યમ નિયમ પૂર્ણપણે પાળો, ઇશ્ર્વર તમને શોધતા આવશે
અધ્યાત્મ -મુકેશ પંડ્યા
ગયા અંકમાં આપણે જોયું કે ઇશ્ર્વર સાથે જોડાણ કરાવતી જે યોગિક ક્રિયા છે તેને આઠ પ્રક્રિયાઓમાં વહેંચવામાં આવી છે. જેમ જેમ માણસ આ પ્રક્રિયાઓમાંથી સાંગોપાંગ પાર ઊતરતો જાય એમ એમ એ ઇશ્ર્વર તરફ એક એક ડગલું આગળ વધતો જાય છે.
આ આઠ પ્રક્રિયાઓમાંની પ્રથમ બે પ્રક્રિયાઓ એટલે યમ અને નિયમ. ચાલો આ બે પ્રક્રિયાઓને સમજવાનો પ્રયાસ કરીએ.
યમ-નિયમ છે શું?
સ્કુલ કે કૉલેજમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓએ ફોર્મ ભરવા પડે છે. જેમાં સંબંધિત સંસ્થાના નિયમ લખ્યા હોય છે. તેનું વિદ્યાર્થીઓએ પાલન કરવાનું હોય છે. બરાબર એ જ રીતે પ્રભુના કાર્યક્ષેત્રમાં પ્રવેશવા માટે પણ પતંજલિએ યમ-નિયમો પાળવાનું કહ્યું છે. યોગનાં પ્રથમ અંગ યમ વિશે વાત કરીએ તો પાંચ પ્રકારના યમ છે જેનું ખંતપૂર્વક પાલન કરવાથી તમારે ઇશ્ર્વરને શોધવાની જરૂર નહીં પડે ઇશ્ર્વર તમને શોધતા આવશે.
પાંચ પ્રકારના યમનું વર્ણન છે. અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ. આ પાંચેય યમ જે નિષ્ઠાપૂર્વક પાળે તો સર્વપ્રથમ તો તેના મનની અશુદ્ધિઓ દૂર થાય છે.
વિજ્ઞાનના નિયમો પ્રમાણે ડહોળાયેલા પાણીના તળિયે કોઇ પદાર્થ હોય તો તે દેખાતો નથી, પરંતુ આ જ પાણીમાંથી અશુદ્ધિઓ દૂર કરવામાં આવે અને તે નિર્મળ બને તો તેના તળિયામાં રહેલો પદાર્થ જોઇ શકાય છે. હિંસા, અસત્ય, ચોરી, વાસના, અસંયમ વગેરેથી મનના ક્ષણિક લાભ પ્રાપ્ત થાય, પરંતુ લાંબે ગાળે તો મનને ડહોળી નાંખતી અશુદ્ધિ જ વધે છે. આ અશુદ્ધિઓ જેમ જેમ વધતી જાય તેમ તેમ આપણે પરમાત્મા દર્શનથી વંચિત થઇએ અને જેમ જેમ ઘટતી જાય તેમ તેમ પ્રભુદર્શનની તક વધતી જાય.
કાગળ પર લખવું કે બોલવું જેટલું સહેલું છે એટલું જ અઘરું છે યમ-નિયમને જીવનમાં પાળીને બતાવવાનું. આ બધું કાંઇ એક-બે દિવસમાં ન થાય, તે માટે ભારે હિંમત અને ધીરજની જરૂર છે. વળી કોઇ પણ યમ-નિયમનું સર્વાંગી પાલન થય તો જ મનનો કચરો સાફ થાય.
દાખલા તરીકે અહિંસામાં માનવું એનો અર્થ એ નથી કે ફકત શારીરિક હિંસા ન કરવી. જેમ શરીરથી હિંસા થાય છે. એમ કોઇનું બુરું ઇચ્છીએ તે પણ મનથી થયેલી હિંસા ગણાય. આજ રીતે કોઇને દુ:ખ થાય તેવા કઠોર વચનો એ વાણીથી થતી હિંસા ગણાય.
