ધર્મતેજ

જિંદગીનું ધ્યેય: પ્રત્યેક ધ્યેયથી મુક્તિ

ચિંતન -હેમુ ભીખુ

માનવીની એ પ્રકૃતિ છે કે એ ક્યારેય પણ હેતુ વિના કાર્ય નથી કરતો. તેના મનમાં કંઈક રમતું જ હોય જેને કારણે તે કાર્યરત થાય. આરામ કરવાની વૃત્તિ પણ એક રીતે કાર્ય છે, જેમાં કંઈ નથી કરવું તે વૃત્તિ પ્રબળ હોય. કાર્ય તો કાર્ય છે જ પણ કાર્યનો અભાવ પણ કાર્ય છે. કાર્ય પાછળનો હેતુ તો હેતુ છે પણ હેતુનો અભાવ પણ હેતુ છે. ધ્યેય નક્કી ન કરવું એ પણ ધ્યેય છે. પ્રશ્ન એ છે કે શું આ પ્રકારના હેતુ માટે, ધ્યેય માટે વ્યક્તિ સભાન હોય છે? અથવા વાસ્તવમાં જિંદગીનો હેતુ કયો, જિંદગીનું ધ્યેય શું.

જિંદગીમાં દરેક મિનિટ માટે એક ધ્યેય હોય છે. દરેક કલાક માટેનું પણ એક ધ્યેય નિર્ધારિત હોય છે. અત્યારે આ કામ પતાવી દેવું છે, આટલું તો થઈ જ જવું જોઈએ. આ થઈ જવું જોઈએ, આવી રીતે થઈ જવું જોઈએ, આ સમયગાળામાં થઈ જવું જોઈએ, આ સાધનો તથા ઉપકરણોના ઉપયોગથી જે તે નિર્ધારિત કાર્ય સિદ્ધ થવું જોઈએ, તે પૂર્ણ કરવા માટે આટલી સાધન સામગ્રી ખર્ચ થાય તે માન્ય રહેશે – આવી બાબતો દરેક કાલખંડ માટે પણ નક્કી થતી હોય છે. પ્રત્યેક દિવસ માટે એક ધ્યેય નક્કી કરાતું હોય છે, અથવા થઈ જતું હોય છે. પ્રત્યેક અઠવાડિયા માટે, પ્રત્યેક મહિના માટે પણ એક કાર્ય સૂચિ હોય છે અને તે કાર્ય સૂચિ તે સમયગાળા માટે નક્કી કરેલા ધ્યેય મુજબની હોય છે. દરેક જન્મદિવસે એક સંકલ્પ કરવામાં આવે છે જે તે વર્ષ માટેના ધ્યેય સમાન હોય છે.

આ પ્રકારની પ્રક્રિયામાં કાર્યસૂચિ મહત્વની હોય છે તેમ નથી, અકાર્યતા પણ મહત્ત્વની હોય છે. હમણાં આ નથી કરવું એ પણ એક પ્રકારનું ધ્યેય છે. આ કલાકે માત્ર આરામ કરવો છે, હમણાં નિષ્ક્રિય રહેવું છે, માત્ર બેસી રહેવું છે – આ પણ ધ્યેયનો જ પ્રકાર છે. ધ્યેય તો હોય જ, જીવનના પ્રત્યેક કાલ ખંડમાં. પ્રત્યેક કાલખંડના ઉપયોગ માટે એક ચોક્કસ પ્રકારનો ધ્યેય મનમાં સ્થાપિત હોય. પ્રત્યેક સમયનો ઉપયોગ કરવાની માનવીની તમન્ના હોય. તે કોઈક ભૌતિક સુખ-સંપત્તિ પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખે, અથવા માનસિક શાંતિ કે આનંદ માટે પ્રયત્ન કરે, અથવા વ્યક્તિગત સિદ્ધિ માટે કાર્યરત થાય, અથવા પોતાની જવાબદારી – પોતાનું ઉત્તરદાયિત્વ નિભાવવા પ્રયત્નશીલ બને, અથવા આસુરી શક્તિની અસર હેઠળ અનૈતિક કાર્યમાં જોતરાય – કે તેનાથી વિપરીત દૈવી શક્તિની અસર હેઠળ હકારાત્મક કાર્યમાં સમુહલગ્ન થાય. કારણ ગમે તે હોય, વ્યક્તિના મનમાં ધ્યેય નક્કી હોય છે અને તે અનુસાર તે જે તે કાર્યમાં સંલગ્ન થાય છે.

