એકલી પ્રાર્થના ફળે ખરી? ભલું તો ભલું કરવાથી જ થાય
આચમન -અનવર વલિયાણી
એક હતો સાધક, માત્સુ એનું નામ. પોતાની ઝૂંપડીમાં તે સાધના જ કર્યા કરતો. જપ, તપ, યોગ, ભક્તિમાં જ લીન. તે એક વખત સાધનામાં હતો. ત્યારે તેના ગુરુ આવ્યા. માત્સુએ તો એ તરફ જોયું જ નહીં. સાધના અને ભગવાન ભજન ચાલુ રાખ્યાં.
ગુરુ તેની સામે બેસી ગયા. સામેથી ઈંટ અને પથ્થર લીધા. ઇંટ પર પથ્થર જોરથી ઘસવા લાગ્યા.
સાધકની સાધના ચાલુ જ હતી. છતાં ધ્યાન તો વિચલિત થાય જ ને?
- સાધકનું મૌન તૂટ્યું,
- સાધક માત્સુનું ધ્યાન વિચલિત થયું.
- તેણે ગુરુને પૂછ્યું- ‘આ શું કરો છો?’
- ગુરૂજીએ કહ્યું, ‘ઈંટનું દર્પણ બનાવું છું…!’
- ‘આ તો ભારે નવાઈની વાત! આવું તો જાણ્યું નથી. ઈંટ તે કદી દર્પણ બનતી હશે?’
- ગુરુએ કહ્યું, ‘ઈંટને ખૂબ ઘસીશ… ખૂબ ખૂબ ઘસીશ. ખૂબ ઘસાઈને લીસી થઈ જશે એટલે દર્પણ થઈ જશે…!’
- માત્સુએ કહ્યું- ‘તોય ઈંટ હરગીઝ દર્પણ નહીં બને…!’
-ગુરુજીએ કહ્યું- ‘ભાઈ, તારા મનની ઈંટને આ રીતે ઠાલી પ્રાર્થના અને સાધનાના પથ્થર પર ઘસ્યા કરે છે એથી શું તારું મન દર્પણ બનવાનું છે? ઊઠ! - કોઈ સારા કામ કર,
- કોઈ ભલા કામ કર,
- કોઈ ઉપયોગી કામ કર,
- સમાજ અને જનજીવનને મદદરૂપ થા,
- જનતામાં ભળી જા,
- પ્રાર્થના ત્યારે જ કામ આવશે.
- પરિશ્રમ વગરની એકલી પ્રાર્થના કે ભક્તિથી કદી કોઈ ભકતનું ભલું થયું જાણ્યું છે?
- ભલું તો ભલું કરવાથી જ થાય. સમજ્યો?
- ઊઠ અને જાગ!
દાનનો આનંદ:
એક શેઠ હતા. શેઠ અત્યંત ધનિક હતા છતાં ભારે કંજૂસ હતા. એમણે જીવનમાં કદી સારું ખાધુ ન હતું કે સારું પહેર્યું ન હતું. કોઈને ફૂટી કોડીનું દાન કર્યું ન હતું. એ મંદિરે જતા ખરા, પરંતુ તે ભગવાન પાસે કાંઈ માગવા.
-એકવાર નગરમાં ભારે દુકાળ પડ્યો. હજારો લોકો ભૂખે મરી ગયા. કેટલાય સ્ત્રી-બાળકો નિરાશ્ર્ચિત થઈ ગયા.
નગરમાં એક મહાત્મા રહેતા હતા. નગરવાસીઓની દુર્દશા એ જોઈ શક્યા નહીં. દુ:ખી નિરાશ્રિતોની સેવા કરવા એ નીકળી પડ્યા. અનાજ, વસ્ત્ર, વગેરેની મદદ માટે પૈસાની જરૂર હતી. તેઓ નગરના ધનિકો પાસે દાન માગવા ગયા, પરંતુ કોઈ કંઈ આપતું ન હતું. છેવટે આ મહાકંજૂસ પાસે જઈ તેમણે કહ્યું, ‘શેઠજી! તમે મને દાનમાં કાંઈ નહીં આપો તો ચાલશે. માત્ર દસ હજાર રૂપિયાનો ચેક આપો. એ વટાવ્યા વિના સાંજે હું તમને પાછો આપી દઈશ.’
-‘સાંજ સુધી એ ચેકનું તમે શું કરશો?’
- ‘તમે નગરમાં મોટા કંજૂસ તરીકે જાણીતા છો. હું નગરમાં ચેક બતાવીશ એટલે બીજા ધનિક અને સ્થિતિ સંપન્ન લોકોને થશે કે તમે દસ હજાર રૂપિયા આપો તો તેઓ કેમ નહીં આપે? તમને પૈસા આપ્યા વિના દાનનું પુણ્ય મળશે…!’
- કંજૂસ શેઠને થયું કે આ સોદો તો લાભમાં છે. પૈસા આપ્યા વિના પુણ્ય મળતું હોય તો શું ખોટું? એમણે દસ હજાર રૂપિયાનો ચેક લખી આપ્યો.
મહાત્માએ કહ્યું તેમ જ બન્યું. કંજૂસ શેઠના દાનની વાત સાંભળી દાન આપવાની હરીફાઈ શરૂ થઈ. સાંજ સુધીમાં હજારો રૂપિયા ભેગા થઈ ગયા.
- સાંજે કંજૂસ શેઠ પાસે જઈ તેમને ચેક પાછો આપ્યો, પરંતુ શેઠે તે લેવાની ના પાડી. મહાત્માએ પૂછ્યું તો કહ્યું કે- ‘આજ સુધી દાન મહિમાની મને ખબર ન હતી. મેં દાન આપ્યું છે એવી વાતો બહાર પડી એટલે અનેક લોકોએ મને ધન્યવાદ અને અભિનંદન આપ્યા. મારી તેમણે ખૂબ પ્રશંસા કરવા માંડી. આ બધું જોઈ મને એટલું બધું સુખ મળ્યું છે કે તેવું સુખ મેં જીવનમાં કદી મેળવ્યું નથી.’ એટલું કહી તેણે પચાસ હજારનો બીજો ચેક મહાત્માને લખી આપ્યો.