ધર્મતેજ

ઈશ્ર્વર મળે તેવી આસ્થા રાખીને દોડશો નહીંકદાચ ન મળે તો તમારી આસ્થા હલી જઈ શકે છે

માનસ મંથન -મોરારિબાપુ

બાપ ! કથા વિશ્ર્વાસની છાયામાં, વડલાની છાયામાં થાય; અને શ્રવણ શ્રદ્ધાની છાયામાં થાય; ગુણાતીત શ્રદ્ધા. તમે રાજસી શ્રદ્ધા લઈને કથા સાંભળો ! કથા સાંભળું તો મારી ફેક્ટરી બરાબર ચાલે ! તમે ભ્રાંતિમાં ન રહો એટલે પાંથીએ પાંથીએ તેલ નાંખું છું. આમાં તમને આર્થીક લાભ ન થાય, પણ પારમાર્થિક લાભ થાય. તમને દુનિયા અડી ન શકે એટલો લાભ થાય. સાહેબ, કોઈને દેખાડી દઉં એ તમોગુણી કથાશ્રવણ છે; મને આ મળી જાય, એ રજોગુણી કથાશ્રવણ છે; અથવા તો ચાલો, કથાશ્રવણથી મોક્ષની પ્રાપ્તિ થઇ જાય, એ સત્વગુણી કથાશ્રવણ છે; ગુણાતીત શ્રદ્ધાથી કથા સંભળાય. વિશ્ર્વાસની છાયામાં કથા થાય અને હૃદયપૂર્વકના વિચાર સાથે બંનેની વચમાં રમાય. વિચારમુકત માણસ ન હોવો જોઈએ.

એક ગામ હતું તેમાં એક મુસ્લિમ ફકીર રહેતા હતા. નાનું ગામ અને આ સંતોષી ફકીર. નાનું-મોટું જે મળે એવું થોડું ઘણું કામ કરીને તેનું જીવન વ્યતીત કરતો હતો. પણ ખુદાનો પાક્કો બંદો એટલે નમાજ નિયમિત પઢે. એમાં એની કોઈ ચૂક ન થાય. સમયસર અને નિયમિતપણે નમાજ પઢે.

ગામમાં એક જ તો મસ્જિદ હતી. વળી વર્ષોથી તે એ જ ગામમાં રહેતો હતો અને બંદગીમાં એકદમ નિયમિત તેથી તે જે ખૂણામાં નમાજ પઢે તે ખૂણો બાકીના લોકો તેના માટે ખાલી રાખતા ! તેની શ્રદ્ધા અને નિયમિતતાનો અન્ય લોકોને ખ્યાલ હતો કે કંઈ પણ થાય,ફકીર નમાજ પઢે જ. વર્ષોથી આ ફકીર એક જ જગ્યાએ નમાજ પઢે એટલે જે ખૂણામાં તે નમાજ પઢતો હતો ત્યાં તેના હાથ-પગનાં નિશાન થઇ ગયા હતાં ! અને એમ થવાથી તે ખૂણો જાણે તેની અમાનત બની ગયો હતો !

એક દિવસની વાત છે. સવારની નમાજનો સમય થયો હતો. બીજા બધા નમાજીઓ પણ મસ્જીદમાં નમાજ પઢવા એકઠા થયા છે. આ ફકીર પણ રોજિંદા ક્રમ પ્રમાણે નમાજ પઢતો હતો. ફકીરને આવી નિયમિતતાપૂર્વક નમાજ પઢતાં-પઢતાં વીસ વર્ષ થયા છે ! એટલામાં તો અચાનક એ મસ્જીદમાં આકાશવાણી થઈ. ફકીર, તું વીસ વર્ષથી નમાજ અદા કરે છે, પરંતુ તારી એક પણ નમાજ ખુદાએ કબૂલ નથી કરી. અલ્લાહ દ્વારા તારી બંદગી સ્વીકારાઈ નથી !’

આકાશવાણી સાંભળતા જ મૌલવી તો રડી જ પડ્યા. અન્ય નમાજીઓ માથું પછાડવા લાગ્યા ! અરે રે, જુઓ તો ખરા ! આ માણસ વીસ વીસ વર્ષથી નિયમિતપણે નમાજ પઢે છે અને તેની એક પણ નમાજ ખુદાએ કબૂલ ન કરી ! આકાશવાણી સાંભળી બધા ખૂબ દુ:ખી થયા અને વિચાર્યું કે લાવો ફકીરને આશ્ર્વાસન આપીએ. પરંતુ આ શું ? જ્યાં સૌએ એ ફકીર તરફ જોયું તો એ તો નાચતો હતો ! ખુશીનો માર્યો પાગલ થઇ ગયો હતો ! દોડી દોડીને મસ્જિદની દીવાલને ભેટે છે. બધાને થયું કે બિચારો આ આઘાત સહન ન કરી શક્યો. મૌલવીએ કહ્યું કે ફકીર તારે તો રડવું જોઈએ. કારણ કે ખુદાએ તારી વીસ વર્ષોની બંદગી નામંજૂર કરી છે. આ સાંભળી હસતાં હસતાં એ ફકીર બોલ્યો: મોલાના,ખુદા મારી નમાજ કબૂલ કરે કે ન કરે, કોણ વિચારે છે ! પણ એક વાત તો આજે પાક્કી થઇ ગઈ કે, તેને ખબર છે કે કોઈ વીસ વર્ષોથી નમાજ પઢે છે ! મારાં માટે આટલું પર્યાપ્ત છે.’

