ગજેન્દ્રમોક્ષ
અલૌકિક દર્શન -ભાણદેવ
ગજેન્દ્રમોક્ષની કથા ‘શ્રીમદ્ભાગવત’ અને ‘મહાભારત’ એમ બંને ગ્રંથોમાં છે. ગજેન્દ્રમોક્ષની કથા એક અધ્યાત્મપ્રેરક કથા છે. કથાનું બાહ્ય સ્વરૂપ આ પ્રમાણે છે: ક્ષીરસાગરમાં ત્રિકૂટ નામનો એક પર્વત છે. આ પર્વતને ત્રણ શિખરો છે: એક શિખર ચાંદીનું, બીજું સોનાનું અને ત્રીજું લોઢાનું છે. આ ત્રિકૂટ પર્વતની તળેટીમાં ગાઢ જંગલ છે. આ જંગલમાં અનેકવિધ પ્રાણીઓ વસે છે. જંગલની વચ્ચે એક વિશાળ સરોવર છે.
એક વાર એક મહાન હાથી (ગજેન્દ્ર) પોતાના વિશાળ જૂથ સાથે તે સરોવરમાં પાણી પીવા માટે આવ્યો. પાણી પીવા માટે આ ગજેન્દ્ર ક્રીડાર્થે સરોવરમાં પ્રવેશ્યો. ગજેન્દ્ર પોતાની હાથણીઓ તથા બચ્ચાંઓ સાથે ક્રીડામાં વ્યસ્ત હતો તે વખતે સરોવરમાં વસતા એક મહાન ગ્રાહે (મગરમચ્છે) હાથીનો પગ પકડયો. ગ્રાહ જોરપૂર્વક ગજેન્દ્રને ઊંડા પાણીમાં ખેંચવા લાગ્યો. બંને વચ્ચે મહાન વિગ્રહ શરૂ થયો. ગજેન્દ્ર ગ્રાહની પકડમાંથી છૂટીને બહાર આવવા માટે માટે પ્રચંડ પુરુષાર્થ કરવા લાગ્યો, પરંતુ પાણીમાં ગજેન્દ્ર કરતાં ગ્રાહનું બળ વધુ હોય છે, તેથી ગ્રાહ ગજેન્દ્રને વધુ ને વધુ ઊંડા પાણીમાં ખેંચી ગયો. હાથણીઓએ ગજેન્દ્રને ગ્રાહની પકડમાંથી છોડાવવાનો ઘણો પ્રયત્ન કર્યો, પરંતુ તેઓ પણ કશું કરી શકી નહીં. ગજેન્દ્રનું બળ ઘટવા માંડ્યું અને ગ્રાહનું બળ વધવા લાગ્યું.
ગજેન્દ્ર અને ગ્રાહનું આ તૂમુલ યુદ્ધ એક હજાર વર્ષ સુધી ચાલ્યું. અતુલ પ્રયત્ન કરવા છતાં ગજેન્દ્ર ગ્રાહની પકડમાંથી છૂટી શકયો નહીં. ગજેન્દ્રને ખાતરી થઈ ગઈ કે હવે પોતાના પુરુષાર્થથી છૂટી શકાય તેમ નથી. જ્યારે કોઈ ઉપાય ન રહ્યો ત્યારે ગજેન્દ્રને ભગવાનનું સ્મરણ થયું. ગજેન્દ્રે આર્તભાવે ભગવાનને પ્રાર્થના કરી. ગજેન્દ્રની આ પ્રાર્થના તે જ પ્રખ્યાત ‘ગજેન્દ્રમોક્ષસ્તોત્ર’ ગણાય છે. ગજેન્દ્રની પ્રાર્થના સાંભળીને ભગવાન વિષ્ણુ ગરુડ પર બેસીને પધારે છે. પાણીમાં નાક સુધી ડૂબી ગયેલા ગજેન્દ્ર સામે ગરુડ પર બિરાજેલા ભગવાન વિષ્ણુનું દર્શન કરે છે. પાણીમાં ઊગેલાં કમળોમાંથી એક કમળ સૂંઢ વડે પકડીને તેનાથી ગજેન્દ્ર ભગવાવની પૂજા કરે છે.
