ધર્મતેજ
ધાર્મિક વ્યાખ્યાન, મજલિસ, સભામાં શિષ્ટાચાર
આચમન -અનવર વલિયાણી
આપણો ભારતદેશ સંતો, સૂફીઓ, શાહો-મહાત્માઓનો દેશ છે. સંતો થોડામાં ઘણું કહી જતા હોય છે. આવા એક ઈશ્ર્વરના દૂતે તેમના એક સાથી-સંગાથીને વસીયત કરી કે નીચે જણાવેલ આઠ કુટેવ ધરાવતા શખસો અપમાનિત થાય તો અપમાનિત થયા
બદલ પોતાની જાતનેજ ધિક્કારવી જોઈએ:
૧ – આમંત્રણ વગર કોઈને ત્યાં પહોંચી જનાર.
૨ – મકાન માલિક પર જબરદસ્તી કરનાર.
૩ – પોતાની ભલાઈની ઉમ્મીદ (આશા) રાખનાર.
૪ – કંજુસો અને દુષ્ટ લોકો પાસેથી દાન અને ઉપકારની અપેક્ષા રાખનાર.
૫ – બે માણસોની વાતોમાં રજા વગર ટપકી પડનાર.
૬ – બાદશાહ (સત્તાધિશ, હુકુમત કરનાર)નો તિરસ્કાર કરનાર.
૭ – સભા-મહેફીલમાં પોતાને લાયક ન હોય તેવી જગ્યાએ બેસનાર અને
૮ – પોતાની વાતો તરફ ધ્યાન આપતો ન હોય તેવા માણસની સાથે વાતચીત કરનાર.
- જે કોઈમાં નીચે દર્શાવેલ ત્રણેય યા ત્રણમાંથી ગમે તે લાયકાત ન હોય છતાં સભાના પ્રમુખસ્થાને બિરાજે તે મૂર્ખ છે:
૧- જે કંઈ પૂછવામાં આવે તેનો જવાબ આપી શકે તેમ ન હોય.
૨- અન્ય લોકો હક (સત્ય) વાત રજૂ કરવા મજબૂત હોય તો પોતે પૂરેપૂરી હક વાત કહેવા શક્તિમાન ન હોય.
૩- એવા વિચારો વ્યક્ત કરે કે જેની પર ચાલવાથી લોકોને લાભ પહોંચવાને બદલે નુકસાન પહોંચે. - કેટલીક પસંદ કરવા લાયક ટેવો તરફ ધ્યાન દોરતા કથનો, વાક્યો, આચરણોથી જ્ઞાન મળે છે કે નીચે દર્શાવેલ ટેવો જેમનામાં હશે તે વખાણવા લાયક છે.
૧- સભા મહેફિલમાં જે પદ માટે લાયક હોવા છતાં તેનાથી એક પદ નીચેના સ્થાને બેસનાર.
૨- જાણ્યા-અજાણ્યા દરેકને સલામ-નમસ્તે કરનાર.
૩ – લડાઈ-ઝઘડા, કજિયા-કંકાસથી દૂર રહેનાર.
૪ – સચ્ચાઈના હિમાયતી હોનાર અને
૫ – પોતાના વખાણની અપેક્ષા ન રાખનાર માણસ વખાણ-તારીફ-પ્રશંસાને પાત્ર ઠરે છે.
વ્હાલા ઈમાની (શ્રદ્ધાળુ) વાચક બિરાદરો, જાહેર વ્યાખ્યાનો, મજલિસ (ઉપસ્થિત સમૂહ),
અથવા ધાર્મિક ઉપદેશમાં લોકો બેઠેલા હોય તે સમયે કોઈ માણસ પહોંચે અને બેઠેલાઓમાંથી કોઈ તેને
આગ્રહ કરી બોલાવે અને બેસવા માટે જગ્યા કરે તો તેણે જવું જોઈએ કારણ કે એ તેની ઈજ્જત છે- સન્માન છે. હા, અગર કોઈ ન બોલાવે તો જ્યાં જગા હોય ત્યાં બેસી જવું યોગ્ય છે. - અગર કોઈના ઘેર જવાનું થાય તો ઘરનો માલિક જે જગ્યાએ બેસવાનું કહે ત્યાં બેસવું જોઈએ કારણ કે ઘરનો માલિક પોતાના ઘરની સઘળી હક્કીતથી માહિતગાર હોય છે.
- કઈ જગ્યાએ અને કેવી રીતે બેસવું જોઈએ? તે અંગેનું માર્ગદશ્ક એવું છે કે-
- જાહેર રસ્તાઓ પર ક્યારેય ન બેસો તેમજ લોકોની વચ્ચે સાથળ ખૂલ્લી કરી બેસવું પણ ઠીક નથી.
ધર્મસંદેશ: - જે શખસ પોતાના પદથી નીચેલું પદ ગ્રહણ કરી હસી ખુશીથી બેસી જાય તો જ્યાં સુધી તે વ્યક્તિ તે જગ્યાએથી ઉઠશે નહીં ત્યાં સુધી ઈશ્ર્વર-અલ્લાહના ફરિશ્તા (દૂત-પ્રતિનિધિ)તેના માટે સલામતીની દુઆ કરતા રહેશે.
બોધ:
સભા, મહેફિલ (જલસા)માં લોકો બેઠેલ હોય તો સમજદારે સૌની પાછળ બેસવું જોઈએ કારણ કે કૂદકા મારતાં મારતાં બધાની વચ્ચે થઈને પસાર થવું એ મૂર્ખતા છે.