એકસ્ટ્રા અફેર : સલમાન-મૌલાના અંદરખાને મળેલા તો નથી ને?

- ભરત ભારદ્વાજ
હિન્દી ફિલ્મોના અભિનેતા સલમાન ખાનની `સિકંદર’ ફિલ્મ આજે રિલીઝ થવાની છે. એ પહેલાં સલમાન ખાને અયોધ્યાના ભગવાન શ્રીરામ મંદિરની તસવીરવાળી ઘડિયાળ પહેરી તેનો વિવાદ જામ્યો છે. એક તરફ સલમાન મુસ્લિમ કટ્ટરપંથીઓની ટીકાનો મારો સહન કરી રહ્યો છે ત્યારે બીજી તરફ હિંદુઓ અને મુસ્લિમોનો મોટો વર્ગ પણ સલમાનની તરફેણમાં કૂદતાં સોશિયલ મીડિયા પર જંગ જામ્યો છે. કોમિક વાત એ છે કે, આ જંગના મૂળમાં ઓલ ઈન્ડિયા મુસ્લિમ જમાતના રાષ્ટ્રીય પ્રમુખ મૌલાના શહાબુદ્દીન રઝવી છે કે જેમણે થોડા સમય પહેલાં ભારતીય ક્રિકેટર મોહમ્મદ શમીએ રમઝાન દરમિયાન રોઝા ના રાખ્યા તેને પાપ ગણાવીને વિવાદ ઊભો કરેલો.
મૌલાના સાહેબ અત્યારે સલમાનના નામે વિવાદ ઊભો કરીને પોતાની ખિચડી પકાવી રહ્યા છે ને પબ્લિસિટી મેળવી રહ્યા છે જ્યારે સલમાન `સિકંદર’ ફિલ્મને હીટ કરાવવા માટે હિંદુઓની સહાનુભૂતિ મેળવવા ભગવાન રામના મંદિરના ડાયલવાળી ઘડિયાળ પહેરીને બેઠો છે. બંનેના પોતપોતાના સ્વાર્થ છે ને આ દેશની પ્રજા બેવકૂફ બનીને લડી રહી છે. હિંદુઓ અને મુસ્લિમો બંને વચ્ચે બેવકૂફીમાં આગળ નીકળી જવાની હોડ જામેલી છે.
આ બેવકૂફીની શરૂઆત સલમાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર તસવીરો મૂકી એ સાથે થઈ. સલમાન ખાને થોડા સમય પહેલાં ઇન્સ્ટાગ્રામ પર પોતાની કેટલીક તસવીરો મૂકેલી ને તેમાં પોતાની ઘડિયાળને હાઈલાઈટ કરી હતી. સલમાને પહેરેલી ઘડિયાળમાં અયોધ્યાના રામ મંદિરના ચિત્રવાળું ડાયલ હતું ને કેપ્શનમાં લખ્યું હતું કે, ઈદ પર થિયેટરોમાં મળીશું. સિકંદર' ફિલ્મ આજે રિલીઝ થવાની છે ને સોમવારે ઈદ છે તેથી સલમાને ઘડિયાળની સાથે સાથે
સિકંદર’ ફિલ્મનો પ્રચાર પણ કરી નાંખેલો પણ રઝવીને તેમાં વાંધો પડી ગયો.
રઝવીએ સલમાને ભગવાન રામના મંદિરની તસવીર ધરાવતી ઘડિયાળ પહેરી તેને શરિયત વિદ્ધનું કૃત્ય' અને
પાપ’ ગણાવ્યું છે. મૌલાના રઝવીએ એક વીડિયો જાહેર કરીને સલમાન ખાનને આ ઘડિયાળ ઉતારી નાખવાની વણમાગી સલાહ પણ આપી છે. રઝવીનો દાવો છે કે, શરિયા એટલે કે મુસ્લિમોના કાયદા પ્રમાણે કોઈપણ મુસ્લિમને બિન-મુસ્લિમોના ધાર્મિક પ્રતીકો, ઇમારતો અથવા મંદિરોનો પ્રચાર કરવાની મંજૂરી નથી. સલમાન ખાન એક પ્રખ્યાત મુસ્લિમ છે અને હિન્દી ફિલ્મોમાં અભિનય માટે જાણીતા છે પણ એ પહેલાં મુસ્લિમ છે. આ સંજોગોમાં રામ મંદિરના પ્રચાર માટે બનાવાયેલી ઘડિયાળ તેણે ના પહેરવી જોઈએ. મૌલાના સાહેબે જ્ઞાન પિરસ્યું છે કે, કોઈપણ મુસ્લિમ બિન-મુસ્લિમોના ધાર્મિક પ્રતીકો, ઇમારતો અથવા મંદિરોનો પ્રચાર કરે તો તે શરિયા મુજબ ગુનો કરી રહ્યો છે. આ હરામ છે અને સલમાને આ પાપથી બચવું જોઈએ.
મૌલાના સાહેબ પાપ-પુણ્યની પારાયણ માંડીને બેઠા છે પણ ભાઈજાન'ને પાપ-પુણ્યમાં જરાય રસ નથી. સલમાનને
સિકંદર’ ફિલ્મ સુપરહિટ થાય તેમાં રસ છે. છેલ્લા કેટલાક સમયથી સલમાનની ફિલ્મો એક પછી એક સુપર ફ્લોપ થઈ રહી છે અને સલમાનનું સુપરસ્ટારડમ ખતમ થઈ ગયું છે. સાઉથની ફિલ્મોને હિન્દીમાં પણ નાના બજેટની ફિલ્મો ધૂમ મચાવે છે પણ સલ્લુભાઈને જોવા લોકો આવતા નથી. પોતાની ફિલ્મો ચલાવવા સલ્લુએ જાત જાતનાં તિકડમ કરી જોયા પણ ફાવ્યો નહીં એટલે છેવટે ભગવાન રામના શરણે ગયો છે.
