માતા ગંગાનો પૃથ્વી પરનો અવતરણ દિવસ એટલે ગંગા દશેરા
કવર સ્ટોરી -આર. સી. શર્મા
એવું માનવામાં આવે છે કે ઇક્ષ્વાકુવંશના રાજા દિલીપના પુત્ર ભગીરથ પવિત્ર ગંગાને પૃથ્વી પર લાવ્યા હતા, જેમનો હેતુ તેમના પૂર્વજોને મોક્ષ અપાવવાનો હતો. કારણ કે કપિલ મુનિના શ્રાપથી રાજા સાગરના ૬૦ હજાર પુત્રો (જે ભગીરથના પૂર્વજો હતા) બળીને ભસ્મ થઈ ગયા હતા. તેમને ત્યાં સુધી મોક્ષ ન મળી શકત જ્યાં સુધી તેમના અસ્થિ ગંગામાં પધરાવવામાં ન આવત. તેથી રાજા ભગીરથે કઠોર તપસ્યા કરીને ભગવાન શિવને પ્રસન્ન કર્યા અને તેમની જટાઓમાંથી ગંગાજીને મુક્ત કરવાનું વરદાન માંગ્યું જેથી તેઓ તેમના પૂર્વજોને પ્રેતયોનિમાંથી મુક્ત કરી શકે. જે દિવસે ભગીરથ રાજા ગંગાજીને પૃથ્વી પર લાવ્યા તે દિવસે જ્યેષ્ઠ શુક્લની દસમીની તિથિ હતી. ત્યારથી આ તિથિએ ગંગા દશેરાના તહેવાર તરીકે ઉજવવામાં આવે છે.
જોકે ભારત જેવા કૃષિપ્રધાન દેશમાં ગંગા દશેરાનું મહત્ત્વ આ પૌરાણિક કથા કરતાં ઘણું વધારે છે. વાસ્તવમાં, ગંગાનું મહત્ત્વ કોઈના પૂર્વજોનો ઉધ્ધાર કરવા કરતાં ભારતના સામાન્ય લોકોને જીવનદાન આપવામાં વધુ રહેલું છે. ગંગાના મીઠા જળથી ઉત્પન્ન થતા ખોરાક પર કરોડો લોકો જીવે છે. ગંગા જેવી પવિત્ર નદીને કારણે ભારત સદીઓથી સુખી અને સમૃદ્ધ દેશ રહ્યો છે. પરંતુ ગંગાજી જેટલા આપણી અર્થવ્યવસ્થા માટે મહત્ત્વના છે, તેથી વધુ આપણી સંસ્કૃતિ માટે મહત્ત્વના છે. હકીકતમાં, ગંગા માત્ર એક નદી નથી, તે આપણા આચાર, વિચાર, જીવન અને મૂલ્યોને આકાર આપતી શક્તિ છે. આ જ કારણ છે કે હજારો વર્ષોથી ગંગા ભારતમાં આસ્થા અને વિશ્ર્વાસની સાથે સન્માનનું પ્રતીક છે. ગંગાના જળને પાણી નહીં પણ અમૃત માનવામાં આવે છે અને માતા ગંગાને સાક્ષાત મોક્ષ આપનાર કહેવામાં
આવે છે.
