ધર્મતેજ

પ્રત્યેક અવતારનું સ્વરૂપ વિશિષ્ટ હોય છે

જીવનનું અમૃત -ભાણદેવ

(ગતાંકથી ચાલુ)

૧૨. અધ્યાપનકાર્યનો અંત અને સંકીર્તનનો પ્રારંભ
થાય છે.
૧૩. અદ્વૈતાચર્યનું આગમન થાય છે.
૧૪. નિત્યાનંદનું આગમન થાય છે.
૧૫. ભકત હરિદાસનું આગમન થાય છે.
૧૬. સપ્ત પ્રહરિયા ભાવ પ્રગટ થાય છે.
૧૭. જગાઇ-મધાઇનો ઉદ્ધાર થાય છે.
૧૮. કૃષ્ણલીલા અભિનય પ્રયોજાય છે.
૧૯. કાજીના અત્યાચાર અને કાજીની શરણાગતિ.
૨૦. નિમાઇ સંન્યાસ ગ્રહણ કરે છે સંન્યાસનું નામ કૃષ્ણ ચૈતન્ય ભારતી.
૨૧. રાઢ-દેશમાં ઉન્મત્ત ભ્રમણ થાય છે.
૨૨. શાંતિપુરમાં અદ્વૈતાચાર્યને ઘેર મહાપ્રભુ.
૨૩. શચીમાતાને સંન્યાસી ચૈતન્ય મહાપ્રભુનાં દર્શન
થાય છે.
૨૪. જગન્નાથપુરી તરફ પ્રયાણ થાય છે.
૨૫. ગોપીનાથ ક્ષીરચોર અને સાક્ષી ગોપાલનાં દર્શન.
૨૬. જગન્નાથજીનાં દર્શન અને પ્રમોન્મત્ત અવસ્થા પ્રગટ થાય છે.
૨૭. આચાર્ય વાસુદેવ સાર્વભૌમ સાથે મુલાકાત અને તેમના પર કૃપા થાય છે.
૨૮. દક્ષિણ ભારતનાં તીર્થોની યાત્રા પર.
૨૯. રાજા રામાનંદરાય સાથે મુલાકાત થાય છે.
૩૦. સજા રામાનંદરાય સાથે સાધ્યતત્ત્વ અને સાધનતત્ત્વ વિશે વિશદ વાર્તાલાપો થાય છે.
૩૧. દક્ષિણ દેશનાં અન્ય તીર્થોની યાત્રા થાય છે.
૩૨. તીર્થરામનો ઉદ્ધાર થાય છે.
૩૩. નૌરોજી ડાકુનો ઉદ્ધાર થાય છે.
૩૪. જગન્નાથપુરીમાં મહાપ્રભુનું પ્રત્યાગમન.
૩૫. ગૌરભક્તોનું પુરીમાં આગમન થાય છે.
૩૬. રાજપુત્રને પ્રેમ-દાન અપાય છે.
૩૭. ગુંટિચા મંદિરનું માર્જન થાય છે.
૩૮. જગન્નાથજીની રથયાત્રાનો મહોત્સવ થાય છે.
૩૯. મહારાજ પ્રતાપરુદ્રને પ્રેમદાન અપાય છે.
૪૦. મહાપ્રભુ સાર્વભૌમને ઘેર ભિક્ષા માટે પધારે છે અને તેમના જમાઇ અમોઘનો ઉદ્ધાર થાય છે.
૪૧. નિત્યાનંદજી મહાપ્રભુની આજ્ઞાથી ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરે છે.
૪૨. મહાપ્રભુ વૃંદાવનની યાત્રા માટે નીકળે છે, પરંતુ સંજોગોવશાત્ પાછા ફરે છે.
૪૩. પાછા ફરતી વખતે જનની શચીમાતાને વિષ્ણુપ્રિયાદેવીને મહાપ્રભુનાં દર્શન થાય છે.
૪૪. રઘુનાથદાસજીને મહાપ્રભુનાં દર્શન થાય છે.
૪૫. પુરીમાં પ્રત્યાગમન થાય છે.
૪૬. વૃંદાવનની યાત્રા માટે મહાપ્રભુ ફરીથી પ્રયાણ
કરે છે.
૪૭. મહાપ્રભુ ચૈતન્યદેવ વૃંદાવનનાં સર્વ તીર્થોનાં પ્રેમપૂર્વક દર્શન કરે છે અને તેમની પ્રેરણાથી વૃંદાવનનાં તીર્થોના ઉદ્ધારનો પ્રારંભ થાય છે.
૪૮. પ્રયાગમાં રૂપ ગોસ્વામીને મહાપ્રભુનાં દર્શન અને સત્સંગ પ્રાપ્ત થાય છે.
૪૯. મહાપ્રભુ વલ્લભાચાર્ય અને મહાપ્રભુ ચૈતન્યદેવનું અરૈલ (પ્રયાગ)માં સંમિલન થાય છે.
૫૦. સનાતન ગોસ્વામીને કાશીમાં મહાપ્રભુનાં દર્શન અને સત્સંગ પ્રાપ્ત થાય છે.
૫૧. સ્વામી પ્રકાશાનંદની પર કૃપા થાય છે, અને સ્વામી પ્રકાશાનંદ ભક્ત બને છે.
૫૨. રઘુનાથદાસજીનો ગૃહત્યાગ અને પુરીમાં પ્રભુ પાસે આગમન થતા પ્રભુને સમર્પણ થાય છે.
૫૩. નાના હરિદાસને સ્ત્રીસંબંધને કારણે દંડ પ્રાપ્ત
થાય છે.
૫૪. મહાત્મા હરિદાસજીનું ગોલોકધામ ગમન થાય છે.
૫૫. અને આખરે ચૈતન્ય મહાપ્રભુ જીવનલીલાનાં અંતિમ ચાર વર્ષ અલૌકિક અને અતિગહન પ્રેમભાવમાં જ તલ્લીન રહીને, ગંભીરા મંદિરમાં જ વ્યતીત કરે છે.
૫૬. અદ્ધૈતાચાર્ય અને નપહેલીથ લખીને મોકલે છે.