તમે તમારાથી કોઇ કીડી પણ ન મરી જાય તેનું ધ્યાન રાખતા હો, મંદિર કે દેરાસરમાં અઢળક દાન કરતો હો છતાં તમારી પત્ની, સ્વજનો કે સ્ટાફમાં કામ કરતા માણસો સાથે જેમ તેમ બોલો કે તેમને દુ:ખ થાય એવું વર્તન કરો તો પરમાત્માના દર્શનની ગેરંટી ઘટી જાય છે, આથી ઊલટું સામાન્યમાં સામાન્ય માણસ પણ જો વિચાર, વાણી કે વર્તનમાં અહિંસા અપનાવે તો પરમાત્માના દર્શનની શક્યતાઓ વધતી જાય છે.
પતંજલિ કહે છે કે અહિંસાનું બરાબર પાલન કરે છે, તેની પાસે બધા પ્રાણી વેરભાવનો ત્યાગ કરી દે છે. તેવી વ્યક્તિ પ્રેમની મૂર્તિ બની જાય છે.
‘અહિંસા પ્રતિષ્ઠામાં સત્સંનિધૌ વેરત્યાગ’
અહિંસાથી જે પોતાના જીવનને મધુમય બનાવે છે. તે પ્રેમના પૂર્ણ પ્રતીક એવા પરમાત્માની સંનિધિ મેળવી શકે છે. આજે કોઇના માનવામાં ન આવે, પરંતુ પતંજલિના ઉપયુક્ત સૂત્રને સાકાર સ્વરૂપ આપનારા ઘણા ઋષિમુનિઓ હતાં. તેમના આશ્રમનાં આંગણામાં સિંહ, વાઘ, ગાય અને હરણ જેવાં પ્રાણીઓ વેરભાવ ભૂલીને સાથે ફરતાં-ચરતા હતાં. આવા પ્રેમની મૂર્તિ જેવા ઋષિમુનિઓને ભગવદ્ પ્રાપ્તિ થાય એમાં શંકાને કોઇ સ્થાન નથી.
હિંસા પછીની બીજી અશુદ્ધિનું નામ છે અસત્ય. આ અશુદ્ધિ દૂર થાય તો પણ પરમાત્માના દર્શન થઇ શકે છે. પતંજલિ કહે છે કે સત્ય એ બીજું કંઇ નહીં પણ પરમાત્માનું જ બીજું નામ છે. સામાન્ય રીતે માણસ સત્યરૂપી પરમાત્માને ભૂલ્યો છે અને આંખથી દેખાતા તથા ઇન્દ્રિયોથી અનુભવાતા સંસારને જ સર્વ કાંઇ સમજે છે. જેમ ફૂલમાં સુગંધ છે પણ દેખાતી નથી તેમ સૃષ્ટિમાં મનુષ્ય સહિત દરેક પદાર્થોમાં પરમ તત્ત્વ છે પણ તે નરી આંખે દેખાતા નથી એટલે પરમાત્મા જેવું કાંઇ છે, તેનો પણ ઇનકાર કરતાં પણ માણસ અચકાતો નથી.
બિઝનેસ મૅનેજમેન્ટ અને માર્કેટિંગ જેવા શબ્દો તમે રોજ સાંભળો છો, તેના નિષ્ણાતો એક સુરે એક જ વાત કહે છે કે કોઇ પણ ધંધામાં આજે હરીફાઇ વધી છે માટે ધંધાને વધારવો હોય, ટકાવવો હોય તો સત્ય અને પ્રામાણિક ધંધો જે કરશે એ જ ટકી શકશે, બાકીના બધા ફેંકાઇ જશે. અનેક યોજના, લાલચોના જૂઠાણાં તમે તમારા માલ વેચવા કરશો તે નિષ્ફળ જશે. તમારી પ્રોડક્ટની કવૉલિટી, તમારો પ્રામાણિક અને પારદર્શી વ્યવહાર જ તમને ધંધામાં ટકાવી શકશે. વિશ્ર્વભરના માર્કેટિંગ નિષ્ણાતો જે પ્રવચનો આપે છે કે પુસ્તકોમાં લખે છે તેનો નિચોડ એ છે કે સત્ય જ ઇશ્ર્વર છે. જો આવા પુસ્તકો થકી વિદેશી યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને જ્ઞાન અપાતું હોય તો પછી પતંજલિના યોગદર્શનને કમ સે કમ ભારતની યુનિવર્સિટીઓમાં કેમ ન શીખવાડી શકાય?
