સદુપયોગી કાર્ય કરવાથી જીવન સફળ અને દુરુપયોગી કાર્ય કરવાથી જીવન નર્ક બને
શિવ રહસ્ય -ભરત પટેલ
(ગતાંકથી ચાલુ)
એક શ્રીકર નામનો બાળક અને માતા ગોપા સાથે વનમાંથી ઘાસ કાપી લઈ આવતો હોય છે. તેઓ રાજમહેલ પાસેથી પસાર થતા હોય છે ત્યારે તેમને ‘ઓમ નમ: શિવાય’ના જાપનો અવાજ સંભળાય છે. માતા સમજાવે છે પણ ‘ઓમ નમ: શિવાય’ના જાપથી આકર્ષિત થયેલો શ્રીકર રોકાતો નથી અને ઉપર ચડી જોઈ છે કે મહારાજા ચંદ્રસેન ‘ઓમ નમ: શિવાય’ના જાપ કરી રહ્યા છે. આ જાપ સાંભળી શ્રીકર એટલો પ્રભાવિત થાય છે કે તે નીચે પોતાના માતા પાસે આવીને કહે છે, ‘માતા હું ‘ઓમ નમ: શિવાય’ના જાપ કરવા માંગું છું મને આજ્ઞા આપો.’ માતા સમજશે નહીં એમ જાણી શ્રીકર માર્ગમાં આવતી નદીમાં ઝંપલાવી દે છે. માતા વિલાપ કરે છે કે મારો પુત્ર ડૂબી ગયો. એ જ સમયે સામેના કિનારેથી આવનાર એક યુવક કહે છે કે તમારો પુત્ર તો સામેના કિનારે આવેેલા જંગલમાં શિવ તપસ્યા કરી રહ્યો છે. શ્રીકર જ્યા તપસ્યા કરી રહ્યો હોય છે એ નદી કિનારો રાજા ચંદ્રસેનના શત્રુ રિપુદમનના અધિપત્યનો હોય. રાજા રિપુદમન રાજા ચંદ્રસેનના રાજ્ય પર આક્રમણ કરી તેમને બંદી બનાવવાનું ષડયંત્ર રચે છે. પોતાના રાજા ચંદ્રસેનાની રક્ષા માટે શ્રીકર ભગવાન શિવની આરાધના કરવા બેસે છે. આરાધના દરમિયાન શ્રીકરની માતા ગોપા સામે કિનારે પહોંચે છે અને જુએ છે તો શ્રીકર ભગવાન શિવની એક શિવલિંગ બનાવી તપસ્યા કરતો નજરે પડે છે. ક્રોધિત ગોપા માટીથી બનાવેલી શિવલિંગને ઉંચકી પ્રવાહિત નદીના વહેણમાં વિસર્જન કરી દે છે.
શ્રીકર: ‘ભોળેનાથ મારી માતાને માફ કરી દો.’
ગોપા: ‘શ્રીકર આપણે ગરીબ છીએ, ભગવાનની ભક્તિ કરીને આપણું પેટ નહીં ભરાય, આપણે કામ કરવું પડશે ચાલ અહીંથી.’
શ્રીકર: ‘નહીં મા, હું નહીં આવું. આપણા રાજા ચંદ્રસેનને બંદી બનાવવા રાજા રિપુદમન આક્રમણ કરવાના છે તેથી હું તેમને બચાવવા ભગવાન શિવની આરાધના કરી રહ્યો છું.’
ગોપા: ‘હવે તું એમ નહીં માને, હું જ મારી જાતને અહીં ખતમ કરી નાંખીશ.’
એમ કહી ગોપા વહી જતી ક્ષિપ્રા નદીમાં ઝંપલાવવાની કોશિષ કરે છે એ જ સમયે ગોપાએ વિસર્જન કરેલું શિવલિંગ ફરી પ્રગટ થાય છે અને શ્રીકર સમક્ષ સ્થાપિત થાય છે. એ જોઈ પોતાના પુત્રની ભક્તિ પર ગર્વ અનુભવે છે અને ગોપા પણ શ્રીકર સાથે ભગવાન શિવની તપસ્યામાં લીન થઇ જાય છે.
બ્રહ્મલોક ખાતે માતા સરસ્વતી અને બ્રહ્માજીને ઓમ બ્રહ્માય નમ:નો જાપ સંભળાય છે.
માતા સરસ્વતી: ‘બ્રહ્મદેવ આ કોણ છે જે તમારી ઉપાસના કરી રહ્યું છે, એનો સ્વર હવે અહીં સુધી સંભળાવા લાગ્યો છે.’
બ્રહ્માજી: ‘દેવી આ અસુરરાજ દૂષણ છે, ઘણા સમયથી મારી ઉપાસના કરી રહ્યો છે, એની ઉપાસના હવે પૂર્ણ થવા આવી છે. મારે હવે વરદાન આપવું પડશે.’
એટલું કહી બ્રહ્મદેવ અસુરરાજ દૂષણ પાસે પહોંચે છે.
બ્રહ્મદેવ: ‘ભક્ત દૂષણ આંખ ખોલો, જુઓ હું તમારી સમક્ષ ઊભો છું.’
દૂષણ: ‘પ્રણામ બ્રહ્મદેવ.’
બ્રહ્મદેવ: ‘હું પ્રસન્ન છું. બોલો દૂષણ તમને વરદાનમાં શું જોઈએ છે.’
દૂષણ: ‘બ્રહ્મદેવ તમે ખરેખર પ્રસન્ન હો તો હું જે માંગીશ એ વરદાન આપશો.’
બ્રહ્મદેવ: ‘બોલો તમને શું જોઈએ છે.’
દૂષણ: ‘બ્રહ્મદેવ મને સર્વશક્તિમાન બનાવો.’
બ્રહ્મદેવ: ‘સર્વશક્તિમાન તો ત્રિદેવ છે, તને એ વરદાન કઈ રીતે મળે.’
દૂષણ: ‘બ્રહ્મદેવ તમે જ કહ્યું હતું કે જે માંગીશ તે મળશે, હવે કેમ ખચકાઓ છો.’
બ્રહ્મદેવ: ‘વરદાન તો આપીશ પણ એક વાતનું ધ્યાન રાખવું પડશે કે વરદાનનો દુરુપયોગ નહીં થાય.’
દૂષણ: ‘દુરુપયોગ અને સદુપયોગનું મારે શું કામ એતો જ્ઞાની લોકો સમજે. ભૌતિક જીવન જીવવાવાળાને તો ઉપયોગ જ સમજે.’
બ્રહ્મદેવ: ‘દરેક પ્રાણીઓના હિતમાં થતા કાર્યને સદ્ઉપયોગીતા અને વિનાશાત્મક કાર્યને દુરુપયોગીતા કહેવાય છે. સદ્ઉપયોગી કાર્ય કરવાથી જીવન સફળ થઈ જાય છે તો દુરુપયોગી કાર્ય
કરવાથી જીવન નર્ક બની જાય છે.’
દૂષણ: ‘બ્રહ્મદેવ તમે વરદાન દેવા આવ્યા છો કે ઉપયોગીતા પણ ભાષણ આપવા? જે તમે સદ્ઉપયોગીતા પર ભાષણ આપી રહ્યા છો તે માટે તો દેવગણ છે જ ને? રચનાત્મક અને સદ્ઉપયોગીતાવાળા કાર્ય કરવા સિવાય તમારી પાસે બીજું કંઈ કામ છે? વરદાન દેવા આવ્યા હોવ તો વરદાન આપો.’
બ્રહ્મદેવ: ‘દૂષણ… વરદાન મેળવવા પહેલા જ તમારામાં આટલો અહંકાર દૃશ્યમાન થાય છે, તો વરદાન મેળવી તમે શું કરશો.’
દૂષણ: ‘બ્રહ્મદેવ તમે વિનાશ અને દુર્ગતીની ચિંતા છોડી વરદાન આપો.’
બ્રહ્મદેવ: ‘તમારી તપસ્યાથી પ્રસન્ન થઈ આવ્યો હતો એટલે વરદાન આપવા બંધાયેલો છું, છેલ્લે જણાવી દઉં છું કે વરદાન મેળવ્યા બાદ તમે ભગવાન શિવ અને તેમના ભક્તો વિરુદ્ધ તમારી શક્તિનો દુરુપયોગ નહીં કરી શકો, તમારું પતન નિશ્ર્ચિત છે.’
દૂષણ: ‘બ્રહ્મદેવ મને મંજૂર છે વરદાન આપો.’
બ્રહ્મદેવ: ‘તથાસ્તુ.’
વરદાન આપી બ્રહ્મદેવ વિદાય લેતાં દૂષણ પોતાનું પોત પ્રકાશવા માંડે છે અને સામે દેખાતા માનવો પર અત્યાચાર કરવાની શરૂઆત કરે છે. ભગવાન શિવના ભક્તોને બંદી બનાવી અસુરરાજ દૂષણની જય એમ બોલવા મજબૂર કરે છે. (ક્રમશ:)