ધર્મતેજ

વેર-વિખેર – પ્રકરણ-૨૨

સોરી શેઠ, અમને હમણાં હમણાં ઈન્ફોર્મેશન મળી છે કે પોલીસ ગમે ત્યારે અહીં આવી શકે તેમ છે. હવે આ જગ્યા અમારા માટે સલામત નથી...

કિરણ રાયવડેરા

‘…બેવકૂફો, કોઈ દી તમે બે કરોડ રુપિયા જો્યાં છે? તો પણ એ લોકોએ તમારું કામ પળભરમાં કરી આપશે.’

ગાયત્રીની આ વાત સાંભળીને જગમોહન ખડખડાટ હસી પડ્યો, પણ પછી પોતાનું મોઢું દબાવતાં બોલ્યો:

‘સોરી, હું પણ તારી જેમ ભૂલી ગયો કે આપણું અપહરણ થયું છે. ગાયત્રી, તું સાથે હો તો અપહરણ થવામાં પણ મજા આવે છે હોં.’

‘હવે રહેવા દો કાકુ, આમ ને આમ સવાર પડી જશે તો હાથમાં સમય નહીં રહે. તમે ઈન્સ્પેક્ટર પરમારન સંપર્ક સાધવાની કોશિશ કરો.’

‘યેસ’ કહીને જગમોહન મોબાઈલમાં નંબર ડાયલ કરવા લાગ્યો. કમરામાં અંધકાર ઘટ્ટ થતો જતો હતો. દૂરનો પીળો પ્રકાશ આખા કમરામાં પહોંચતા નહોતો.

જગમોહને લાલબઝાર ક્નટ્રોલ રૂમમાં ફોન કરીને પાંચેક મિનિટની મથામણ બાદ ઈન્સ્પેક્ટર પરમારનો નંબર શોધી કાઢ્યો.

‘ગાયત્રી, પરમારના થાણાનો તેમ જ ક્વાર્ટર્સનો નંબર મેળવી લીધો છે. પહેલાં પોલીસ સ્ટેશને ટ્રાય કરું છું.’ કહીને જગમોહને થાણા-પોલીસ સ્ટેશને ફોન લગાડ્યો :

‘હેલો પાંડે, હિયર’

‘પાંડે, પરમારને ફોન આપ…’

‘આપ કોન?’

‘જગમોહન દીવાન’ જગમોહન ફોનમાં ગર્જ્યો.

‘ઓહ સર, આપ… ક્યા બોલે આપકો. આપકે જાને કે બાદ પરમાર સાબ આપકા હી નામ લેતે હૈં. અભી ખુરશી પર સો રહે હૈં, પર બીચ બીચ મેં દીવાન…દીવાન બોલતે હૈં એક મિનિટ, મૈં દેતા હું.’નથોડી ક્ષણો બાદ જ પરમારનો ઊંઘરેટો અવાજ સંભળાયો :

‘દીવાન સાહેબ, બોલો… હુકમ કરો કોને મારવાનો છે?’

‘સાંભળ, પરમાર મારી વાત ધ્યાનથી સાંભળજે.’કહીને જગમોહને ફોનમાં ઈન્ડિયન મ્યુઝિયમની ફૂટપાથ પર બનેલી ઘટનાને સંક્ષિપ્તમાં કહી સંભળાવી.

‘બોલ પરમાર, તારે પ્રમોશન જોઈએ છે?’

‘સાહેબ, એ દાઢીવાળા ઈરફાનને તો અમે બે વરસથી શોધીએ છીએ બે મહિના પહેલાં જ એણે અલીપુરમાં એક બિઝનેસમેનને સવારના ચાર વાગ્યે પતાવી દીધો હતો. આ લોકોની ગેંગને પકડીશ તો તો પ્રમોશન ચોક્કસ મળશે.’

‘ગુડ,પરમાર, હવે અમને ક્યાં રાખવામાં આવ્યા છે એ સમજી લે.’ કહીને જગમોહને રૂટનું માર્ગદર્શન આપતાં મકાન બહારથી કેવું લાગે છે એનું વર્ણન આપ્યું.

‘યાદ રાખજે પરમાર, બહાર કંપાઉન્ડમાં બાઈક પાર્ક કરેલી છે!’

