મૂર્ખ, મારી પાસે એવી વિદ્યા છે કે હું અદૃશ્ય થઇ શકું, તું મને પકડી નહીં શકે: દેવગુરુ બૃહસ્પતિ
શિવ રહસ્ય -ભરત પટેલ
(ગતાંકથી ચાલુ)
મંદરાચલ પર્વત પર મંદરાચલને વિષમુક્ત કરતા જ મંદરાચલના વાતાવરણમાં એ વિષ ફેલાઈ જાય છે. એ વિષના પ્રભાવથી માતા પાર્વતી શ્યામવર્ણા થઈ જાય છે. કૈલાસ પરત ફરતાં માતા પાર્વતીને શ્યામવર્ણા થઈ ગયેલા જોઈ શિવગણો ચિંતામાં ગરકાવ થઈ જાય છે. શિવગણોને કંઈક ચિંતામાં જોઈ માતા પાર્વતી અસ્વસ્થતા અનુભવે છે. તેઓ સુયશા (નંદીના પત્ની)ને પૂછે છે કે, શિવગણો કોઈ ચિંતામાં છે? તો સુયશા જવાબ આપે છે કે, ‘માતા તમે ગૌરવર્ણા હતા પણ મંદરાચલથી આવ્યા બાદ શ્યામવર્ણા થઈ ગયા છો એટલે શિવગણો ચિંતિત છે.’ અચંબિત માતા પાર્વતી તુરંત ગૌરીકુંડ પહોંચે છે, તેઓ જુએ છે કે પોતે ગૌરવર્ણાથી શ્યામવર્ણા થઇ ગયા છે. માતા પાર્વતી તુરંત ભગવાન શિવ પાસે પહોંચે છે અને કહે છે, ‘મંદરાચલના વિષથી હું શ્યામવર્ણી થઈ ગઈ છું, મને તુરંત ગૌરવર્ણી બનાવવામાં આવે.’ ભગવાન શિવ તેમને જવાબ આપતા કહે છે, ‘પાર્વતી હું તમને ગૌરવર્ણી નહીં બનાવી શકું, એ માટે તમારે જ પ્રયત્ન કરવો પડશે, પણ હું તમને એટલું જણાવીશ કે તમે શ્યામવર્ણા હોવા છતાં ખૂબ જ સુંદર છો.’ ભગવાન શિવની વાત સાંભળી માતા પાર્વતી કુપિત થઈ જાય છે અને તપસ્યા માટે જવાની આજ્ઞા માગે છે. ભગવાન શિવ તેમને સમજાવતાં કહે છે, ‘દેવી મેં ક્રિડા અથવા મનોવિનોદ માટે જ ચેષ્ટા કરી હતી, જો તમારા ઉપર જો મારો પ્રેમ નહીં હોય તો બીજા કોના પર હોઈ શકે? આ લિલાવિહાર પર જગતની રક્ષા માટે જ છે, મારા આ કથનની સત્યતા તમને થોડા સમયમાં જ મળી જશે.’ ભગ્ન હૃદયે માતા પાર્વતી ભગવાન શિવની પરિક્રમા કરીને એમને વિયોગથી થનારા દુ:ખને કોઈ પણ પ્રકારે રોકીને હિમાલય પર્વત પર ચાલ્યાં જાય છે, વર્ષો પહેલાં તેમણે પોતાની સખીઓ સાથે જ્યાં તપ કર્યું હતું ત્યાં તપોવન પહોંચી સ્નાન પછી તપસ્વીનો પરમ પાવન વેશ ધારણ કરી અત્યંત તીવ્ર અને પરમ દુષ્કર તપસ્યા કરવાનો સંકલ્પ કરે છે. તેઓ મનમાં ને મનમાં એવું વિચારે છે કે ભગવાન શિવ જ બ્રહ્માજીનું રૂપ ધારણ કરીને મારી તપસ્યાનું ફળ આપશે એવો દૃઢ વિશ્ર્વાસ રાખીને તે પ્રતિદિન તપસ્યામાં રહેતાં. આ રીતે તપસ્યાં કરતાં કરતાં બહુ સમય વીતી ગયો ત્યારે એક દિવસે એમની પાસે કોઈ બહુ મોટો વાઘ જોવામાં આવ્યો. દુષ્ટભાવથી આવેલા એ વાઘને જોઈને માતા પાર્વતી જરાય વિચલિત ન થયાં.
વરદાન મળતાં જ છાકટાં થયેલા શુંભ-નિશુંભ અસુરોનું સૈન્ય તૈયાર કરવા માંડે છે. તેઓ પ્રથમ સ્વર્ગલોક પર ્રઆક્રમણ કરે છે. દેવગણો ખૂબ જ હિંમતથી યુદ્ધમાં કૂદી પડે છે, પણ બ્રહ્માજીનું વરદાન મળેલું હોવાથી તેમને કોઈ પુરુષ પરાજીત કરી શકતો નથી અને છેવટે દેવગણોની હાર થઇ રહેલી જોઈ દેવરાજ ઇન્દ્ર અને અન્ય દેવગણો પલાયન થઇ જાય છે.
દેવરાજ ઇન્દ્ર અને દેવગણો બ્રહ્માજી પાસે પહોંચે છે.
દેવરાજ ઇન્દ્ર: ‘પરમપિતા તમે જ આ બંને અસુર કુમારોને વરદાન આપ્યું છે હવે તમે જ અમારા દેવગણોની રક્ષા કરો, અમારી પાસે સ્વર્ગલોક છીનવાઈ ગયું છે.’
