ધર્મતેજ

અમને એવી શક્તિ આપો કે દેવ, દાનવ, માનવ, પશુ કે પક્ષી કોઈનામાં એવી અપાર શક્તિ ન હોય

શિવ રહસ્ય -ભરત પટેલ

(ગતાંકથી ચાલુ)
ભગવાન શિવના ઉદરમાં શુક્રાચાર્ય અષ્ટમૂર્ત્યષ્ટક સ્તોત્રનું સ્તવન કરે છે. અષ્ટમૂર્ત્યષ્ટક સ્તોત્રના સ્તવનથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને અસુરગુરુ શુક્રાચાર્યને પોતાના ઉદર (પેટ)માંથી બહાર કાઢી મુક્ત કરે છે. અસુરગુરુ શુક્રાચાર્ય અસુરોના ઉત્થાન માટે મંદરાચલની ટોચ પર જઈ આરાધના કરવા બેસે છે, પણ તેઓ આરાધના કરી શકતાં નથી, ત્યાં તેમને કોઈકના કણસવાનો અવાજ સંભળાય છે. તેઓ ધ્યાનથી જુએ તો તેમને દેખાય છે કે મંદરાચલ પર્વત જ કણસી રહ્યો છે. અસુરગુરુ શુક્રાચાર્યના પૂછવા પર મંદરાચલ જણાવે છે કે દેવતાઓ અને અસુરોએ મળીને સાગરમંથન કર્યું ત્યારે વાસુકીનાગને રજજુ (દોરડું) અને મને મેરૂદંડ બનાવવામાં આવ્યો હતો. સાગરમંથનથી મારા શરીરની ચામડીઓ છોલાઈ ગઈ હતી અને નીકળેલું વિષ મારા શરીરમાં ફેલાઈ ગયું છે. હવે મારાથી આ પીડા સહન નથી થઈ રહી કોઈ ઉપાય બતાવો. અસુરગુરુ શુક્રાચાર્ય જણાવે છે કે, ‘દુનિયાની ભયંકરમાં ભયંકર પીડા ભગવાન શિવની આરાધનાથી દૂર થઈ જાય છે, તમે શિવઆરાધના તુરંત શરૂ કરો, મને વિશ્ર્વાસ છે કે શિવઆરાધનાથી તમારા કષ્ટો અવશ્ય દૂર થઈ જશે.’ મંદરાચલની આરાધના દિવસે ને દિવસે ઉગ્ર થતી જાય છે. મંદરાચલના તપનો ધ્વનિ કૈલાસ સુધી પહોંચવા માંડે છે. મંદરાચલના તપથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને કહે છે, ‘મંદરાચલ હું પ્રસન્ન છું તમે ઇચ્છિત વરદાન માગો.’ મંદરાચલ કહે છે, ‘ભગવંત મેં કોઈ વરદાન માગવા તમારી ભક્તિ નથી કરી, પણ વર્ષો વીતી ગયા પણ સાગરમંથનમાં મારા શરીરમાં પ્રવેશેલું વિષ મને બહુ કષ્ટ આપે છે, મારું કષ્ટ દૂર કરો.’ ભગવાન શિવ તથાસ્તુ બોલતાં જ મંદરાચલના શરીરનું વિષ બહાર નીકળી જાય છે અને મંદરાચલ નિરોગી થઈ જાય છે.’ પ્રસન્ન ભગવાન શિવ કહે છે , ‘મંદરાચલ હું પ્રસન્ન છું તમને જોઈતું વરદાન માગી લો.’ તો મંદરાચલ કહે છે, ‘ભગવંત મેં કોઈ વરદાન માંગવા તમારી ભક્તિ નથી કરી, મારા કષ્ટો દૂર કરવા જ આરાધના કરી હતી, તમારે વરદાન જ આપવું જ હોય તો એવું વરદાન આપો કે મારા પર્વતની શિલામાંથી કોઈ મૂર્તિ બનાવવામાં આવે તો તે ક્યારેય ખંડિત નહીં થાય.’
ભગવાન શિવ: ‘તથાસ્તુ.’


કૈલાસ ખાતે પરત આવેલા ભગવાન શિવને જોઈ માતા પાર્વતી અને શિવગણ પ્રસન્નતા અનુભવે છે અને ભગવાન શિવનો જયજયકાર કરે છે, પણ ભગવાન શિવ એ બધાને અવગણીને તપસ્યામાં લીન થઈ જાય છે.


હિમાલયની હારમાળામાં બે અસુર પુત્રો તપસ્યામાં લીન હોય છે, તેમને જોઈ દેવરાજ ઇન્દ્ર સહિત દેવગણો ચિંતિત થાય છે. એ સમયે ત્યાં દેવર્ષિ નારદ પધારે છે.

દેવર્ષિ નારદ: ‘દેવરાજ ઇન્દ્ર તમે દેવગણો આટલા ચિંતિત કેમ છો?’

દેવરાજ ઇન્દ્ર: ‘દેવર્ષિ તમને બધું જ જ્ઞાત હોવા છતાં પણ તમે અમને પ્રતાડીત કરી રહ્યા છો.’