૫૭. ઇ.સ. ૧૫૩૩ના અષાઢ માસમાં લીલાસંવરણ થાય છે.
ભગવાન ચૈતન્ય મહાપ્રભુ કુલ ૪૮ વર્ષ આ ધરતી પર રહ્યા છે. પ્રારંભનાં ૨૪ વર્ષ તેઓ જન્મભૂમિ નવદ્વીપમાં રહ્યા છે. ૨૪ વર્ષ પછી સંન્યાસ ગ્રહણ કર્યો અને પછીનાં ૨૪ વર્ષ સંન્યાસાશ્રમમાં જ રહ્યા આ ૨૪ વર્ષમાંથી ૬ વર્ષ દક્ષિણભારત, વૃંદાવન આદિ સ્થાનોનાં તીર્થદર્શનમાં વ્યતીત થયાં છે. અંતિમ ૧૮ વર્ષ પર્યંત સચલ જગન્નાથજીના રૂપમાં જગન્નાથપુરીમાં જ રહ્યા છે. આ ૧૮ વર્ષમાં પણ અંતિમ ૧૨ વર્ષ દરમિયાન મહાપ્રભુ ગંભીરા મંદિરમાં જ દિવ્યોન્માદની અવસ્થામાં જ રહ્યા છે.

આપણે જોઇ ગયા છીએ કે ભગવાન શ્રીકૃષ્ણ જ ચૈતન્ય મહાપ્રભુરૂપે અવતાર ધારણ કરીને આવ્યા છે. તદનુસાર ચૈતન્ય મહાપ્રભુ ભગવાનના અવતાર છે.

પ્રત્યેક અવતારનું સ્વરૂપ વિશિષ્ટ હોય છે. તદનુસાર ચૈતન્ય મહાપ્રભુનું સ્વરૂપ પણ વિશિષ્ટ જ હોય તે સ્વાભાવિક જ છે.

અહીં આપણે ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુના સ્વરૂપની વિશિષ્ટતાઓને સમજવા પ્રયત્ન કરીએ.

૧. ચૈતન્ય મહાપ્રભુ રાધાભાવમાં આવેલ શ્રીકૃષ્ણ જ છે. આ વખતે મહાપ્રભુની દેહકાંતિ અને ભાવકાંતિ રાધાજીની જ છે. તદનુસાર ચૈતન્ય મહાપ્રભુ રાધાજીની જેમ ઉજજવલ ગૌરવર્ણ છે અને મહદ્અંશે રાધાભાવમાં જ રહ્યા છે.

૨. ભગવાન શ્રીરામ મર્યાદાપુરુષોત્તમ છે અર્થાત્ ધર્મપુરુષ છે; શ્રીકૃષ્ણ આનંદાવતાર છે અને આ વખતે શ્રી ચૈતન્ય મહાપ્રભુ પ્રેમાવતાર છે.

૩. અવતારને જીવચેતના અને ભાગવત ચેતના, એમ બંને ભાવ હોય છે. જીવભાવમાં પણ ચૈતન્ય મહાપ્રભુ મહાબુદ્ધિમાન અને મહાવિદ્વાન હતા, એમ તેમની જીવનલીલાનો અભ્યાસ કરવાથી સ્પષ્ટત; સિદ્ધ થાય છે. ચૈતન્ય મહાપ્રભુ ભગવાન શ્રીરામ કે ભગવાન શ્રીકૃષ્ણની જેમ યોદ્ધા નથી, ધનુર્ધર કે ચક્રધર નથી, પરંતુ મહાપંડિત છે. દિગ્વિજયી મહાપંડિત પણ તેમની સમક્ષદીન બની ગયા હતા.

૪. ચૈતન્ય મહાપ્રભુના છ સંવાદો (સંવાદપટક્) પ્રસિદ્ધ છે.

આ છ સંવાદો આ પ્રમાણે છે.
(૧) શ્રી ચૈતન્ય – સાર્વભૌમ
(૨) શ્રી ચૈતન્ય – રાજા રામાનંદ રાય
(૩) શ્રી ચૈતન્ય – રૂપ ગોસ્વામી
(૪) શ્રી ચૈતન્ય – સનાતન ગોસ્વામી
(૫) શ્રી ચૈતન્ય -સ્વામી પ્રકાશાનંદજી
(૬) શ્રી ચૈતન્ય – રઘુનાથદાસજી
આ છ સંવાદોનો અભ્યાસ કરતાં સ્પષ્ટ થાય છે કે મહાપ્રભુ બુદ્ધિમાન, વિદ્વાન અધ્યાત્મવિદ્ અને પ્રેમીપુરુષ બધું એકસાથે જ છે.

૫. અવતારમાં ભગવદ્ભાવ અને ભક્તભાવ, બંને હોય છે. ભગવાન શ્રીરામ અને ભગવાન શ્રીકૃષ્ણ, આ બંને અવતારોમાં ક્વચિત્ કવચિત્ ભક્તભાવ જોવા મળે છે, પરંતુ વિશેષત: તેઓ ભગવત્ ભાવમાં રહે છે. તેમની જીવનલીલામાં ડગલે ને પગલે ભગવદ્ભાવ જોવા મળે છે.

શ્રી ચૈતન્ય મહાપ્રભુની જીવનલીલામાં ભગવદ્ભાવ ક્વચિત જ જોવા મળે છે. દ્દષ્ટાંતત: સપ્તપ્રહરિયાભાવ- આ ભગવદ્ભાવનો મહાન પ્રસંગ છે, પરંતુ શ્રી ચૈતન્યની લીલામાં આવા ભગવદ્ભાવની લીલાના પ્રસંગો બહુ ઓછા જોવા મળે છે. મહાપ્રભુ મહદ્અંશે લગભગ સતત ભક્તભાવમાં જ રહે છે.

પોતે એક મહાન અને વિરલ ભક્ત હોય તે સ્વરૂપની જ તેમની જીવનલીલા જોવા મળે છે. આમ ચૈતન્ય મહાપ્રભુ ભગવદ્ અવતાર હોવા છતાં મહદ્ અંશે ભક્તભાવમાં જ રહ્યા છે. ભારતના ભક્તોની યાદીમાં ચૈતન્યદેવનું નામ અગ્રગણ્ય ગણાય છે.
૬. ભક્તિ તો ભગવાન અને ભક્ત વચ્ચેનો સંબંધ છે. આ સંબંધ કોઇક સ્વરૂપ ધારણ કરે છે. ભક્ત તે ભાવે ભગવાનની ઉપાસના કરે છે. આપણી ભક્તિ પરંપરામાં આવા પાંચ ભાવસંબંધોનું વર્ણન જોવા મળે છે.

(૧) શાંતભાવ
શાંતભાવ તે અંશ અંશી સંબંધનો ભાવ છે. આ ભાવનો ઉપાસક ધીર, ગંભીર, નમ્ર એ શાંત હોય છે. ઋષિમુનિઓ શાંત ભાવના ઉપાસકો છે.

(૨) દાસ્યભાવ
દાસ્યભાવનો ઉપાસક પોતાને ભગવાનનો દાસ માને છે અને દાસભાવે ભગવાનની સેવા કરવામાં પોતાના જીવનની કૃતાર્થતા સમજે છે. હનુમાનજી., સમર્થ સ્વામી રામદાસ દાસ્યભક્તિના ઉપાસકો છે.

(૩) સખ્યભાવ
સખ્યભાવનો ઉપાસક પોતાને ભગવાનનો સખા-મિત્રો માને છે. આ સમાનભાવની ઉપાસના છે. આ ભાવની ઉપાસનામાં ભગવાન અને ભક્ત વચ્ચે સંકોચને અભાવ હોય છે. ગોપબાળકો, અર્જુન, સુદામા આદિ સખ્યભક્તિના ઉપાસકો છે.