બ્રહ્માજી: ‘આરાધકને વરદાન આપવા આરાધ્ય બંધાયેલો છે. આરાધ્યએ અનિચ્છાએ પણ વરદાન આપવું પડે છે, તમારી સમસ્યાનો નીવેડો ફક્ત ભગવાન શિવ જ કરી શકે છે.’
દેવરાજ ઇન્દ્ર અને દેવગણો તુરંત કૈલાસ પહોંચે છે.
દેવરાજ ઇન્દ્ર: ‘ભગવાન શિવનો જય હો, શુભ-નિશુંભના અત્યાચારો વધી ગયા છે, અમે સ્વર્ગલોકથી પલાયન કર્યું છે. હવે તમે જ અમારી સુરક્ષા કરી શકો છો.’
ભગવાન શિવ: ‘સમયનું ઘટનાચક્ર તમારા શરીર પર પડેલા ઘાવ ભરી દેશે. સમય આવ્યે હું અને પાર્વતી ચોક્કસ તમારી સમસ્યાનું નિરાકરણ કરીશું.’
સત્તાના નશામાં સ્વર્ગલોક પર આધિપત્ય જમાવી ચૂકેલા શુંભ-નિશુંભ પૃથ્વીલોક પર પણ અત્યાચાર ગુજારવાનું ચાલુ કરે છે. તેઓ આદેશ આપે છે કે, સૈનિકો જાઓ આ પૃથ્વીલોક પર જે સૌથી વધુ સુંદર ક્ધયા હોય તેને મારી પાસે લઈ આવો હું મારી રાણી બનાવીશ.
સૈનિકો પૃથ્વીલોક પર પરિભ્રમણ કરી રહ્યા હોય છે તેઓને દેવગુરુ બૃહસ્પતિ નજરે પડે છે. તેઓ દેવગુરુ બૃહસ્પતિને બંદી બનાવે છે અને શુભ-નિશુંભ સમક્ષ ઉપસ્થિત કરે છે.
સૈનિક: ‘મહાબલી શુંભ-નિશુંભ આ દેવગુરુ બૃહસ્પતિ છે. એને યોગ્ય દંડ ફટકારવો. એવો તમારી વિરુદ્ધ ષંડયત્ર યોજી રહ્યાં હોય એવું લાગે છે.
દેવગુરુ બૃહસ્પતિ: ‘મહાબલી શુંભ-નિશુંભ આ શું થઈ રહ્યું છે, તમારા સૈનિકો મને પકડીને અહીં શું કામ લાવ્યા છે.?’
શુંભ: ‘મૂર્ખ સૈનિકો આ દેવગુરુ બૃહસ્પતિ છે, તેમને તુરંત મુક્ત કરવામાં આવે.’
નિશુંભ: ‘દેવગુરુ અમને એવા આશિર્વાદ આપો કે અમે અમર થઈ જઇએ.’
દેવગુરુ બૃહસ્પતિ: ‘મહાબલી શુંભ-નિશુંભ તમે બુદ્ધિમાની છો, જેણે જન્મ લીધો છે તેનું મરણ નિશ્ર્ચિત છે. એક સુંદર સ્ત્રીના હાથે તમારું મરણ નિશ્ર્ચિત છે’.
શુંભ: ‘સૈનિકો આને પકડી લો.’
દેવગુરુ બૃહસ્પતિ: ‘અરે! મૂર્ખ મારી પાસે એવી વિદ્યા છે કે હું અદૃશ્ય થઇ શકું. તું મને પકડી નહીં શકે, મેં તમને સમજાવવાની કોશિષ કરી છે, ભગવાન તમારું કલ્યાણ કરે.’
આટલું કહી દેવગુરુુ બૃહસ્પતિ અદૃશ્ય થઈ જાય છે.
પદભ્રષ્ટ થયેલા દેવરાજ ઇન્દ્ર અને દેવગણો ઋષિઓના વેશમાં ઋષિ શૌણકના આશ્રમ પર પહોંચે છે.
દેવરાજ ઇન્દ્ર: ‘ઋષિ શૌણક અમે મુસીબતમાં છીએ, અમારા આશ્રમ પર અસુર શુંભ-નિશુંભના સૈનિકોએ આક્રમણ કરી નષ્ટ કરી દીધો છે અમે તમારા શરણમાં રહી તમારા દૈનિક યજ્ઞમાં સહાયક બનવા માંગીએ છીએ.
ઋષિ શૌણક આવેલા ઋષિઓને પોતાના આશ્રમમાં આશરો આપે છે. આ વાત અસુર શુંભ-નિશુંભના ગુપ્તચરને ખબર પડતાં તે રાજમહેલ પધારે છે અને ગુપ્ત સમાચાર આપે છે કે દેવરાજ ઇન્દ્ર અને દેવગણો ઋષિ શૌણકના આશ્રમમાં આશરો લઈ રહ્યા છે. અસુર શુંભ-નિશુંભ રાજમહેલના અન્ય સૈનિકોને આદેશ આપે છે કે ઋષિ શૌણકના આશ્રમ પર જઈ ઋષિઓને મારી હટાવવામાં આવે.
ઋષિ શૌણકના આશ્રમ પર પહોંચેલા અસુરો તેમના પર આક્રમણ કરે છે. શુભ-નિશુંભના સૈનિકોને ઋષિ શૌણક ભસ્મિભૂત કરી નાખે છે. (ક્રમશ:)