ધર્મતેજ

પાંચમોે યમ: અપરિગ્રહ સંસારમાં રહીને પણ અપરિગ્રહ કેવી રીતે પાળી શકાય તે સમજવું જરૂરી છે

યોગ-વિજ્ઞાન -મુકેશ પંડ્યા

(ગતાંકથી ચાલુ)
હવે આપણે યમના અંતિમ અંગ અપરિગ્રહ વિશે વાત કરીએ. મહર્ષિ પતંજલિ મુજબ, માલિકીપણાની ભાવના, અહમ્, મમતા, સંગ્રહ કરવાની વૃત્તિ તથા આસક્તિનો ત્યાગ કરવો એટલે અપરિગ્રહ. આજે શાળામાં કોઇ વિદ્યાર્થીને અપરિગ્રહનો અર્થ પૂછીએ તો અર્થ તો શું, જોડણી પણ સાચી લખી નહીં શકે. ઉચ્ચ શિક્ષણ મેળવીને નાણાં કમાવાના છે એટલી જ વિદ્યાર્થીને ખબર હોય છે. આપણે જયારે કશુંક મેળવવું હોય તો આપણને તેનાં જ સપના આવતા હોય છે. તે એટલી હદે કે આસપાસની ચીજો પણ દેખાતી નથી કે તેના વિશે વિચાર પણ આવતા નથી. મોહમાં કે પ્રેમમાં માણસ અંધ બની જાય છે તે કહેવું આવા જ અનુભવ પરથી આવ્યું છે. આવા છતી આંખે અંધ બનેલા લોકો પરમાત્મા દર્શન ન કરી શકે તો એનો અર્થ એ નથી કે પરમાત્મા નથી. પરમાત્મા જ્યાં છે ત્યાં જ છે, પરંતુ આત્મા અને પરમાત્મા વચ્ચે અનેક ચીજોના મોહરૂપી પડદા પડી ગયા છે. આવાં આવરણોનો એક પછી એક ત્યાગ કરી શકીએ તો પરમાત્માનાં દર્શનની તક વધતી જાય એમાં બે મત નથી.

નાટક અને નાટ્યકલાકારોને જોવા માટે પણ સ્ટેજ પર પડેલો પડદો ઊંચકવો પડે છે. તો બ્રહ્માંડના સૌથી મોટા ગજાના કલાકાર એવા પરમાત્માને જોવા કેટલા બધા પડદાને ઊંચકવા પડે? રામે સત્તાનો ત્યાગ કર્યો, મહાવીરે સંસારનો ત્યાગ કર્યો, કૃષ્ણે સંસારમાં રહીને પણ ઘણા ત્યાગ કર્યા. ઘણા લોકો અને યુવાવર્ગ વાતવાતમાં મજાક કરતાં હોય છે કે રામ અને મહાવીર એટલે ત્યાગની મૂર્તિ એ બરાબર પણ કૃષ્ણે તો ઘણી મજા કરી છે, પરંતુ જે લોકો વનવાસી થવા માગતા હોય કે સાધુ થવા માંગતા હોય તેમણે રામ કે મહાવીરની પ્રેરણા લેવી બરાબર છે. પણ સંસારમાં રહીને ત્યાગ ભાવના કેળવવાની વાત આવે તો કૃષ્ણને યાદ કરવા પડે. આપણે ત્યાં હજારે એક જણ સંસારત્યાગનું વિચારતો હશે અને લાખે એક જણ સંસાર ખરા અર્થમાં ત્યાગી શકતો હશે, એટલે બાકીના નવ્વાણું હજાર, નવસો ને નવ્વાણું લોકો માટે સંસારમાં રહીને પણ અપરિગ્રહ કેવી રીતે પાળી શકાય તે સમજવું જરૂરી છે. એક ભાઇ કહે કે આ ત્યાગની વાતો તો રામ અને મહાવીર જ કરી શકે.
આપણી પાસે તો કંઇ હોય તો ત્યાગ કરીએને? એ ભાઇ ચર્ચગેટમાં કોઇ કંપનીમાં કામ કરે અને બોરીવલીમાં રહે. મર્યાદિત આવક. મેં એમને કહ્યું કે સર્જનહારે દરેકદરેક વ્યક્તિને કંઇક તો આપ્યું જ છે, જેનો ત્યાગ કરી શકે. એ કહે કેવી રીતે? મેં કહ્યું, તમે ચર્ચગેટથી ખાલી ગાડીમાં બેસો છો. પછી અડધે પહોંચો ત્યારે બીજા લોકોને બેસાડવા તમારી સીટનો ત્યાગ કરી શકો છો અને કોઇ વચ્ચેના સ્ટેશનથી ચડેલી વ્યક્તિના આશીર્વાદ લઇ શકો છો. થોડા દિવસો પછી અચાનક તે ભાઇ રસ્તામાં મળી ગયા. એ કહે આ તો ચમત્કાર થઇ ગયો. મેં પૂછયું શું થયું? હું રોજ ચર્ચગેટથી સાંતાક્રુઝ સુધી બેસું છું. પછી વચ્ચેથી ચડેલી કોઇ થાકેલી વ્યક્તિને મારી સીટ ઓફર કરું છું. તો એ ખુશ થઇ જાય છે અને મને એક જાતનો સંતોષ થાય છે કે ચાલો હું રૂપિયા-પૈસાથી કોઇને મદદ કરી શકું એવી મારી સ્થિતિ નથી, પણ આ રીતે પણ લોકોને મદદરૂપ થઇ શક્યો છું. વળી મારું આવું કાર્ય જોઇને હવે બાકીના લોકો જે ચર્ચગેટથી ચડયા હોય તે પણ ઊભા થઇ જાય છે અને બીજાને સીટની ઓફર કરે છે. પહેલાં લોકો સીટ મેળવવા મારામારી ને ગાળાગાળી કરતાં. હવે લોકો પોતાની સીટ બીજાને ઓફર કરે છે અને નરક જેવો લાગતો અમારો ડબ્બો સ્વર્ગ જેવો બની જાય છે. જો નાની અમથી સીટના ત્યાગથી સામેના પ્રવાસીમાં સ્મિતના દર્શન કરી શકાય તો પછી રામ કે મહાવીર જેવા અપરિગ્રહથી પરમાત્માના સ્મિતનું દર્શન કેમ ન કરી શકાય અને જિંદગીની સફર કેમ ન સુધારી શકાય?
કૃષ્ણને તો જન્મતાંની સાથે જ માતા-પિતા દેવકી વાસુદેવનો ત્યાગ થઇ ગયો હતો. જરાસંધના વારંવારના આક્રમણથી પ્રજાને બચાવવા મથુરાનો ત્યાગ કરી તેમણે દ્વારકા વસાવ્યું હતું. સંસારમાં હોવા છતાં અને રાજા હોવા છતાં તેમણે ઘણાં કષ્ટ ભોગવ્યાં. બાળપણના મિત્ર સુદામાની આગળ પોતે રાજા છે એવી કોઇ મોટાઇ તેમણે જરા પણ દેખાડી ન હતી. સુદામાને પોતાના સિંહાસન પર બેસાડી પોતાના હાથથી તેમના ધૂળથી ખરડાયેલા પગને પાણીથી ધોઇ સાફ કર્યા. આ પ્રસંગ જ બતાવે છે કે કૃષ્ણએ અહંકારનો પૂર્ણ રીતે ત્યાગ કર્યો હતો. ધર્મ ખાતર દુર્યોધનના છપ્પનભોગનો ત્યાગ કરી વિદુરજીની ખીચડીથી સંતોષ માન્યો. કૃષ્ણના જીવનમાં આવા ત્યાગ અને નમ્રતાની કસોટી કરતા તો અનેક પ્રસંગો આવ્યા હતા. તેમાંથી તેઓ સફળ રીતે પાર થઇ અંતે ‘પરમાત્માપણું’ પામ્યા. આમ આપણે સંસારમાં રહીને પણ સાંસારિક ચીજો પ્રત્યેની આસક્તિ હટાવીએ તો પરમાત્માનાં દર્શન અવશ્ય થાય. સહજતાથી જે મળે તેનો સ્વીકાર કરવાનો અને તેમાં જ સંતોષ માનવો એ પણ અપરિગ્રહનો જ એક ભાગ છે, જે આજનો સામાન્ય માનવી પણ ધારે તો પોતાના જીવનમાં ઉતારી શકે છે. આજ વાત સરસ રીતે સંત કબીરે કહી છે.
સહજ મિલા સો દૂધ બરાબર,
માંગ લિયા સો પાની
છીન લિયા સો ખૂન બરાબર,
યહ હૈ કબીર કરી બાની.