ભારતીય ધર્મ અને સંસ્કૃતિ બંનેમાં ગંગા દશેરાનું ખૂબ મહત્ત્વ છે. તેથી, આ દિવસે, ઉત્તર ભારતના કરોડો લોકો સૂર્યોદય પહેલા સવારે ગંગામાં સ્નાન કરે છે. આ દિવસે પવિત્ર પ્રયાગરાજમાં ઘણી ભીડ હોય છે. આવી જ હાલત ગંગાના કિનારે વસેલાં અન્ય પવિત્ર શહેરોની પણ હોય છે. આ દિવસે, લોકો ઉપવાસ કરે છે અને ગંગાજીમાં સ્નાન કર્યા પછી અથવા, જો નજીકમાં ગંગાજી ન હોય તો, પાણીમાં પવિત્ર ગંગા જળના ટીપાં ઉમેરીને સ્નાન કર્યા પછી ગરીબોને દાન કરે છે, તેમને ખવડાવે છે અને તેમના જીવનને સુખી અને સમૃદ્ધ બનાવવા માટે માતા ગંગા પાસેથી આશીર્વાદ માગે છે. ગંગા દશેરાનો તહેવાર, જે દર વર્ષે જેઠ મહિનાના શુક્લ પક્ષની દસમી તિથિએ ઉજવવામાં આવે છે, તે આ વર્ષે ૧૬ જૂન, ૨૦૨૪ ના રોજ ઉજવવામાં આવશે. વૈદિક કેલેન્ડર મુજબ, ૧૬ જૂન ૨૦૨૪ના રોજ રાતે ૨.૨૮ વાગ્યે જેઠ મહિનાના શુક્લ પક્ષની દશમી તિથિ શરૂ થશે, અને ૧૭ જૂન, ૨૦૨૪ ના રોજ સવારે ૪.૪૫ વાગ્યે સમાપ્ત થશે. પરંતુ ઉદયા તિથિ અનુસાર, ગંગા દશેરાનો તહેવાર ૧૬ જૂન ૨૦૨૪ના રોજ ઉજવવામાં આવશે.
આ વર્ષે આ દિવસે રવિ યોગ, સર્વાર્થ સિદ્ધિ યોગ અને અમૃત સિદ્ધિ યોગ રચાઈ રહ્યો છે, જે પૂજા, પાઠ, સ્નાન, ધ્યાન વગેરે માટે ઉત્તમ યોગ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે મનુષ્યો દ્વારા જાણતા-અજાણતાં થયેલાં પાપોમાંથી મુક્તિ મેળવવા માટે ગંગા દશેરાનું વ્રત કરવું જોઈએ. આ દિવસે માતા ગંગા વ્રત કરનાર પર પ્રસન્ન થઈ, તમામ પ્રકારની મુશ્કેલીઓથી મુક્ત કરે છે. ગંગા દશેરાના દિવસે માતા ગંગાએ પૃથ્વી પર અવતાર લીધો હતો. તેથી આ દિવસને હરિદ્વાર, ઋષિકેશ અને કાશીમાં સાંસ્કૃતિક ઉત્સવ તરીકે ઉજવવામાં આવે છે. દિલ્હીની નજીક સ્થિત ગઢ નામના સ્થળે ગંગા દશેરાના દિવસે ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવે છે, જ્યાં સ્નાન કરવા અને મેળાની મુલાકાત લેવા ઉત્તર ભારતના લોકો બહુ દૂર દૂરથી આવે છે. આ દિવસે લોકો ગંગાની રેતીમાં ઉગાડવામાં આવતાં ફળો, માટીનાં વાસણો જેમાં પાણી ઠંડુ થાય છે, પંખા, છત્રી અને અનાજનું ખાસ કરીને ગરીબોને દાન કરે છે, જેથી કરીને આ મહિનાની કાળઝાળ ગરમી સાથે જીવન જીવવું તેમની માટે સરળ બની રહે.
ભારતના ગ્રામીણ સમાજમાં ગંગા દશેરાની માન્યતા વધુ છે. ગામમાં કટોકટીના સમયે જેમણે તેમના ખેતરો કોઈની પાસે ગીરવે મૂક્યા હોય તેમના માટે, ગંગા દશેરા એ છેલ્લી તિથિ છે જ્યારે તેઓ તેમના ખેતરોને છોડાવી શકે છે. જો ગંગા દશેરા સુધી આવું ન થાય તો બીજા વર્ષ સુધી રાહ જોવી પડે છે. ગંગા દશેરાનો દિવસ ખૂબ જ સાત્વિક અને આધ્યાત્મિક દિવસ હોય છે, આ દિવસે લોકો ગંગામાં સ્નાન કરતી વખતે તેમના પૂર્વજો અને પરિવારના સભ્યો માટે પણ ડૂબકી લગાવે છે, જેથી કરીને જો તેઓ આ દિવસે ગંગા સ્નાન ન કરી શકે તો તેમને પણ તેનો લાભ મળે. ગંગા દશેરાનો તહેવાર ઉત્તર ભારતનો મુખ્ય ધાર્મિક અને સાંસ્કૃતિક તહેવાર છે જે સદીઓથી ઉજવવામાં આવે છે.