દૃષ્ટિનો ભેદ
ગીતા મહિમા -સારંગપ્રીત
ગત અંકમાં પરમાત્માના જ્ઞાનથી મૃત્યુને તરી જવાની કળા બતાવીને હવે ભગવાન કૃષ્ણ ભક્તની એક વિશિષ્ટ દૃષ્ટિને ઉજાગર કરે છે, તે સમજીએ.
સામાન્ય રીતે ભક્ત વિશેની આપણી સમજ એટલે જે કથા, જપ, તપ, દાન કરતો હોય તથા દયા, નિર્માનીપણું, પ્રામાણિકતા વગેરે જેવા સદ્ગુુણો ધરાવતો હોય તે મનુષ્ય. પણ અહીં ભગવાન ભક્તનું એક વિશિષ્ટ પાસું સમજાવતાં કહે છે –
“વિકાર પામતા સર્વ ભૂતોમાં સમાનપણે રહેતા પરમેશ્ર્વરને જે અવિકારી જુએ છે તે યથાર્થ દ્રષ્ટા છે.
દર્શન, કથા, કીર્તન, ધ્યાન વગેરે વિવિધ પ્રકારની ભક્તિ તથા સદ્ગુણો કેળવવા ભક્ત માટે પાયાની શરત છે. પણ આવી રીતે ભગવાનને ભજતાં તો અસંખ્ય ભક્ત આ પૃથ્વી પર જોવા મળે છે. તો શું ભગવાન શ્રીકૃષ્ણ આ સર્વેની વાત કરે છે કે કોઈ વિશિષ્ટ ભક્તની વાત કરે છે? ભગવાન અહીં જે વિશિષ્ટ ભક્તની વાત કરે છે તે ભક્ત એટલે કોણ? ઉત્તમ ભક્ત માટેના લીટમસ ટેસ્ટ સમાન આ પ્રશ્ર્નનું સમાધાન આપતાં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે જે વિકારયુક્ત દેખાતી સ્થિતિમાં પણ પરમેશ્ર્વરને અવિકારી સમજે તે સાચો ભક્ત છે.
આ જગતના સર્વ જીવપ્રાણીમાત્રમાં પરમાત્માનો વાસ છે. આ જીવપ્રાણી માત્ર વિકાર એટલે કે શારીરિક પરિવર્તન તથા માનસિક ખરાબીથી ગ્રસિત જોવા મળે છે. આજે બાળક રૂપે જન્મેલ મનુષ્ય સમય જતાં યુવાન, વૃદ્ધ થઈને મૃત્યુ પામે છે. આ શારીરિક વિકાર છે. સાથે સાથે મનુષ્યનું મન પણ કામ, ક્રોધ, લોભ, મોહ વગેરે જેવા અવગુણોથી ગ્રસિત થઇને વિકાર પામે છે. જયારે ભગવાન મનુષ્ય દેહે કરીને આ ધરતી પર આવે છે ત્યારે તે ઓળખાતા નથી. કારણકે તેઓ માનવ દેહની સર્વ મર્યાદાઓને સ્વીકારીને વર્તે છે. ભૂખ, તરસ, ભય, કામ, મોહ વગેરે જેવા ભાવો પણ દર્શાવે છે. ભગવાન મનુષ્યની જેમ જ જન્મ, બાળ, યુવા, વૃદ્ધ અને મૃત્યુ જેવી શરીરની અવસ્થાને સ્વીકારે છે. આ જોઈને સામાન્ય મનુષ્ય ભગવાને પોતાના જેવા જ સમજવાની ભૂલ કરી બેસે છે. પણ જે ભગવાનનો ભક્ત છે તેની સમજ છે કે ભગવાનમાં આજે પરિવર્તન જણાય છે તે તેની યોગશક્તિએ કરીને છે. તે લીલા છે, પણ વાસ્તવમાં તો ભગવાન જેવા છે તેવા જ રહે છે. આમ જે સાચો ભક્ત છે તેને ભગવાનમાં કોઈ વિકાર કે ખામી જણાતી નથી.
સામાન્ય રીતે નાના બાળક સાથે તેની માતા બાળક જેવી કાલીઘેલી ભાષામાં વાત કરતી જોવા મળે છે. આ વખતે આપણને તે જાણ હોય છે કે તે તોતડી નથી, તેને બરાબર બોલતા આવડે છે. પણ નાના બાળકને સુવાણ થાય, તેને આનંદ આવે તે માટે માતા બાળક સમાન બની ભાષાની મર્યાદાઓ સ્વીકારીને વર્તે છે. આ રીતે જ્યારે પૃથ્વી પર પરમાત્મા મનુષ્યદેહ ધારણ કરીને અવતાર લે છે, ત્યારે પોતાના ભક્તોને પોતાની સાથે સુવાણ થાય, તેમને સુખ આવે તે માટે તેમની સમાન બની મનુષ્યદેહની મર્યાદાઓને સ્વીકારીને તે પ્રમાણે વર્તે છે. અને આ વાતની સમજ સાચા ભક્તને સુપેરે હોય છે અને એટલે તેને ભગવાનમાં કોઈ વિકાર કે ખોટ વર્તાતા નથી. તેને તો તે વખતે પણ પરમાત્માની અનન્ય શક્તિ અને અવિકારી સ્વરૂપનાં જ દર્શન થાય છે. ભગવાન શ્રીકૃષ્ણ કે ભગવાન શ્રીરામના સમયમાં લાખો લોકોએ તેમને જોયા હશે. પણ જે રીતે ગોપીઓએ અને હનુમાનજીએ તેમને જોયા તે દૃષ્ટિ કંઈક અલગ હતી. તેમને તો ભગવાન સામાન્ય મનુષ્યરૂપે હોવા છતાં તેમનામાં ભગવાન તરીકેની અતૂટ શ્રદ્ધા હતી. અને આ શ્રદ્ધાએ જ તેમને મહાન બનાવ્યા.
જે ભક્ત મનુષ્યરૂપે રહેલા પરમાત્માના યથાર્થ અવિકારી સ્વરૂપને જાણે છે તે પરમાત્માને પામી જ ચૂક્યો છે. મનુષ્યરૂપે રહેલા પરમાત્માના યથાર્થ સ્વરૂપને સમજવાના મહત્ત્વને સમજાવતાં ભગવાન સ્વામિનારાયણ પણ વચનામૃતમાં કહે છે કે …જ્યારે એ સ્વરૂપ જેને જાણ્યામાં આવે તેને, અમને જેમ કોઇ વિષય સંબંધી સુખમાં આસક્તિ નથી તેમ તે પુરુષને પણ ક્યાંય આસક્તિ રહે જ નહીં, અને તે સ્વરૂપને તો તમે પણ દેખો છો પણ તમારા સમજ્યામાં પરિપૂર્ણ આવતું નથી. અને જ્યારે એ વાત સમજ્યામાં આવશે ત્યારે પંચવિષય કે કામ, ક્રોધાદિક સ્વભાવ જીત્યામાં પ્રયાસ થશે નહીં, સહેજે જીતાઈ જશે.
ભગવાન તેમના અવતાર કે સંત સ્વરૂપે આ ધરતી પર હંમેશાં વિચરતા જ હોય છે. આપણને પણ મનુષ્યરૂપે રહેલા પરમાત્માનાં સ્વરૂપનું યથાર્થ જ્ઞાન થાય તે જ ભક્તની સાચી દૃષ્ટિ!