નિંદિત કર્મ કરવાથી પ્રાણી માત્રનો વિનાશ થાય છે, તેથી ગર્હિત કર્મનું આચરણ ભૂલેચૂકે પણ ન કરવું
શિવ રહસ્ય -ભરત પટેલ
(ગતાંકથી ચાલુ)
ભગવાન શિવ: હે જગદીશ્ર્વર હવે ત્રિપુર નષ્ટ થયું જ સમજો. તમે લોકો આદરપૂર્વક મારી વાત સાંભળો ‘મેં પહેલાં જે દિવ્ય રથ, સારથિ, ધનુષ અને ઉત્તમ બાણોનો અંગીકાર કર્યો છે, એ બધું જ શીઘ્ર તૈયાર કરો. હે વિષ્ણુ તમે સૃષ્ટિના પાલન કાર્યમાં નિપૂણ છો તમારી પ્રેરણાથી દેવગણો મને પ્રસન્ન કરી શકયા, તેમના દ્વારા મહાન પુણ્ય મને પ્રસન્ન કરનારો આ શ્ર્લોક મૃત્યુલોકમાં તેમની આધિ-વ્યાધિ-કષ્ટોને દૂર કરનારો હશે. કળિયુગમાં આ શ્ર્લોકનો જે પાઠ કરશે તેની મનોકામના પૂર્ણ થશે. હે દેવશ્રેષ્ઠો પશુભાવ પ્રાપ્ત થવા છતાં પણ તમારા લોકોનું પતન થશે નહીં. હું એ પશુભાવથી વિમુક્ત થવાનો ઉપાય બતાવું છું એ સાંભળો. સમાહિત મનવાળા દેવતાઓ હું તમારા લોકો સામે સાચ્ચી પ્રતિજ્ઞા કરું છું કે જે આ દિવ્ય પાશુપતવ્રતનું પાલન કરશે તે પશુત્વથી મુક્ત થઇ જશે. હે સુરશ્રેષ્ઠો! તમારા સિવાય જે અન્ય પ્રાણી પણ મારું પશુપત-વ્રત કરશે એ પણ નિસંદેહ પશુત્વથી છૂટી જશે. જે નૈષ્ઠિક બ્રહ્મચર્યનું પાલન કરતાં કરતાં બાર વર્ષ, છ વર્ષ અથવા ત્રણ વર્ષ મારી સેવા કરશે અથવા કરાવશે તે પશુત્વથી વિમુક્ત થઈ જશે. એટલા માટે હે દેવતાઓ તમે લોકો પણ આ પરમોત્કૃષ્ટ દિવ્ય વ્રતનું પાલન કરશો તો એ જ સમયે પશુત્વથી મુક્ત થઈ જશો એમાં કશો જ સંશય નથી.’
ભગવાન શિવનું આ વચન સાંભળી ભગવાન શ્રીહરિ વિષ્ણુ, બ્રહ્માજી અને અન્ય દેવતાઓએ કહ્યું – ‘તથેતિ.’ બહુ સારું એવું જ થશે. એટલા માટે મોટા મોટા દેવતા તથા અસુર ભગવાન શંકરના પશુ બન્યા અને પશુત્વરૂપી પાપથી વિમુક્ત કરનારા રુદ્ર પશુપતિ થયા ત્યારથી ભગવાન શિવ ‘પશુપતિનાથ’ એ નામથી વિખ્યાત થયા. આ નામ સમસ્ત મૃત્યુલોક ખાતે કળિયુગમાં ખૂબ જ વિખ્યાત છે. આ નામ સમસ્ત લોકોમાં કલ્યાણ પ્રદાન કરનારું છે. એ સમયે સમસ્ત દેવગણ, ઋષિમુનિઓ, હર્ષમગ્ન થઈને જય જયકાર કરવા લાગ્યા અને બ્રહ્માજી, ભગવાન શ્રીહરિ વિષ્ણુ તથા સમસ્ત શિવગણ પરમાનંદ મગ્ન થઈ ગયા. એ અવસર પર મહાત્મા શિવનું જેવું રૂપ પ્રગટ થયું હતું એનું વર્ણન સેંકડો વર્ષોમાં પણ ન થઈ શકે. સંપૂર્ણ ઋષિ-મુનિઓ, દેવતાઓ ભગવાન શિવનો જયજયકાર કરવા લાગ્યા. ઈન્દ્ર, બ્રહ્માજી, ભગવાન શ્રીહરિ વિષ્ણુ વગેરે દેવો ભગવાન શિવની આગળ ચાલવા માંડયાં. આકાશચારી ચારણ પુષ્પોની વર્ષા કરવા લાગ્યા. ત્રિપુર વધ કરવા આગળ વધતા શિવજી સાથે સમગ્ર દેવગણો હર્ષોલ્લિત થઈ ગયા. ત્યારબાદ ભગવાન શિવ એ ત્રણે પુરોને બાળી દેવા તૈયાર થયા. ભગવાન શિવે પોતાના રથના શિર્ષ પર પ્રત્યંચા ચઢાવી અને તેના ઉપર ઉત્તમ બાણનું સંધાન ધનુષ્યના મૂઠને દૃઢતાપૂર્વક પકડીને અને દૃષ્ટિમાં દૃષ્ટિ પરોવીને તે અચલભાવે ત્યાં ઊભા રહી ગયા, પરંતુ એમના અંગૂઠાના અગ્રભાગમાં ભગવાન શ્રીગણેશ નિરંતર પીડા પહોંચાડતા હતા, તેથી ત્રિશૂળધારી ભગવાન શિવનું લક્ષ્ય બરાબર બની શકતું નહોતું.
