એકસ્ટ્રા અફેર – રાજ-ઉદ્ધવ હાથ મિલાવે તો બંને ફાયદામાં રહેશે

-ભરત ભારદ્વાજ
મહારાષ્ટ્રમાં શિવસેનામાં ભંગાણ અને મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં કારમી હાર પછી ઉદ્ધવ ઠાકરે પોતાના રાજકીય અસ્તિત્વ માટે લડાઈ લડી રહ્યા છે ત્યારે ઉદ્ધવ ઠાકરે અને તેમના પિતરાઈ રાજ ઠાકરે હાથ મિલાવે એવા સંકેત રાજ ઠાકરેએ આપ્યા છે. રાજ ઠાકરે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (ખગજ)ના પ્રમુખ છે પણ મનસેનું પણ કોઈ રાજકીય વજન નથી.
આ સંજોગોમાં આવ ભાઈ હરખા, આપણે બેઉ સરખા કરીને રાજ અને ઉદ્ધવ એક થઈ જાય એવા સંકેત ખુદ રાજ ઠાકરેએ આપ્યો છે.
એક યુ-ટ્યુબ ચેનલને આપેલી મુલાકાતમાં રાજ ઠાકરેએ દાવો કર્યો કે, ઉદ્ધવ સાથે તેમને રાજકીય મતભેદો છે, વિવાદો છે, ઝઘડા છે પણ મહારાષ્ટ્રના હિતમાં આ બધી જ બાબતો ખૂબ જ નાની છે. મહારાષ્ટ્ર અને મરાઠી લોકોના હિત માટે સાથે થવામાં કોઈ મુશ્કેલી નથી. મહારાષ્ટ્રના હિતના કોઈપણ મોટા ધ્યેય સામે અમારી વચ્ચેના ઝઘડા નાના છે. રાજ ઠાકરેના કહેવા પ્રમાણે, એ શિવસેનામાં હતા ત્યારે પણ તેમને ઉદ્ધવ સાથે કામ કરવામાં કોઈ વાંધો નહોતો.
રાજ ઠાકરેએ પોતે ઉદ્ધવ સાથે હાથ મિલાવશે કે નહીં તેનો નિર્ણય ઉદ્ધવ પર છોડીને એમ પણ કહ્યું કે, હવે સવાલ એ છે કે, સામેની વ્યક્તિ એટલે કે ઉદ્ધવ હું તેની સાથે કામ કરું કે નહીં એવું ઇચ્છે છે કે નહીં તેનો છે. બાકી હું તો ક્યારેય આવી નાની નાની બાબતોમાં મારો અહંકાર લાવતો નથી. ઉદ્ધવે પણ રાજ ઠાકરે જેવો જ સૂર કાઢ્યો છે ને કહ્યું છે કે, રાજ સાથે મારા તરફથી ક્યારેય કોઈ ઝઘડો થયો નથી. ઉદ્ધવ ઠાકરેએ પોતે રાજ ઠાકરે સાથે હાથ મિલાવવા તૈયાર છે એવું ફોડ પાડીને કહ્યું નથી પણ હાથ નહીં મિલાવે એવું પણ કહ્યું નથી. બલ્કે ઉદ્ધવ ઠાકરેનો સૂર પણ હકારાત્મક છે એ જોતાં બંને ભેગા થઈ જાય તો નવાઈ નહીં લાગે.
જો કે રાજકારણીઓ જાહેરમાં બોલે છે એ રીતે વર્તે એ જરૂરી નથી. રાજ અને ઉદ્ધવ બંનેને આ વાત લાગુ પડે છે. બંને જાહેરમાં કોઈ ઝગડો નથી એવું કહ્યા કરતા હોય પણ અંદરખાને એકબીજા માટે કડવાશ ભરીને બેઠા હોય એવું બને. આ સંજોગોમાં બંને સાથે ના થાય ત્યાં સુધી કંઈ પણ કહેવું વહેલું કહેવાય પણ બંને હાથ મિલાવી લે તો બંને ફાયદામાં રહેશે તેમાં
બેમત નથી.
રાજકીય રીતે અત્યારે ઉદ્ધવની શિવસેના અને મનસે બંને આઈસીયુમાં જ છે. 2024ની વિધાનસભા ચૂંટણીમાં રાજ ઠાકરેની મનસે અને ઉદ્ધવ ઠાકરેની શિવસેના એ બંને પક્ષોનું પ્રદર્શન ખૂબ જ ખરાબ હતું. ઉદ્ધવની શિવસેનાને મહારાષ્ટ્ર વિધાનસભાની 288 બેઠકોમાંથી ફક્ત 20 બેઠક મળી જ્યારે રાજ ઠાકરેની મનસેનું તો ખાતું પણ ખૂલ્યું ન હતું. લોકસભામાં ઉદ્ધવની શિવસેના પાસે 9 સાંસદ છે તેથી રાજ ઠાકરે કરતાં ઉદ્ધવ ચોક્કસ મજબૂત સ્થિતિમાં કહેવાય પણ સત્તા વિનાની તાકાતનો બહુ અર્થ નથી એ જોતાં કોઈની સ્થિતિ વખાણવા જેવી નથી જ.
રાજ ઠાકરેએ એક જમાનામાં મહારાષ્ટ્રમાં નિર્ણાયક રાજકીય પરિબળ બનવાની આશા ઊભી કરેલી પણ ગાજ્યા મેઘ વરસ્યા નથી. રાજ ઠાકરેએ 2006 માં શિવસેનાથી અલગ થઈને નવા પક્ષ મહારાષ્ટ્રના નવનિર્માણ સેનાની સ્થાપના કરી હતી. 9 માર્ચ 2006ના રોજ શિવાજી પાર્ક ખાતે રાજ ઠાકરેએ તેમના પક્ષ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (ખગજ)ની જાહેરાત કરી ત્યારે મનસેને ‘મરાઠી માનુષીઓની પાર્ટી’ ગણાવીને કહ્યું હતું કે આ પાર્ટી એક દિવસ મહારાષ્ટ્ર પર શાસન કરશે. રાજ ઠાકરેની પાર્ટીને 19 વર્ષ થઈ ગયાં પણ આ 19 વર્ષમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેના સત્તા મેળવવાની વત તો છોડો પણ સત્તાની નજીક પણ નથી પહેંચી, બલ્કે નામશેષ થઈને રહી ગઈ છે.
મહારાષ્ટ્ર નવનિર્માણ સેના વરસોથી લોકસભાની ચૂંટણી લડે છે પણ અત્યાર સુધીમાં લોકસભામાં એક પણ ઉમેદવાર ચૂંટાયો નથી. 2009માં મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેના પહેલી વાર લડી ત્યારે તેનો દેખાવ શાનદાર હતો. રાજ ઠાકરેની મનસેએ 13 બેઠકો જીતી હતી અને 24 વિધાનસભા મતવિસ્તારમાં રાજ ઠાકરેનો પક્ષ બીજા ક્રમે હતો. રાજનો પ્રભાવ પહેલા જ ધડાકે 37 વિધાનસભા બેઠકો પર વર્તાયેલો અને ત્યારે લાગતું હતું કે, ભવિષ્યમાં રાજ ઠાકરેની પાર્ટી સત્તામાં આવી શકે છે.
આ આશા ઠગારી નિવડી અને શાનદાર શરૂઆત પછી રાજ ઠાકરેની મનસેની અધોગતિ થઈ. વિધાનસભામાં સતત બેઠકો ઘટતી રહી ને ઝીરો પર આવી ગઈ. શાનદાર શરૂઆત પછી બીજો કોઈ પક્ષ હોય તો પોતાની સ્થિતિ મજબૂત કરીને આગળ વધે પણ મનસે પાછળ પડતી ગઈ. 2014ની વિધાનસભાની ચૂંટણીમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાની બેઠકો ઘટીને માત્ર 2 થઈ ગઈ હતી.
મનસે સ્થાનિક રાજકારણમાં પણ કોઈ છાપ છોડી શકી નથી. મનસેએ 2012માં નાસિક મહાનગરપાલિકામાં શાનદાર શરૂઆત કરી હતી. મનસેને નાસિક મનપાની 122માંથી 40 બેઠકો મળી હતી પણ 2017માં એમએનએસની બેઠકો ઘટીને 5 થઈ ગઈ અને અત્યારે મનસે ક્યાંય ચિત્રમાં જ નથી. 2012માં મુંબઈ મહાનગરપાલિકામાં મનસેએ 27 બેઠકો જીતી હતી જે 2017માં ઘટીને સાત થઈ ગઈ હતી. આ સાતમાંથી છ કોર્પોરેટરો શિવસેનામાં જોડાઈ જતાં માત્ર એક કોર્પોરેટર બચ્યો હતો. વિધાનસભામાં મનસે પાસે અત્યારે કોઈ પ્રતિનિધિત્વ નથી તેથી મનસે માત્ર કાગળ પરની પાર્ટી છે.
અત્યારે સ્થિતિ એ છે કે, મહારાષ્ટ્ર નવનિર્માણ સેના પાસે સંગઠન નથી કે મજબૂત નેતા નથી. રાજ ઠાકરે નિવેદનો ફટકારીને પોતાનું રાજકારણ ચલાવ્યા કરે છે અને ચર્ચામાં રહે છે. રાજ ઠાકરે હજુય મીડિયાને આકર્ષે છે પણ મતદારોને આકર્ષી શકતા નથી. ભાજપ સહિતના પક્ષોના નેતા વચ્ચે વચ્ચે રાજ ઠાકરેને મળી આવે છે પણ તેમની કોઈ ઉપયોગિતા નથી તેથી કોઈને જોડાણમાં રસ પડતો નથી. રાજ ઠાકરેએ હિંદુત્વનો નાદ જગાવીને જોયો, મરાઠી માનુષીની વાત પણ કરી લીધી ને મોદીનાં વખાણ પણ કરી નાખ્યાં છતાં રાજકીય પ્રભાવ ઊભો થતો નથી. બલ્કે થોડાંક વરસોમાં તેમનું રાજકીય અસ્તિત્વ જ મટી જાય એવો ખતરો છે.
આ સ્થિતિ આવે એ પહેલાં ઉદ્ધવ સાથે હાથ મિલાવી લે તો કમ કે કમ ભવિષ્યની પેઢી માટે તો રાજકીય પ્લેટફોર્મ તૈયાર કરી શકશે. ઉદ્ધવની શિવસેના ભાંગી ભાંગી તોય ભરૂચ છે. તેની પાસે હજુ થોડું સંગઠન છે ને વફાદાર મતબેંક પણ છે તેથી રાજ ઠાકરે ફાયદામાં રહેશે.
આપણ વાંચો: ફોકસ: અક્ષય તૃતીયા પર બનવાનો છે દુર્લભ સંયોગ