સમીકરણ
ટૂંકી વાર્તા – નસીર ઈસમાઈલી ‘ઝુબિન’
ચાલીસના ચૌરાહા પરથી જવાનીએ હજી વિદાય લીધી ન હોય, ખિસ્સું પૈસાથી છલકાતું હોય, અને એ છલકાટને વધુ છલકાવવા માટે સમય પણ હોય તો કોઈ પણ શહેરની ધૂંધળી ટ્રાફિકગ્રસ્ત ભીડ ઊભરતી સાંજે ખૂબસૂરત લાગી શકે છે. તો આ તો મુંબઈ જેવું માદક રંગીન શહેર હતું. આજે જ સરકારી ખાતાના ચાવીરૂપ ઓફિસર તરીકે એક પાર્ટી રૂપિયા ત્રીસ હજારથી મારું ખિસ્સું ગરમ કરી ગઈ હતી. પછીના ત્રણ દિવસ ઓફિસમાં રજા હતી અને પત્ની, બાળકો સાથે પંદર દિવસના દિવાળી વેકેશન પર પિયર ગઈ હતી. ઉપરથી આલ્ફ્રેડ જેવા રંગીન મિજાજી કલિગ ઓફિસરે હમણાં જ ‘ડોના બાર’ના ટેબલ પર વ્હિસ્કીની ચૂસકી લેતાં, એક સુંવાળા રંગીન સપનાથી મારી જવાન આંખોને ભરી દીધી હતી. એમ કહીને કે ‘મરુત’ આ ત્રણ દિવસની રંગીનીનો સ્વાદ જિંદગીભર તારા ઝેહનમાંથી નહીં જાય…’
આલ્ફ્રેડ મારા ઓફિસનો એક જુનિયર ઓફિસર છે. એકલરામ અને રંગીન મજાજી જવાન. ચુસ્ત આદમી. એ અમારા ઓફિસર્સ ક્વોર્ટર્સમાં નથી રહેતો. માહિમ બાજુની એક ક્રિશ્ર્ચિયન કોલોનીમાં એનો પોતાનો ફલેટ છે. આજે સાંજે ઓફિસેથી છૂટ્યા પછી એ આગ્રહ કરીનેે મને માહિમના ‘ડોના બાર’માં પીવા લઈ ગયો. અને વ્હિસ્કીના ચઢતા ખુમાર સાથે એની જુબાન પણ ખૂલતી ગયેલી,
‘તું શું કરવાનો મરુત રજાના આ ત્રણ દિવસોમાં? તારું ફેમિલી તો ઘરે નથી? તું એક કામ કર મરુત, ત્રણ દિવસ ગોવા ચાલી જા. ત્યાં મારી એક દોસ્ત છે. સિલ્વિયા ફર્નાન્ડીઝ. આમ તો એ ગોવામાં એક મોટેલ ચલાવે છે, પણ એની મોટેલમાં રોકાતા ખાસ મહેમાનોએ એ સરસ મજાની ગોવાનીઝ છોકરીઓ પણ પૂરી પાડે છે. રવ મચ્છી જેવી ચપળ ચળકતી, હાર્ડ રબરની પૂતળી જેવી ચુસ્ત અને મુલાયમ ગરમાગરમ કાળી ગોવાનીઝ ગર્લ્સ. ગોવાની ચુસ્ત દરિયાઈ હવામાં, તું સાલા તારા ‘હનીમૂન’નેય ભૂલી જઈશ.’