દેવર્ષિ નારદ: ‘દેવરાજ ઇન્દ્ર તમે આટલા ભયભીત કેમ છો?’

દેવરાજ ઇન્દ્ર: ‘દેવર્ષિ જુઓ આ બંને અસુરો શુંભ-નિશુંભ છે, તેઓ બ્રહ્માજીની તપસ્યા કરી રહ્યા છે અને વરદાન મેળવતા જ ત્રણે લોક પર રાજ કરવા ઉત્સુક થશે.

દેવર્ષિ નારદ: ‘એટલે તમને ભય છે કે વરદાન મેળવતાં જ શુંભ-નિશુંભ સ્વર્ગ પર આક્રમણ કરશે.’

દેવરાજ ઇન્દ્ર: ‘હાં, દેવર્ષિ, વરદાન મળતાં જ દરેક અસુર એ કાર્ય કરે છે, હવે અમારે શું કરવું એનું માર્ગદર્શન આપો.’

દેવર્ષિ નારદ: ‘દેવગણો તમે ગમે એટલી કોશિશ કરશો તો યે જે થશે એ ત્રિદેવોની ઇચ્છા મુજબ જ થશે.’

વરુણદેવ: ‘દેવર્ષિ તમે અમારી સાથે ચાલો આપણે બ્રહ્માજીને વરદાન ન આપવાની વિનંતી કરીશું.’

દેવર્ષિ નારદ: ‘દેવગણો તમારી સાથે રહેવામાં મને ઘણીવાર ત્રિદેવોનો ગુસ્સો સહન કરવો પડયો છે, મને માફ કરો હું તો ચાલ્યો સમાજઉત્કર્ષના કામ માટે.’

આટલું કહી દેવર્ષિ નારદ ત્યાંથી વિદાય લે છે.

વરુણદેવ: ‘દેવર્ષિ તો ચાલ્યા ગયાં, હવે આપણે જ બ્રહ્મલોક જઈએ.’

દેવરાજ ઇન્દ્ર: ‘નહીં દેવગણ, હવે બ્રહ્મલોક જવાથી કોઈ ફાયદો નહીં થાય, બ્રહ્મદેવ આપણને કહેશે કે ધીરજ રાખો, યોગ્ય સમયે બધું બરાબર થશે. આપણે વૈકુંઠલોક જવું જોઈએ, ભગવાન શ્રીહરિ વિષ્ણુ આપણા હિતચિંતક છે અને યોગ્ય સમયે આપણને મદદ પણ કરી છે.’

દેવગણો વૈકુંઠલોક પહોંચે છે.

દેવગણ: ‘ભગવાન શ્રીહરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીજીનો જય હો.’

ભગવાન શ્રીહરિ વિષ્ણુ: ‘દેવરાજ, તમારું વૈકુંઠલોક આવવાનું પ્રયોજન મને ખબર છે. જે લોકો પોતાને મદદ કરવા તત્પર હોય છે તેને હું હંમેશાં મદદ કરું છું, નિશ્ર્ચિંત રહો પ્રકૃતિની ઇચ્છાએ હંમેશા તમારી પડખે જ રહીશ.’


શુંભ-નિશુંભની તપસ્યાનો ધ્વનિ બ્રહ્મલોક સુધી પહોંચવા માંડતા બ્રહ્મદેવ ઉપસ્થિત થાય છે.

બ્રહ્માજી: ‘શુંભ-નિશુંભ, આંખ ખોલો, બોલો શું વરદાન જોઈએ છે.’

શુંભ: ‘અમને એવી શક્તિ આપો કે, દેવ – દાનવ – માનવ – પશુ – પક્ષી કોઈનામાં એવી અપાર શક્તિ ન હોય.’

નિશુંભ: ‘અમને અમરતાનું વરદાન આપો, અમને એવો અધિકાર જોઈએ છે કે ત્રણે લોકમાં કોઈની પાસે ન હોય.’

બ્રહ્માજી: ‘શુંભ-નિશુંભ તમે તો અસંખ્ય વરદાન માગી લીધા, હું તમને એક જ વરદાન આપી શકું છું, તમે બંને એકસાથે વિચાર કરી એક વરદાન માગો, એટલું અવશ્ય ધ્યાન રાખો કે જેણે જન્મ લીધો છે તેનું મૃત્યુ નિશ્ર્ચિત છે, તમે એવું વરદાન માંગો કે જેથી તમારું મૃત્યુ લંબાય.’

શુંભ: ‘તમે જ અમને જણાવો કે કંઈ રીતે અમારું મૃત્યુ લંબાય શકે.’

બ્રહ્માજી: ‘તમે એવું વરદાન લઈ શકો કે કોઈ પુરુષ ન મારી શકે.’

નિશુંભ: ‘હા પરમપિતા મને એવું વરદાન આપો કે કોઈ પુરુષ ન મારી શકે અને કોઈ સ્ત્રી તો મારી શકવાની નથી, અમે અમર થઈ જશું.’

બ્રહ્માજી: ‘તથાસ્તુ.’
(ક્રમશ:)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button