરે. તેઓ ક્યારેય સંતાનની ઈચ્છા કે સંભાવનાને સંપૂર્ણ નિયંત્રણમાં રાખવાની ઈચ્છા નથી રાખતા. તેમના માતા-પિતાએ પણ એ જ કરેલું અને વ્યક્તિ પોતાના સંતાનો સાથે પણ એ જ કરશે. માતા-પિતા સમાન ઈશ્ર્વરે માનવીને સંપૂર્ણ સ્વતંત્રતા આપી છે – શ્રીરામ બનવા માટે પણ અને રાવણ બનવા માટે પણ. ઈશ્ર્વર માતા-પિતા સમાન છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button