‘દીવાન સાહેબ, હવે તમે ફિકર કરો મા. અમારે બીજા એરિયામાં છાપો મારવાનો હોય ત્યારે થોડી ફોર્માલિટીઝ પૂરી કરવી પડે, પણ એ બધું હું સાંભળી લઈશ અને સાહેબ, તમે મારી સાંજની બેવકૂફીને માફ કરી દીધી છે ને?’

‘વળી તેં માફી માંગવાનું શરૂ કર્યું, પરમાર? તમે અમને અહીંથી છોડાવો કે તમારી બધી ભૂલો માફ… બસ?’

‘ઓકે… ઓકે, હું પહોંચું છું. આજે પેલા ઈરફાનની ખેર નથી.’

જગમોહનના ચહેરા પર પહોળું હાસ્ય ફેલાઈ ગયું. ઈરફાનને પોલીસના મારનો ડર લાગે છે એ યાદ આવી ગયું. જગમોહનના ચહેરાના ભાવ જોઈને ગાયતી સમજી ગઈ કે હવે ટૂંક સમયમાં મદદ આવી પહોંચશે.

‘કાકુ, મને તો કિડનેપરોની દયા આવે છે. ઈરફાન તો કેવો ભોળો લાગે છે?’

‘ગાયત્રી, તેં આખી દુનિયાને બચાવવાનો ઠેકો નથી લીધો અને સાંભળ, એ તારા ભોળા ઈરફાનભાઈએ બે મહિના પહેલાં જ ભોળપણમાં જ એક કતલ કરી નાખી છે. ગાયત્રી, ગુનેગારોને કેવી રીતે માફ કરી શકાય?’

‘ગમે તે કહો, મને આપણા કિડનેપરો ગમવા લાગ્યા છે. મારી દૃષ્ટિએ તો એ બધા દર્દી છે, જેમને મદદની જરૂર છે. ઈરફાન તો ખરેખર નિર્દોષ લાગે.’

‘જા, તો જઈને તારા એ ભાઈને રાખડી બાંધી આવ’. જગમોહન બગડ્યો:

‘ગાયત્રી, વ્હોટ ઈઝ રોંગ વીથ યુ? એ કોન્ટ્રેક્ટ કિલર છે. પૈસા લઈને નિર્દોષ માણસોની હત્યા કરે છે.’

‘કાકુ, અમારા પ્રોફેશનમાં કોઈ માણસ બેઝિકલી-મૂળભૂત રીતે ગુનેગાર નથી હોતો. કાઉન્સિલિંગથી કોઈ પણ રીઢા ગુનેગારને સાજો કરી શકાય. એ લોકો માનસિક રીતે બીમાર છે.’
‘મારી મા, મને બક્ષ તો સારું. મને દુનિયાને સુધારવામાં બિલકુલ રસ નથી. હું પોતે સુધરું તો બસ છે.’

જગમોહન જ્યાં પાણી રાખ્યું હતું એ ખૂણા તરફ ગયો. અચાનક અંધારામાં એ પડતાં પડતાં રહી ગયો.

‘સંભાળજો, કાકુ, વાગ્યું?’ ગાયત્રી દોડીને આવી.

‘અંધારામાં ચશ્મા પહેરવાનો શું અર્થ?’

જગમોહન ચિડાઈને બોલ્યો:

‘બધું જ સરખું દેખાય છે પણ તને આ બધું નહીં સમજાય. તું તો અંધારામાં પણ દોડાદોડી કરે છે.’

‘કેમ કાકુ, ઈર્ષ્યા થાય છે? આપણી વચ્ચે જે ઉંમરનો તફાવત છે એ તો રહેવાનો જ’

‘ના, ઈર્ષ્યા નથી થતી પણ વૃદ્ધ થવું ગમતું નથી એ હકીકત છે. એમાંય નાની ઉંમરની વ્યક્તિની હાજરીમાં વધી ગયેલી ઉંમરનો વધુ અહેસાસ થાય છે. ગુસ્સો પણ ચડે છે.’

એ જ પળે કમરામાં ઈરફાન દાખલ થયો.

‘અરે, ક્યા તુફાન મચા રહે હો. તુમ લોગ બાત કરતે થકતે હી નહીં. યહ કોઈ હોટલ નહીં હૈ, તુમકો કિડનેપ કીયા હૈ યહ તુમકો નહીં લગતા મગર હમકો તો લગના ચાહીએ.