હિંદુઓ સલમાનના બચાવમાં કૂદી પડ્યા છે પણ આ મુદ્દે સલમાન પર ઓળઘોળ થવાની જરૂર નથી. ભગવાન રામનું મંદિર બન્યું એ વાતને એક વર્ષ પૂરું થઈ ગયું. આ એક વર્ષમાં સલમાન ખાને એક પણ વાર રામ મંદિરને કે ભગવાન રામને યાદ કર્યા ? બિલકુલ નથી કર્યા. હવે અચાનક જ `સિકંદર’ ફિલ્મ રિલીઝ થવાની છે તેના તાર દિવસ પહેલાં જ ભગવાન રામ યાદ આવી ગયા ને ભગવાન રામના મંદિરનું ડાયલ ધરાવતી ઘડિયાળ પહેરીને હાજર થઈ ગયો તેનું કારણ શું ?
સલમાનને ખબર છે કે, પોતે ભગવાન રામના મંદિરનું ડાયલ ધરાવતી ઘડિયાળ પહેરીને આવશે એટલે ડખો થવાનો જ છે. કટ્ટરવાદી તેની સામે વાંધો લેવાના છે ને વિવાદ થવાનો જ છે. હિંદુઓ પોતાનો પક્ષ લેવાના જ છે. ધર્મના ભાવાવેશમાં આવીને હિંદુઓ થિયેટર લગી લાંબા થઈ જાય તો `સિકંદર’ ફિલ્મ હિટ થઈ જાય ને પોતાનો બેડો પાર થઈ જાય એવી બહુ સાદી ગણતરી સલમાને માંડી છે. અત્યારે સલમાનની તરફેણમાં જે રીતે માહોલ પેદા થઈ રહ્યો છે એ જોતાં આ ગણતરી સાચી પડી રહી હોય એવું લાગે છે.
હિંદુઓએ તો સલમાન અને મૌલાના શહાબુદ્દીન રઝવી અંદરખાને મળેલા તો નથી ને એ પણ વિચારવાની જરૂર છે. સલમાને ઘડિયાળ પહેરી કે તરત વિવાદ ઊભો કરવા મૌલાના શહાબુદ્દીન રઝવી હાજર થઈ ગયા, વીડિયો બહાર પાડી દીધો એ જોતાં આ શક્યતા પણ છે જ. ફિલ્મોવાળા પબ્લિસિટી માટે ગમે તે કરી શકે ને મૌલાના શહાબુદ્દીન રઝવી જેવા લોકો પણ ગમે તે કરી શકે. બીજા કોઈ મુસલમાને નહીં ને મૌલાના શહાબુદ્દીન રઝવીએ જ વાંધો લીધો એ જોતાં એ સલમાનના પીઠ્ઠુ હોઈ શકે. સાજિદ નડિયાદવાલાએ ફિલ્મ બનાવવા પાછળ બસો કરોડનું આંધણ કર્યાનું કહેવાય છે. હિંદુઓની સહાનુભૂતિ મેળવીને ફિલ્મ હિટ કરાવાતી હોય તો મૌલાના શહાબુદ્દીન રઝવીને થોડાક ખટાવવામાં તેને તકલીફ ના જ હોય. સલમાન પોતે પણ આ ખર્ચ કરી શકે.
સલમાન અને મૌલાના મળેલા ના હોય તો પણ આ વિવાદ ઉભો કરીને મૌલાના પબ્લિસિટી માટે મથતા હોય એ શક્યતા પૂરેપૂરી છે. મૂળ ઉત્તર પ્રદેશના બરેલીના મૌલાના શહાબુદ્દીન રઝવીએ થોડા સમય પહેલાં ભારતીય ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીની ટીકા કરીને આવો વિવાદ ઊભો કર્યો જ હતો. પાકિસ્તાન-દુબઈમાં મિનિ વર્લ્ડ કપ મનાતી ચેમ્પિયન્સ ટ્રોફીની સેમી ફાઈનલ દરમિયાન મોહમ્મદ શમીએ મેદાન પર એનર્જી ડ્રિંક પીધું તેનાથી નારાજ થઈ ગયેલા શહાબુદ્દીન રઝવીએ શમીની હરકતને ઈસ્લામ વિરોધી ગણાવીને ટીકા કરી હતી કે, શમી રમઝાન દરમિયાન રોઝા નહીં રાખીને પાપ કરી રહ્યો છે. `રોઝા’ નહીં રાખીને શમીએ ગુનો કર્યો છે. શરિયતની નજરમાં તે ગુનેગાર છે અને તેણે ખુદાને જવાબ આપવો પડશે.
શમી વતી એ વખતે હિંદુઓએ જવાબ આપેલો ને અત્યારે સલમાન વતી પણ હિંદુઓ જવાબ આપી રહ્યા છે. તેના કારણે હિંદુઓમાં મૌલાના વિલન ઠરી રહ્યા છે પણ કટ્ટરવાદી મુસ્લિમોની નજરમાં એ હીરો બની રહ્યા છે. જેમને મહિના પહેલાં ઓળખતું નહોતું એવા મોલાના શહાબુદ્દીન રઝવી માટે આ ફાયદો નાનોસૂનો થોડો છે?
આ પણ વાંચો: આચમન – : જબ ગલે હમતુમ મિલે, સબ ગીલે જાતે રહે…