ગજેન્દ્રની પ્રાર્થના અને પૂજાથી પ્રસન્ન થયેલા ભગવાન વિષ્ણુ પોતાના ચક્રથી ગ્રાહનું મસ્તક કાપી નાખે છે અને ગજેન્દ્રનો ઉદ્ધાર કરે છે. પોતાના પુરુષાર્થ અને પોતાનાં સ્વજનોની સહાયથી પણ ગજેન્દ્ર છૂટી શકયો નહીં. આખરે ભગવાનની કૃપાથી ગજેન્દ્ર ગ્રાહકની પકડમાંથી મુક્ત થાય છે.
આ કથા સ્પષ્ટ રીતે એક અધ્યાત્મપરક કથા જ છે. આ કથાનો અધ્યાત્મપરક અર્થ સમજવા માટેઆપણે નીચેના પ્રશ્ર્નોના ઉત્તરો મેળવવા જોઈએ:
1. ત્રિકૂટ પર્વત એટલે શું? જંગલ એટલે શું? જંગલની વચ્ચે ત્રિકૂટ પર્વત પર જે સરોવર છે તેનો અર્થ શો છે?
2. ગજેન્દ્ર અને તેનું યૂથ એટલે શું?
3. ગ્રાહ એટલે શું?
4. ગજેન્દ્ર અને ગ્રાહનું યુદ્ધ એટલે શું?
5. ગજેન્દ્રમોક્ષનો અર્થ શો છે?
6. આ કથાનો આધ્યાત્મિક સંદેશ શો છે?
હવે આપણે ક્રમશ: આ પ્રશ્ર્નોના ઉત્તરો મેળવવાનો અને એ રીતે આ કથાનો આધ્યાત્મિક અર્થ સમજવાનો પ્રયત્ન કરીએ.
1. ત્રિકૂટ પર્વત એટલે શું? જંગલ એટલે શું?
જંગલની વચ્ચે ત્રિકૂટ પર્વત પર જે સરોવર છે તેથો અર્થ શો?
ત્રિકૂટ પર્વત એટલે આ જગત. ત્રિકૂટ પર્વતનાં ત્રણ શિખરો છે તેનો અર્થ એ છે કે આ જગત ત્રિગુણાત્મક છે. ત્રણ શિખરો દ્વારા ત્રણ ગુણો સૂચિત થાય છે. ચાંદીનું શિખર તે સત્ત્વગુણ છે, સોનાનું શિખર તે રજોગુણ છે અને લોઢાનું શિખર તે તમોગુણ છે. આમ, ત્રણ ગુણોથી બનેલું આ જગત છે તેને જ કથામાં ત્રિકૂટ પર્વત કહ્યું છે.
આ ત્રિકૂટ પર્વતની તળેટીમાં ઘોર જંગલ છે તે જ ભવાટવી છે. આ સંસારરૂપી જંગલ છે તેને જ ત્રિકૂટ પર્વતનું જંગલ કહે છે. જંગલમાં અનેકવિધ પ્રાણીઓ વસે છે. આ પ્રાણીઓ એટલે સંસારમાં રમમાણ જીવો. આ જંગલની વચ્ચે એક સરોવર છે. આ સરોવર તે માયારૂપી સરોવરમાં પડ્યા પછી બહાર નીકળવું અતિ કઠિન છે. માયા અતિ વિકટ છે. આ અતિ વિકટ માયાને જ અહીં ત્રિકૂટ પર્વત પરના જંગલ વચ્ચેનું સરોવર કહ્યું છે.
2. ગજેન્દ્ર અને તેનું યૂથ એટલે શું?
ગજેન્દ્ર એટલે જીવ. આ ગજેન્દ્રરૂપી જીવ ત્રિગુણાત્મક જગતરૂપી ભવાટવીમાં વસે છે. આ ગજેન્દ્ર યૂથ એટલે જીવનાં સંગાસંબંધી. જીવ આ ભવાટવીમાં એકલો નથી. ભવાટવીમાં અનેક અન્ય જીવો પણ હોય છે. જંગલમાં વસતાં અન્ય પ્રાણીઓ તે જ આ અન્ય જીવો છે. ગજેન્દ્રનું યૂથ તે જીવના સાથી જીવો, અર્થાત્ ઋણાનુબંધથી જીવ સાથે સંલગ્ન અન્ય જીવો.
3. ગ્રાહ એટલે શું?