ઈરફાનના મોઢામાંથી દારૂની તીવ્ર વાસ આવતી હતી. ગાયત્રીએ મોઢું બગાડીને નાક દબાવી દીધું.
ગાયત્રીને ખબર પડશે કે હું પણ ક્યારેક પીઉં છું તો… જગમોહને વિચાર્યું. પછી ઈરફાન તરફ જોઈને બોલ્યો:

‘ઈરફાન, અભી તક તુમને બતાયા નહીં કે એક કરોડમેં કિતને ઝીરો હોતે હૈં.’

‘તુમ્હારે સાથ તો બાત કરના બેકાર હૈ. ઈચ્છા તો ઐસી હોતી હૈ કી પહેલે તુમસે રૂપિયા લેકે તુમકો હી પહેલી ગોલી માર દૂં.’ ઈરફાન પગ પછાડતો બહાર નીકળી ગયો.

પરમાર એની પોલીસ પાર્ટી લઈને બે કલાકની અંદર અહીં આવી જાય તો સવાર સુધીમાં બાબુ, ઈરફાન અને આલોક હવાલાતમાં પડ્યા હશે. જગમોહન વિચારતો હતો.

જગમોહન અને ગાયત્રીની નજર મળી.

‘મિસ મહાજન, જગમોહન દીવાનને બચાવ્યા બાદ ઈરફાનને સુધારવાનો ઈરાદો હોય તો એ વિચાર પડતો મૂકજો.’

‘વાહ કાકુ, આજે આખા દિવસમાં પહેલી વાર તમે મારા મનની વાત જાણી લીધી. સાચે જ કાકુ, કોઈ ભટકેલી વ્યક્તિને જોઈને મને એની મદદ કરવાની ઈચ્છા થઈ આવે છે. એને સમજાવવાની ઈચ્છા થઈ આવે છે કે આ જીવન કેટલું ભવ્ય છે. એને આમ વેડફી ન નાખ.

અરે, કાકુ, એક ભૂલ થઈ ગઈ છે. હવે મને ભૂખ લાગી છે અને તમે જાણો છો કે ખાલી પેટે હું ભાગી પણ નહીં શકું.’

‘તું એક કામ કર. પેલા ઈન્સ્પેક્ટર પરમારને ફોન કર કે અહીં છાપો મારવા આવો ત્યારે ટિફિન લાવવાનું ભૂલતા નહીં. અમે જમીને નીકળશું. નહીંતર તારા પેલા અધર્મી ઈરફાનભાઈને કહે એ તારા માટે હમણાં ચાઈનીઝ કે પિત્ઝાનો બંદોબસ્ત કરી આપશે.’

‘કાકુ તમે મારી મશ્કરી કરો છો?’

‘તો શું તારી આરતી ઉતારું? જરા સમજવાની ટ્રાય કર. એક વાર અહીંથી છટકી જશું પછી તારે જે કરવું હોય એ કરજે ને…પછી તો આપણે મુક્ત થઈ જશું. હવે ફક્ત બે કલાકની વાર છે ’

ગાયત્રી કશું બોલે એ પહેલાં બાબુ કમરામાં ઝડપથી દાખલ થયો :

‘સોરી શેઠ, અમને હમણાં હમણાં ઈન્ફોર્મેશન મળી છે કે પોલીસ ગમે ત્યારે અહીં આવી શકે તેમ છે. હવે આ જગ્યા અમારા માટે સલામત નથી. તમે તૈયાર થઈ જાઓ. આપણે બીજા અડ્ડા પર જવું પડશે!’


જગમોહન દીવાન ઝબકીને જાગી ગયો. એણે આંખ પૂરી ખોલવાની કોશિશ કરી પણ પાંપણ પર જાણે કોઈએ વજનદાર વસ્તુ મૂકી દીધી હોય એટલો ભાર વર્તાતો હતો. એણે આજુબાજુ નજર ફેરવી. કમરામાં જેટલો અંધકાર હતો એટલો જ અંધકાર એના મસ્તિષ્કમાં છવાયેલો હતો. એનું ગળું સુકાતું હતું અને છાતીના ધબકારા વધી ગયા હતા.