વાચકમિત્રો, તમે તમારા હૃદય પર હાથ મૂકી ખરેખર સત્ય કહેજો કે યોગમાં આવતી વાતોમાં સંપ્રદાય કે કોમવાદનો અંશ પણ આવે છે? અરે પતંજલિએ જે સમયમાં યોગદર્શન લખ્યું તે વખતે તો હિંદુ, જૈન, બૌદ્ધ, મુસ્લિમ, ખ્રિસ્તી જેવા કોઇ સંપ્રદાયો તો ઠીક, નામો પણ અસ્તિત્વમાં નહોતાં. એમણે જે લખ્યું છે તે ફકત માનવજાતના કલ્યાણ અર્થે લખ્યું છે. ભૂતકાળમાં ભારતમાં આવા ગ્રંથો લખાયા હોય અને અત્યારે તેના અનુયાયીઓ હિન્દુઓ, જૈનો કે બૌદ્ધો તરીકે ઓળખાયા હોય એ માટે શું આજના વિદ્યાર્થીઓને તેનું જ્ઞાન ન આપી શકાય?
આવા ઉમદા સર્વજન હિતાય શિક્ષણથી વિદ્યાર્થીઓને વંચિત રાખીને આજે શાળામાં જાતીય શિક્ષણ આપવું જોઇએ તેવી ચર્ચા-વિચારણાઓ થાય છે. અરે મારા ભાઇ, જાતીય શિશ્રણ તો કુદરતી છે. અમીબા નામના એકકોષી જીવથી લઇને હાથી જેવા મહાકાયને પણ એનું પ્રકૃતિ સહજ જ્ઞાન હોય છે. શાળાનું કામ તો વ્યક્તિને પ્રાકૃત અવસ્થામાંથી સુસંસ્કૃત અવસ્થામાં લઇ જવાનું હોય છે. ઇન્દ્રિયોને બહેકાવતું જાતીય શિક્ષણ બાળપણમાં જ આપીને સંસ્કૃતમાંથી પ્રાકૃત તરફ જવાનું ઊંધું કામ તો આપણે નથી કરી રહ્યા ને?
થોડા સમય પહેલાં એક વર્તમાન પત્રમાં વાંચવા મળ્યું હતું કે બ્રિટનની એક ચર્ચમાં યોગ શીખવાડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ઘણા વિદેશીઓને મન યોગ એટલે માત્ર આસનો અને પ્રાણાયમ. જ્યારે તેમને ખબર પડી કે આમાં તો આત્માના પરમાત્મા સાથેના જોડાણની પણ વાતો આવે છે ત્યારે તેમણે તેને હિન્દુ સંપ્રદાયની ધાર્મિક વાતો ગણી યોગ પર પ્રતિબંધ મૂક્યો. નોંધનીય વાત તો એ છે કે અહિંસા અને સત્ય જેવા માનવતાવાદી ગુણો પર કોઇ એક ધર્મનો ઇજારો નથી પણ આવા ગુણોનો ભારતમાં લખાયેલા યોગગ્રંથોમાં ઉલ્લેખ થયો ેએટલે કમનસીબે આવી સરસ યોગ પ્રક્રિયા પર ‘હિન્દુ’ લેબલ લાગી ગયું અને પ્રતિબંધ પણ મૂકાઇ ગયો.
હવે મૂળ વાત પર પાછા આવીએ તો યોગની આઠ પ્રક્રિયાઓમાં પ્રથમ ક્રિયા એટલે યમ અને યમના પાંચ અંગોમાંથી બે અંગ એટલે અહિંસા અને સત્ય વિશે આપણે ટૂંકમાં સમજ્યા, પણ આ તો એક મોટી હિમશીલાની ટોચ જેટલું જ જ્ઞાન થયું. હજું આપણે ઊંડા ઊતરીશું તેમ તમે પણ વિચારતા થશો કે આવું ઉત્કૃષ્ટ જ્ઞાન વિદ્યાર્થીઓને શાળામાં ન આપીને આપણે ભૂલ તો નથી કરી રહ્યા ને?
આવતે અઠવાડિયે આપણે યમના ત્રીજા અંગ અસ્તેય અર્થાત્ ચોરી નામની અશુદ્ધિ વિશે જાણીશું.