ધર્મતેજ

ઉત્તરાયણનું ભૌગોલિક, ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્ત્વ

ફોકસ -કવિતા યાજ્ઞિક

સૌ પ્રથમ અમારા વ્હાલા વાચકોને મુંબઈ સમાચાર અને અમારા સહુની તરફથી મકર સંક્રાંતિની ખુબ ખુબ શુભકામનાઓ. ભારતમાં ભાગ્યે જ કોઈ વ્યક્તિ એવી હશે જે મકર સંક્રાંતિ વિશે ન જાણતું હોય. જેવો સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે અને મોસમમાં પરિવર્તન આવવાનું શરુ થાય, કે આપણા દેશમાં ઉગાડેલા ખરીફ પાકની લણણીની મોસમ પણ શરુ થઇ જાય છે. ઉત્તરાયણ ભારતભરના ખેડૂતો માટે તેમની સખત મહેનત અને ખંતના હરિયાળા પરિણામને પામવાનું પર્વ છે, તેથી આપણા અન્નદાતાઓ પણ આ ખગોળીય ઘટનાને તહેવારની જેમ ઉજવે છે.
‘સંક્રાંતિ’નો અર્થ શું?

‘સંક્રાતિ’ એટલે સૂર્યનું એક રાશિ (ભારતીય ખગોળશાસ્ત્રમાં નક્ષત્ર) માંથી બીજી રાશિમાં સંક્રમણ. તેથી, એક વર્ષમાં કુલ ૧૨ સંક્રાંતિ આવે છે. આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, મહારાષ્ટ્ર, કેરળ, ઓડિશા, પંજાબ, ગુજરાત અને નેપાળમાં સૌર કેલેન્ડરમાં દરેક સંક્રાંતિને એક મહિનાની શરૂઆત તરીકે ચિહ્નિત કરવામાં આવે છે. બીજી બાજુ, બંગાળી સૌર નક્ષત્ર કેલેન્ડર અને આસામી કેલેન્ડરમાં, દરેક મહિનાના અંત પછી અને નવા મહિનાની શરૂઆત પછીના દિવસે સંક્રાંતિને ચિહ્નિત કરવામાં આવે છે.

મકરસંક્રાંતિ (સંક્રાન્તિ) ભારત અને નેપાળમાં વિવિધ સ્વરૂપોમાં ઉજવવામાં આવે છે. આ તહેવાર એ દિવસે ઉજવવામાં આવે છે જે દિવસે સૂર્ય પૌષ મહિનામાં મકર રાશિમાં પ્રવેશ કરે છે. વર્તમાન સદીમાં, આ તહેવાર જાન્યુઆરી મહિનાની ચૌદમી કે પંદરમી તારીખે જ આવે છે, આ દિવસે સૂર્ય ધનુરાશિ છોડીને મકર રાશિમાં પ્રવેશ કરે છે.

શામાટે મકર સંક્રાંતિ જાન્યુઆરીમાં ચૌદમી કે પંદરમી તારીખે જ આવે છે?

ખરેખર જોવા જઈએ તો સંક્રાંતિની શરૂઆત આ દિવસે થતી જ નથી! વૈજ્ઞાનિક રીતે જોઈએ તો સૂર્યનું ઉત્તર તરફનું પ્રયાણ ૨૧ ડિસેમ્બરે જ શરુ થઇ જાય છે. પણ, ભારત અને ઉત્તર ગોળાર્ધના મધ્ય અક્ષાંશીય પ્રદેશોમાં તેનો પ્રભાવ મકર સંક્રાંતિથી જ વધુ વર્તાય છે. એટલે ટેક્નિકલી જોઈએ તો ઉત્તરાયણ ૨૧ ડિસેમ્બરે જ શરુ થઇ જાય છે તેમ કહી શકાય. હિન્દુ પંચાંગમાં મકર સંક્રાતિથી ઉત્તરાયણને પ્રભાવી માનવામાં આવ્યું છે. આ અંતર ચોવીસ દિવસનું છે. અને પૃથ્વીની ધરીના કોણમાં દર ૧૫૦૦ વર્ષે થતા ફેરફારને કારણે આ અંતર દેખાય છે. ઈશુ પૂર્વે ૨૭૨ માં, મકરસંક્રાંતિ ૨૧ ડિસેમ્બરે હતી. ૧૦૦૦ એડીમાં, મકરસંક્રાંતિ ૩૧ ડિસેમ્બરે હતી અને હવે તે ૧૪ જાન્યુઆરીએ આવે છે.આવનાર ૧૨૦૦ વર્ષ પછી આ તારીખ ફેબ્રુઆરી મહિનામાં સરકી જશે!

