ધર્મતેજસ્પેશિયલ ફિચર્સ

દિવાળી એટલે અધર્મ સામે ધર્મનો વિજય

ચિંતન -હેમુ ભીખુ

અધર્મ સામે ધર્મનો વિજય સહેલો નથી. મહાભારત અને રામાયણ એ બંનેમાં ધર્મના વિજય માટે અગાથ પરિશ્રમ કરવો પડેલો. આ એક વિશાળ યજ્ઞ સમાન કાર્ય હતું. મહાભારત અને રામાયણનું યુદ્ધ જ્યાં લડાયું હતું તે એક યજ્ઞની વેદી સમાન સ્થળ ગણાય. એમાં અનેક જીવની આહુતિ આપવામાં આવી હતી. મહાકાળ નામના દેવે આ બધી આહુતિ સ્વીકારી તૃપ્તિ અનુભવી હશે. આ યજ્ઞ માટે મનુષ્ય અને દેવતાઓએ વર્ષોની પ્રતીક્ષા કરી હશે. અંતે અધર્મ સામે ધર્મનો વિજય થયો. 

દિવાળીનો તહેવાર અધર્મ સામે ધર્મના વિજયનો તહેવાર છે. આમ તો આ વિજય વિજયાદશમીના દિવસે સંપન્ન થયો હતો. તે વિજય બાદ શ્રીરામનું દિવાળીના દિવસે અયોધ્યામાં આગમન થયું હતું. આ દિવસે શ્રીરામનો વનવાસ પૂરો થયો. સમગ્ર વનવાસ દરમિયાન તેમણે જે ધર્મ અને નીતિનું આચરણ કર્યું તે પ્રકરણનો અહીં અંત હતો અને અહીંથી આ જ પ્રકારના આચરણનું નવું પ્રકરણ શરૂ થતું હતું. જે દિવસે વનવાસના પ્રકરણનો અંત આવ્યો તે દિવસે અધર્મને અનુસરતાં એક વર્ગનો સંપૂર્ણતામાં નાશ થયો. ધર્મના વિજયના એક પ્રકરણનો આ અંત હતો.

પ્રકાશની લડત અંધકાર સામે છે. સત્યને અસત્ય સામે લડવું પડે છે. અધર્મ સામે ધર્મે મોરચો માંડવો પડે છે. સુમતિએ કુમતિને હરાવવાનો પ્રયત્ન કરવો પડે છે. સત્કર્મે પણ અસ્તિત્વ માટે દુષ્કર્મનો સામનો કરવો પડે છે. નીતિમય જીવન માટે અનીતિ હંમેશા બાધારૂપ બની રહે છે. સમાજમાં દૈવી પ્રકૃતિવાળી વ્યક્તિનો ટકરાવ આસુરી પ્રકૃતિવાળી વ્યક્તિ સાથે થાય તે સ્વાભાવિક છે. સારા આદર્શ હંમેશાં ખરાબ આદર્શ સાથે ટકરાય છે. પ્રશ્ર્ન એ થાય કે આ બંનેમાંથી જીત કોની થાય છે. ક્યારેક એમ લાગશે કે જીત અધર્મની થતી હોય છે.

Also read: બ્રહ્માનંદસ્વામી: શકવર્તી સાંસ્કૃતિક સંપદાના અર્થપ્ાૂર્ણ ઉદ્ગાતા-૮

દુર્યોધને સમગ્ર કુટુંબ અને મિત્ર મંડળ સાથે આખી જિંદગી સુખ ભોગવ્યું. તેની પાસે અઢળક સંપત્તિ પણ હતી. તે વખતે હસ્તિનાપુર ચારે તરફથી રક્ષિત હતું, તેને કોઈ આક્રમણનો ભય ન હતો. સમગ્ર સમાજ પણ પૂરેપૂરો કાર્યરત હતો. તેનું શરીર પણ તે વખતે પૂરેપૂરું સક્ષમ હતું. તેની જિંદગીનો આ સૌથી આનંદદાયક તબક્કો હતો. યુધિષ્ઠિર માટે એમ ન કહેવાય. યુધિષ્ઠિરને જ્યારે હસ્તિનાપુરનું સામ્રાજ્ય મળ્યું ત્યારે તેનું કુટુંબ કે મિત્રમંડળ, ચાર ભાઈઓ, દ્રૌપદી, સુભદ્રા અને મા કુંતા સિવાય, મૃત્યુને આધીન થઈ ચૂક્યું હતું. સમાજમાં વૃદ્ધ અને બાળકો જ બાકી હતા. રાજ્યની તિજોરી પણ યુદ્ધમાં ખર્ચાઈ ચૂકી હતી. વડીલોનું માર્ગદર્શન પણ તેને પ્રાપ્ત ન હતું. આ હતું ધર્મના વિજયનું ભૌતિક પરિણામ. છતાં પણ સૂક્ષ્મતામાં જોતાં જણાશે કે દુર્યોધન હંમેશા ઉદ્વેગ અને ડરના માહોલ વચ્ચે રહ્યો હશે. તેને રાજ્ય છીનવાઈ જવાની ચિંતા સતત સતાવતી હશે. ક્યારેક તો તે ઊંઘમાંથી ઝબકીને જાગી જતો હશે, એ ડરમાં કે ક્યાંક હસ્તિનાપુરનું સામ્રાજ્ય જતું ન રહે.

Also read: વરદાન તમારે ભોગવ્યે જ છૂટકો છે પણ હું તમને એટલું જરૂર કહીશ કે ભગવાન શિવે તમારા કલ્યાણ માટે જ આ વરદાન આપ્યું છે

આની સરખામણીમાં યુધિષ્ઠિર અપાર શાંતિમાં જીવ્યો હશે. એવી કોઈ પ્રકારનો, કોઈ દિશામાંથી ડર નહીં હોય. કોઈપણ પ્રકારના ઉદ્વેગ કે ફરિયાદ વગર તે પોતાનું જીવન વ્યતીત કરતો હશે. ધર્મની સ્થાપનાનો આ અર્થ છે. ધર્મની સ્થાપના ભૌતિક સુખ-સંપત્તિ સાથે સંલગ્ન બાબત નથી. એ તો માનસિક સ્થિરતા, શાંતિ, સંતોષ તથા આનંદની સ્થિતિ છે. ધર્મની સ્થિતિમાં સૂક્ષ્મ અસ્તિત્વ અને આગળ જતાં કારણ અસ્તિત્વ શાંતિને પામે. દુર્યોધન માટે આ જરાય શક્ય ન હતું.

ધર્મની સ્થાપના એટલે શાસ્ત્રીય રીતે સ્થાપિત થયેલ આદર્શોને અનુરૂપ વ્યવસ્થા. ધર્મની સ્થાપના એટલે સૃષ્ટિના સમીકરણોની સ્વીકૃતિ. ધર્મની સ્થાપના એટલે અહંકાર અને સ્વાર્થની સંપૂર્ણતામાં નાબૂદી. ધર્મની સ્થાપના એટલે નીતિ આધારિત જીવનશૈલી. ધર્મની સ્થાપના એટલે દરેક વ્યક્તિ પોતાના ઉત્તરદાયિત્વનું સંપૂર્ણતામાં પાલન કરી શકે તેવી પરિસ્થિતિ. ધર્મની સ્થાપના એટલે સમગ્ર સમાજનું આધ્યાત્મિકતા તરફનું પહેલું ચરણ. ધર્મની સ્થાપના એટલે સમગ્ર સમાજના વિશાળ જન સમુદાયમાંથી કામ ક્રોધ લોભ મોહ જેવાં શત્રુનું પલાયન થવું. ધર્મની સ્થાપના એટલે સાત્ત્વિકતાનો ઉદય, સત્યના પ્રભાવનો વધતો વિસ્તાર, સમગ્રતામાં શાંતિ અને સંતોષનો પ્રસાર, સમાજની શ્રદ્ધા અને વિશ્ર્વાસ માટે પ્રતિબદ્ધતા અને સર્વત્ર સંપૂર્ણતાનો અહેસાસ.

ગીતામાં ઈશ્ર્વરે ધર્મની સ્થાપના માટે પોતાની કટિબદ્ધતા દર્શાવી છે. આમાં આ બધા સાથે ઈશ્ર્વરે દુષ્ટના વિનાશ અને સાધુના સંરક્ષણની પણ વાત કરી છે. સમાજ ધર્મનિષ્ઠા ત્યારે જ રહી શકે જ્યારે સાધુજનની સંખ્યા વધુ હોય, તેમનું માન-સન્માન હોય, સાધુતાનું વર્ચસ્વ હોય, દરેક ક્ષેત્રમાં સાધુતાની સ્વીકૃતિ હોય, અને સાધુ તેમજ સાધુતાના સંરક્ષણ માટે સમાજ કૃતનિશ્ર્ચયી હોય. માનવ ઇતિહાસમાં આ પ્રકારના સમાજની કદાચ આજે સૌથી વધુ જરૂર છે.

શ્રીરામ તથા શ્રીકૃષ્ણ પોતપોતાની રીતે, ધર્મની સ્થાપના કરીને ગયાં છે. પછીનો તબક્કો સમાજના હાથમાં રહ્યો. દિવાળીના દિવસે આપણે ચકાસવું જરૂરી છે કે શ્રીરામ અને શ્રીકૃષ્ણ જે હેતુથી પોતાનું કાર્ય સંપન્ન કરીને ગયાં તે હેતુ આજ સુધી જળવાઈ શક્યો છે કે નહીં. જો જવાબ હકારાત્મક આવે તો તો ઘણું સારું, પણ જવાબ જો નકારમાં હોય તો વિચારવું તો પડે જ. 

Also read: ગુજ૨ાતનાં લોકનૃત્યો ને લોકસંગીત-૪

શ્રીરામ અને શ્રીકૃષ્ણ જે રીતે દુનિયા આપીને ગયાં હતાં તેમાં અધર્મની માત્રા વધી ન જાય તે માટે દિવાળીના દિવસે સંકલ્પ કરવો પડે. તેના પર કામ કરવું પડે, સમગ્રતામાં એક પ્રકારની જાગ્રતતા લાવવી પડે અને ધર્મની પુન: સ્થાપનાનું કામ યજ્ઞ સમાન ગણી, પોત પોતાની ક્ષમતા મુજબ, હાથમાં લેવું પડે. દિવાળીનો તહેવાર જ પ્રકાશ અને ધર્મનો પ્રસાર વધુને વધુ થાય એ પ્રકારની ગોઠવણ માટે છે તેમ લાગે છે.                                                                                                     

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button