મારાં ભાઈ-બહેનો, એની’ નજરમાં આવી જવું પર્યાપ્ત છે. જીવને બીજું શું જોઈએ ? પરમ વિશ્રામ સુધી પહોચવું હોય તો કથા વિશ્વાસપૂર્વક સાંભળજો. અધ્યાત્મ જગતમાં ત્રણ સોપાન છે-આસ્થા, શ્રદ્ધા અને વિશ્ર્વાસ. ભગવાન કેવા છે, શું કરે છે, ક્યારે મળશે ? એવી કોઈ વાત યાદ પણ ન રહે. ભગવાન છે; બસ,મેં માની લીધું છે. એ મારી આસ્થા છે. એ પછી વ્યક્તિમાં શ્રદ્ધાનો જન્મ થાય છે. અને શ્રદ્ધા પ્રબળ બને એટલે વિશ્ર્વાસ મળે છે. મીરાબાઈ જ્યારે વૃંદાવન ગયા તો બે ચોબાઓએ એમને પૂછ્યું કે, ક્યાં ભાગે છે? મીરાએ કહ્યું: મારા ઠાકુર પાસે જાઉં છું.’ આ સાંભળી બંને હસી પડ્યા અને કહ્યું કે કૃષ્ણને ગયે પાંચ હજાર વર્ષ થયા છે ! હવે શા માટે દોડે છે ? શું મળશે તને ? મીરાએ બહુ સુંદર જવાબ આપ્યો કે તમને કોણે કહ્યું કે હું કૃષ્ણને મેળવવા દોડું છું ? કૃષ્ણ મળે કે ન મળે તે તેની કૃપા પર આધારીત છે. દોડવાથી એ ક્યારેય કોઈને મળ્યો છે ? હું તો એટલા માટે દોડું છું કે મને તેના માટે દોડવામાં જ આનંદ આવે છે ! અને એ આંનદ માટે જ હું
દોડું છું.

બાપ,ઈશ્ર્વર મળે તેવી ઈચ્છા રાખીને દોડશો અને જો નહીં મળે તો તમારી આસ્થા હલી જઈ શકે છે,તમે નારાજ થઈ શકો છો. તમે હરિનામ લો તેનું શું ફળ ? તમે તેનું નામ લઈ શકો છો એ જ ફળ છે !
રામનામ આદિ-અનાદિ મંત્ર છે, મહામંત્ર છે. અદ્દ્ભુત વર્ણન છે. હું જ્યારે રામ શબ્દની વાત કરું છું ત્યારે સંકીર્ણ રામ નથી,બહુ આકાશ જેવા વિશાલ અર્થમાં કહું છું. કોઈ પણ નામ લ્યો. ભાવથી, કુભાવથી, અનખ(ક્રોધ)થી,આળસથી, કોઈ પણ સ્થિતિમાં નામ મદદ કરશે. એટલી વિનંતી કરીને આગળ વધુ કે તમે જે નામને માનતા હો તે શ્રેષ્ઠ છે પણ બીજા નામને હીન નહીં માનતા. બાપ, હરિનામનો મહિમા ખૂબ અપાર છે. નામ અદભૂત છે. કોઈ ભેદ નથી કે તમે રામનું નામ જ લો. રામનામ, શિવનામ, મા દુર્ગાનું નામ, બુદ્ધનું નામ, મહાવીરનું નામ, ખુદાનું, અલ્લાહનું કોઈ પણ નામ; ભારતના સંતોએ કોઈ ભેદ કર્યો નથી. કળિયુગમાં નામનો મહિમા વિશેષરૂપે ગવાયો છે. પરમાત્માનું નામ કોઈ ને કોઈ રૂપે લો.

હું હનુમાન જયંતિ પર સાંજે નામમહિમા પર બોલી રહ્યો હતો ત્યારે મેં કહ્યું કે નામ અવતાર છે. જીભ જ્યારે હરિ નામ લે છે ત્યારે માણસની જીભ પર દશાવતાર થાય છે. જેમ અયોધ્યામાં રામ પ્રગટ થાય છે તેવી રીતે જીભરૂપી ધામ પર પ્રભુનું નામ-મહારાજ જુદાજુદા યુગમાં, જુદાજુદા સમયમાં અવતાર લઈને આવે છે. આપણે ત્યાં અવતારનું જે સાંખ્ય છે તે ચોવીસ છે. પરંતુ આપણે મુખ્ય દસ અવતાર માનીએ છીએ. યુવાન ભાઈ-બહેનો, હું તમને દિલથી નિવેદન કરી રહ્યો છું; કોઈ તમારા કાનમાં ખોટું ઝેર રેડી દે કે નામ જપવાથી, તોતારટણ કરવાથી શું થશે ? તો એનું સાંભળશો નહીં. વ્યાસપીઠના થઈ ચૂક્યા હો તો નામ ન છોડવું. નામ તારક છે.

  • સંકલન: જયદેવ માંકડ
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત