માયાથી અપરાજિત તત્ત્વ
ગીતા મહિમા -સારંગપ્રીત
ગત અંકમાં યથાર્થ દ્રષ્ટા ભક્તની વાત કરીને હવે ભગવાન કૃષ્ણ કહે છે કે
“अनादित्वान्निर्गुणत्वात्परमात्मायमव्ययः
शरीरस्थोडपि कौन्तेय न करोति न लिप्यते ॥13/30॥
“હે કુંતીપુત્ર! આ નિર્વિકારી પરમાત્મા અનાદિ હોવાથી તથા પ્રાકૃતિક ગુણોથી રહિત હોવાથી, અનંત બ્રહ્માંડોને શરીરમાં રહેવા છતાં માયાથી બંધાઈને કંઈ કરતા નથી (પરંતુ સ્વતંત્રપણે જ કરે છે) તે કર્મથી લોપાતા નથી. વળી આગળ કહે છે.
“જેવી રીતે બધામાં રહેલો આકાશ સૂક્ષ્મતાને કારણે અન્ય ભૂતોના દોષથી લોપાતો નથી, તેવી રીતે પરમાત્મા અંતર્યામી શક્તિથી સર્વત્ર રહેતાં હોવા છતાં સ્થાનના ગુણોથી લોપાતા નથી.
સંગની અસર જોરદાર હોય છે. વ્યક્તિ જેની સાથે રહે તેને જેવા ગુણ, રીતભાત, વિચારો વગેરે ધીરે ધીરે તે વ્યક્તિમાં આવતા જાય છે. અને એનું વ્યક્તિત્વ રોજ ધીરે ધીરે તે રૂપમાં ઢળતું જાય છે. સંગની અસરથી કોઈ બચી શક્યું નથી. અને એટલે જ કહ્યું છે ને કે ‘સંગ તેવો રંગ’. જો એક સામાન્ય વ્યક્તિની બીજી વ્યક્તિ પર આટલી ગાઢ અસર પડતી હોય તો, અતિ શક્તિશાળી માયાના સંગનું શું કહેવું!
જીવ પ્રાણીમાત્ર પ્રકૃતિ એટલે કે માયાના સંપૂર્ણ પ્રભાવમાં છે. કહોને કે પ્રત્યેક જીવ માયામય થઈને જીવે છે. માયાની અસરથી કોઈ મુક્ત રહી શકતું નથી. ગમે તેવી સિદ્ધિ મેળવી હોય, તપ-જપ કે વ્રત કર્યા હોય છતાં માયાની ચુંગાલથી બચવું લગભગ અશક્ય છે. રાજપાટ તજીને વનમાં ગયેલા ભરતજીને મૃગલીના બચ્ચામાં મોહ થઈ ગયો અને એને કારણે તેમને બીજો અવતાર મૃગલીનો લેવો પડયો. આમ ભલભલા સિદ્ધો પણ માયાની અસરથી મુક્ત રહી શકતા નથી.
સમગ્ર જીવસૃષ્ટિ માયાથી પ્રવૃત્ત છે. અને આ જડ ચેતન સૃષ્ટિમાં પરમાત્માનો પણ વાસ છે. એટલે કે માયામાં ડૂબેલા પ્રત્યેક જીવમાં પણ પરમાત્મા રહેલા છે. આ રીતે જોતા પરમાત્માને પણ માયાનો સંગ થયો હોય તેવું લાગે. તો શું આ માયા પરમાત્માને અસર નહીં કરતી હોય? આ શંકાનું સમાધાન કરતાં ભગવાન શ્રીકૃષ્ણ પરમાત્માના અદ્ભુત મહિમા વર્ણવતાં કહે છે કે પરમાત્મા તો અનાદિ તત્ત્વ છે અને માન, કામ, ક્રોધ, લોભ, મોહ વગેરેથી પ્રાકૃતિક ભાવોથી મુક્ત છે. માયા તો પરમાત્માને આધીન રહીને કાર્ય કરે છે. આથી માયામય સૃષ્ટિમાં રહેવા છતાં પરમાત્મા માયાના બંધનથી મુક્ત રહીને સ્વતંત્રપણે કાર્ય કરે છે. જેમ આકાશ સમગ્ર સૃષ્ટિમાં વ્યાપેલો છે, નાના અણુથી માંડીને વિશાળ બ્રહ્માંડમાં આકાશ રહેલો છે.
આ આકાશ લાલ રંગના ફૂલમાં પણ છે અને લીલા રંગના પાંદડામાં પણ છે. કાળા કોલસામાં છે અને સફેદ રંગના હીરામાં પણ છે. છતાં આકાશને આ વસ્તુનો લાલ, લીલો, કાળો કે સફેદ રંગ નથી લાગતો. તેમ પરમાત્મા પણ સર્વ પ્રાણી માત્રમાં સાક્ષીરૂપે રહ્યા હોવા છતાં, તે જીવના પ્રાકૃતિક ગુણોથી અલિપ્ત રહે છે.
ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં આ જ વાત સમજાવતાં કહે છે જે આકાશ છે તે પૃથ્વી, જળ, તેજ, વાયુ તેમાં વ્યાપક છે અને આકાશ વગર એક કણ પણ ક્યાંય ખાલી નથી. તો પણ પૃથ્વી આદિના જે વિકાર છે તે આકાશને અડતા જ નથી. તે પુરુષોત્તમ ભગવાન છે તેને આકાશની પેઠે માયાનો વિકાર અડતો જ નથી. કૃષ્ણતાપની ઉપનિષદમાં એક વાત આવે છે કે એક વખત દુર્વાસા ઋષિ વૃંદાવન પધાર્યા. દુર્વાસા ઋષિ ભૂખ્યા હોવાથી શ્રીકૃષ્ણ ભગવાને ગોપીઓને થાળ લઈને તેમની પાસે જવા કહ્યું. રસ્તામાં બે કાંઠે વહેતી યમુના નદી આવતી હોવાથી ગોપીઓએ ભગવાનને કહ્યું કે અમારાથી યમુનાજી કેમ ઓળંગાશે? ત્યારે શ્રીકૃષ્ણ ભગવાને કહ્યું યમુનાજીને કહેજો કે જો શ્રીકૃષ્ણ સદા બ્રહ્મચારી હોય તો માર્ગ દેજો. પછી થાળ લઈને યમુના કાંઠે પહોંચીને ગોપીઓએ એ પ્રમાણે કહ્યું ત્યારે યમુનાજીએ તત્કાળ માર્ગ દીધો. આમ ભગવાનનું સ્વરૂપ આકાશની પેઠે નિર્લેપ છે.
આવું જ્ઞાન ન હોય તો મનુષ્ય ભગવાનમાં પણ માનવ સહજ મર્યાદાઓ જોવા પ્રેરાય છે. આવા જ્ઞાનના અભાવને કારણે રાવણને ભગવાન શ્રીરામમાં એક સામાન્ય રાજકુંવર દેખાયા.
શિશુપાલ અને કૌરવોને ભગવાન શ્રીકૃષ્ણમાં એક ગોપાલથી વિશેષ કંઇ ન દેખાયું. પણ જે સાચો ભક્ત છે તેને પરમાત્માનો યથાર્થ મહિમા સમજાયો હોઈ તે પરમાત્માને નિર્વિકાર સમજે છે. આ જ્ઞાનથી ભગવાનનાં ભક્તને સાચાં સંતની પણ ઓળખાણ થાય છે. રાષ્ટ્રપતિ અને મહાન વૈજ્ઞાનિક ડો. અબ્દુલ કલામને પ. પૂ. પ્રમુખસ્વામી મહારાજમાં પોતાના આધ્યાત્મિક ગુરુના દર્શન થયા જેમણે તેમને અંતિમ કક્ષામાં મૂકી પરમાત્માની સમીપ પહોંચવા ઊર્ધ્વગતિમાં જોડી દીધા.