કદાચ એણે ખરાબ સ્વપ્ન જોયું હતું. પણ એ ક્યાં હતો?નએને કાંઈ યાદ નહોતું આવતું.
આસપાસ અંધકાર એટલો ઘટ્ટ હતો કે કાંઈ જ દેખાતું નહોતું. અચાનક એના કાન સરવા થઈ ગયા. દૂર ક્યાંક પક્ષીઓનો કલરવ સંભળાતો હતો. પંખીઓ પરોઢના આગમનની છડી પોકારી રહ્યાં હતાં.

સવાર વિશે વિચાર કરતાં જ એના મગજમાં ઉજાસ પથરાવા લાગ્યો. એને યાદ આવી ગયું.
એ ગાયત્રીને ત્યાં હતો.

એના ચહેરા પર સંતોષનું સ્મિત ફેલાઈ ગયું. મનમાં બાઝેલો ઉચાટ દૂર થઈ ગયો. આંખો ફરી ઘેરાવા લાગી, જાણે વરસો બાદ શાંતિથી સૂવા મળતું હતું. વરસો બાદ જાણે એ માના ખોળામાં સૂતો હતો.

કાલે રાતના શું થયું હતું?

એણે બંને હાથોથી માથાને દબાવ્યું, જાણે મગજમાં ફેલાયેલા ધુમ્મસને દૂર કરતો હોય. ધીરે ધીરે મગજમાં સ્પષ્ટ ચિત્ર ઊપસવા માંડ્યું. ઇરફાન, બાબુ, આલોક, ઇન્સ્પેક્ટર પરમાર. બધાના ચહેરા સ્મૃતિપટ પર અંકિત થવા માંડ્યા. બાબુની આંખમાંથી ઊડતા તણખા એને હજી પણ દઝાડતા હતા.

‘યહ તુમને અચ્છા નહીં કિયા, શેઠ.’ બાબુનો અવાજ સ્વસ્થ અને ઠંડો હતો, છરીની ધાર જેવો. જગમોહન જવાબ આપે એ પહેલાં જ ઇન્સ્પેક્ટરે એને બાવડું ઝાલીને જીપમાં બેસાડી દીધો હતો.
એ લોકોને ઇરફાનનો છેલ્લો પેગ ભારે પડ્યો હતો. રાતના જ્યારે બાબુએ આવીને કહ્યું કે પોલીસ અહીં ગમે ત્યારે આવી શકે છે એટલે હવે બીજા અડ્ડે જવું પડશે ત્યારે જગમોહનને પોતાના પ્લાન પર પાણી ફરતું હોય એવું લાગ્યું હતું.

હવે ઇન્સ્પેક્ટર પરમાર એની ટીમને લઈને અહીં રેઈડ પાડશે પણ હાથમાં કોઈ નહીં આવે. જગમોહન અને ગાયત્રી બંનેને એક વિચાર આવ્યો હતો.

બાબુને ઇન્ફોર્મેશન કોણે આપી? શું એને જગમોહન પર શંકા આવી હશે એવો વિચાર પણ એક વાર આવી ગયો હતો.નત્યારે ઇરફાને જીદ પકડી હતી, ‘બાબુભાઈ, કોન આયેગા યહાં.’ પછી બાબુની ધારદાર નજરને જીરવી ન શકતાં એણે નમતું જોખ્યું હતું: ‘ઠીક હૈ બાબુભાઈ, હમ લોક દૂસરા કોઠી પર ચલા જાયેગા, તુમ ફિકર મત કરો. પર યહ લાસ્ટ પેગ લે લો. બાદ મેં હમ લોગ નીકલ જાયેગા.’

બાબુને ગમ્યું નહોતું પણ એ વધુ બોલ્યો નહીં. જો ઇરફાને જીદ ન કરી હોત તો કોણ જાણે એ લોકો ક્યા અડ્ડે લઈ જાત! ઇન્સ્પેક્ટર પરમારે પણ બુદ્ધિ વાપરી હતી. ‘મને થિયેટર રોડથી આવતાં ઘણો સમય લાગત એટલે મેં બારાસાત પોલીસ સ્ટેશને ફોન કરીને અહીંના ઑફિસર ઇનચાર્જને પરિસ્થિતિની ગંભીરતા સમજાવી હતી. અહીંના સરકારબાબુ મારા ખાસ મિત્ર છે. એ તરત જ માની ગયા.’ પરમારે સ્પષ્ટતા કરતાં કહ્યું હતું. ત્યારે ગાયત્રીએ પણ કબૂલવું પડ્યું હતું, ‘વાહ, હિન્દી ફિલ્મોમાં તો કોઈ દી’ પોલીસ સમયસર નથી આવતી.’

