ધર્મતેજ

ગીતા મહિમા : પરભાવના શબ્દોમાં વિશ્વાસ

સારંગપ્રીત

ગત અંકમાં ભગવાન શ્રીકૃષ્ણે સ્પષ્ટ કર્યું કે ભગવાનનું પરમધામ સૂર્ય અને ચંદ્રથી પણ અધિક પ્રકાશમાન છે, પરંતુ આવા પરભાવના શબ્દો આજના આપણા આધુનિક મગજમાં બેસતા નથી. જોકે આધ્યાત્મિકતાની શરૂઆત જ વિશ્ર્વાસથી થાય છે. હા, ભગવાન અને શાસ્ત્રના શબ્દોમાં વિશ્ર્વાસ જો આપણા જીવનનો શ્ર્વાસ બને તો આ લોક અને પરલોક, બંનેની સિદ્ધિ સહજ બને છે.

સામાન્ય રીતે માણસ અનુભવોમાંથી શીખતો હોય છે. પણ જીવન ટૂંકું છે. આપણી પાસે એટલો સમય નથી કે આપણે બધા અનુભવો કરી શકીએ. એટલે જ શાણા માણસો જીવનના ડગલાં એ રાહ પર માંડે છે જે રાહ પર મહાન વ્યક્તિઓ ચાલ્યા છે. મહાપુરુષોના અનુભવ ઉજાસથી પોતાના જીવન પંથને અજવાળે છે.

કળિકાળમાં અલ્પ આયુષ્ય ધરાવતા માનવ માટે ગુણવત્તાસભર, સફળ અને સાર્થક જીવન જીવવાનો આ શ્રેષ્ઠ ઉપાય છે.
આજે વિશ્વ માહિતીથી ઊભરાઇ રહ્યું છે. જ્ઞાનનાં આ અનંત ખજાનામાં આપણા માટે શું ઉપયોગી છે તે શોધવું ઘાંસની ગંજીમાં સોય શોધવા જેવું દુષ્કર બની રહે છે. પણ તે સમયે તે ક્ષેત્રના કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન આપણા સમય, શક્તિ અને સંસાધનોની બચત કરે છે. આપણે લીધેલા નિર્ણયો વધુ નક્કર અને સાચી દિશામાં પડે છે.

આર્કિટેક્ચરની દુનિયાની એક નામાંકિત શૈક્ષણિક સંસ્થા નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ ડિઝાઈન (NID)ના પ્રોફેસર દશરથ પટેલ પોતાની કારકિર્દીના વીસમા વર્ષે નવા વિદ્યાર્થીઓને વાત કરતાં કહેતા: ‘આ ક્ષેત્રમાં આ મારું ૨૦મું વર્ષ છે. હું જે કહું એ કરવાનું તમે પસંદ કરશો તો આ ક્ષેત્રમાં આ તમારું ૨૧મું વર્ષ બની રહેશે, અને જો તમે તમારી ઈચ્છા મુજબ કામ કરવાનું પસંદ કરશો તો આ તમારો પ્રથમ દિવસ છે.’

અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન કેટલો મોટો તફાવત ઊભો કરી શકે તે સમજાવવા માટે આ એક વાક્ય પૂરતું છે. મહાન વૈજ્ઞાનિક આઈઝેક ન્યુટને રોબર્ટ હૂકને એક પત્રમાં લખ્યું હતું, ‘હું વધુ દૂર સુધી જોઈ શક્યો છું, કારણ કે હું વિરાટ પ્રતિભાઓના ખભા પર ઊભો છું.’

આમ ક્ષેત્ર કોઈ પણ હોય, વિજ્ઞાનનું કે આર્કિટેક્ચરનું, પણ જો ઝડપ પકડવી હોય અને દૂર સુધી જવું હોય તો રસ્તો આ જ છે કે મહાનપુરુષોના અનુભવ અમૃતમાંથી પ્રેરણા મેળવી આગળ વધતાં રહીએ. જેમની પાસે અનુભવ છે, શુદ્ધ આચરણ છે અને જેઓના આશય પરિશુદ્ધ છે તેવા મહાનુભાવોએ આપેલો સંદેશ સમગ્ર જીવતરને સાર્થક બનાવે છે.

