ધર્મતેજ

વધુ પડતી પ્રશંસા અને વાહવાહ થવા લાગે ત્યારે ફુલાઈ જવું નહીં

લાયકાત કરતાં વધુ પડતું માન સારું નથી સમય ફરે ત્યારે બધું ફરી જાય છે

જિનદર્શન -મહેન્દ્ર પુનાતર

આધુનિક જમાનાએ માનવીના દિલમાં અનેક જાતના નવા ભય અને આશંકાઓ સર્જી છે. કોઈ માણસ એવો નથી કે જેને કોઈ પણ જાતની ચિંતા અને ભય ન હોય. ભય છે ત્યાં આશંકાઓ અને અશાંતિ ઊભી થવાની. સાધુ, સંતો, સ્વામીઓ અને મુની મહારાજો પણ આમાંથી પર નથી. સૌને પોતપોતાની રીતે વધતી ઓછી ચિંતા અને અંદરખાને ભય હોય છે. સ્પર્ધાના આ જમાનામાં સૌને એકબીજાથી આગળ નીકળી જવું છે. સારા દેખાવું છે. ઉપરછલ્લી રીતે આપણે સુખી, નિર્ભય અને કોઈપણ જાતના દોષ રહિત હોવાનો દેખાવ કરીએ છીએ, પરંતુ મનના અંદરના ખૂણામાં ભય અજંપો અને વ્યથાનાં નકામાં દુ:ખોને ભરીને બેઠા હોઈએ છીએ. તૃષ્ણા, ભય અને ક્રોધ પર વિજય મેળવવાનું અને તેને કાબૂમાં રાખવાનું એટલું સરળ નથી.

કોઈને ધનનું, કોઈને તનનું, કોઈને મોભાનું, કોઈને પ્રતિષ્ઠાનું અભિમાન છે. જે સુખેથી રહેવા દેતું નથી. પોતે બીજા કરતાં વધુ સમજદાર સુખી અને સંતોષી છે. એવા વધુ પડતા દેખાવની આડમાં અકળ એવો અજંપો અને વ્યથા હોય છે. માણસને પોતે જે કાંઈ છે તેના કરતાં વિશેષ દેખાવું છે. આના કારણે દંભ અને દેખાવ કરવો પડે છે. સ્વાભાવિક વર્તન રહ્યું નથી. પ્રેમ, લાગણી અને સહાનુભૂતિમાં પણ અંતરનો ઉમળકો કે હૃદયના અવાજનો રણકો હોતો નથી. શુદ્ધ અંતકરણના પુરુષને પણ મોહ પમાડે એવી કોઈ બાબત હોય તો તે માન, સન્માન અને કીર્તિ છે. માણસ પોતાના મોભા અને કીર્તિનું રક્ષણ કરવા હંમેશાં પ્રયત્નશીલ રહે છે. અને આમાં ક્યાંય આંચકો લાગે ત્યારે મન ઘવાય છે, દિલ દુભાય છે. માણસની વાહવાહ થતી હોય, પ્રશંસાના પુષ્પો વેરાતાં હોય અને માણસ ઊપડ્યો ન ઊપડે ત્યારે તેણે આત્મ નિરીક્ષણ કરવું જોઈએ કે આ બધું શાના માટે છે? આવા સમયમાં માણસે વધુ નમ્ર બનવું જોઈએ અને કોઈપણ જાતનું અભિમાન રાખવું જોઈએ નહીં. આ અંગે નીચેનું દ્રષ્ટાંત પ્રેરક છે.

એક શહેરમાં મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને તેમાં મૂર્તિ પધરાવવાની હતી. ભગવાનની મૂર્તિ મંદિર સુધી લાવવા માટે એક માણસને પસંદ કરવામાં આવ્યો હતો. તેને સુંદર નવાં વસ્ત્રો પહેરાવવામાં આવ્યાં હતા. અને શણગાર સજાવવામાં આવ્યો હતો. તેથી તેનો રૂઆબ કંઈ ઓર લાગતો હતો. રસ્તામાં લોકોની ભીડ જામી હતી. રસ્તા પરથી મૂર્તિનું સરઘસ જવા લાગ્યું ત્યારે આજુબાજુ ટોળે વળેલાં લોકો તેને નમસ્કાર કરવા લાગ્યા. કેટલાક માણસો મૂર્તિ પર ફૂલ અને ચોખા ચડાવતા હતાં. આ બધું જોઈને આ માણસ ફૂલાઈ ગયો. રસ્તામાં લોકો મૂર્તિને નમસ્કાર કરતા હતા. અને તે ડોકું હલાવીને નમસ્કાર ઝીલતો હતો. બધા મંદિર પાસે આવી પહોંચ્યા. તેના માથા પરથી મૂર્તિ ઉતારી લેવામાં આવી કે માણસોએ તેમના મુખ તેના તરફથી ફેરવી લીધા. તે પાછો ફર્યો ત્યારે લોકો તેની સામે જોતા પણ ન હતા.

