ધર્મતેજ

ભારતીય પરંપરાનું મહાપર્વ દિવાળી

પ્રાસંગિક -રાજેશ ચૌહાણ

હર ઘર, હર દર, બાહર, ભીતર
નીચે ઉપર, હર જગહ સુધર,
કૈસી ઉજિયાલી હૈ પગ-પગ,
જગમગ જગમગ જગમગ જગમગ.
છજ્જો મેં, છત મેં, આલે મેં,
તુલસી કે નન્હે થાલે મેં,
યહ કૌન રહા હૈ દગ કો ઠગ?
જગમગ જગમગ જગમગ જગમગ.
પર્વત મેં, નદિયો, નહરો મેં,
પ્યારી પ્યારી સી લહરો મેં,
તૈરતે દીપ કૈસે ભગ-ભગ!
જગમગ જગમગ જગમગ જગમગ.
રાજા અકે ઘર, કંગલે કે ઘર,
હૈ વહી દીપ સુંદર સુંદર!
દિવાલી કી શ્રી હૈ પગ-પગ, જગમગ જગમગ જગમગ જગમગ.

          -સોહનલાલ દ્વિવેદી 

સોહનલાલ દ્વિવેદીની ઉપરોક્ત કવિતામાં દીપક પ્રત્યેની લાગણી જોવા મળે છે. એ સમયે મનુષ્યનો સૌથી મોટો શત્રુ અંધકાર હતો એ કારણ તેનું હરણ કરવાવાળો પ્રકાશ સૌથી મોટો મિત્ર હતો. રાત્રીના અંધકાર પછી ઉષાના ઉજાસને જોઇને વૈદિક કવિ તાત્કાલિક પ્રકાશની કામના કરતા કહે છે કે, “હે સૂરજની પ્રથમ કિરણ તું અંધકારને ઋણની માફક દૂર કર. પ્રકાશ આપણને જોવાની શક્તિ આપે છે.

ભારતીય પરંપરા અને શાસ્ત્રોમાં દિવાળીનું તત્ત્વદર્શન
બૃહદ આરણ્યક ઉપનિષદમાં પણ અંધકારમાંથી પ્રકાશ તરફ લઇ જવાની કામના કરવામાં આવી છે.

અસતો માં સદ્ગમ્ય
તમસો માં જ્યોતિર્ગમય
મૃત્યોર્મા અમૃતગમય
ઋગ્વેદમાં ઇન્દ્ર પછી અગ્નિદેવની પ્રશંસામાં સૌથી વધુ શ્ર્લોક મળે છે. આમ દિવાળીને એક સાધારણ પર્વ નહીં, પરંતુ રાષ્ટ્રીય અસ્મિતા અને ગૌરવનું પર્વ છે. જેમાં આપણને સંપૂર્ણ રાષ્ટ્રનું ગૌરવ તથા ગૌરવશાળી અતિતના દર્શન થાય છે.

ઓશો પણ દિવાળીના પર્વને પ્રકાશ પર્વ કહે છે. આ પ્રકાશપર્વમાં દીપક મહત્ત્વ સર્વોપરી છે. આ પ્રસંગે માટીના દીવામાં દીપ પ્રગટાવવું એ વાતનું પ્રતિક છે કે માટીના દીવામાં અમૃત જ્યોત સાચવી રખાય છે. કેમ કે માટી પૃથ્વીનું જ્યોતિ પ્રકાશનું પ્રતિક છે. દીપ જ્યાં જ્ઞાન અને પ્રકાશનું પ્રતિક છે, ત્યાં ત્યાગ-બલિદાન, સાધના અને ઉપાસનાનું પ્રતિક છે. એટલું જ નહીં તપ અને ત્યાગ અને મહત્ત્વ પરિચાલન પણ છે. આ આપણી સંસ્કૃતિનું મંગલ પ્રતિક છે. અમાવસના ઘનઘોર અંધારાથી પ્રકાશ તરફ લઇ જવાનો માર્ગ પ્રશસ્ત કરે છે. અંધકારનો પરાજય કરી સંદેશ આપે છે કે અંત:કરણને શુદ્ધ અને પવિત્ર રાખી પોતાની ચેતના, પોતાની આત્મામાં પ્રકાશનું સંચાર કરી જ્ઞાન, ધર્મ અને કર્મનો પ્રકાશ ફેલાવો.

દિવાળી એ ખરા અર્થમાં આપણો સર્વોપરી મહાપર્વ છે. પુરુષાર્થ અને આત્મ-સાક્ષાત્કારના આ મહાન પર્વ પર આપણે દીપ પ્રજ્વલ્લન સાથે મહાલક્ષ્મીને આહ્વાન કરી ‘તમસો માં જ્યોતિર્ગમય:’ ની વૈદિક પરંપરાને ગતિમાન બનાવે છે.

ભારતીય પરંપરા અને ધાર્મિક દ્રષ્ટિએ દિવાળીનું તત્ત્વદર્શન
ભારતીય લોકોની સ્મૃતિઓમાં દિવાળીના દિવસે જ ભગવાન શ્રીરામ લંકા જીતીને અયોધ્યા પરત ફર્યા હતા. તેમના અયોધ્યા પરત પર નગરવાસીઓએ ઉજવણી કરી રાત્રે સમગ્ર નગરને દીવાઓથી શણગાર્યું હતું. અયોધ્યા પરતની ક્ષણને ચિરસ્થાયી બનાવવા માટે દર વર્ષે દિવાળી ઉજવવામાં આવે છે. આ પરંપરા રામાયણ કાળથી ચાલી આવે છે.

સમુદ્રમંથન સમયે દેવી લક્ષ્મીનો દૂધના સમુદ્ર (ક્ષીર સાગર)થી કાર્તિક મહિનાની અમાવસ્યા દિને જન્મ થયો જે જન્મદિનના ઉપલક્ષ્યમાં દિવાળી પર્વ ઉજવાય છે. ભગવાન વિષ્ણુએ રાજા બલી અને કૃષ્ણએ નરકાસુરના આતંકથી મુક્ત કર્યા. તેમજ જૈન સાહિત્યમાં મહાવીર સ્વામીના નિર્વાણ અને તેમના પ્રિય શિષ્ય ઇન્દ્રભૂતિ ગૌતમને જ્ઞાન-લક્ષ્મીની પ્રાપ્તિ થઇ અને તેમના નિર્વાણ દિનને દિવાળીનો ઉત્સવ ઉજવવામાં આવે છે. શીખ ગુરુ હરગોવિંદસિંહજી જહાંગીરની કેદમાંથી મુક્ત થઈ અમૃતસર પરત આવ્યા હતા. આમ બુરાઈ પર અચ્છાઈની જીતના ઉપલક્ષ્યમાં દિવાળી પર્વ ઉજવાય છે. આમ આ પર્વમાં ધર્મનું તત્ત્વદર્શન જોવા મળે છે.

ભારતીય પરંપરાનું સાહિત્ય અને ઐતિહાસક દ્રષ્ટિએ દિવાળી
સિંધુ સભ્યતાના ખોદકામ કરતા એક પાકી માટીના દીપક મળ્યા હતા. મોહોંજો-દડોના ભવનોમાં દીપક રાખવા હેતુ તાખ (ગોખલા) બનાવ્યા હતા જે મુખ્ય દ્વારને પ્રકાશિત કરવા માટેની હારમાળાઓ મળી હતી જેના પરથી કહી શકાય કે, આ સભ્યતાના લોકો પણ આ રીતે ઉત્સવ ઉજવતા હશે.

પ્રો. શ્રી. રામનિવાસ અગ્રવાલ પોતાના લેખમાં સાહિત્યિક મહત્ત્વ વિશે જણાવે છે કે, વાત્સ્યાયનના ‘કામસૂત્ર’માં દિવાળી પર્વ અમાવસ્યનો ઉત્સવ મનાવવામાં આવે છે જેને યક્ષરાત્રીનો ઉત્સવ કહેવાય છે. બૌદ્ધ સાહિત્યમાં ‘પુસ્ફરત્ત જાતક’ માં આવા ઉત્સવના પ્રસંગનો ઉલ્લેખ જોવા મળે છે. ગોસ્વામી તુલસીદાસ રચિત ‘ગીતાવલી’માં દિવાળીનું રોચક વર્ણન કર્યું છે.

વેદ-પુરાણોમાં દિવાળીનો ઉલ્લેખ જોવા મળે છે. ૭મી સદીમાં રાજા હર્ષવર્ધનું નાટક તમેજ ૧૦મી સદીમાં રાજશેખરનું કાવ્યમીમાંસામાં ‘દીપોત્સવન’નો ઉલ્લેખ જોવા મળે છે.

દિવાળી હિંદુઓની ઉજવણી સાથે મુસ્લિમ તેમજ અન્ય ધર્મોમાં ધામધુમતી ઉજવાતો રહ્યો છે. ૧૪મી સદીમાં મહમદબિન તુઘલક, ૧૬ સદીમાં અકબર પણ દિવાળી ધામ-ધૂમથી મનાવતો. આ પ્રસંગે બાદશાહ દિવાળી દરબાર ભરતો તેમજ રામાયણ પાઠ અને શ્રી રામની અયોધ્યા વાપસીનું નાટક પણ થતું. ૧૭મી સદીમાં શાહજહાંએ દિવાળીના તહેવારની ઉજવણીની શાનો -સોકત વધારી. આ પ્રસંગે ૫૬ રાજ્યોમાંથી અલગ-અલગ મીઠાઈ મંગાવી ૫૬ થાળ (ભોગ)ની સજાવટ કરતો. તેમજ ૪૦ ફૂટ મોટા ‘આકાશ દીપ’ રોશન કરવાની પરંપરા હતી જે ‘સૂરજક્રાંત’ તરીકે ઓળખાતો. મહમદ શાહ દિવાળીના આ તહેવારને ભવ્ય રીતે ઉજવણી કરતો.

ભારતીય પરંપરામાં દિવાળીનું પર્યાવરણીય તત્વદર્શન
દિવાળી પ્રકાશ અને રોશનીનું પર્વ છે. પ્રાચીન સમયમાં આ દિવસે ઘરને રોશન કરવા માટે માટીના દીપ પ્રગટાવવાનો રિવાજ હતો, પરંતુ આજે તેમનું સ્થાન ચમકતી લાઈટ્સ અને ફટકડાએ લીધું. પ્રાચીન ભારતીય ઈતિહાસ અને પરંપરામાં દીપ પ્રગટાવવાનું તત્ત્વજ્ઞાન એ છે કે, પ્રદૂષિતરહિત પરંપરા અને ઉત્સવ હતો. આજે તે રસાયણશાસ્ત્રએ આતશબાજીમાં મનભાવનાના રંગો ભરી તેમાં અવાજ આપ્યો જેના કારણે ધ્વનિ પ્રદુષણ વધ્યું. દિવાળી પર કરોડો રૂપિયાના ફટાકડાનો ઉપયોગ કરી લોકો તેને વ્યર્થ ખર્ચ માને છે જ્યારે અન્ય લોકો તેને પરંપરા સાથે જોડે છે. ફટાકડાના કારણે રહેણાંક, વ્યાપારી, ઔદ્યોગિક અને ગ્રામીણ વિસ્તારોની હવામાં તાંબુ, કેલ્શિયમ, સલ્ફર, એલ્યુમિનિયમ અને બેરિયમનું પ્રદૂષણ થાય છે. તે જાણીતું છે કે વિવિધ કારણોસર દેશના ઘણા વિસ્તારોમાં વાયુ પ્રદૂષણ સલામત મર્યાદા કરતાં વધુ છે. આવી સ્થિતિમાં ફટાકડાથી ફેલાતું પ્રદૂષણ, ભલે તે અસ્થાયી પ્રકૃતિનું હોય, તેને વધુ નુકસાનકારક બનાવે છે. ફટાકડા ફોડવાથી સ્થાનિક હવામાન પર અસર થાય છે અને નીચેના રોગો થવાની શક્યતા વધી જાય છે.

આપણી પરંપરા પર્યાવરણની પોષક રહી છે. આપણે પર્યાવરણને અનુકૂળ અને સલામત દિવાળી ઉજવવી જોઈએ. દરેક નાગરિક પોતાના સ્તરે આ કામ કરી શકે છે.

વિદેશમાં ભારતીય પરંપરા અને મહાપર્વ દિવાળીની ઉજવણી
વિશ્ર્વમાં કોઈના કોઈ દેશમાં, કોઈને કોઈ જગ્યાએ ભારતીયો વસવાટ કરે છે. એ દૃષ્ટિકોણથી વિભિન્ન દેશો જેવા કે, ઇન્ડોનેશિયા, મલયેશિયા, ફિજી, કેનેડા, મોરેશિયસ, શ્રીલંકા, ચીન, દક્ષિણ અમેરિકા, ગુયાના, સુરીનામ, ત્રિનિદાદ અને ટોબેગો, નેધરલેન્ડ, કેનેડા, બ્રિટન આ ઉપરાંત જે પણ દેશમાં ભારતીય વસવાટ કરે છે ત્યાં દિવાળી ઉજવવામાં આવે છે.

આ ઉપરાંત આ દેશોમાં દિવાળી અન્ય નામે ઉજવણી કરવામાં આવે છે. નેપાળમાં ‘તિહાર’, બર્મામાં (મ્યાનમાર) રાષ્ટ્રીય ઉત્સવ, ઇંગ્લેન્ડમાં ‘ગાર્ડ ફારસ’, ફ્રાંસમાં ‘ક્રાંતિ દિવસ’, થાઇલેન્ડમાં ‘લાભ-ક્રાયોગ’, જાપાનમાં ‘લાલટેન’ જેવા વિભિન્ન નામોથી દિવાળી પર્વ ઉજવાય છે. ચીનમાં દિવાળીના દિવસે કાગળની માનવઆકૃતિ લગાડવામાં આવે છે. તે દેશોમાં પણ ભારતની જેમ પૂજન- વિધિ, ઘરની સાફ-સફાઈ, દીપક અને રોશની કરી હર્ષોઉલ્લાસ રીતે દિવાળી પર્વ ઉજવાય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button