અસંયમને કારણે રોગ થાય એ વ્યાધિ છે ને એ આપણું સર્જન છે

માનસ મંથન -મોરારિબાપુ
આપણે સદીઓથી દુ:ખની વ્યાખ્યા ગલત કરી છે અને જ્યારે વસ્તુ ગલત પકડાઈ તો ઈલાજ મુશ્કેલ છે. કોઈ ડૉક્ટર જો રોગનું નિદાન ગલત કરી દે તો પછી ઈલાજ મુશ્કેલ થાય છે. આપણી દુ:ખ-સુખની વ્યાખ્યા જ ગલત થઈ ગઈ છે, તેથી ઈલાજ નથી થઈ શક્યો. આટલાં વર્ષો પછી પણ આટલા આચાર્ય, પરમહંસ હિંદુસ્તાનમાં થયા, પછી પણ આટલા અવતાર આવ્યા તોય જીવનનું દુ:ખ નથી હટ્યું, કારણ કે ઈલાજ, વ્યાખ્યા ગલત થયાં. સામાન્ય સ્તર પર આપણે દુ:ખની વ્યાખ્યા શી કરીએ છીએ? આપણે કહીએ છીએ કે દુ:ખની વ્યાખ્યા શી કરીએ? આપણે કહીએ છીએ કે અમને આધિ, વ્યાધિ, ઉપાધિ લાગી રહી છે. વ્યાધિ શું છે?
વ્યાધિ – શરીરથી જે પીડા થાય તે વ્યાધિ. દા.ત. પેટ દુ:ખે, માથું દુ:ખે, બ્લડપ્રેશર થાય. શરીરને કોઈ રોગ ઘેરી લે એને વ્યાધિ કહે છે. ઉપાધિ – વસ્તુ ન હોવી એ ઉપાધિ છે. આપણી પાસે પૈસા નથી, લોકો ઉપાધિ કરે છે, શું કરે? ધંધો નથી, કોઈની સાથે સંબંધ નથી, શું કરે? વસ્તુના અભાવને શાસ્ત્રકાર ઉપાધિ કહે છે. કાર નથી, મકાન નથી, એ ઉપાધિ છે. આધિ-વસ્તુ તો છે, પણ વસ્તુ હોવાનું દુ:ખ એને આધિ કહે છે. દીકરો તો છે, પણ બાપનું કહ્યું નથી માનતો! એને આધિ કહે છે. પૈસા છે, પણ રાતે ઊંઘ નથી આવતી એને આધિ કહે છે. આધિનો એક અર્થ છે અર્ધો. છે તો ખરું પણ દુ:ખ, પત્ની છે પણ મનમેળ નહિ એ આધિ. પતિ છે. બંનેને બનતું નથી એ છે આધિ. પ્રતિષ્ઠા બહુ મળી છે, પણ પ્રતિષ્ઠાને લીધે કોઈ સૂવા નથી દેતા તો એ પ્રતિષ્ઠાને પણ આધિ કહે છે. બધું મળી ગયું છે, સત્તા મળી ગઈ છે, પણ એ સત્તા અમારાથી કોઈ છીનવી ન લે, પદચ્યુત ન કરે એની ચિંતા એ આધિ છે. બીજા અર્થમાં જોઈએ તો ભગવાન સૌના કલ્યાણનો જ વિચાર કરે છે. વસ્તુ, વ્યક્તિ, વસુ આદિ ચીજોનું ન હોવું એને આપણે દુ:ખ કહીએ છીએ, પણ તત્ત્વ દૃષ્ટિએ જોઈએ તો એમાંથી સુખ પણ પ્રગટ થઈ શકે છે. મકાન પોતાનું ન હોવું એ દુ:ખ છે, પણ તત્ત્વ દૃષ્ટિએ જુઓ તો પોતાનું મકાન ન હોય તો એમાં બહુ સુખ પણ છે. મકાન રીપેર પણ માલિક કરાવે, રંગ-રોગાન પણ એ કરાવે. આપણે કોઈ ઝંઝટ નહીં.
શરીરની પીડાને વ્યાધિ,વસ્તુ કે વ્યક્તિના અભાવને ઉપાધિને વસ્તુ હોવા છતાં દુ:ખ અનુભવાય એને આધિ કહે છે. વ્યાધિ બે પ્રકારના હોય છે: પ્રારબ્ધ અને સ્વયંઅર્જિત. તમે ન ખાવાની ચીજ ખાધી, તમારું શરીર ન માનતું હોય એવી ચીજ તમે શરીરમાં નાખી ને જે રોગ બીમારી થાય એને, અસંયમને કારણે થાય, એ એક વ્યાધિ છે, જે તમે અર્જિત કરી છે, એ તમારું સર્જન છે. તમારા અસંયમનું કારણ છે. તમે પાંચ રોટલીથી શરીરનો નિર્વાહ કરી શકો છો, ને પછી કોઈ વ્યાધિ ઉત્પન્ન થાય, એના સર્જક તમે છો.
કોઈ વ્યાધિ જેનો ઈલાજ વ્યક્તિ નહિ કરી શકે, પણ પ્રારબ્ધથી જે શરીરમાં આવે એને પ્રારબ્ધજન્ય વ્યાધિ કહે છે. પ્રારબ્ધથી જે વ્યાધિ આવે છે, એને માટે સદ્ગુરુની કૃપા અને હરિનામ સિવાય બીજો કોઈ ઈલાજ નથી. લોકો પાસે કરોડો રૂપિયા હોય છે ને ક્યાં ક્યાં ઈલાજ કરાવવા જાય છે, પણ વ્યાધિનું શમન નથી થતું. એનો અર્થ એ થયો કે વ્યાધિ પ્રારબ્ધવશ છે.
जासु नाम भव भेषज, हरन घोर त्रय शूल|
सो कृपाल मोहि तो पर, सदा रहऊ अनुकूल॥
राम नाम की औषधि खरी नीति से खाय|
तो अंग पीड़ा आवे नहि, महारोग मिट जाय॥
ભગવાનનામ – વિજ્ઞાન આ બધી વાતોથી અચરજમાં છે, પણ તમે આમાં પરિવર્તન નહીં કરી શકો. રામકૃષ્ણ પરમહંસને જે કૅન્સર થયું એ માટે ડૉક્ટર પાસે તો એ ગયા નહિ, પણ એ ચાહતે તો મા કાલિ પાસે પોતાનો ઈલાજ કરાવી શકતે, કૅન્સરથી મુક્ત થઈ શકતે. ભગવતી કાલિનો સાક્ષાત્કાર હતો એમને. જ્યારે ઇચ્છત ત્યારે માને કહી શક્યા હોત, પણ એમણે વિવેકાનંદને બહુ સુંદર સટીક જવાબ આપ્યો કે મારા પ્રારબ્ધમાં હે વત્સ! જો આ વ્યાધિ ન હોત તો મા મને આ વ્યાધિ આપતે જ શા માટે? મારે હિસાબ પૂરો કરવાનો છે.
પ્રારબ્ધમાં હોય એ વ્યાધિ તમારે ભોગવવો જ પડે. અસંયમવાળા વ્યાધિનો ઈલાજ ડૉક્ટર કરી શકે છે. પ્રારબ્ધવાળા વ્યાધિ માટે તો સદ્ગુરુની કરુણા જ કામ કરે અને સદ્ગુરુ કરુણા કરે તો એને લેવી પડે છે. કારણ પ્રારબ્ધવશ છે. વ્યાધિનો ભોગ સ્વયં સદ્ગુરુ થાય છે. બીજાના માથા પરથી પોટલું હટાવી દે, ખુદ બોજિલ બની જાય!
અસંયમમાં તો તમે શરીરને તોડી નાખ્યું. આહાર-વિહાર બદલી નાખ્યા. ઘણા લોકો મદિરા પીએ છે. એમાં અસંખ્ય જીવોનો નાશ થાય છે. તાડીના વૃક્ષના રસમાંથી બને છે. સંસ્કૃત સુભાષિતોમાં આવ્યું છે કે મદિરાથી ભરેલું પાત્ર, મદિરા ખાલી થઈ જાય, પછી એ પાત્રને તમે ગંગામાં નાખો તો ગંગાથી પણ એ પવિત્ર નહિ થાય! એટલી ભયંકર મદિરા છે. એ મદિરા તમારા પેટમાં જાય, એને કોણ શુદ્ધ કરી શકે? અને પછી તમે વ્યાધિના ભોગ બનો છો, એ તમે અર્જિત કરી છે.
શરાબ ગંગાજલમાં બન્યો હોય તો એ ગંગાજળનો પણ ત્યાગ કરી દો. કારણ મદિરા ભયંકર છે. વિવેકાનંદની તેજ બુદ્ધિ હતી, પણ જ્યારે એ બુદ્ધિની તીવ્રતાને એક સદ્ગુરુનો હાથ મસ્તક ઉપર આવી ગયો તો આ બુદ્ધિએ કમાલ કરી દીધી! પહેલેથી ખૂબ તેજ વિધાર્થી હતો. એને પૂછ્યું કે વિષ-ઝેર કોને કહે છે? એણે જવાબ આપ્યો કે કોઈ પણ ચીજ માત્રાથી વધી જાય તો વિષ થાય છે. તમે ન ખાવાની ચીજ ખાઈને વ્યાધિ પેદા કર્યો. આજકાલ વિદેશી લોકો પણ વેજિટેરિયન થતા જાય છે. એવી કલબો ખોલવામાં આવે છે કે જ્યાં ભારતીય ખોરાકને મહત્ત્વ અપાય છે અને લોકો ભક્ષ્યાભક્ષ્યમાંથી છૂટે. તમે હિંદુ છો. ભારતીય છો. તમારા ઘરમાં એવું ભોજન નહિ પકાવવું જોઈએ, જે તમારા ઠાકુરજીને ભોગમાં ન લગાવાય. લોકો કહે કે માંસ ખાઈએ તો બહુ તાકાત આવે. કોણ કહે કે ભારતીય ખોરાકમાં તાકાત નથી? હનુમાનજીએ એક મુક્કો માર્યો તો કુંભકર્ણ પડી ગયો! હનુમાનજી ફળ-ફૂલ ખાતા હતા. ખોરાક આપણા પર બહુ અસર કરે છે.
- સંકલન: જયદેવ માંકડ