સાચા યોગી શમ, દમ અને તપને ધારીને વર્તે છે

ગીતા મહિમા – સારંગપ્રીત
ગત અંકમાં સંતોષગુણનું માહાત્મ્ય વર્ણવ્યા પછી ભગવાન કૃષ્ણ હવે યોગીના ઇન્દ્રિય સંયમ ઉપર ભાર મૂકી રહ્યા છે.
ભગવાન શ્રીકૃષ્ણ પોતાને પ્રિય એવા ભક્તનાં લક્ષણો વર્ણવતાં આગળ જણાવે છે-
“ सनतुष्टः सततं योगी यतात्मा दढनिश्चयः। मय्यर्पितमनोबुद्धिर्यो मभ्दत्त्कः स मे प्रिय”॥12-14॥
આમાંથી યોગી' શબ્દને પ્રથમ સમજીએ. ભારતીય સંસ્કૃતિમાં
યોગી’ શબ્દ એક ઉચ્ચ આધ્યાત્મિક ભૂમિકા દર્શાવે છે. જો કે અત્યારે આસન અને પ્રાણાયામની સાધના કરનારને પણ યોગી તરીકે ઓળખવામાં આવે છે. પણ વાસ્તવમાં યોગ એટલે જોડાણ! યોગી એટલે જે પરમતત્ત્વ સાથે જોડાયેલો છે તે. આ દૃષ્ટિએ જોઈએ તો ભક્તો પૂજા-પાઠ, જપ-તપ, દર્શન-દાન આદિ ક્રિયાઓ દ્વારા ભગવાન સાથે જોડાયેલા જ દેખાય છે. તો પછી શું આ બધાને યોગી કહેવાય? તો જવાબ છે – ના. ભગવાન અહીં કેવા ભક્તને યોગીની ઉપમા આપે છે, તે સમજવા માટે પરમાત્મા સાથેના સાચા જોડાણનો અર્થ સમજવો ઘટે. ભગવાનની દૃષ્ટિએ યોગી એટલે જેની ચિત્તવૃત્તિ ભગવાનમાં અખંડ જોડાયેલી છે, તેવો ભક્ત. આ સ્થિતિ પ્રાપ્ત કરવી તેનાથી કઠણ સાધન બીજું કંઈ નથી અને તેનાથી મોટી પ્રાપ્તિ પણ કોઈ નથી. ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં આ વાત સમજાવતાં કહે છે: “…. અનંત ઉપાય કરે તો પણ ભગવાનને વિષે અખંડ વૃત્તિ રહે નહીં તે જેને અનેક જન્મના સુકૃત ઉદય થયા હોય તેને ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રહે છે અને બીજાને તો અખંડ વૃત્તિ રાખવી મહા દુર્લભ છે.”
ભગવાન અખંડ વૃત્તિ રાખવી એટલે શું? જેવી રીતે માછલી જળમાં રહીને સર્વ ક્રિયા કરે છે તેવી રીતે આવો ભક્ત ભગવાનમાં રસબોળ થઈને સર્વ ક્રિયા કરે છે. તેને એક ક્ષણ માટે પણ ભગવાનનું અનુસંધાન તૂટે નહીં. બીજા અધ્યાયમાં કૃષ્ણ ભગવાન યોગીની વ્યાખ્યા કરતાં કહે છે કે યોગી તે સર્વે ઈન્દ્રિયો વશ કરી મારા પરાયણ રહે. જ્યારે ભક્તની ઇન્દ્રિયો અને મન ભગવાનમય થઈ જાય ત્યારે તેને ભગવાન યોગીનો દરજજો આપે છે. કારણકે ઈન્દ્રિયોનું જોર અતિભારે છે. તેને વિષયોમાં સહેજે આસક્તિ રહે છે. આંખ ન જોવાનું જોવા લલચાય, કાન ન સાંભળવાનું સાંભળવા લલચાય, તેવી રીતે નાસિકા, ત્વચા, અને જિહ્વા પણ ભક્તિમાર્ગમાં અવરોધરૂપ થતાં વિષયો પ્રત્યે ખેંચાય છે. એક વખત ઇન્દ્રિયો મનને ભોગવિલાસને લગતો સ્વાદ ચખાડી દે પછી મન તેનું ચિંતવન કર્યા કરે છે. પછી મન પણ ઇન્દ્રિયોને આધીન થઈ પંચવિષયો તરફ ખેંચાયા કરે છે. પરિણામે મન ઇન્દ્રિયોનું ગુલામ બની જાય છે. આમ ઇન્દ્રિયોને નિયમમાં વર્તાવવી અતિ દુષ્કર છે.