(૪) વાત્સલ્યભાવ
વાત્સલ્યભાવનો ઉપાસક ભગવાનને પોતાનો પુત્ર માને છે અને તે ભાવે ભગવાનની સંભાળ રાખે છે. સેવા કરે છે, તેના પ્રત્યે હેત રાખે છે અને પોતે વાત્સલ્યભાવમાં લીન રહે છે. યશોદામાં, દેવકીજી, કૌશલ્યાજી આદિ વાત્સલ્ય ભક્તિનાં દ્દષ્ટાંતો છે.

(૫) મધુરભાવ
મધુરભાવનો ઉપાસક ભગવાનને પોતાનો પ્રિયતમ અને પોતાને ભગવાનની પ્રિયતમા માને છે. જીવ અને ઇશ્ર્વરના પ્રગાઢ મિલનની ઘટનાને મધુરભાવમાં પ્રિયતમા- પ્રિયતમના ભાવ દ્વારા અભિવ્યક્ત કરવામાં આવે છે.

આ મધુરભાવની ઉપાસનામાં ભક્ત પોતાને ભગવાનની પ્રિયતમા માને છે. છતાં તે ઉપાસના માત્ર સ્ત્રીઓ માટે જ છે, તેમ જ નથી; કારણ કે આ ભાવ અને અનુભૂમિ હદયની ભૂમિકા પરની ઘટના છે. શરીરની ભૂમિકા પરની નહિ. તેથી પુરુષભક્ત પણ મધુરભાવનો ઉપાસક હોય તેમ બની શકે છે.

જ્યારે ભક્તમાં કામનો અંશ પણ ન હોય ત્યારે જ આ મધુરભાવની ઉપાસનામાં પ્રવેશ થાય છે. ભક્તિશાસ્ત્રમાં મધુરભાવને ઉપાસનાનું સર્વોત્તમ સ્વરૂપ ગણવામાં આવે છે. મધુરભાવમાં ભાવની તીવ્રતા ઉત્કૃષ્ટ હોય છે. રાધિકાજી, ગોપીઓ, મીરાં, આંડાલ આદિ મધુરભાવના ઉપાસકો છે.

આ પાંચેય ભાવમાં ભાષા લૌકિક છે, પરંતુ આ સંબંધો લૌકિક નથી. આ તો અલૌકિક ભાવસંબંધોનું કથન છે.

હવે આપણી સમક્ષ પ્રશ્ર્ન છે- શ્રી ચૈતન્ય મહાપ્રભુની ઉપાસના ક્યા ભાવની ઉપાસના છે.

સ્પષ્ટ જ છે કે ચૈતન્ય મહાપ્રભુની ઉપાસના મધુરભાવની ઉપાસના છે. ચૈતન્ય મહાપ્રભુની ઉપાસનામાં ક્વચિત્ શાંતભાવ અને દાસ્યભાવ જોવા મળે છે, પરંતુ આ સાવ ગૌણભાવે જ છે. વસ્તુત: ચૈતન્ય મહાપ્રભુની ઉપાસના પ્રધાનત: મધુરભાવની જ ઉપાસના છે.

આ તો રાધાનો ભાવ ધારણ કરીને પ્રગટેલા શ્રીકૃષ્ણ છે, તેથી ચૈતન્ય મહાપ્રભુમાં મધુરભાવ જ પ્રધાનત: હોય; કારણ કે રાધાજીની ઉપાસના મધુરભાવની જ ઉપાસના છે.

ચૈતન્ય મહાપ્રભુએ શ્રીકૃષ્ણને પોતાના પ્રિયતમ માનીને મધુરભાવે, અતિ તીવ્ર ભાવે ઉપાસના કરી છે.

જુઓ! જુઓ! શ્રીકૃષ્ણે પોતે જ રાધાભાવમાં અવસ્થિત થઇને શ્રીકૃષ્ણની ઉપાસના કરી છે!

૭. અવતારોની જીવનલીલાઓનું અધ્યયન કરીએ તો આ એક અતિ વિરલ ઘટના જોવા મળે છે- ભગવાન શ્રીકૃષ્ણ ચૈતન્ય બાર વર્ષ સુધી ગંભીરામંદિરમાં તીવ્ર પ્રેમની, અલૌકિક પ્રેમની અવસ્થામાં રહ્યા.

ભક્તિજગતની જ નહિ. અવતારજગતની પણ આ એક અલૌકિક ઘટના છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button