ધર્મતેજ

મનન : તું તેજરૂપ છે મને તેજ આપ

હેમંત વાળા

યજુર્વેદની આ ઉક્તિ છે. તેજોસિ તેજો મયિ ધેહી. પ્રકાશ એ પરમ અસ્તિત્વનું એક સ્વરૂપ છે. એક વિચારધારા પ્રમાણે જે કંઈ સ્થૂળ જગત અસ્તિત્વમાં આવ્યું છે તે પ્રકાશનું રૂપાંતરણ છે. આધુનિક વિજ્ઞાનની વાત કરીએ તો આઈન્સ્ટાઈન દ્વારા ઊ = ળભ૨ ની જે વાત થઈ છે તેમાં પણ એનર્જીને – શક્તિને માસમાં – દ્રવ્યમાં રૂપાંતરિત કરવાની વાત છે.

પ્રકાશ એ શક્તિનું એક સ્વરૂપ છે. અર્થાત પ્રકાશને દ્રવ્યમાં રૂપાંતરિત કરી શકાય. કોઈપણ શક્તિને પ્રથમ પ્રકાશમાં રૂપાંતરિત કરી તેને પછી ભૌતિક સ્વરૂપમાં લાવી શકાય. આ બાબત સનાતન સમયથી સનાતની સંસ્કૃતિમાં સ્થાપિત થયેલી છે.

સનાતની સંસ્કૃતિમાં અન્ય ઊર્જાના સ્વરૂપની અપેક્ષાએ પ્રકાશનું મહત્વ વધુ છે. પ્રકાશની હાજરીમાં પરિસ્થિતિ જોઈ શકાય છે, માહિતી એકત્રિત થઈ શકે છે. આ માહિતીનું વિશ્ર્લેષણ કરવાથી જ્ઞાન સુધી પહોંચી શકાય. પ્રકાશની હાજરી જ્ઞાન પ્રાપ્તિ માટેનું મહત્ત્વનું માધ્યમ છે. જ્ઞાનના સંગ્રહ સમા પુસ્તકના વાંચન માટે પણ પ્રકાશ જરૂરી છે.

અહીં કોઈ એવી દલીલ કરી શકે કે, પુસ્તકમાં જણાવાયેલ બાબતો સાંભળીને પણ સમજી શકાય. પણ તે માટે પણ કોઈકે તો વાંચવું પડે. પ્રકાશ જરૂરી છે. જ્ઞાનની પ્રાપ્તિ માટે પ્રકાશ ખૂબ જરૂરી છે.

પ્રકાશ એ માત્ર બાહ્ય પરિસ્થિતિનું એક પરિમાણ નથી, આંતરિક પ્રકાશ પણ પ્રકાશનું જ એક સ્વરૂપ છે. બાહ્ય પ્રકાશ માહિતી પૂરી પાડે જ્યારે આંતરિક પ્રકાશ તેને જ્ઞાનમાં રૂપાંતરિત કરે. બાહ્ય પ્રકાશથી ઇન્દ્રિય સચેત થાય તો આંતરિક પ્રકાશ મન અને બુદ્ધિને સંચાલિત કરે.

બાહ્ય પ્રકાશ થકી જે તે પરિસ્થિતિનું પ્રતિબિંબ ઝિલાય તો આંતરિક પ્રકાશ તે પ્રતિબિંબનો અર્થ સ્થાપિત કરે. બાહ્ય પ્રકાશ પણ જરૂરી છે અને આંતરિક પ્રકાશ પણ તેટલો જ જરૂરી છે. બાહ્ય પ્રકાશથી પરિસ્થિતિની જાણ થાય છે અને આંતરિક પ્રકાશથી તેની ઓળખ સ્થપાય છે.

બાહ્ય અને આંતરિક એમ બંને પ્રકારના પ્રકાશમાં તે પરબ્રહ્મની કૃપા છે. બાહ્ય પ્રકાશ પંચમહાભૂતનું એક સ્વરૂપ છે. તેનો એક હેતુ છે. તેનું એક ચોક્કસ કાર્ય છે. તેના થકી ભૌતિક સૃષ્ટિની કેટલીક બાબતોનું નિર્ધારણ થાય છે. પંચમહાભૂતનું પ્રત્યેક તત્ત્વ અન્ય તત્ત્વ સાથે ચોક્કસ રીતે, સંતુલિતતામાં, તટસ્થતાથી વ્યવહાર કરે છે અને સૃષ્ટિના વિવિધ સમીકરણો સ્થપાય છે. આ સમગ્ર પ્રક્રિયામાં પ્રકાશ એક અગત્યનું પરિબળ છે.

આંતરિક પ્રકાશ એટલે આત્માનો પ્રકાશ. કહેવાય છે કે જેમ સૂર્ય સૃષ્ટિને પ્રકાશિત કરે છે તેમ આત્મા શરીરને પ્રકાશિત કરે છે. આત્માના પ્રકાશને કારણે ચેતના જળવાઈ રહે છે. આત્માના પ્રકાશની હાજરીમાં જ્ઞાનેન્દ્રિયો તથા કર્મેન્દ્રિયો કાર્યરત થાય છે. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર જેવી અંત:કરણની અવસ્થાઓ આ પ્રકાશને કારણે સંભવી શકે છે.

આ પ્રકાશ છે એટલે શરીરમાં પવન ફરતો રહે છે. આ પ્રકાશને કારણે શરીરના નિયંત્રિત અને અનિયંત્રિત એમ બંને પ્રકારના અવયવો કાર્યરત રહે છે. આત્માના પ્રકાશને કારણે જ્ઞાનની પ્રાપ્તિ સંભવ બને છે. આત્માને કારણે જ બધી ક્રિયા શક્ય બનતી હોવાથી, આત્માનો પ્રકાશ છે એટલે ભક્તિ થઈ શકે છે, યોગમાં પ્રવૃત્તિ થઈ શકાય છે, જ્ઞાન પ્રાપ્તિ માટેના પ્રયત્નો સંભવ બને છે અને નિષ્કામ કર્મ પ્રત્યે અનુરાગ જાગે છે. જે છે તે બધું આ આંતરિક પ્રકાશને કારણે.

આ આંતરિક પ્રકાશનો વ્યાપ અકલ્પનીય છે. તેની ક્ષમતા પણ અપાર છે. તે નિર્દોષ છે. આંતરિક પ્રકાશ અથવા આત્મા નિરાકાર છે, નિર્વિકલ્પ છે, શાશ્ર્વત છે. શરીરનો નાશ થયા પછી પણ તેનું અસ્તિત્વ જળવાઈ રહે છે. ગીતામાં કહેવાયા પ્રમાણે શસ્ત્રો તેને છેદી શકતા નથી, પાણી તેને ભીંજવી શકતું નથી, પવન તેને સુકવી શકતો નથી અને અગ્નિ એને બાળી શકતો નથી. તે અવિનાશી છે.

તે સંપૂર્ણ છે. ઉપનિષદની ભાષામાં કહીએ તો જે છે તે આ આત્મા છે, બાકી બધું તો તેની માયાનો વિસ્તાર છે. વાસ્તવમાં જે અસ્તિત્વ છે તે આંતરિક પ્રકાશનું જ છે. બાહ્ય પ્રકાશ અને તેનો માયાવી વિસ્તાર છે. આ આંતરિક પ્રકાશ પરમ, દિવ્ય, વિસ્તૃત પ્રકાશના અંશ સમાન છે. વિશાળ સાગરમાંથી લેવામાં આવેલ આ એક આચમન સમાન છે. સૃષ્ટિમાં પ્રસરેલ હવાનો આ એક નિર્ધારિત ભાગ છે. આંતરિક પ્રકાશ માટે આ બધું શક્ય હોવા છતાં તેની પ્રતીતિ સહેલી નથી.

તેથી જ અહીં તેજ આપવાની વાત છે. વાસ્તવમાં તેજ તો છે જ, તેની પ્રતીતિ કરવાની છે. આત્મા તો છે જ, તેની અનુભૂતિ કરવાની છે. આ અનુભૂતિ માટે પણ પ્રકાશ અર્થાત તેજની ચોક્કસ ભૂમિકાની જરૂર છે. આત્માની ઓળખ માટે આ તેજની જરૂર છે. સૃષ્ટિ જેમ છે તેમ પ્રતિત થાય તે માટે પણ વિશેષ પ્રકારના તેજની જરૂર છે.

અહીં તેજના વિશાળ ભંડાર પાસે થોડા તેજના તિખારની માંગણી છે. આ તેજ એક વાર પ્રાપ્ત થાય પછી સૃષ્ટિના સમીકરણો આપમેળે ઉકેલાતા જાય. અહીં ક્યાંક એક જ દે ચિનગારીનો ભાવ જણાય છે.

તેજની પ્રતીતિ એમ સહજમાં પ્રાપ્ત ન થાય. તેની અનુભૂતિ થતાં થનારા સંભવિત ફેરફાર થામવાની ક્ષમતા કેળવવી પડે, વિશ્ર્વાસ જગાવવો પડે. આ વિશ્ર્વાસ જાગે પછી તેજના ભંડાર સામે આ માંગણી થઈ શકે. એ સત્ય છે કે જે માંગવા જેવું છે તે આ તેજની પ્રતીતિ, તેજની અનુભૂતિ, તેજનો સાક્ષાત્કાર જ છે. આ એક જટિલ જવાબદારી યુકત પરિસ્થિતિ છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button