ધર્મતેજસ્પેશિયલ ફિચર્સ

ગીતા મહિમા : આસ્તિકતાનું ઊંડાણ

-સારંગપ્રીત

ગત અંકમાં યોગીની વિશિષ્ટ લાક્ષણિકતા જણાવીને હવે ભગવાન કૃષ્ણ ભગવાનનો અપરંપાર મહિમા વર્ણવે છે.
જે પુરુષોત્તમ પરબ્રહ્મ આત્મામાં રહ્યા છે તે જ પાર્થને પ્રત્યક્ષ મળ્યા છે. અને તે જ સર્વે વસ્તુ, વિભૂતિ કે વિશ્ર્વમાં વ્યાપીને તે સર્વેના કારણ-આધાર બનીને રહ્યા છે.

તે ભગવાનના મહિમાની વાત કરતાં કૃષ્ણ ભગવાન કહે છે- હે અર્જુન! સૂર્યમાં રહેલું જે તેજ સંપૂર્ણ વિશ્ર્વને પ્રકાશે છે, જે તેજ ચંદ્ર કે અગ્નિમાં રહ્યું છે, તે બધું જ તેજ મારું આપેલું છે એમ તું જાણ.(૧૫/૧૨)
હા, આપણી સામે જે કંઈ તેજ, પ્રકાશ, ઐશ્વર્ય, ચમત્કાર દેખાય છે, તે બધું ભગવાનનું જ છે.
આ મર્મની વાત જે સમજે તેની ભગવાન પ્રત્યેની દૃષ્ટિ અચૂક બદલાય છે. અભક્ત આસ્તિકતા તરફ વળે અને ભક્ત નિષ્ઠા તરફ આગળ વધે તે માટે ભગવાનના મહિમાને સમજવો અનિવાર્ય છે.
આસ્તિકતા-નાસ્તિકતાની ચર્ચા પ્રાચીનકાળથી ચાલી રહી છે. શાસ્ત્રીય ચર્ચામાં આના માપદંડો પણ જુદા જુદા સ્વીકારાયા છે, પરંતુ લોકમાં ભગવાનને સર્વોપરી શક્તિ માનવાનો નિષેધ કરવો અને પરમાત્માના અસ્તિત્વનો અસ્વીકાર કરવો એવી માન્યતા એટલે નાસ્તિકતા, અને એથી વિપરીત હોય તો આસ્તિકતા કહેવાય. પરમાત્મા બુદ્ધિનો નહીં પણ શ્રદ્ધાનો વિષય છે.
પરમાત્માને હથેળીમાં રાખી બતાવી શકાય નહીં. કેટલાક માણસો નજરે ના જોયેલી ચીજ કે તત્ત્વને સ્વીકારવા તૈયાર નથી, પોતે બૌદ્ધિક છે તેથી અથવા પોતાને બૌદ્ધિક બતાવવા માટે પરમાત્માના અસ્તિત્વનો ઇનકાર કરવાનું કેટલાકને ગમે છે.
આવા માણસો અજ્ઞાની છે, બુદ્ધિશાળી નથી. આમ પણ અજ્ઞાન વાચાળ હોય છે. જ્ઞાન સ્વભાવે મૌની છે. જેઓ સ્વયંની મર્યાદા જાણે છે તેઓ પરમાત્માના અસ્તિત્વનો ઇનકાર નહીં કરે, તેઓ મૌન રહેશે. જેઓ સ્વની મર્યાદા જાણે છે તેને સર્વની વિશાળતાની ઝાંખી થાય છે. બુંદ પોતાને જાણ્યા વગર સાગરને જાણવા જાય છે અને જ્યારે ન જાણી શકે ત્યારે કહે છે કે સાગર નથી, પરમાત્મા નથી કહેનારો વર્ગ આ પ્રકારનો છે.
પોતાની-સ્વની મર્યાદા જેમ-જેમ સમજાવા માંડશે તેમ-તેમ પરમાત્માની વિશાળતાની પ્રતીતિ થવા માંડશે. શું ખરેખર આપણે આપણી જાતને ઓળખીએ છીએ ? આપણને આપણા વિશેની જાણકારી કેટલી અલપઝલપ છે! પોતાને જાણ્યા વિના જીવનની કોઈ સાર્થકતા નથી.
ખરે જ સ્વયંને જાણવું સૌથી કઠણ છે. કારણ કે તેને જાણવા બીજું બધું જાણવાનું છોડવું પડે છે. પરમાત્માના સાક્ષાત્કાર માટે આ જ પ્રથમ શરત છે કે દાસભાવ ધારણ કરીને પરમાત્માના જ્ઞાનપ્રાપ્તિની અભિલાષા રાખવી. વળી ભગવાનમાં આસ્કિતા દૃઢ થાય તેનો બીજો ઉપાય વચનામૃત સમજાવે છે કે જેને શાસ્ત્રનાં વચનમાં વિશ્ર્વાસ હોય તેને ભગવાનના સ્વરૂપનો નિશ્ર્ચય અડગ થાય છે.’
પાર્થને પ્રત્યક્ષ મળેલા પરબ્રહ્મ પોતે જ પોતાનું સર્વાધારપણું કે સર્વકારણપણાનો પરિચય આપે છે. અને તેને શ્રદ્ધા અને વિશ્ર્વાસ દૃઢ કરાવે છે.
આવી રીતે, સૂર્યાદિકનું તેજ, પૃથ્વીનું ધારણસામર્થ્ય, ચાંદનીનું અમૃતમયપણું, જઠરાગ્નિની પાચનશક્તિ, આત્માની બદ્ધિ-સ્મૃતિ શક્તિ કે વેદની વિદ્યા એ બધાનું કારણ-આધાર એક માત્ર હું (પ્રત્યક્ષ પરબ્રહ્મ) જ છું – એમ પુરુષોત્તમે પોતે જ પાર્થને પોતાના પ્રત્યક્ષપણે પરિચય આપ્યો.
હા, ગીતા જેવાં શાસ્ત્રોમાંથી ભગવાનનો આ અલૌકિક મહિમા જણાય છે. શાસ્ત્ર પઠનથી આસ્તિકતા વધે છે. તેથી જ ભગવાન સ્વામિનારાયણ સારંગપુર પ્રકરણના ૧૩મા વચનામૃતમાં શાસ્ત્રોની મહત્તા બતાવતાં કહે છે કે ‘જેણે શાસ્ત્ર કોઈ દિવસ સાંભળ્યા જ નથી એવા જ અજ્ઞાની જીવ તેમને વિષે પણ મા, બહેન, દીકરી અને સ્ત્રી તેની વિગતિરૂપ જે ધર્મની મર્યાદા તે આજ સુધી ચાલી આવે છે તેનું કારણ પણ શાસ્ત્ર છે. કેમ જે શાસ્ત્રમાંથી કોઈક પ્રથમ એવી વાત સાંભળી છે, તે પરંપરાએ કરીને સર્વ લોકમાં પ્રવર્તી છે.’