ભગવાન, સંત અને શાસ્ત્રોનાં વચનો નિર્દોષ હોય છે. તેમાં સ્વાર્થની ગંધ નથી હોતી. તે વચનો પરના હિતમાં હોય છે. તેથી તેમાં વિશ્ર્વાસ લાવે તે ભક્તનું લક્ષણ છે. અમદાવાદમાં ‘પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ’માં ૮૦,૦૦૦ સ્વયંસેવકો સેવામાં ખડે પગે હતા. તેમાંથી કેટલાં તો ઘણા મહિનાઓથી સેવા કરી રહ્યા હતા.

આ સ્વાર્થના સમયમાં આટલા બધા લોકો નિ:સ્વાર્થભાવે જનકલ્યાણના કાર્યમાં જોડાયા તેનું કારણ તેમનો મહંતસ્વામી મહારાજના શબ્દોમાં વિશ્ર્વાસ! હા, મહંતસ્વામી મહારાજે ફક્ત એક જ આહ્વાન કર્યું અને બાઈઓ અને ભાઈઓ સેવામાં જોડાઈ ગયા. શિષ્યોને તેમના ગુરુના જીવન ઉપર કેટલો વિશ્ર્વાસ !

અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ બિલ ક્લીન્ટને કહ્યું હતું, ‘હું જ્યારે પ્રમુખસ્વામીની આંખોમાં જોવું છું ત્યારે મને તે શુદ્ધ ભાવનાથી છલકાતી દેખાય છે. તેઓ બીજાને આગળ કરીને આગળ આવ્યા છે, બીજાને ઝાંખા પાડીને નહીં.’

Also Read – આચમન: આદમી ઔર ઈન્સાન વચ્ચેની ભેદરેખાને સમજવાનો સમય

એક વખત પ્રમુખસ્વામી મહારાજે સહજતાથી કહ્યું હતું, કોઈનું અહિત થાય તેવો વિચાર મને ક્યારેય આવ્યો નથી. જ્યાં આશયોમાં શુદ્ધિ છે ત્યાં વિચારોમાં મલિનતા પ્રવેશી શકતી નથી અને જ્યાં વિચારો પવિત્ર છે ત્યાં આચરણ નિષ્કલંક હોય છે. આવા અનુભવી, સદાચારથી સંપન્ન અને વિશુદ્ધ આશય ધરાવતા પ્રમુખસ્વામી મહારાજની પ્રેમ સરવાણીથી અનેકના જીવન ઉન્નત થયા છે.

કોઈ વ્યસનોની ચુંગાલમાંથી છૂટ્યું છે, તો કોઈ સ્વભાવોની જેલમાંથી મુક્ત થયું છે, કેટલાંય ભાંગેલ હૈયામાં નવું જોમ ભરાયું છે, તો કેટલાયે તૂટેલા પરિવારોની તિરાડો સંધાઈ છે. વ્યક્તિગત, પારિવારિક, સામાજિક અને આધ્યાત્મિક ઉન્નતિ માટે તેઓના સંદેશ સંજીવની સમાન પુરવાર થયા છે.

અંતમાં અમેરિકન કવિ અને કેળવણીકાર હેન્રિ લોંગફેલોનું એક વાક્ય યાદ રહે, A single conversation across the tablewith a wise man is better than ten years mere study of books.-સમજદાર માણસ સાથેનો એક વાર્તાલાપ દશ વર્ષ સુધી કરેલા પુસ્તકોના અભ્યાસ કરતા ચડિયાતો સાબિત થાય છે. હા, આ સત્પુરુષ અને શાસ્ત્રમાં વિશ્ર્વાસ આપણા જીવનને વેગપૂર્વક સફળતા અને સાર્થકતા ભણી દોરી જશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button