ધર્મતેજ

શાંતિની દિશા

ગીતા મહિમા -સારંગપ્રીત

ગત અંકમાં આપણે કર્મફળના ત્યાગની વાત સમજ્યા. હવે ભગવાન કૃષ્ણ પૂર્ણ શાંતિની દિશા બતાવી રહ્યા છે તે જાણીએ.
ભગવાન ભક્તિનું તારતમ્ય બતાવતાં કહે છે-

ेयो हि ज्ञानमभ्यासाज्ज्ञानाद्ध्यानं विशिष्यते।
ध्यानात्कर्मफलत्यागस्तयागाच्छान्तिरनन्तरम् ॥12-12॥

અભ્યાસ કરતાં જ્ઞાન ચઢિયાતું છે, જ્ઞાન કરતાં ધ્યાન શ્રેષ્ઠ છે, ધ્યાન કરતાં કર્મફળનો ત્યાગ શ્રેષ્ઠ છે, અને કર્મફળના ત્યાગ પછી જ શાંતિ મળે છે.

ભક્તિ એ ખૂબ વ્યાપક અને ગહન આધ્યાત્મિક સાધના છે. જેમાં ઘણા બધા પ્રકારનાં અંગો સમાયેલાં છે. તેથી ભક્તની અભિરુચિ પ્રમાણે તે અલગ અલગ હોઈ શકે. તેથી ભક્તને જે પ્રકારની ભક્તિમાં વધારે રુચિ થાય એમાં રહીને ભક્તિ કરી શકે છે. એટલે જ કૃષ્ણ ભગવાન ૮ થી ૧૨ શ્ર્લોકોમાં ભક્તિના વિકલ્પો બતાવે છે. જેમાં ભગવાનની ભક્તવત્સલતા દેખાય છે.

કૃષ્ણ ભગવાને પહેલાં અર્જુનને કહ્યું હતું કે ‘તારે સેવા કરવાનો અવકાશ ન હોય; અથવા તો સેવા કરવાની અનુકૂળતા ન થઈ શકે; અથવા તો એવી સેવા કરવા માટેની વિશેષ આવડત ન હોય તો શું કરવું? પછી એનો ઉપાય સ્વયં બતાવ્યો કેતો તું બધા કર્મનાં ફળનો ત્યાગ કરતા શીખ.’

જ્યારે ભગવાનને અર્થે કર્મ-ભક્તિ કરીએ ત્યારે જો કોઈપણ ફળની અપેક્ષા રાખીએ તો એ કર્મ પૂરેપુરું ભક્તિરૂપ થતું નથી. માટે ભગવાનને રાજી કરવા સિવાયના તમામ વિચારો-આકાંક્ષા-અપેક્ષા છોડીને કર્મ કરવાથી તે ભક્તિરૂપ બનીને સિદ્ધિને પમાડે છે.

અહીં એક વાત અવશ્ય સમજીએ કે – આ બધા વિકલ્પોમાં ભક્તિમાં ન્યૂન કે અધિક ભાવ નથી. પરંતુ આ જે વિકલ્પો બતાવ્યા છે તે તો સાધકની અભિરુચિ પ્રમાણેના ભેદ છે. પરંતુ દરેકનાં ફળ તો સમાન જ છે. કારણ કે દરેક વિકલ્પમાં પરમાત્માની સ્વરૂપનિષ્ઠારૂપ યોગનો સંબંધ છે.

હવે આ જ સર્વકર્મફલત્યાગને એક અદ્ભુત સમન્વય દ્વારા સમજાવે છે. પ્રથમ કહ્યું કે અભ્યાસ કરતાં જ્ઞાન અધિક છે. એટલે કે કોઈ વ્યક્તિ ખાલી યોગથી, પ્રાણાયામથી કે પછી મનને પરાણે ખેંચીને ભગવાનમાં રાખવાનો અભ્યાસ કરે છે. એ સારી વાત છે, પરંતુ તેના અંતરમાં ભગવાનના સ્વરૂપનો મહિમા નથી. તેથી એવો અભ્યાસ શુષ્ક થઈ જાય છે, એમાં આનંદ આવતો નથી. એટલા માટે માત્ર ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવાના અભ્યાસ કરતાં ભગવાનના મહિમાનો વિચાર(જ્ઞાન) એ અધિક છે.

તદુપરાંત જ્ઞાન કરતાં ધ્યાન-ચિંતન અધિક છે. કોઈ વ્યક્તિ ખાલી ભગવાનના મહિમાની વાતો કર્યા કરે પણ પ્રગટ ભગવાના સ્વરૂપનું ચિંતવન રહી જાય છે. તેથી એવું જ્ઞાન પણ શુષ્ક બની જાય છે અને પ્રગટ ભગવાન સાથેનું જોડાણ થતું નથી. જ્યારે ધ્યાન કરવામાં તો મહિમા સાથે પ્રગટ ભગવાનનું ચિંતવન આવે, પ્રગટ ભગવાનના લીલાચરિત્રોનું સ્મરણ આવે કે જેનાથી સુખ થાય.

વળી ધ્યાન કરતાં પણ કર્મફળનો ત્યાગ અધિક છે. ધ્યાન એ નિશ્ર્ચિત સમય પૂરતું છે. જ્યારે કર્મફળનો ત્યાગ આવ્યો એટલે આખી જીવનશૈલી જ આવી ગઈ. સમગ્ર દિવસ દરમ્યાનની દરેક ક્રિયામાં ભગવાનમાં વૃત્તિ રાખીને, ભગવાનને રાજી કરવાના જ વિચાર સાથેની ક્રિયાઓ એ ભક્તિરૂપ બની ગઈ અને બીજા ફળની ઇચ્છા રહિત થવાથી શાંતિ મળે છે.

ભગવાન શ્રીસ્વામિનારાયણ વચનામૃત ગ.અં.૨૫માં કહે છે કે ભગવાન સંબંધી જે ભક્તિ, ઉપાસના, સેવા, શ્રદ્ધા, ધર્મનિષ્ઠા એ આદિક જે જે કરવું તેમાં બીજા ફળની ઇચ્છા ન રાખવી એમ સચ્છાસ્ત્રમાં કહ્યું છે તે તો સાચું પણ એટલી ઇચ્છા તો જરૂર રાખવી જે એણે કરીને મારી ઉપર ભગવાનની પ્રસન્નતા થાય’ એટલી ઇચ્છા રાખવી. અને એવી ઇચ્છા રાખ્યા વિના અમથું કરે તો તેને તમોગુણી કહેવાય.

તમોગુણી આનંદને છોડીને નિર્ગુણ અનંત આનંદની પ્રાપ્તિ માટે ભગવાનની પ્રસન્નતા જ મુખ્ય આધાર છે. ભગવાન સ્વામિનારાયણ સારંગપુર પ્રકરણના પહેલાં વચનામૃતમાં કહે છે કે ભગવાન સ્વયં અનંત આનંદથી યુક્ત છે. બસ ! આ પરમતત્ત્વની ઓળખ થાય ત્યારે જ આનંદનો ધોધ અંતરથી ફૂટે છે. પછી બહાર આનંદ માટે વલખા મારવાના બંધ થઈ જાય. સત્પુરુષોના જીવનમાં જોઈએ તો પળે પળે આ આનંદને ભોગવતા હોય તેવી અનુભૂતિ થાય છે. તેઓ પરમ શાંતિના આનંદમાં મહાલતા હોય છે.

બ્રહ્મસ્વરૂપ યોગીજીમહારાજને ૧૭ રોગો હતા. છતાં તેમના મુખ ઉપર ક્યારેય કોઈ ઉદાસીનતા કે નિરાશાના ભાવો આવ્યા નથી. કારણ તેમના હૃદયમાં પરમાત્માનો અસીમ આનંદ હતો. તેથી જ તેમના મુખ પરનું અપરિમિત હાસ્ય સૌને સ્પર્શી જતું હતું. આજે પણ તેના પ્રત્યક્ષદર્શીઓ એ આનંદમય પુરુષને ભૂલી શક્તા નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button