ધર્મતેજ

અલૌકિક દર્શન : વિષ્ણુ જેમ પરમોચ્ચ તત્ત્વ છે,

ભાણદેવ

(ગતાંકથી ચાલુ)
વિષ્ણુ એટલે પરમ તત્ત્વ. આ પરમ તત્ત્વ સગુણ છે, નિર્ગુણ છે, સાકાર છે, નિરાકાર છે, તેથી વિષ્ણુ જેમ પરમોચ્ચ તત્ત્વ છે, તેમ તેમનું સગુણ સ્વરૂપ પણ છે.

Also read : પ્રભુભક્તિનો સ્વાદ સંગીતમાં છુપાયેલો છે

વિષ્ણુ ક્ષીરસાગરમાં શયન કરે છે. વિષ્ણુ શેષનાગની શય્યા પર શયન કરે છે. શેષનાગનું એક નામ અનંત પણ છે. ભગવાન વિષ્ણુ શેષનાગ અર્થાત્‌‍ અનંતની શય્યા પર શયન કરે છે, તેથી તેને અનંતશયન પણ કહે છે.

વિષ્ણુભગવાન ક્ષીરસાગરમાં શયન કરે છે અને શેષનાગની શય્યા પર શયન કરે છે. ભગવાન વિષ્ણુના આ સ્વરૂપનો અર્થ સમજવા માટે આપણે ચાર તત્ત્વોનો રહસ્યાર્થ સમજવો જોઈએ: ક્ષીરસાગર, અનંત અર્થાત્‌‍ શેષનાગ, ભગવાન વિષ્ણુ અને તેમનું શયન.

અસ્તિત્વનાં ત્રણ સ્વરૂપો છે: સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ, અર્થાત્‌‍ અવ્યક્ત. દૃશ્યમાન, પંચીકૃત પંચભૂતાત્મક જગત સ્થૂળ જગત છે. આ જગત ઈન્દ્રિયગમ્ય છે. પંચ તન્માત્રા, મન, અહંકાર આદિ તત્ત્વો સૂક્ષ્મ છે. તેમને ઈન્દ્રિયોથી જાણી શકાય તેમ નથી. અસ્તિત્વના આ સ્વરૂપને સૂક્ષ્મ અસ્તિત્વ કહે છે. સૂક્ષ્મ સ્વરૂપે પણ જે વ્યક્ત થયું નથી તે મૂળ અવ્યક્ત પ્રકૃતિને અવ્યક્ત તત્ત્વ કહે છે. અવ્યક્ત અવસ્થામાં પ્રકૃતિ ગુણોની સમ અવસ્થામાં હોય છે. આ અવ્યક્ત પ્રકૃતિને મૂલ પ્રકૃતિ પણ કહે છે. અસ્તિત્વના આ અવ્યક્ત સ્વરૂપને વૈદિક ભાષામાં અચિતનો સાગર કહે છે. પ્રાચીન ભારતની તાત્ત્વિક ભાષામાં આ અવ્યક્ત અસ્તિત્વને કારણવારિ કહેલ છે. પૌરાણિક ભાષામાં આ કારણવારિને જ ક્ષીરસાગર કહેલ છે. ભગવાન વિષ્ણુ જે સ્વરૂપે ક્ષીરસાગરમાં શયન કરે છે, તે સ્વરૂપને આદિનારાયણ કે આદિ-વિષ્ણુ કહે છે, કારણ કે આ અવસ્થા સૃષ્ટિના પ્રારંભ પહેલાંની અવસ્થા છે.

ભગવાન વિષ્ણુ અવ્યક્ત સ્વરૂપે નિરાકાર છે, પરંતુ જ્યારે વ્યક્ત થાય ત્યારે સાકાર સ્વરૂપે પણ છે જ. વિષ્ણુ વ્યક્ત થાય પછી જે બાકી વધે તેને શેષ કહે છે. શેષ એટલે બાકી રહેલું. આ શેષ વધે તે પણ અનંત જ છે, કારણ કે અનંતમાંથી અનંત વ્યક્ત થાય તોપણ શેષ વધે તે પણ અનંત જ હોય છે.