Also Read – આચમન : શોચી સમજીને કરેલો દરેક વિચાર મનુષ્યના કર્મ ગણાય


આ સાથે જ ભગવાનમાં શ્રદ્ધા દૃઢ થાય તે માટે ત્રીજો ઉપાય સંત સમાગમને બતાવ્યો છે. ભગવાનના અપરોક્ષાનુભવી આવા પરમ ભાગવત સંતને ભગવાનનો અખંડ સાક્ષાત્કાર હોય છે. તેથી તેમના સંગે તે આપણામાં પણ ભગવદ્શ્રદ્ધા દૃઢ કરાવી દે છે. આમ આત્મજ્ઞાન, શાસ્ત્ર અને સત્પુરુષના યોગે ભગવાનમાં શ્રદ્ધા વધારીને સાચા અર્થોમાં આસ્તિકતા કેળવીને જીવન સાર્થક કરવું જ રહ્યું.

આમ, સર્વ શક્તિમાન પરમાત્મા સર્વત્ર છે. તેમનું ઐશ્ર્વર્ય અપાર છે. તે આપણા હૃદયમાં વિરાજમાન રહીને આપણને કર્મનું ફળ આપે છે. તેઓ આપણી પ્રાર્થના સાંભળે છે. જો દૃષ્ટિ અને મન ખૂલું રાખીએ તો તેમનો સાક્ષાત્કાર બહુ જ સહજતાથી થઈ શકે છે. ગુણાતીત સંત આ માર્ગમાં આપણા સહાયક સિદ્ધ થાય છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button