આ ધ્યેય સભાનતાપૂર્વકનું હોઈ શકે કે અજાણતામાં સ્થાપિત થયેલું, લાંબાગાળાનું હોઈ શકે કે ટૂંકાગાળાનું, સામાજિક હોઈ શકે કે વ્યક્તિગત, સર્જનાત્મક હોઈ શકે કે ખંડનાત્મક, વિવેક આધારિત હોઈ શકે કે સ્વાર્થ આધારિત – વિકલ્પો ઘણા છે અને દરેકના અમલીકરણ માટે જુદા પ્રકારની માનસિકતા, જુદા પ્રકારની તૈયારી, જુદા પ્રકારની કાર્યશૈલી તથા જુદા પ્રકારની ક્ષમતા જરૂરી બની રહે. ઉપભોક્તાવાદી સમાજમાં દરેક કાર્ય પાછળનો મુખ્ય હેતુ સુખ-સગવડતા તથા આનંદ પ્રાપ્ત કરવાનો હોય છે. ઇચ્છિત પામી જીવનને સ્વર્ગ જેવું બનાવી દેવાની કામના અહીં મુખ્ય જણાય છે. ક્યારેક વ્યક્તિ અપાર અપેક્ષા સાથે કાર્યરત થાય છે તો ક્યારેક કશું પણ કર્યા વગર નિષ્ક્રિય રહી ને આરામની અનુભૂતિ પામવા પ્રયત્ન કરે છે. તે ક્યારેક વર્તમાન માટે ઇચ્છિત – જરૂરી બાબતની પ્રાપ્તિ માટે પ્રયત્નશીલ રહે છે તો ક્યારેક ભવિષ્યના આયોજન માટે તે કાર્યશીલ રહે છે. એમ કહી શકાય કે કાર્ય પાછળ ક્યારેક ઇનામની આશા હોય તો ક્યારેક શિક્ષાથી બચવાનો પ્રયત્ન હોય, પણ ઉપભોક્તાવાદી ધ્યેય નક્કી હોય છે. સનાતની પરંપરાના અનુસંધાનમાં કહીએ તો પ્રત્યેક પુરુષાર્થ પાછળ ચાર કારણો હોય છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આ ચારમાંથી એક ધ્યેય માટે, આ ચારમાંથી એક હેતુને સિદ્ધ કરવા વ્યક્તિ કાર્યરત થાય.

કોઈપણ પ્રકારના ધ્યેય વગર માનવી એક ક્ષણ પણ પસાર ન કરી શકે. સમજવાની વાત એ છે કે જીવનનો પ્રત્યેક કાલખંડ ધ્યેય યુક્ત હોય. તો પ્રશ્ન એ થાય કે સમગ્ર જીવનનું ધ્યેય કયું. જવાબ બે શ્રેણીમાં આવે. જેની માટે જિંદગી મજા છે તે એક પ્રકારનો જવાબ આપે અને જેની માટે જિંદગી સજા છે તેનો જવાબ જુદો હોય. ઊંડાણપૂર્વક વિચારતાં જણાશે કે જિંદગી એટલે જ દુ:ખ અને બંધન. આ વાત યથાર્થ છે, સત્ય છે, વાસ્તવિક છે, અંતિમ છે.

બુદ્ધને જિંદગી કષ્ટદાયક જણાઈ હતી. કોઈ રોગી, વૃદ્ધ અને નનામી જોઈને તેને જિંદગીની તકલીફોની પ્રતીતિ થઈ હતી. બુદ્ધની શ્રેણીમાં આવનાર વ્યક્તિ ફરીથી જિંદગીની અપેક્ષા ન રાખે. તે જિંદગીથી મુક્તિ ઈચ્છે. મજાની વાત એ છે કે કોઈપણ પ્રકારની ઈચ્છા એ બંધનનું કારણ છે. અર્થાત્ ભલે તે મુક્તિ માટેની હોય, પણ ઈચ્છા તો તે પણ ન હોવી જોઈએ. શાસ્ત્રોમાં અને ખાસ કરીને અષ્ટાવક્ર ગીતામાં જણાવવામાં આવ્યું છે કે તું મુક્ત જ છે, તને બંધન છે એ માન્યતા જ તારું બંધન છે. આ એક મોટી ઘોષણા છે, એક વિશાળ સત્ય છે, એક અકલ્પનીય વાસ્તવિકતા છે, આ મુક્તિની પ્રતીતિ માટેનું પહેલું તેમજ અંતિમ ચરણ છે.

આ એ સ્થિતિ છે કે જેમાં નથી પ્રવૃત્તિની કે નથી નિવૃત્તિ ઈચ્છા. અહીં સુખ અને દુ:ખ, મુક્તિ અને બંધન, કર્મ અને અકર્મ, ધ્યેય-યુક્તતા અને ધ્યેય-મુક્તતા, શૂન્ય અને અનંત, સીમિત અને પૂર્ણ, અખંડ અને ખંડિત, વિશ્વ અને અણુ – બધું જ એક સમાન બની રહે છે. અહીં કોઈપણ ભેદ નથી, કોઈપણ પ્રકારનું વર્ગીકરણ નથી, કોઈપણ સ્વરૂપે વિભાજન નથી, કોઈપણ પ્રકારનો દ્વંદ્વ અસ્તિત્વમાં નથી. અહીં માત્ર એક છે, એકમાત્ર સર્વત્ર છે, તે એકમાત્ર શાશ્વત છે. અહીં ક્યાંક સત્ય અને અસત્ય, ધર્મ અને અધર્મ, પુણ્ય અને પાપ, નૈતિકતા અને અનૈતિકતા, નિરાકાર અને સાકાર પણ એકાકાર થઈ જાય છે. આ તટસ્થ, સાક્ષી ભાવ યુક્ત સ્થિતિ એટલે જીવનનું અંતિમ ધ્યેય. જિંદગીનું અંતિમ ધ્યેય એટલે પ્રત્યેક ધ્યેયથી મુક્તતા. પ્રત્યેક ધ્યેયથી મુક્તતા મળે તે પ્રમાણેનું ધ્યેય પણ અહીં અસ્વીકૃત છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button