ધર્મતેજસ્પેશિયલ ફિચર્સ

ગીતા મહિમા : શરણાગતિ ને પતિવ્રતાની ભક્તિ

-સારંગપ્રીત

ગત અંકમાં શરણાગતિની વાત સમજ્યા હવે એ જ વિચારનું આગળ વિશ્ર્લેષણ કરીએ.

અધ્યાત્મની આગવી અસ્મિતાથી ભારત એક અદ્વિતીય ઓળખ ધરાવે છે. ગીતામાં આ અધ્યાત્મ જ્ઞાન ખૂબ જ ઊંડાણથી મુકાયું છે. તેમાં ભગવાન અધ્યાત્મના કેન્દ્રબિંદુ છે. ભગવાનની ‘શરણાગતિ’થી ભક્ત પણ એ જ્ઞાન આત્મસાત્ કરી શકે છે. હા, ભક્તના જીવનમાં સૌથી મહત્ત્વની બાબત શરણાગતિ છે.

જો કે શરણાગતિ એક જ ઇષ્ટદેવની હોય. તેને શાસ્ત્રોમાં એક નિષ્ઠા અને પતિવ્રતાની ભક્તિ કહી છે. પરંતુ બીજા દેવી દેવતાઓનો આદર તો હોય જ. પ્રમુખસ્વામી મહારાજ કહેતા કે નિષ્ઠા એક હોય, ઉપાસના એકની હોય પરંતુ કોઈનોય તિરસ્કાર ક્યારેય ન કરાય. નમસ્કાર અને આદર દરેક દેવોને કરાય તેમાં શરણાગતિ કે નિષ્ઠામાં ખામી આવતી નથી. ઘણીવાર પોતાને ‘તત્ત્વજ્ઞાની’ સમજનારા કેટલાક ‘શાસ્ત્રવિદ્’ જ્ઞાનની ગહનતા પ્રદર્શિત કરતાં બીજા દેવોનો અનાદર કરે છે. તો વળી ઘણા ‘બુદ્ધિજીવી’ એવા ‘પ્રજ્ઞાવાદી શબ્દ’ પ્રયોજે છે કે જેમાં એક નિષ્ઠા જેવું કશું જ ન દેખાય. પણ જર્જરિત દીવાલ પરનાં ડેકોરેટેડ લપેડા કે સડેલા લાકડા પર જડેલ સનમાઈકા ઉપર ઉપરથી ભલે એની શોભા વધારે ક્ધિતુ અંતે એનું કમજોર ભીતરપણું તૂટશે તે નિશ્ર્ચિત જ છે. તેથી આવા ‘પ્રજ્ઞાવાદ’ કરનારે એકવાર અવશ્ય ઊંડાણપૂર્વક વિચાર કરવો રહ્યો.

સૌ ભારતીયોને તથા વિદેશીઓને પણ આજે ‘ભગવાન રામ’ વિષે અનન્ય પ્રેમ છે, જે અયોધ્યા મંદિર પુન: નિર્માણ વખતે અનુભવાયો હતો. એ ભગવાન રામ જેટલો જ આદર તેઓના ભક્તો ‘રામચરિતમાનસ’ ને આપે છે, જેના કર્તા છે ‘ભક્તરાજ તુલસીદાસ.’

એકવાર તેઓ યાત્રા કરતાં કરતાં ‘વૃંદાવન’ આવ્યા ત્યારે ત્યાં કૃષ્ણભગવાનના પૂજારીએ તેઓને દર્શન માટે વાત કરી ત્યારે તેઓ કહે,
‘મુરલી મુકુટ પહનકર, ભલે બિરાજો નાથ.

તુલસી મસ્તક તબ નમે, જબ ધનુષબાણ લો હાથ’
આજે એ સ્થળ વૃંદાવનમાં ‘ગોસ્વામી તુલસીદાસની ભજનકુટિર’ નામે હયાત છે જે ભગવાન પ્રત્યેની અનન્ય શરણાગતિ સૂચવે છે. હા, તેઓએ ભગવાન કૃષ્ણનો અનાદર નહોતો કર્યો. એવું પણ ન કહી શકાય કે ‘તેઓને શ્રી કૃષ્ણ માટે પ્રેમ નથી કે કૃષ્ણને નમસ્કાર કે પ્રણામ નથી કર્યા.’ પરંતુ ભક્તોને શરણાગતિ એટલે પતિવ્રતાની ભક્તિ શીખવવા માટે તેઓએ આ ચરિત્ર કર્યું.