ગ્રાહ એટલે અજ્ઞાન. અજ્ઞાનજ જીવને બાંધે છે, જીવને ઊંડા પાણીમાં ખેંચી જાય છે. માયારૂપી સરોવરમાં અજ્ઞાનરૂપી ગ્રાહ વસે છે. જીવ માયામાં ઊંડો ઊતરતો જાય છે, માયામાં ફસાતો જાય છે તેનું કારણ અજ્ઞાન છે. માયારૂપી સરોવરમાંથી જીવ બહાર નીકળી શકતો નથી તેનું કારણ શું છે? કોણ તેને માયામાં રમમાણ કરી રાખે છે? અજ્ઞાન જ બંધનનું કારણ છે. અજ્ઞાનના બંધનને કારણે જ જીવ માયામાં ફસાયેલો રહે છે.ગજેન્દ્ર બળવાન હોવા છતા માયારૂપી સરોવરમાંથી બહાર નીકળી શકયો નહીં, કારણ કે અજ્ઞાન તેને ખેંચી રાખે છે.
અજ્ઞાન એટલે શું? અજ્ઞાન એટલે પોતાના સ્વરૂપનું અજ્ઞાન. પોતાના સ્વરૂપના અજ્ઞાનને કારણે જ જીવ બંધાય છે અને બદ્ધ રહે છે. ગજેન્દ્રરૂપી જીવ માયારૂપી સરોવરમાં પાણી પીવા આવે છે, અર્થાત્ માયાનો ભોગ માણે છે, માયાનું આસ્વાદ કરે છે, એટલું જ નહીં, પણ માયામાં ઊતરે છે, સરોવરમાં ઊંડે જાય છે અને તે જ ક્ષણે અજ્ઞાનરૂપી ગ્રાહ તેને ગ્રસી જાય છે – પકડી લે છે.
4. ગજેન્દ્ર અને ગ્રાહનું યુદ્ધ એટલે શું?
ગજેન્દ્ર એટલે જીવ અને ગ્રાહ એટલે અજ્ઞાન. જીવ અજ્ઞાનથી બદ્ધ થાય છે, અજ્ઞાનને કારણે જ માયામાં ફસાય છે. જીવ મૂલત: મુક્ત જ છે, પરંતુ અજ્ઞાનને કારણે તે બદ્ધ બને છે, માયાબદ્ધ બને છે. પોતાના સ્વતંત્ર – મુક્ત સ્વરૂપને પામ્યા વિના જીવને યથાર્થ શાંતિ મળી શકે નહીં, તેથી જીવ પોતાની મુક્તિ માટે પ્રયત્નશીલ રહે જ છે, પરંતુ અજ્ઞાન અને અજ્ઞાનરૂપિણી માયામાંથી મુક્ત થવું સરળ નથી, તેથી જ ભગવાન શ્રીકૃષ્ણે ‘ગીતા’માં કહ્યું છે: “પપ પળ્રૂળ ડળ્ફટ્ટ્રૂ્રૂળ।” ‘મારી માયાનો પાર પામવો મુશ્કેલ છે.”
તેથી તે પ્રયત્ન ફળતો નથી. જ્યારે જીવ ભગવાનની શરણાગતિ સ્વીકારે છે ત્યારે તેનો અહંકાર શાંત થાય છે અને અહંકાર શાંત થતાં જ પરમાત્માની કૃપા તેની ચેતનામાં અવતરે છે. પરમાત્માની કૃપાનું સામર્થ્ય અમોઘ છે. પરમાત્માની અમોઘ શક્તિ અજ્ઞાનના બંધનને છેદી નાખે છે અને જીવ મુક્ત થાય છે.ગજેન્દ્રમોક્ષની કથાનો આવો અધ્યાત્મસંદેશ છે. જે જીવ પોતાની મુક્તિ માટે પરમાત્માની કૃપાની યાચના કરશે, પરમાત્માનું શરણ સ્વીકારશે તેને પરમાત્મા અવશ્ય સહાય કરશે. ભગવાને પોતે જ ‘ગીતા’માં માનવજાતને તેનું વચન આપ્યું છે. ભગવાન માત્ર ગજેન્દ્ર જ નથી, તેઓ તો સૌના છે.
જે માયાપતિને શરણે જાય છે તે માયારૂપી સાગરને તરી જાય છે – આ અધ્યાત્મપથનું સર્વોચ્ચ સત્ય છે અને આ જ ગજેન્દ્રમોક્ષની કથાનો અધ્યાત્મ સંદેશ છે. જેમને કાન હોય તેઓ સાંભળે!