Also read : સફળા એકાદશી; ભગવાન વિષ્ણુને ધરજો આ ભોગ, ઘરમાં નહિ ખૂટે અન્નધન

“पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते”
“પૂર્ણમાંથી પૂર્ણ લઈ લેવામાં આવે, પછી પાછળ પણ પૂર્ણ જ વધે છે.”
અનંતસ્વરૂપની આ તર્કાતીત વિલક્ષણતા છે કે અનંતમાંથી અનંત વ્યક્ત થાય પછી બાકી વધે તે પણ અનંત જ છે. આ બાકી વધેલું અનંત શેષ તે જ શેષનાગ છે. તે બાકી વધેલું છે તેથી શેષ છે અને અનંતરૂપે જ બાકી વધ્યું છે તેથી અનંત છે.
વિષ્ણુ એટલે પરમ તત્ત્વ, પરમ ચૈતન્ય. વિષ્ણુ સમગ્ર અસ્તિત્વનું કેન્દ્ર છે, તેથી વિષ્ણુ અસ્તિત્વનાં ત્રણે સ્વરૂપો-સ્થૂળ, સૂક્ષ્મ અને અવ્યક્તથી પર છે, ત્રણેના અધિપતિ છે. સર્જનના પ્રારંભ પહેલાં વિષ્ણુનો વાસ ક્યાં છે? વિષ્ણુ સર્વવ્યાપી તત્ત્વ છે. સર્જનના પ્રારંભ સૂક્ષ્મ અને સ્થૂળ તત્ત્વો તો છે જ નહીં, અવ્યક્ત અસ્તિત્વ અનાદિ છે, તેથી કારણવારિ કે ક્ષીરસાગર તો છે જ. સર્જનના પ્રારંભ પહેલાં વિષ્ણુનું વાસસ્થાન આ કારણવારિ કે ક્ષીરસાગર જ હોઈ શકે, કારણ કે તે વખતે બીજું કોઈ તત્ત્વ જ નથી. આમ અનાદિ વિષ્ણુસ્વરૂપનું શયનસ્થાન આ અનાદિ કારણવારિરૂપ ક્ષીરસાગર જ હોઈ શકે.

ભગવાન વિષ્ણુનું એક નામ નારાયણ છે. નાર+અયન=નારાયણ. `નાર’ પદના બે અર્થો છે: નાર એટલે પાણી અને નાર એટલે આનંદ. નાર એટલે પાણી કે આનંદ જેનું અયન (નિવાસસ્થાન)છે તે નારાયણ. પાણી એટલે કારણવારિ કે ક્ષીરસાગર. વિષ્ણુ પરમાનંદસ્વરૂપ છે, તેથી તેનું અધિષ્ઠાન આનંદ જ હોય, તે અર્થમાં વિષ્ણુ આનંદસ્થાન છે જ.

ભગવાન વિષ્ણુનું નિવાસસ્થાન ક્ષીરસાગર છે, પરંતુ વિષ્ણુનું પર્યંકસ્થાન કોણ છે? ભગવાન શાની પથારી પર શયન કરે છે? અનંત વિષ્ણુને અનંત શેષનું જ શયન હોઈ શકે. પોતાનું જે શેષ સ્વરૂપે રહેલું અનંતત્ત્વ તે જ વિષ્ણુનું શયન હોઈ શકે છે. આ અર્થમાં શેષનાગની પથારી પર ભગવાન વિષ્ણુ શયન કરે છે.

હવે આપણે ભગવાન વિષ્ણુના શયનનો અર્થ સમજીએ.
પૌરાણિક વર્ણન પ્રમાણે મહાપ્રલયના પ્રારંભે સમગ્ર સૃષ્ટિસહિત બ્રહ્માજી ભગવાન વિષ્ણુના ઉદરમાં સમાઈ જાય છે. તે વખતે ભગવાન વિષ્ણુ યોગનિદ્રામાં પોઢી જાય છે. પ્રલયકાળ દરમિયાન ભગવાન વિષ્ણુ શયન કરે છે. આમ વિષ્ણુનો શયનકાળ તે જ સૃષ્ટિની પ્રલયાવસ્થા.