તો આ બાજુ મીરાબાઈ સદા કહેતા – “મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ. તેમણે આજીવન કૃષ્ણ ભગવાનની પતિવ્રતાના ભાવથી ભક્તિ કરી હતી.

પાર્વતીજીએ શંકર ભગવાનને પામવા અનેક વર્ષ તપ કર્યું. તેઓ સદા કાળ એક જ વાત કહેતા – “વરઉ શમ્ભુ કે રહું કુંવારી.

આ જ વાતને ભગવાન સ્વામિનારાયણે ખૂબ જ તાર્કિકતાથી ઉદ્બોધી છે જે પ્રમાણભૂત વચનામૃત ગ્રંથમાં સુગ્રથિત છે. તેમને લખ્યું કે “જેમ પતિવ્રતા સ્ત્રી હોય તેને પોતાનો પતિ કંગાલ હોય, ને કુરૂપ હોય, અથવા રોગી કે વૃદ્ધ હોય, તો પણ બીજા જે તાલેવર ને રૂપવાન ને યૌવનવાન પુરુષ તેને જોઈને લેશમાત્ર મનમાં ગુણ આવે નહીં. અને જે પતિવ્રતા હોય તે તો બીજા પુરુષ સામું ભાવે કરીને જુએ અથવા હસીને બોલે ત્યારે એનું પતિવ્રતાપણું નાશ પામે. અને તે પતિવ્રતાને ઘેર કોઈક પરુણા આવ્યા હોય તો તેને અન્નજળ આપે તથા પોતાના પતિના જે સંબંધી પુરુષ તેને પણ અન્નજળ આપે, તે તો પતિના સંબંધી જાણીને આપે, પણ પોતાના પતિના જેવી બીજા પુરુષમાત્ર સંગાથે લેશમાત્ર પ્રીતિ ન હોય. અને પોતાના પતિના જેવો બીજા પુરુષનો ગુણ પણ ન આવે, ને પોતાના પતિની મરજી પ્રમાણે જ વર્તે. એવી રીતે પતિવ્રતા સ્ત્રીને પોતાના પતિ સંગાથે દૃઢ ટેક છે. તેમ જ ભગવાનના ભક્તને પણ ભગવાન સંગાથે દૃઢ ટેક જોઈએ.

આવી રીતે શરણાગતિ જયારે પતિવ્રતાની ભક્તિ બની જાય ત્યારે તે અનન્ય કહેવાય. તેને એક નિષ્ઠા કહેવાય. પૂર્વેના ભક્તોએ આ ભક્તિને જ પ્રાધાન્ય આપ્યું છે.

આજે ભારતીય સંસ્કૃતિનો પરિચય આપતું ‘બી.એ.પી.એસ. અબુધાબી મંદિર’ મહંતસ્વામી મહારાજની ભગવાનમાં અનન્ય નિષ્ઠામાંથી બન્યું છે. પરંતુ વિશ્ર્વના માંધાતાઓ મંદિરની મુલાકાતે આવે ત્યારે અવશ્ય આ વાતથી પ્રભાવિત થાય છે કે અહીં અનન્ય શરણાગતિ હોવા છતાં સર્વદેવોનો આદર દેખાય છે. એટલું જ નહીં, અન્ય દેવતાઓની રમણીય મૂર્તિઓ પધરાવી છે. બધી મૂર્તિઓને સમાનપણે હાર, આભૂષણ અને વાઘાં ધરાવવામાં આવે છે. ખરેખર, જો સાચી નિષ્ઠા હોય તો સર્વ પ્રત્યે આદર અને નમ્રતા જન્મે જ. અબુધાબી મંદિર આપણને સાચી શરણાગતિના પાઠો શિખવે છે.

Also Read –

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button