ઇરફાન, બાબુ અને આલોક સાથે જગમોહન અને ગાયત્રી સીડી ઊતરતાં હતાં ત્યારે જ પોલીસની ત્રણ જીપ મકાનની બહાર આવીને ઊભી રહી ગઈ હતી. ગણતરીની સેક્નડોમાં પોલીસે મકાનને ઘેરી લીધું હતું. કીડનેપરો ભાગી શકે એવી સ્થિતિમાં જ નહોતા. ઇરફાન તો આઘાતથી મૂગો થઈ ગયો હતો. બાબુએ જતાં જતાં એક દૃષ્ટિ જગમોહન તરફ ફેંકી હતી.

‘યહ તુમને અચ્છા નહીં કીયા, શેઠ’

એ બોલ્યો હતો. કોઈ ગુનો કર્યો હોય એવી લાગણી જગમોહનને ઊંડે ઊંડે થતી હતી, પણ એની પાસે કોઈ વિકલ્પ નહોતો.

પોતાની જાતને બચાવવા માણસે બધું જ કરવું પડે.

સર્વાઇવલ… સર્વાઇવલ.

હવે ફક્ત બચવું જ છે, અને જીતવું છે.

બારાસાતના સરકારબાબુ ખૂબ જ કો-ઓપરેટિવ નીકળ્યા. એક જીપમાં એમણે જગમોહન અને ગાયત્રીને કોલકાતા તરફ મોકલ્યાં.

‘સામેથી ઇન્સ્પેકટર પરમાર આવતા જ હશે. મળે કે તમે એમની ગાડીમાં ચાલ્યાં જજો. જરૂર પડશે ત્યારે તમને બોલાવી લઈશ.’

બધું જ ઝડપથી બની ગયું હતું. ઇન્સ્પેક્ટર પરમાર પણ મળી ગયા.

જગમોહન ત્યારે વિચારતો હતો હવે ક્યાં જવું? રાતના બે વાગ્યા હતા. પરમારે ક્વાર્ટર્સમાં આમંત્રણ આપ્યું પણ ગાયત્રીએ જગમોહનને પોતાના ઘરમાં લઈ જવાની જીદ પકડી.

જગમોહને રૂમમાં ચોતરફ નજર દોડાવી. આછું અજવાળું ફેલાઈ રહ્યું હતું. ગાયત્રી ક્યાંય દેખાઈ નહીં. કદાચ પાસેના કમરામાં હશે. રાતના ઘરમાં દાખલ થતાં જ એ બોલી ઊઠી હતી, ‘કાકુ, તમતમારે શાંતિથી સૂઈ જાઓ. અહીં કોઈ નહીં આવે. આજે તો તમે એટલા થાકી ગયા હશો કે ઘર નાનું છે કે મોટું એનો ખ્યાલ પણ નહીં આવે.’

જગમોહન પથારીમાં પડતાવેંત જ ઊંઘી ગયો હતો.

કદાચ કોઈ દુ:સ્વપ્ન જોયું હતું એટલે જ બે કલાકની અંદર જ ઊઠી ગયો હતો.

શરીર તૂટતું હતું અને આરામ નહોતો થયો છતાં જગમોહનના ચહેરા પર સંતોષ અને શાંતિની રેખા ખેંચાયેલી હતી.

એણે ઘડિયાળમાં જોયું. પાંચ વાગ્યા હતા. ગઈ કાલે સવારે એ પોતાના બેડરૂમના વરંડામાં આત્મહત્યાની જુદી જુદી પદ્ધતિઓ પર વિચારતો હતો અને આજે સવારે એ ગાયત્રીના ઘરે સૂતો હતો.
(ક્રમશ:)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ડાયાબિટસના દર્દીઓએ મેથીના દાણા કે મેથીનું પાણી પીવું ફાયદાકારક છે નહીં? સામાન્ય દેખાતા આ પાન છે ઔષધીય ગુણોથી ભરપૂર, એક વખત ખાવાના ફાયદા સાંભળશો તો… એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ…