ધર્મતેજ

બ્રહ્માંડનું પ્રતીક ગરબો

પ્રાસંગિક -હેમંતવાળા

આમ તો બ્રહ્માંડના આકારની કોઈને ખબર નથી. પણ સામાન્ય તર્ક તરીકે એમ માની શકાય કે બ્રહ્માંડ ગોળાકાર હશે. અને આમ માનવા માટેનો તર્ક એ છે કે ચૈતન્ય સ્વરૂપ બિંદુ જો સમાન ભાવે, સમાન રીતે સર્વ દિશામાં પ્રસારે તો જે આકાર મળે તે ગોળાકાર હોય. અહીં એક પરિધિમાં આવેલ બાબતો કેન્દ્રથી સમાન અંતરે હોય છે. કોઈની સાથે સામીપ્ય નથી કે કોઈની સાથે અલગાવ નથી. અહીં દરેક સ્તરે સમાનતા છે. કેન્દ્ર કોઈની સાથે તાદાત્મયતા સ્થાપતું નથી. વિશ્ર્વમાં જે તે સ્તરે ચૈતન્ય પણ પ્રકૃતિના કોઈ પણ પરિમાણ સાથે ભેદભાવ રાખ્યા વગર અધ્યક્ષતા – કેન્દ્રતા જાળવી રાખે છે. આમ આવા તર્ક દ્વારા બ્રહ્માંડ ગોળાકાર હશે એમ જણાય છે. ગરબો આ બ્રહ્માંડનું પ્રતીક છે.

ચૈતન્યના સમાનતાના ભાવને ગરબો જાળવી રાખે છે. તેના કેન્દ્રમાં ચૈતન્ય સ્વરૂપ દીવો પ્રગટાવાય છે. આ દીવો ગરબા સ્વરૂપ બ્રહ્માંડની અંદર તો પ્રકાશ ફેલાવે જ છે પણ સાથે સાથે તેમાં રહેલા છિદ્રો દ્વારા બ્રહ્માંડની પર પણ પ્રકાશ ફેલાવે છે. ચૈતન્યનું ચૈતન્ય પણ તે ગરબા સ્વરૂપ ઘટ સુધી જ સીમિત નથી. ચૈતન્ય ની – બ્રહ્મની અસીમિતતા દર્શાવવાનો આ સરસ પ્રયાસ છે.

અહીં એ પણ સ્થાપિત થાય છે કે બ્રહ્માંડમાં અવકાશ છે – પરિણામે ઘણી સંભાવનાઓ છે. પણ આ અવકાશ ચૈતન્યના પ્રકાશથી ઉજ્જવળ છે. બ્રહ્માંડ આમ પણ જોવા જઈએ તો ખાલીપણા થી વધારે ભરાયું છે. રાત્રે આકાશ તરફ મીટ માંડતા જણાય છે કે બ્રહ્માંડમાં દ્રવ્યની માત્રા ઘણી ઓછી છે અને દ્રવ્ય વચ્ચે સેતુ તરીકે કામ કરતા અવકાશનું પ્રમાણ ઘણું વિશાળ છે. આ ખાલીપણું અને વિશાળતા સૃષ્ટિના સર્જન પાછળની એક અર્થપૂર્ણ ઘટના છે. કદાચ અહીં એમ દર્શાવવામાં આવે છે કે ખાલીપણું અર્થાત શૂન્યતા જીવન માટે એક મહત્ત્વનો પડાવ છે. આ શૂન્યતાને પ્રાપ્ત કરવી – બધાં જ સમીકરણોથી દૂર થઈ જવું એ જ જીવનનું અંતિમ ધ્યેય છે. આ શૂન્યતા સંભાવના પણ છે, પ્રેરણા પણ છે, હેતુપૂર્વક પણ છે અને પરિણામ સ્વરૂપ પણ છે. ગરબો આ સત્યને પોતાની અંદર સમાવે છે.

ગરબો આમ તો એક માટીનું પાત્ર જ છે, પણ તેમાં જ્યારે દીપ પ્રગટાવવામાં આવે છે ત્યારે તે ગર્ભ અથવા ગરભો અથવા ગરબો બને છે. જે મહત્ત્વ છે તે દીવાને કારણે છે. જે અર્થ નીકળે છે તે દીવાના પ્રકાશને કારણે નીકળે છે. દીવો ઊર્જાવાન છે, જ્યારે ગરબો જડતત્ત્વ સમાન છે. પ્રકાશ નિરાકાર – નિર્વિકાર – નિરંતર છે, જ્યારે ગરબો આકાર સહિત, વિકાર પામી શકે તેવો અને ખંડિત થવાની સંભાવના વાળો છે. દીવા પર સુશોભન કરવામાં આવે છે – પ્રકૃતિને આવા સુશોભનની જરૂર પણ હોય છે અને તે માટે તેને લગાવ પણ હોય છે. સુશોભન થકી જ ગરબાના પ્રકારો નક્કી થાય છે. અમુક પ્રકારના ગરબામાં માત્ર ફૂલપત્તીથી જ સુશોભન કરાય છે, જ્યારે અન્ય પ્રકારમાં મોરપંખ જેવા જીવંત પ્રાણીઓના અંગોનું આલેખન પણ થાય છે. આ બધું ગરબાને શણગારવા માટે છે. દીવાના પ્રકાશને શણગારની જરૂર નથી, જ્યારે ગરબો વધારે અર્થ પૂર્ણ બને અને તેની સ્વીકૃતિની માત્રા વધે એ માટે શણગાર – બાહ્ય આડંબર જરૂરી છે. ચૈતન્ય અને પ્રકૃતિનો આ ભેદ ગરબામાં પણ દેખાય છે.

દીવાનો પ્રકાશ બહાર સુધી પ્રસરે એ માટે ગરબાની અંદર નિયમબદ્ધતાથી છેદ કરવામાં આવે છે. આ નિયમબદ્ધતા કંઈક અંશે પ્રકૃતિમાં પ્રવર્તમાન નિયમોના પ્રતીક સમાન છે. અહીં કશું જ આડેધડ નથી, બધા પાછળ એક તર્ક છે – એક નિયમ છે – એક બંધન છે. પ્રકૃતિ આમ પણ આવા બંધનનું કારણ છે. પ્રકૃતિ પ્રવૃત્તમાન અને કાર્યરત છે એનો અર્થ એ કે બંધન છે. બંધન ઘણા પ્રકારના હોઈ શકે, પ્રકૃતિએ આપેલા અને જાતે ઊભા કરેલા. ગરબાની રચનામાં આ બંને એક રીતે એક સાથે સમાઈ જાય છે. એમ કહી શકાય કે ગરબાનો આકાર – ઘટનો આકાર એ પ્રકૃતિનું બંધન છે જ્યારે તેના વિગતિકરણમાં સમાવાયેલ બાબતો જાતે ઊભા કરેલા બંધન સમાન છે.

એક રીતે જોવા જઈએ તો પ્રકાશની સાથે સ્થપાયેલો ગરબો રૂડો-રૂપાળો લાગે છે. તે મનને પ્રફુલ્લિત કરી દે છે. તેનું અસ્તિત્વ અર્થપૂર્ણ લાગે છે. સાંસ્કૃતિક મૂલ્યો સમજીએ તો, તેની સાથે ભક્તિ ભાવ જોડાય છે. ગરબો એ પ્રકૃતિનું પ્રતીક હોવાથી આ ભક્તિ ભાવ તે પ્રકૃતિ પ્રત્યેનો હોય છે – અર્થાત તે શક્તિની આરાધના માટે પ્રેરે છે. આ શક્તિની આરાધનામાં જ શિવની આરાધના સમાઈ જાય છે. કોઈ દિવસ માત્ર આવરણ સમાન ગરબો એકલો નથી સ્થપાતો, તેની સાથે દીવડો હોવો જરૂરી છે. ગરબાને જોતાં જ દીવડાનો પ્રકાશ પણ દેખાય છે. જગદંબા અને મહાદેવનું એકસાથે જાણે દર્શન થાય છે. ગરબો એ અર્ધનારેશ્ર્વર સ્વરૂપ છે. તે માત્ર શક્તિની ઉપાસના માટે નથી, પણ તેમાં શક્તિની ઉપાસના કરતા કરતા શિવની આરાધના પણ થઈ જાય છે.

નવરાત્રીની શિવ-શક્તિ આરાધનામાં ગરબાની સ્થાપના સૌથી પહેલી કરવામાં આવે છે, અને તે પણ ચાચર ચોકમાં. અહીંથી ભક્તિ-પર્વ ચાલુ થાય છે. પછી શક્તિએ આપેલ ઊર્જા – સહજતા – લાલિત્ય – સહભાવના – ઉમળકો – સમર્પણ અને અહોભાવ વ્યક્ત થતા રહે છે. પછી તે ગરબાના આકારે હોય, રાસના સ્વરૂપમાં હોય, સત્સંગને આધારિત હોય કે ભજન-કીર્તન સંલગ્ન હોય. ગરબો આ બધાનું સાર્થક ભૌતિક સ્વરૂપ છે. તે આધ્યાત્મિક સંવેદનાઓ જગાવવાની સાથે ભૌતિક પ્રકાશ પણ પૂરો પાડે છે. તે પ્રતીક હોવા સાથે સઘન હકીકત પણ છે. તે માટી સમાન ક્ષણ ભંગુર હોવા સાથે પ્રકાશ સમાન ચિરાયુ પણ છે. તેને આકાર છે પણ તેનો આત્મા નિરાકાર છે. ગરબાની સ્થાપના એ કંઈ પરંપરાનો ભાગ માત્ર નથી, એ તો આધ્યાત્મની ઉન્નતિ માટેનું અગત્યનું ડગલું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button