પ્રલયના અંતે ભગવાન વિષ્ણુ યોગનિદ્રાનો ત્યાગ કરે છે. ભગવાનની નાભિમાંથી બ્રહ્માજી ઉત્પન્ન થાય છે અને એ રીતે સૃષ્ટિરચનાની પ્રક્રિયાનો પ્રારંભ થાય છે. સૃષ્ટિકાળ તે ભગવાન વિષ્ણુનો જાગૃતિકાળ અને શયનકાળ તે સૃષ્ટિનો સર્ગકાળ અને પ્રલયકાળ છે.

વિષ્ણુ પરમ તત્ત્વ છે. પરમ તત્ત્વને નથી શયન અને નથી જાગૃતિ. તે તો અખંડ બોધસ્વરૂપ છે. સૃષ્ટિના સર્ગકાળ અને પ્રલયકાળની અપેક્ષાથી વિષ્ણુનો જાગૃતિકાળ અને શયનકાળ ગણવામાં આવે છે.

Also read : શિવ રહસ્ય : તમારા પતિ જીવિત છે, તમે નિશ્ચિંત રહો, તમારા પતિ અમર છે, તેઓ સુરક્ષિત છે, તેમને કંઈ નહીં થાય…

ભગવાન વિષ્ણુ તેમના એક સ્વરૂપે વૈકુંઠમાં વસે છે. વૈકુંઠ ભગવાન વિષ્ણુનું દિવ્ય ચિન્મય ધામ છે, વિષ્ણુનો શાશ્વત લોક છે. ભગવાન વિષ્ણુ જેમ નિરાકાર છે, તેમ સાકાર પણ છે. તેમનું સાકાર સ્વરૂપ ચિન્મય સ્વરૂપ છે. ભગવાન વિષ્ણુ પોતાના ચિન્મય સાકાર-સ્વરૂપે પોતાના દિવ્ય-શાશ્વત ધામ વૈકુંઠમાં વસે છે.

વૈકુંઠમાં ભગવાન વિષ્ણુનું ચતુર્ભુજ સ્વરૂપ છે. ભગવાન વિષ્ણુએ ચાર હાથમાં શંખ, ચક્ર, ગદા અને પદ્મ ધારણ કરેલાં છે.
શંખ નાદનું પ્રતીક છે. નાદબ્રહ્મ (પ્રણવ) પરબ્રહ્મને પામવાનું સાધન છે. શબ્દબ્રહ્મ દ્વારા પરબ્રહ્મને જાણી શકાય છે, તેમ ઉપનિષદો પણ કહે જ છે. નાદબ્રહ્મના અનુષ્ઠાન દ્વારા મનસાતીત ભૂમિકામાં પ્રવેશ થાય છે અને મનસાતીત ભૂમિકા પરબ્રહ્મના પ્રાગટ્ય માટે ચિત્તની અનુકૂળ સ્થિતિ છે. આમ હોવાથી વેદમાન્ય અધ્યાત્મપરંપરામાં નાદબ્રહ્મની ઉપાસનાને હંમેશાં મહત્ત્વપૂર્ણ ઉપાસના ગણવામાં આવે છે. નાદ વિષ્ણુતત્ત્વની જ એક અભિવ્યક્તિ છે, તેનું એક સ્વરૂપ છે. વિષ્ણુતત્ત્વનો નાદબ્રહ્મ સાથેનો સંબંધ વિષ્ણુના હાથમાં રહેલા શંખ દ્વારા સૂચિત થાય છે.

ચક્ર કાળનું પ્રતીક છે. કાળ સતત વહી રહ્યો છે. કાળનો પ્રવાહ સતત ચાલુ જ રહે છે. કાળની ધારા કદી અટકતી નથી.
વિષ્ણુના હાથમાં રહેલું ચક્ર પણ સતત ગતિમાન રહે છે. સતત ગતિમાન હોવું તે લક્ષણ ચક્રમાં અને કાળમાં સમાન છે, તેથી ચક્ર દ્વારા કાળતત્ત્વ સૂચિત થાય છે.

ભગવાન વિષ્ણુના એક હાથમાં કાળતત્ત્વ છે. વિષ્ણુ કાલાતીત પરમ ચૈતન્ય છે. કાળ તો તેના હાથમાં છે, તેની અભિવ્યક્તિનું, તેના સૃષ્ટિક્રમનું એક માધ્યમ છે. કાળને તો ભગવાન વિષ્ણુ એક હથિયારરૂપે ધારણ કરે છે. કાળને તેઓ ધારણ કરનાર છે, અર્થાત્‌‍ મહાકાલ છે. કાલાતીત છે. અરે! કાળ તો તેમનાં ચરણોમાંથી ઉત્પન્ન થાય છે. કાળ (વિંય શિંળય)એ કોઈ સ્વતંત્ર તત્ત્વ નથી. જો સૃષ્ટિક્રમ છે તો કાળ છે. જો સૃષ્ટિક્રમ નથી તો કાળ ક્યાં છે? સૃષ્ટિક્રમ તો વિષ્ણુ ભગવાનની નાભિમાંથી જન્મે છે, તેથી કાળનો જન્મ પણ ભગવાન વિષ્ણુમાંથી થાય છે તેમ સિદ્ધ થાય છે.

ભગવાન વિષ્ણુ કાલાતીત છે. ભગવાન વિષ્ણુ કાળના કર્તા છે.
ભગવાન વિષ્ણુ આ તત્ત્વ છે તે તેમના હાથમાં રહેલા ચક્ર સૂચિત થાય છે.
ગદા શક્તિનું પ્રતીક છે. પરમાત્મા શક્તિને પણ ધારણ કરે છે. સર્વ શક્તિ આખરે તો પરમાત્માની જ શક્તિ છે. પરમાત્માની શક્તિ વિના એક પાન પણ હલી શકે તેમ નથી. આ શક્તિનું જે ધારક તે વિષ્ણુતત્ત્વ છે. પરમાત્મા વિષ્ણુની અભિવ્યક્તિનાં અનેક તત્ત્વો છે. પ્રેમ, આનંદ, જ્ઞાન, સૌંદર્ય, શક્તિ-આ સૌ પરમાત્મામાંથી અભિવ્યક્ત થતાં તત્ત્વો છે. આમાંનું એક તત્ત્વ છે શક્તિ. પરમાત્મા વિષ્ણુ આ શક્તિ ધારણ કરી રાખે છે- આ સત્ય તેમના હાથમાં રહેલી ગદા દ્વારા સૂચિત થાય છે.

Also read : ગીતા મહિમા ઃ પ્રભુની પ્રભુતા

પહ્મ એટલે કમળ. વિષ્ણુ ભગવાનના એક હાથમાં પહ્મ છે. પદ્મ દિવ્ય ચેતનાનું પ્રતીક છે. ભગવાન વિષ્ણુ કોઈ સામાન્ય દેવ નથી, પરંતુ દેવાધિદેવ છે. ભગવાન વિષ્ણુ પરમ ચેતના છે, સર્વોચ્ચ ચૈતન્ય છે. ભગવાન વિષ્ણુનું આ પરમ ચૈતન્યસ્વરૂપ તેમના હાથમાં રહેલા પહ્મ અર્થાત્‌‍ કમળ દ્વારા સૂચિત થાય છે. ભગવાન વિષ્ણુનાં નયનને નયનકમલ, મુખને મુખકમલ, કરને કરકમલ, નાભિને નાભિકમલ, ચરણને ચરણકમલ કહેવામાં આવે છે તેની પાછળ આ જ સંકેત છે કે તેઓ દિવ્ય પરમ ચૈતન્યસ્વરૂપ છે. ભગવાન વિષ્ણુની નાભિમાંથી એક કમળ ઉત્પન્ન થયું અને તેમાંથી બ્રહ્માજી પ્રગટ્યા એવી કથા છે તેના દ્વારા પણ ભગવાન વિષ્ણુનું પરમ ચૈતન્ય જ સૂચિત થાય છે. (ક્રમશ:)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button