ધર્મતેજ

નારીની મહત્તાનો મહિમા ગાતા દુહા

ભજનનો પ્રસાદ -ડૉ. બળવંત જાની

ભલે કોઈએ શામળને નારી નીંદક કહીને `નારી નરકની ખાણ’ એવા દુહાનાં એક ચરણને કારણે વગોવ્યો. પણ એ જ શામળે શુરવીર-પતાપી નારીપાત્રો રચીને નારીનો મહિમા પણ ખૂબ ર્ક્યો. બીજા દોહરા પણ ખૂબ રચ્યા. ગુજરાતી દુહા પરંપરામાં નારીની વગોવણી કરતા એની ઉત્કૃષ્ટતા અને મહત્તાના ઘણાં દુહા મળે છે. એને વખોડવાને બદલે વખાણ કરીને એનો મહિમા અનેક દુહામાં ર્ક્યો છે. નારી તરફનો સમાદર, નારી તરફનો અનુરાગ અને નારી પરત્વેનો અહોભાવ કથતા થોડાં દુહા એકત્ર ર્ક્યા છે તે આસ્વાદીએ.

`જોબન મદમાતી બહુ, હાલે ઢળક્તી ઢેલ;
ભાર આરે જળ ભરે, ત્રાંબા પિત્તળ હેલ.’
યુવાનીથી મદભરી દેહયષ્ટિ શોભતી હોય, જાણે ઢેલ ઢળક્તી-લચકાતી ચાલે ચાલતી હોય એમ ડગલાં ભરતી હોય. ભારે મોટા જળપાત્રોને મસ્તક ઉપર ધારણ કરીને પનિહારી રૂપે જળાશયેથી ત્રાંબા-પિત્તળની હેલમાં જળ ભરીને માનુની આવતી હોય એ મનહર શ્યને દુહામાં ચિત્રિત ર્ક્યું હોઈ નારીની શક્તિ, રૂપ અને તૃષ્ાાતુર માટે તરસ છીપાવનારી વ્યકિમત્તાને અહીં દુહાગીરે દુહામાં વણી લીધી છે. પનિહારીના રૂપનું અને એની મહત્તાનું ચિત્ર કથતો બીજો એક દુહો આસ્વાદીએ.

`કાઠિયાવાડની કામિની, હલક્તી માથે હેલ;
ભરી બજારે નીકળે, ઢળક્તી જાણે ઢેલ.’
હેલ એટલે ત્રાંબા અને પિત્તળની ધાતુ જે ભારે નક્કર અને વજનદાર હોય એ હાંડો અને ગાગર એમ બે જળપાત્રોમાં પાણી ભરીને કાઠિયાવાડ વિસ્તારની માનુની-સન્નારી- કામિની મલકાતી ચાલે બજાર વચ્ચેથી નીકળે એટલે એની ઢળક્તી-લચકાતી-મલકાતી ઢેલ જેવી ચાલને બધા જોઈ રહે. દુહામાં નારીની શક્તિમત્તા, ગર્વિતા અને પોષ્ાણ કરવાની ક્ષ્ામતાનું દર્શન પામી શકાય છે. નારીનો મહિમા ગાતો બીજો એક દુહો પણ અવલોકીએ.

`ભલા સાજણ ભલી મળો, કરે હૃદાની વાત;
મનની આલે મૂડિયું, ભૂલયાં ચડાવે વાટ.’
ગુણવાન ભલો-સજજન પુરુષ્ા, એને ભલી અર્થાત્‌‍ ગુણવાન-રૂપવાન સન્નારી મળી અને હૃદયથી બન્ને મળ્યા. વાતો કરીને મનની મૂડી. અમૂલ્ય હીતકારી વચન કહ્યા. એકત્વ પામ્યા પછી નારીનું આવું વ્યક્તિત્વ રસ્તો ભૂલ્યાને-કૂમાર્ગે ચડેલાને-સદ્માર્ગે. ઉચિત પંથે વાળે. નારીની આ વાતને અહીં ભારે આકર્ષ્ાક રીતે વણીને એના વ્યક્તિત્વની છટાને દુહાગીરે દુહામાં આલેખી-વર્ણવી છે.

`નિર્મળ મૂરત પિયૂંકી, યું ઘટ રહી સમાય;
જયોં મેંદી કે પાત મેં, લાલી નજર ન આય.’
નિર્મળ, ગુણવાન સન્નારીના ચિત્તમાં આવા બધા ગુણો સમાવિષ્ટ હોય છે. એ પિયુને બાહ્ય રૂપે દેખાતા નથી જેમ મેંદીની અંદર લાલી છુપાયેલી હોય છે એમ સદાચારી સન્નારી આવી ગુણસંપદાને એમના શરીરમાં જાળવીને જીવતી હોય છે, અને એ વ્યવહાર, વાણી તથા વર્તનથી ગુણોને પગટાવતી-પસરાવતી રહેતી હોય છે.

નારીના શીલવાન-ગુણવાન વ્યક્તિત્વ માટે મેંદીની ઉપમા પણ સમુચિત રીતે નિયોજીને નારીનો ખરો મહિમા અને નારીની ખરી મહત્તા દુહામાં અસરકારક રીતે આલેખી છે.

ખરી હકીક્ત તો એ છે કે નારીનો મહિમા અને નારીની મહત્તાને દુહામાં વણી લઈને આખરે તો દુહાગીરે રચેલા આ દુહાઓ નારીએ કેવા થવાનું, કેવું વ્યક્તિત્વ ઘડવાનું છે એની પાઠશાળા રૂપ આવા દુહાઓ નારીનું ઘડતર કરનાર ઘટક છે. આપણી લોક્સંસ્કૃતિમાં આવી રીતે અનૌપચારિક શિક્ષ્ાણ મળી રહે એવી સહજ વ્યવસ્થા હતી. એ વ્યવસ્થાનું દસ્તાવેજી દૃષ્ટાંત આવા દુહાઓ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button