રેલગાડીમાં તમને સરળતાથી બેસવા મળે તો ઠીક, બાકી માગીને કે દાદાગીરીથી કોઇ સીટ મેળવી લો તો એમાં અપરિગ્રહતાનો ભંગ થાય છે. આ તો માત્ર ઉદાહરણ છે. આવી તો અનેક બાબતો જબરદસ્તી પામવાને બદલે છોડતા જોઇએ તો આ પૃથ્વી સ્વર્ગ જેવી બની જાય.

પતંજલિ તો એટલે સુધી કહે છે કે અપરિગ્રહનું પૂર્ણ પાલન કરવામાં આવે તો પૂર્વજન્મનું જ્ઞાન પણ થઇ જાય છે. વિજ્ઞાનની રીતે જો આ વાત સમજાવવાની હોય તો એમ કહી શકાય કે મેળવવાની વૃત્તિમાં મન ભટક્યા કરે છે. જયારે છોડવાની વૃત્તિથી મન સ્થિર થાય છે. જેમ ગતિમાન પાણીની નીચે છુપાયેલો પદાર્થ દેખાતો નથી, પરંતુ શાંત જળમાં તળિયેના બધા પદાર્થ જોઇ શકાય છે. એ ભટકતા અસ્થિર મનમાં આપણું સ્વરૂપ ખોવાઇ જાય છે. જયારે સ્થિર મનથી એકાગ્રતા સાધતાં માત્ર વર્તમાન સ્વરૂપ જ નહીં, ગત જન્મોંના સ્વરૂપ પણ સ્પષ્ટ થઇ જાય છે.
મેળવવાની અસ્થિરતા વધે છે. છોડી દેવાથી સ્થિરતા વધે છે. મેળવી લેવાની વૃત્તિ કલેશ-વેરઝેર વધારે છે. જેમાં અંધ બનેલા લોકો પ્રભુને જોઇ શકતા નથી. છોડવાની વૃત્તિથી અંધત્વ દૂર થઇ નવી દૃષ્ટિ ખૂલે છે જયાંથી પ્રભુના દર્શન સહજ રીતે થાય છે.

આમ યમનાં પાંચેય અંગો મનને શુદ્ધ અને સ્થિર કરવામાં મદદરૂપ થાય છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
જવાન દેખાવું છે? તો ઘરે જ કરો આ ઉપાય અનંત-રાધિકાના સંગીતમાં પહોંચેલી આ એક્ટ્રેસે કેમ ફાડ્યો પોતાનો જ લહેંગો? WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો?