ધર્મતેજ

કર્મયુક્ત રહેવા છતાં પણ આપણે કર્મમુક્ત થઇ શકીએ છીએ, ગીતાજી એવી ફોર્મ્યુલા બતાવે છે

માનસ મંથન -મોરારિબાપુ

આજે એક ભાઈએ મને પૂછ્યું છે, ‘બાપુ, આપ કર્મમુક્તિમાં માનો છો?’ હવે મને પૂછ્યું છે તો હું તમને વિનંતી કરું, મારી એવી પૂરી કોશિશ છે કે, કર્મયુક્ત રહેવા છતાં પણ આપણે કર્મમુક્ત થઇ શકીએ છીએ. નાની એવી ફોર્મ્યુલા છે. કહી શકાય એ અનુભવ, ન કહી શકાય એ અનુભૂતિ, એવું મારું સ્પષ્ટ માનવું છે. અનુભૂતિનું સ્ટેશન હજી ન પણ આવ્યું હોય, પરંતુ અનુભવના પડાવ પર મારી ટ્રેન ઊભી છે એટલે હું તમને કહી શકું છું.

અર્જુન ન હોત તો કદાચ ભગવાન કૃષ્ણનો આપણને એટલો મોટો લાભ ન મળ્યો હોત. કૃષ્ણ ન હોત તો અર્જુનને કોઈ ઓળખત નહીં. અને એ બંને ન હોત તો આપણને ગીતાનો કોઈ દિવસ પરિચય થાત નહીં. આ ત્રણેય એક બીજાના આધ્યાત્મિક ત્રિકોણ છે.

‘શ્રીમદ્ ભગવદ્ ગીતા’માંથી મેં કેટલુંક પસંદ કર્યું છે. એમાંનું એક આ પણ છે; અને હું પ્રાર્થના કરું છું કે ક્યાંયથી પણ બંધાવું નહીં. બધેથી સત્ય લેવું. મારાં ભાઈ-બહેનો, સમગ્ર સંસારમાં રહીને આપણે કર્મમુક્ત થઇ શકીએ છીએ. નાની એવી ફોર્મ્યુલા છે. આ ‘ગીતા’ની વાત છે. યુક્ત થઈને પણ મુક્ત રહી શકાય છે. આ મારી પ્રયોગાત્મક વાત છે. યસ, જયારે કર્મસિદ્ધાંત કહે છે કે, એક ક્ષણ પણ કોઈ કર્મ કર્યા વિના નથી રહી શકતું. તો, કર્મથી મુક્ત કેવી રીતે રહી શકાય ? સાવ નાની એવી ફોર્મ્યુલા છે. ‘યદૂચ્છાલાભસંતુષ્ટો દદ્વાન્દ્વાતીતો વિમત્સર: ’ નાનું એવું સૂત્ર છે. ‘મારાં ભાઈ-બહેનો, હું હાથ જોડીને પ્રાર્થના કરું છું. કર્મની જાળમાં રહીને પણ કર્મમુક્ત રહી શકીશું. અને એ કોઈ બહુ ગહન વાત નથી. મારી કોઈ ઈચ્છા નથી, છતાં પણ મને જે મળી જાય એમાં હું સંતુષ્ટ રહું.’ આ વૈશ્ર્વિક સૂત્ર છે. જીવ કર્મની આખી શૃંખલામાં રહે તો પણ એ કર્મથી મુક્ત છે. તમે દોડાદોડ કરો છો, હું તમારાથી અનેકગણી વધારે દોડાદોડ કરું છે. હું કંઈ અકારણ તો ફરતો નથી. એ કર્મ જ છે.

દ્વંદ્વ તો ઘણાં છે, સુખ-દુ:ખ,મળવું-છૂટાં પડવું વગેરે, પરંતુ અહીં દ્વન્દ્વનો અર્થ છે, હર્ષ-શોક. સીધાં-સાદાં ચાર સૂત્રો છે. આ કોઈ ધાર્મિક પ્રક્રિયા નથી, કર્મકાંડ નથી. આમાં કોઈ ધર્મ બદલવાની જરૂર નથી. તમે કામ કરો, દિલ લગાવીને કામ કરો, પરંતુ ઈચ્છા વિના જ પરમાત્મા જે પદ આપે, પૈસા આપે, પ્રતિષ્ઠા આપે, એમાં સંતુષ્ટ થઇ જાવ. જયારે કોઈ, કોઈ પણની પાસે કોઈ પણ પ્રકારની આશા રાખ્યા વિના કર્મ કરશે, એના પરિણામરૂપે જે કાંઈ મળશે એમાં સંતુષ્ટ થઈને જીવન જીવશે, એ કર્મ કરતાં કરતાં પણ કર્મમુક્તિની ફોર્મ્યુલાનું પ્રથમ સૂત્ર છે. 

બીજું, જીવનમાં હર્ષ અને શોકના પ્રસંગો આપણા સૌના જીવનમાં આવે છે. વર્તમાન સમયમાં જે હર્ષ-શોક આવે એનું સ્વાગત કરો. અને અહીં ‘અતીત’ શબ્દ છે. ભૂતકાળમાં જે ઘટના ઘટી ગઈ છે. ભૂતકાળમાં હર્ષ આવ્યો, તો હર્ષના પ્રસંગો કેવા આવશે એની કામના ન કરો. અને ભૂતકાળમાં શોક થયો, તો એ પણ ભૂલી જાઓ. થોડું મુશ્કેલ પડશે, કેમ કે આપણે આ દ્વન્દ્વોથી આબદ્ધ છીએ, પરંતુ આનંદ બહુ આવશે. શું કોઈ સાધુ-સંત, કોઈ વિશિષ્ટ વ્યક્તિના જીવનમાં હર્ષ-શોકના પ્રસંગો નહીં આવતા હોય? પરંતુ તેઓ એને પોતાના દિલ સુધી પહોંચવા નથી દેતા. એ સૂત્ર યાદ રાખવું. જે આવે છે એ જવા માટે જ આવે છે. આ દુનિયામાં આપણે આવ્યાં છીએ, તો એક દિવસ આપણે જઈશું. એ નિયમ છે. દુ:ખ આવ્યું છે, એ જશે. તો, હર્ષ-શોક આવતા રહે છે. દીક્ષિત દનકૌરી સાહેબનો શે’ર છે-
અલગ હી મજા હૈ ફકીરી કા અપના,
ન પાને કી ચિંતા, ન ખોને કા ડર હૈ
હર્ષ-શોકની કોઈ પરવા ન કરવી. શું એવું જીવન આપણે ન જીવી શકીએ ? એમાં કોઈ દીક્ષાની જરૂર છે? એમાં કોઈ મંત્ર જપવાની જરૂર છે ? કદમ ઉઠાવવાની જરૂર છે. અઘરું બહુ છે, પરંતુ કરી શકીએ છીએ. અને ત્રીજું, એનાથી પણ વધારે અઘરું, કોઈની ઈર્ષ્યા ન કરો, દ્વેષ ન કરો. કર્મ કરવા છતાં, કર્મથી મુક્ત થવું હોય તો ઉપાય હાજર છે. તમારે બીજાના કર્મથી મુક્ત થવું હોય તો ઉપાય હાજર છે. તમારે બીજાના દ્વેષ અને ઈર્ષ્યા નિરંતર કરવાં છે અને કર્મથી મુક્ત પણ રહેવું છે ! નહીં, વિચારો. હું ને તમે, આપણે પણ મુનિ-મહામુનિ થઇ શકીએ. કોઈને પણ મુનિ શબ્દ લાગે. જીવન કેટલું ખર્ચ્યું હશે ત્યારે મુનિ શબ્દ લાગ્યો હશે ! પણ હું ને તમે જે કપડાંમાં છીએ, તે જ જગ્યાએ, તે જ વ્યવસાયમાં મુનિ અથવા તો મહામુનિ થઇ શકીએ. આ દેશમાં અને આ દેશના શાસ્ત્રોએ આપેલી આ વ્યવસ્થા છે. હું ને તમે થોડો પ્રયાસ કરીએ તો બની શકે. મુનિ એક ઐશ્ર્વર્ય છે, મુનિ એક વિભૂતિ છે, એવી એક સંપદા છે જે હું ને તમે અર્જિત કરી શકીએ. શાસ્ત્ર કહે છે, જે વ્યક્તિમાંથી થોડા દોષ નીકળી જશે, એ મુનિ થવાને યોગ્ય છે. આપણે મહામુનિ થઇ શકીએ, અને એ માટે આ પ્રયાસ છે. મેં કાલે કહ્યું હતું કે કથાથી તમે અજ્ઞાત નથી, એવી ભ્રાંતિમાં વ્યાસગાદી રહી શકે નહિ. આ બધું, હું ને તમે, જે જગ્યાએ છીએ, ત્યાં રહીને થઇ શકે એવી વ્યવસ્થા છે. અને એ સ્થિતિમાં આપણે પહોંચીએ, તો આપણે ત્યાં પણ પ્રભુ આવે, ત્રણે દેવતાઓ પુત્ર બનીને આવે. આપણે આટલું ધીરે ધીરે, અભ્યાસથી પણ કરીએ તો આપણે માટે પણ એ શક્ય છે.

ચોથું, સિદ્ધિ અને અસિદ્ધિમાં જે સમાન રહે છે એ કર્મ કરવા છતાં પણ કર્મથી મુક્ત છે. તમે પૂરેપૂરા કલાસ ભર્યા હોય, હોમવર્ક કર્યું હોય અને છતાં પણ જો તમે પરીક્ષામાં સફળ ન થાવ તો તમારા પ્રામાણિક પ્રયાસોનો આનંદ લો. સફળતા કે અસફળતા પૂરા પ્રયત્નો પછી આવે છે. એમાં સમ રહો. કેવળ આ ચાર સૂત્ર છે. આ ચાર મંગળ ફેરા ફરો, કૃષ્ણ સાથે લગ્ન થઇ જશે. પહેલું, ઈચ્છા કર્યા વિના જે આવે એનો સંતોષ. હર્ષ-શોકનાં દ્વન્દ્વથી દૂર. કોઈનો દ્વેષ કે ઈર્ષા ન કરવા. અને સફળતા-નિષ્ફળતામાં આપણે સમ રહીએ. ‘કૃત્વાપી ન નિબધ્યતે ‘અર્જુન ! એવો માણસ ભરચક કર્મ કરે તો પણ કર્મથી મુક્ત રહે છે.’ ગીતા’ જીવનગ્રંથ છે. કેવળ સ્વાધ્યાય કરવો પર્યાપ્ત નથી, સ્વાનુભવ જરૂરી છે. મારાં ભાઈ-બહેનો, આ રીતે આપણે કર્મથી મુક્ત રહી શકીએ છીએ.

સંકલન : જયદેવ માંકડ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button