માણસને લોકો નમસ્કાર કરે છે. તેની વાહવાહ પોકારે છે અને તેની વધુ પડતી પ્રશંસા કરે છે ત્યારે તે વિચાર કરતો નથી કે આ બધી વાહ વાહ, વધુ પડતી પ્રશંસા અને સન્માન શાના કારણે છે? તેનાં સત્કાર્યો અને ગુણો માટે છે,તેની કાર્યશક્તિ માટે છે કે આ બધી ધમાલ પદ પ્રતિષ્ઠા અને તેમની પાસે રહેલી ધન દોલત, સત્તા અને સંપત્તિ માટે છે. લાયકાત કરતાં વધુ મળતું માન સારું નથી. સમય ફરે છે ત્યારે બધુ ફરી જાય છે. અને આ બધું રહેતું નથી ત્યારે લોકો મોઢું ફેરવી લેતા હોય છે. આ ખરી વાત સમજાય તો જીવન સરળ બની જાય. લોક પ્રશંસા અને લોક પ્રીતિ બહુ ચંચળ હોય છે. મોટાભાગની એમાં બનાવટ હોય છે. એકબીજાને સારું લગાડવા આવો વ્યવહાર થતો હોય છે. તેથી આ અંગે ફુલાઈ જવાની કે ગર્વ લેવાની કોઈ જરૂર નથી. કોઈ પણ ચીજ કાયમને માટે હોતી નથી. જ્યાં સુધી આપણી પાસે છે ત્યાં સુધી તેનો આનંદ માણવો જોઇએ. સુખ આવે ત્યારે થોડું છેટું રાખવું. જેટલું સુખને છાતીએ લગાડશું તેટલું વહેલું છટકી જશે.

પોતાના વિશે લોકો શું કહે છે, શું ધારે છે અને શું વિચારે છે તેની જેને પડી નથી અને જે પોતાને યોગ્ય લાગે તે સ્વાભાવિક રીતે કરે છે તે આ મોહજાળમાં સપડાતો નથી. જેને સુખની આસક્તિ નથી તેને દુ:ખનો ભય નથી તેને કોઈ પણ વસ્તુ પરેશાન કરી શકે નહીં. ધન અને સંપત્તિ આવે ત્યારે કોઈ પણ જાતનું અભિમાન રાખવું નહીં. અને તેનાથી બીજાનું જેટલું સારું થઈ શકે એટલું કરવું એ જીવનની સાર્થકતા છે.

જીવનને જોવાની બે દ્રષ્ટિ છે. એક વિધાયક અને બીજી નકારાત્મક. કેટલાક લોકો ક્યાંય સારું જોવા માટે ટેવાયેલા હોતા નથી. તેઓ કોઇ પણ કાર્યમાં ક્યાંક ને ક્યાંક ઊણપ અને ખામી શોધી કાઢશે. તેમને ગુલાબના છોડ પાસે લઈ જાઓ તો પણ પહેલી નજર કાંટા પર પડશે ફૂલ પર નહીં. માણસ પાસે રહેલી શક્તિ બે ધારી તલવાર જેવી છે. તેનો ઉપયોગ અયોગ્યને કાપવા અને યોગ્ય ને બચાવવા માટે થવો જોઈએ. એકલું શક્તિશાળી બનવું પણ પૂરતું નથી. નિર્ધારિત લક્ષ્ય પણ હોવું જોઈએ. શક્તિ અને સામર્થ્યનો ઉપયોગ બીજાનાં ભલા માટે થવો જોઈએ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button