ધર્મતેજ
ભારતના બહુ જાણીતા નહીં એવા પાંચ પ્રાચીન મંદિરો
વિશેષ -કવિતા યાજ્ઞિક
વિશ્ર્વના સૌથી પૌરાણિક ધર્મનું ઉદ્દગમ સ્થાન આપણું ભારત છે, તે દરેક ભારતીય જાણે જ છે. પોતાની આસ્થાના પાલન માટે ભવ્ય અને દિવ્ય એવા અનેક મંદિરોની સ્થાપના આપણે ત્યાં થઇ છે, પણ કોઈ એમ પૂછે તો કે ભારતના સૌથી પૌરાણિક મંદિરો કયા છે? તો તેનો જવાબ આપવો અતિ મુશ્કેલ છે. આપણે ત્યાં અન્ય અનેક મંદિરો અતિપ્રાચીન હોવાના દાવાઓ થાય છે. ખાસ કરીને જ્યોતિર્લિંગો અને શક્તિપીઠો કાળને અતિક્રમી ગયા કહેવાય તેટલા જૂના માનવામાં આવે છે. તેમ છતાં આપણે બહુ જાણીતા નહીં એવા માત્ર પાંચ પ્રાચીન મંદિરો વિશે ટૂંકમાં જાણીએ.
ભદ્રેશેશ્ર્વર મંદિર
આ મંદિર તમિળનાડુના તંજાવુરમાં આવેલું છે અને તેની સ્થાપત્ય, શિલ્પ અને અન્ય કળા માટે પ્રખ્યાત છે. તેમાં એક ખાસ પેવેલિયન છે જેના પર નંદી આખલો ઊભો છે, એક મોટો હોલ અને એક પોર્ટિકો છે. આ મુખ્ય મંદિરની ટોચ ૬૬ મીટર ઉચ્ચ છે તે ઈસ્વીસન ૧૦૦૨માં રાજા રાજરાજ ચોલા દ્વારા બનાવવામાં આવ્યું હતું. આ દ્રવિડિયન સ્થાપત્ય શૈલીમાં બાંધવામાં આવેલી રચનાઓમાંની એક છે.
કૈલાસ મંદિર
આ મંદિર મહારાષ્ટ્રના ઈલોરા ખાતે આવેલું ભારતના સૌથી મોટા પથ્થર કાપીને બનાવેલ મંદિરોમાંનું એક છે. તેનું બાંધકામ પલ્લવ યુગ જેવું લાગે છે. તે એક જ ખડકમાંથી કોતરવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે. આ મંદિર ૮મી સદીની આસપાસ બાંધવામાં આવ્યું હતું. તે મંદિરના પુલ, પથ્થરની કમાનો અને શિલ્પો આ મંદિરની વિશેષતાઓ છે જે એક જ ખડકમાંથી કોતરવામાં આવ્યા હોવાનું જાણીતું છે.
તુંગનાથ મંદિર
ઉત્તરાખંડમાં પંચ કેદાર ખાતેનું તુંગનાથ મંદિર સૌથી વધુ ઊંચાઈ પર છે અને તે વિશ્ર્વનું સૌથી ઊંચે આવેલું શિવ મંદિર ગણાય છે. સમુદ્ર સપાટીથી તેની ઊંચાઈ ૩૬૮૦ મીટર છે. એક દંતકથા અનુસાર, ભગવાન રામે રાવણનો વધ કરીને પોતાને બ્રહ્મહત્યાના શ્રાપમાંથી મુક્ત કરવા માટે અહીં ધ્યાન કર્યું હતું. આ મંદિર એટલું નાનું છે કે અહીં એક સમયે માત્ર ૧૦ લોકો જ બેસી શકે છે. જોકે, હવે યુટ્યૂબ ચેનલોના પ્રતાપે પંચ કેદારમાંથી એક એવું આ મંદિર થોડું વધુ જાણીતું થવા લાગ્યું છે.
મુંડેશ્ર્વરી દેવી મંદિર
બિહારમાં આવેલું મુંડેશ્ર્વરી દેવી મંદિર ભારતનું સૌથી પૌરાણિક મંદિર માનવામાં આવે છે. ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ અનુસાર, આ મંદિર સાકા યુગમાં ૬૨૫ સીઇમાં બનાવવામાં આવ્યું હતું. આ એક દુર્લભ અષ્ટકોણ રચના છે. તે નાગર સ્થાપત્યનું ઉત્તમ ઉદાહરણ માનવામાં આવે છે. રામ નવમી અને શિવરાત્રિ દરમિયાન અહીં મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય છે.
સુબ્રહ્મણ્ય મંદિર, સાલુવાન્કપમ્
જ્યારે ૨૦૦૪માં સુનામી તમિળનાડુના દરિયાકિનારે આવી ત્યારે સુબ્રહ્મણ્ય મંદિર લોકોની સમક્ષ આવ્યું હતું. આ મંદિર સમગ્ર રાજ્યમાં સૌથી જૂનું માનવામાં આવે છે અને તે દેવતા મુરુગનને સમર્પિત છે. તે બે સંરચનાઓની સ્થાપત્ય શૈલીનું મિશ્રણ છે. એક નવમી સદીના પલ્લવ યુગનો અને બીજો આઠમી સદીના યુગનો સંગમ.