માતા પાર્વતી: ‘હે સ્વામી, તમે કેમ ભૂલી રહ્યા છો કે તમે ગણેશને પ્રથમ પૂજાનો અધિકાર આપ્યો હતો, તમે ગણેશની અર્ચના-પૂજા નહીં કરી લો ત્યાં સુધી ત્રિપુરનો નાશ નહીં કરી શકો.’
વાતની સમજ પડતાં જ સમગ્ર દેવગણ અને ઋષિગણે ભગવાન ગણેશની પૂજા-અર્ચના કરતાં ભગવાન ગણેશ પ્રસન્ન થયા.
ભગવાન શ્રીહરિ વિષ્ણુ: ‘હે મહાદેવ, તારકના પુત્ર એ ત્રિપુરવાસી દૈત્યોના વધનો સમય આવી ગયો છે, હે વિભો એટલા માટે જ આ પુરો એકતાને પ્રાપ્ત થવાના છે, તેથી હે દેવેશ! જ્યાં સુધીમાં આ ત્રિપુર પુન: અલગ થઈ જાય એ પહેલાં આપ બાણ છોડીને એમને ભસ્મ કરી દો અને દેવતાઓના કાર્યોને સિદ્ધ કરો.’
આટલું સાંભળતાં જ ભગવાન શિવે ધનુષ્યની દોરી ચઢાવીને એના પર પશુપતાસ્ત્ર નામક બાણનું સંધાન કરી એને છોડવા ત્રિપુર એક રેખામાં આવે તેની રાહ જોવા લાગ્યાં. થોડી જ ક્ષણોમાં ત્રિપૂર એક રેખામાં આવવાના છે એ જોઈ ભગવાન શિવે એ મહાસુરોને લલકારીને કરોડો સૂર્ય સમાન પ્રકાશમાન એ ભીષણ બાણ એમના પર છોડી દીધું ત્યારે એની અણી પર અગ્નિદેવ પ્રતિષ્ઠિત હતા અને જે વિષયરૂપે પાપના વિનાશક અને વિષ્ણુમય હતા, એ મહાન જાજવલ્યમાન શીઘ્રગામી બાણે એ ત્રિપુરનિવાસી દૈત્યોને દગ્ધ કરી દીધાં, ત્રિપુરાસુરો કંઈ સમજે તે પહેલાં જ ભગવાન શિવનું પશુપતાસ્ત્ર ત્રણે પુરોને ભસ્મ કરી દીધાં અને એકીસાથે ચારે સમુદ્રરૂપી મેખલાવાળી ભૂમિ પર પડી ગયાં. એ સમયે શિવજીની પૂજાનું અતિક્રમણ કરી દેવાને કારણે સેંકડો દૈત્ય એ બાણસ્થિત અગ્નિથી સળગીને હાહાકાર મચાવી રહ્યા હતા. ત્રણે અસુરોેનું શરીર ભડકે બળવા માંડયું એ સમયે એ તારકાક્ષે કહ્યું:
તારકાક્ષ: ‘હે મહાદેવ, જે દેવતા અને અસુરોને માટે અપ્રાપ્ય છે તે એટલે કે આપને હાથે મરણ દુર્લભ લાભ અમને પ્રાપ્ત થઈ રહ્યો છે. હવે અમે જે જે યોનિમાં જન્મ ધારણ કરીશું, ત્યાં અમારી બુદ્ધિ આપની ભક્તિથી ભાવિત રહે અને અમે તમારી ભક્તિ આરાધના કરતા રહીએ એવું વરદાન આપો.’
પ્રસન્ન ભાવે ભગવાન શિવે તથાસ્તુ કહ્યું.
થોડી જ ક્ષણોમાં ત્રિપુર દાનવો સહિત બળીને ભસ્મ થઈ ગયાં. ત્રિપુરમાં જેટલી સ્ત્રીઓ તથા જેટલા પુરુષો હતા એ બધાય એ અગ્નિથી બળીને ભસ્મ થઈ ગયા, જેવી રીતે કલ્પના કરો કે અંતમાં જગત ભસ્મ થઈ જાય એ રીતે. પણ એ સમયે અસુરોના વિશ્ર્વકર્મા બચી ગયા કેમ કે તેઓ દેવોના અવિરોધી હતા.
ભગવાન શિવના સદ્ભક્ત હતા. વિપત્તિના અવસરે હંમેશાં તેઓ ભગવાન શિવના શરણાગત બની રહેતા. એટલા માટે સત્પુરુષોએ અત્યંત સંભવિત ઉત્તમ કર્મ માટે પ્રયત્ન કરવો જોઈએ. કેમ કે નિંદિત કર્મ કરવાથી પ્રાણી માત્રનો વિનાશ
થાય છે, તેથી ગર્હિત કર્મનું આચરણ ભૂલેચૂકે પણ ન કરવું. ત્રિપુર ભસ્મ
થયું ત્યારે ત્રિપુરનિવાસીઓમાં જે દૈત્ય બંધુ-બાંધવો સહિત શિવપૂજામાં તત્પર
હતા તે બધાય શિવ-પૂજાના પ્રભાવથી (બીજા જન્મમાં) ગણોના અધિપતિ થઈ ગયા. (ક્રમશ:)