એક પશુપાલકની ઝોકમાં એક ગાય હતી. ટંકે દસ શેર દૂધ આપે, પણ તે ખીલે ન બંધાય. એક ભાઈએ આ ગાય ખરીદી. પશુપાલકે કહ્યું: ” આને ખીલે બાંધશો નહીં. છુટ્ટી રાખજો, દોહવા દેશે.” તેઓ ગાય લઈ ગયા અને જેવી ખીલે બાંધી કે તરત ઉછળીને ખીલે ભટકાઈ. ખીલો તેને વાગ્યો અને ગાય મરી ગઈ. ઇન્દ્રિયો પણ આવા હરાયા ઢોર જેવી છે. તેને બંધાવું ગમે નહિ. એને નિયમોના ખીલે બાંધો તો આકુળ વ્યાકુળ થઈ જાય અને છેવટે અધ:પતનને નોતરે.
સાચા યોગી શમ, દમ અને તપને ધારીને વર્તે છે. શમ: એટલે મનનો સંયમ, દમ: એટલે જ્ઞાનેન્દ્રિયોનો સંયમ.
અને તપ: એટલે ઇન્દ્રિયોના આહારને આત્મસન્મુખ કરવી. યોગી ઇન્દ્રિયો તથા મનને જ્યાં જવા દેવા હોય ત્યાં જ જવા દે. પણ એની મેળે ક્યાંય જાય નહીં. ઇન્દ્રિયો સાચા યોગીની ગુલામ થઈ જાય છે. એવું કહેવાય છે કે જેણે સ્વાદેન્દ્રિય પર વિજય મેળવ્યો છે તેણે સર્વે ઇન્દ્રિયો પર વિજય મેળવ્યો છે. એક વખત ઇંગ્લેન્ડમાં વિચરણ દરમ્યાન સેવક સંતો દ્વારા ઠાકોરજીને થાળ ધરાવ્યા પછી પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ જમવા બેઠા. સ્વામીશ્રી કઢી ખીચડી જમી રહ્યા હતા. આગ્રહ કરી સેવક સંતે થોડી વધારે કઢી આપી. સ્વામીશ્રીએ લઈ લીધી. આ બાજુ સ્વામીશ્રીએ જમી લીધું કે બીજા સંતે અંદરથી બુમ પાડી: ” સ્વામીને કઢી ન આપતા. ખૂબ ગંધાય છે.” હાંફળા ફાંફળા થતાં સેવકોએ રસોડામાં જઈને તપાસ કરી તો ખબર પડી કે જે વસ્તુને દહીં સમજીને કઢી બનાવી હતી તે દહીં ન હતું પણ ઘણા દિવસની ભેગી કરેલી મલાઈ હતી. તેમણે ચાખ્યું તો સ્વાદ અત્યંત વિચિત્ર હતો. તેમણે સ્વામીશ્રીની માફી માંગી. સ્વામી ઠંડા કલેજે બોલ્યા: “ઠાકોરજી જમ્યા પછી આપણને શું વાંધો છે!” સૌના મસ્તક આ યોગી આગળ અહોભાવથી ઝૂકી ગયા. ઉ