ઘણીવાર બાળકો એવો પણ સવાલ કરતા હોય છે કે દિવાળી, હોળી, નવરાત્રી જેવા મહત્વપૂર્ણ તહેવારો ક્યારેય એક તારીખે નથી આવતાં તો સંક્રાંતિ કેમ જાન્યુઆરીમાં ચૌદમી કે પંદરમી તારીખે જ આવે છે? કારણ એ છે કે, ભારતીય કેલેન્ડર કે પંચાંગ ચંદ્રની ગતિના આધારે નિર્ધારિત થાય છે, જેથી અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે આપણા તહેવારોની તારીખ દર વર્ષે બદલાઈ જાય છે. આપણે આપણા કેલેન્ડર અનુસાર તેને ’તિથિ’ કહીએ છીએ, જ્યારે અંગ્રેજી કેલેન્ડર પ્રમાણેના દિવસને આપણે ‘તારીખ’થી ઓળખીએ છીએ. પણ મકર સંક્રાંતિ હંમેશા જાન્યુઆરીમાં ચૌદમી કે પંદરમી તારીખે જ આવે છે, કારણકે તેમાં આપણે સૂર્યની મકર રાશિમાં થતી ગતિને ધ્યાનમાં લઈએ છીએ અને કેમકે અંગ્રેજી કેલેન્ડર સૂર્યની ગતિ પ્રમાણે જ બનેલું છે, એટલે તેની તારીખમાં ફેરફાર થતો નથી.

ઉત્તરાયણ કે મકર સંક્રાંતિ ભારતના લગભગ બધા જ પ્રદેશોમાં ઉજવાય છે. તમિલનાડુમાં તેને પોંગલ તરીકે ઓળખવામાં આવે છે જ્યારે કર્ણાટક, કેરળ, તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં તેને સંક્રાંતિ કહેવામાં આવે છે. બિહારના કેટલાક જિલ્લાઓમાં આ તહેવાર ’તિલા સંક્રાંતિ’ના નામથી પણ પ્રખ્યાત છે. કેટલીક જગ્યાએ મકરસંક્રાંતિના તહેવારને ઉત્તરાયણ પણ કહેવામાં આવે છે.

માત્ર આપણા દેશમાં નહીં, પણ વિદેશોમાં પણ ઉત્તરાયણને તહેવાર રૂપે ઉજવાય છે. બાંગ્લાદેશ, જેમકે આપણે જાણીએ જ છીએ કે એક સમયે સંયુક્ત બંગાળનો હિસ્સો રહ્યું છે, એટલે ત્યાં બંગાળી સંસ્કૃતિની ઝલક પણ દરેક જગ્યાએ જોવા મળે તે સ્વાભાવિક છે. આપણા પશ્ચિમ બંગાળની જેમ બાંગ્લાદેશમાં પણ તેને પૌષ સંક્રાંતિ તરીકે ઉજવાય છે. નેપાળ પણ પુરાતન કાળમાં અખંડ ભારતનો એક હિસ્સો રહી ચૂક્યું છે, આપણી અને તેમની વચ્ચે સંકૃતિક ભેદ નથી. નેપાળમાં પણ માઘે સંક્રાંતિ અથવા ’માઘી સંક્રાંતિ’ કે ’ખીચડી સંક્રાંતિ’ તરીકે ધામધૂમથી ઉજવણી થાય છે. તે ઉપરાંત ભારતીય સંસ્કૃતિથી અત્યંત પ્રભાવિત એવા થાઈલેન્ડમાં પણ સોંગકરન નામે ઉત્તરાયણ ઉજવાય છે. થાઈલેન્ડનો ટચુકડો પાડોશી દેશ લાઓસ પણ ’પિ મા લાઓ’ના નામે આ તહેવાર ઉજવે છે. ભારતથી બહુ દૂર નહીં, તેવા મ્યાનમારમાં પણ આ તહેવાર થિંયાન નામે ઉજવાય છે. કંબોડીયામાં મોહા સંગક્રાન તરીકે તેની ઉજવણી કરાય છે. શ્રીલંકા, અન્ય દક્ષિણ એશિયાઈ દેશોની જેમ, શ્રીલંકા અને આપણી વચ્ચે પણ મોટો સાંસ્કૃતિક ભેદ નથી. શ્રીલંકામાં દક્ષિણ ભારતીયો સદીઓથી વસેલા છે, એટલે ત્યાં પણ ઉત્તરાયણ ઉજવાય એ સ્વાભાવિક છે. શ્રીલંકામાં પોંગલ અને ઉઝવર તિરુનલ તરીકે આ તહેવાર ઉજવાય છે.

જે રીતે ઉત્તર પ્રદેશમાં ઉત્તરાયણ તરીકે આ તહેવાર ઉજવાય તેમ તેને ખીચડી પણ કહેવાય છે. આપણા ગુજરાતમાં પણ ઉત્તરાયણના દિવસે ’ખીચડો’ બનાવવાની પરંપરા રહી છે. મકરસંક્રાંતિનાં પવિત્ર દિવસોમાં જપ, તપ, દાન, સ્નાન, શ્રાદ્ધ, તર્પણ જેવાં ધર્મકાર્યોનું વિશેષ મહત્ત્વ આંકવામાં આવ્યું છે. શાસ્ત્રોક્ત માન્યતા છે કે મકરસંક્રાંતિના દિવસે કરવામાં આવેલું દાન સો ગણું થઈને પાછું મળે છે.

માઘે માસે મહાદેવ: યો દાસ્યતિ ઘૃતકમ્બલમ
સ ભુક્ત્વા સકલાન ભોગાન અંતે મોક્ષાન પ્રાપ્યતિ અર્થાત કે આ દિવસે શુદ્ધ ઘી અને ધાબળા કે કામળાનું દાન ઉત્તમ અને મોક્ષની પ્રાપ્તિ કરાવનારું માનવામાં આવ્યું છે. મકર રાશિના સ્વામી શનિદેવ છે, જે સૂર્યના પુત્ર હોવા છતાં પણ સૂર્યદેવ સાથે શત્રુભાવ રાખે છે. સૂર્યદેવ સ્વયં આ દિવસે પોતાના પુત્રના ઘરમાં જાય છે, તેથી શનિદેવના ઘરમાં સૂર્યદેવની ઉપસ્થિતિ દરમિયાન શનિદેવ તેમને કષ્ટ ન આપે તે માટે તલનું દાન અને સેવન મકરસંક્રાંતિના દિવસે ખાસ કરવામાં આવે છે. વિષ્ણુ ધર્મસૂત્રમાં કહેવામાં આવ્યું છે કે પિતૃઓની આત્માની શાંતિ માટે તથા સ્વ સ્વાસ્થ્યવર્ધન તથા સર્વકલ્યાણ માટે તલના છ પ્રયોગ પુણ્યદાયક તથા ફળદાયક હોય છે. તલના તેલથી સ્નાન કરવું, તલનું દાન કરવું, તલમાંથી બનેલું ભોજન, જળમાં તલ અર્પણ, તલની આહુતિ, તલનું ઉબટન કરવું. એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન ભાસ્કર પોતે તેમના પુત્ર શનિના ઘરે તેમને મળવા જાય છે. શનિદેવ મકર રાશિના સ્વામી હોવાથી આ દિવસને મકરસંક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે. મકરસંક્રાંતિના દિવસે ગંગાજી ભગીરથની પાછળ ગયા અને કપિલ મુનિના આશ્રમથી પસાર થઈને મહાસાગરમાં મળ્યા.

મકર સંક્રાંતિને દિવસે કરતી કેટલીક સામાન્ય પૂજા વિધિ
આપણે ત્યાં પ્રાત:કાળે ઉઠવાનું ખુબ મહત્વ છે. ખાસ કરીને સંક્રાંતિ જેવા તહેવાર ના દિવસે સવારે વહેલા ઉઠીને જો શક્ય હોય તો પવિત્ર નદીમાં સ્નાન કરવું, અથવા પોતાના ઘરે પણ સ્નાન કરતા ઓમ ગંગે ચ યમુને ચૈવ …. શ્લોક દ્વારા આપણી પવિત્ર નદીઓને યાદ કરવી જોઈએ. સ્નાન કર્યા બાદ તાંબાના લોટામાં જળ લઈને, તેમાં ગંગાજળ, કાળા તલ, ગોળનો નાનકડો ટુકડો ભેળવીને સૂર્ય મંત્રોનો જાપ કરતાં કરતાં સૂર્યનારાયણને અર્ઘ્ય (અર્થાત જળ અર્પણ) આપો. આ દિવસે સૂર્ય દેવની સાથે શનિ મહારાજને પણ જળનું અર્ઘ્ય આપવું. ગરીબોને તલ અને ખીચડીનું દાન કરવું. આપણા બાળકોને પણ આપણે ઉત્તરાયણ અને મકર સંક્રાંતિના ખગોળશાસ્ત્રીય અને ધાર્મિક મહત્વ બંનેની જાણકારી આપીએ તે મહત્વનું છે. આવનારી પેઢી માત્ર આપણી સંપત્તિની જ નહીં, પણ આપણા ભવ્ય સાંસ્કૃતિક વારસાની પણ વારસદાર છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button