મેં હ-કારમાં માથું હલાવતાં આલ્ફ્રેડે મોબાઈલ હાાથમાં લેતાં કહ્યું, ‘આ ત્રણ દિવસની રંગીનીનો સ્વાદ જિંદગીભર તારા ઝેહનમાંથી નહીં જાય…’
અને ‘ડોના બાર’ના પગથિયેથી આલ્ફ્રેડથી છૂટી પડી હું કાલે સવારે ગોવા જવા નીકળવાની તૈયારી કરવા ઝડપભેર માહિમના રેલવે-સ્ટેશનની દિશામાં જઈ રહ્યો હતો ત્યારે… ત્યારે અચાનક સામેથી રોડ ક્રોસ કરીને મારી દિશામાં આવી રહેલી એક વ્યક્તિને જોતાં મારા પગ થંભી ગયા. એ સુલભા હતી. એક સમયની મારી પ્યારી સુલભાદીદી… ચાર વર્ષ પહેલાં હું પુણેની ઓફિસમાંથી ટ્રાન્સફર થઈને સિનિયર કલાર્ક તરીકે મુંબઈ આવ્યો ત્યારે મારી પરિસ્થિતિ આજ કરતાં વિપરીત હતી અને મુંબઈમાં મકાન મેળવવું એ ઈશ્ર્વરને મેળવવા કરતાંય અઘરું હતું. એ વખતે એક સંબંધીની ઓળખાણથી, આ સુલભાદીદીના માહિમના ભાડાના મકાનમાં પેટા-ભાડૂઆત તરીકે સર છુપાવવા પૂરતી મને એક ખોલી મળી ગયેલી, જે ફેમિલી સાથે રહેવા માટે પૂરતી નહોતી. એટલે હું ત્યાં એકલો જ રહેતો અને વીશીમાં જમતો.
સુલભાદીદીનો હસબન્ડ સુધીર એક હસમુખો પ્રેમાળ અચ્છો આદમી હતો અને થોડા દિવસોમાં જ અમે બંને દોસ્તો બની ગયેલા. સુધીર એક પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાં એકાઉન્ટન્ટ હતો. સુલભાનો કોઈ ભાઈ નહીં હોવાથી એ મને મોટા ભાઈ કહેતી અને એ નાતે એ બંનેનો નાનકડો, રૂપકડો, વહાલસોયો પાંચ વર્ષનો દીકરો સોનુ મને મામા કહેતો. એ નાનકડા પ્રેમાળ ફેમિલીએ મુંબઈની મારી એકલવાયી જિંદગીને સ્નેહભરી હૂંફથી ભરી દીધેલી. મહિનામાં દસેક દિવસ તો હું સુલભાદીદીને ત્યાં જ સાંજે જમી લેતો.
પછી તો વરસદહાડામાં જ મારી મુંબઈથી કોલ્હાપુર, હેડ-કલાર્કના પ્રમોશન પર બદલી થઈ ગયેલી, ને બે વરસ બાદ ત્યાંથી ઓફિસરના પ્રમોશન સાથે હું પાછો મુંબઈ આવી ગયેલો. મને મુંબઈના અમારા ઓફિસર્સ ક્વોર્ટર્સમાં સરસ મજાનો ફલેટ પણ મળી ગયો અને મારું ઓફિસર તરીકેનું પોસ્ટિંગ પણ એવી ચાવીરૂપ જગ્યાએ હતું કે ‘કડકાઈ’ શબ્દ મારી જિંદગીમાંથી સાવ ભૂંસાઈ જ ગયો.
અલબત્ત, મુંબઈ આવ્યે આજે મને એક વરસ ઉપર થઈ ગયું છે, પણ હું સુલભાદીદીના ફેમિલીનો સંપર્ક નથી કરી શક્યો. ટોચ પર પહોંચ્યા પછી માણસ શાયદ સીડીનાં નાનાં નાનાં પગથિયાંઓને ઝડપથી ભૂલી જતા હોય છે.
…એ સુલભાદીદી જ સામે દિશામાંથી રોડ ક્રોસ કરીને મારી દિશામાં આવી રહ્યાં હતાં. ‘મોટા ભાઈ તમે?’ નજીક આવતાં જ મને ઓળખી કાઢીને સાનંદાશ્ર્ચર્ય સ્વરે બોલી સુલભાદીદી ઊભાં રહી ગયાં. હું ક્ષણભર એમને જોઈ રહ્યો. એક સમયે પદમણી જેવી એ રૂપાળી સ્ત્રીની જાજરમાન કાયા કરમાઈને કૃશ થઈ ગઈ હતી. સાદી સુતરાઉ સાડીમાં એ કોઈ સાધ્વી જેવી લાગતી હતી અને એના ફિક્કા ચહેરા પર ઉદાસી છંટાયેલી હતી.
મારે ઊભા રહી જવું પડયું અને મેં કહ્યું, ‘સુલભાદીદી! તમે આ બાજુ? સુધીર કેમ છે? અને સોનુ?’ પણ એ સાંભળતાં તો સુલભાદીદીની આંખો છલકાઈ ગઈ.
‘મોટા ભાઈ! એ તો બે વર્ષ પહેલાં અચાનક હાર્ટ-અટેકનો ભોગ બની ગયા. સોનુને એક નાનકડો એક્સિડન્ટ થયો છે. એને સામેની ચેરિટેબલ હૉસ્પિટલમાં દાખલ કરેલો છે, એટલું હું એના માટે ફ્રૂટ્સ લેવા નીકળી હતી. તમે ક્યાં છો મોટા ભાઈ અત્યારે?’ સુલભાદીદીએ પાલવ વડે આંસુ લૂછતાં દયામણાં સ્વરે કહ્યું, ને મને એમની ‘તમામ’ પરિસ્થિતિનો કયાસ આવી ગયો.
મારા મનમાં એક વિચારનો ઊભરો આવી ગયો કે ખિસ્સામાં પડેલી ત્રીસ હજાર રૂપિયાની નોટો સુલભાદીદીના હાથમાં થમાવી દઉં, ને એમની સાથે હૉસ્પિટલ દોડી જઈ, સોનુને વહાલભરી ચૂમીઓથી નવરાવી દઈને સુલભાદીદીને કહી દઉં કે ‘હવે તમે ફિકર ના કરશો સુલભાદીદી! સોનુનો આ મામો હવે મુંબઈમાં જ છે.’
પણ બીજી જ ક્ષણે મારી નજર સમક્ષ, આલ્ફ્રેડે વર્ણવેલી રબરની પૂતળી જેવી કાળી ગરમ ગોવાનીઝ ગર્લ્સ સાથેના આગામી ત્રણ દિવસોનાં રંગીન જલસા નાચી ગયા, ને મેં સુલભાદીદીને ઔપચારિક સરકારી સ્વરે કહ્યું,
‘હું કોલ્હાપુર જ છું સુલભાદીદી! અહીં તો એક સરકારી કામે હેડ-ઓફિસ- ડાયરેકટોરેટમાં આવ્યો હતો. હમણાં કોલ્હાપુર જવા રાતની ટ્રેન પકડવાની છે એટલે પછી નિરાંતે ક્યારેક આવીશ. સુધીરના અકાળ મૃત્યુના સમાચાર ખૂબ આઘાતજનક છે, પણ હવે તમે હિંમત રાખજો. સોનુને મામાની યાદ આપજો.’
આસુરી લક્ષ્મી કદાચ સન્માર્ગે નથી જવા દેતી. અને સુલભાદીદીની ભોળી સરળ આંખો સાથે નજર મિલાવ્યા વિના જ હું ત્યાંથી નાસી છૂટ્યો, ગોવામાં પડનાર ‘જલસા’નાં ગલગલિયાં મનમાં મમળાવતાં…
…અલબત્ત… અલબત્ત ત્યારે મને એ ખબર નહોતી કે જે રૂપિયાથી હું સુલભાદીદીનાં આંસુ લૂછી શક્યો હોત, સોનુના વહાલસોયા નિર્દોષ ચહેરા પર સ્મિત આણી શક્યો હોત, એ રૂપિયામાંથી હું ગોવા ‘એઈડ્ઝ’ની જીવલેણ બીમારી ખરીદવા જઈ રહ્યો છું…!