ધર્મતેજ

અલખનો ઓટલો: કઠણ પંથ આ વૈરાગ્યના રે…

કઠણ રે પંથ આ વૈરાગના રે, ત્યાં પહોંચત વીરલા કોઈ સંત,મારી હેલી રે,
ગગને ચડીને હેલી જોઈ લ્યો રે. તિયાં પહોંચત વીરલા સંત … મારી હેલી રે..
કઠણ રે પંથ આ વૈરાગના રે….0

ગગને ચડીને હેલી જોઈ લ્યો રે, આપણા પિયુજી કેરો દેશ… મારી હેલી રે… –
ગગને ચડીને હેલી જોઈ લ્યો રે, ચડી રે શિખર પર હેલી જોઈ લ્યો રે….0
કઠણ રે પંથ આ વૈરાગના રે….0

કૌન રે બુંદકી માતા ધરણી રચી રે, કૌન રે બુંદકા આકાશ,
કૌન રે બુંદકા પ્રાણી પુરૂષ બનાયા, કોન રે બુંદકા સંસાર – મારી હેલી રે ..
કઠણ રે પંથ આ વૈરાગના રે….0

સલીલ બુંદકી માતા ધરણી રચી હૈ, બરક બુંદકા આકાશ,
ઓહંમ્ બુંદકા પ્રાણી પુરૂષ બનાયા, સોહંમ બુંદકા સંસાર – મારી હેલી રે ..
કઠણ રે પંથ આ વૈરાગના રે….0

અંબુ બુંદસે ધરણ નીપાવી રે, પવન બુંદસે આકાશ,
અમૃત બુંદસે પુરૂષ જાયા રે, ચેતન્ય બુંદ સે સંસાર – મારી હેલી રે ..
કઠણ રે પંથ આ વૈરાગના રે….0

રેન તો સમાણી સાહેલી ભાણમાં, ભાણ તો સમાણો આકાશ,
આકાશ સમાણું સાહેલી શૂનમાં, શૂન્ય તો સમાણી સુરતા માંય,
આકાશ સમાણા વચનમાં રે, વચન હોય કોઈ વીરલાની પાસ ..
કઠણ રે પંથ આ વૈરાગના રે….0

દેખ્યા વિનાની ન દેશકી રે, વાત કહત સબ કોઈ,
એ તો ફોગટ ફેરા ખાત રે, બચત ફીરત સપૂત … મારી હેલી રે ..
કઠણ રે પંથ આ વૈરાગના રે….0

જે ઘર હંસા મોતી ચૂગતા રે, કરીયા કાળ ન ખાય,
ચાલો હંસા ઉન સરોવરે રે, પલ્લા પકડે નહીં કોઈ … મારી હેલી રે ..
કઠણ રે પંથ આ વૈરાગના રે….0

નૂરત સૂરત જોત પ્રકાશી રે, પાયા સાચા પદ નિરવાણ,
વેદ કહેતા તો સો વઈ ગયા રે, આપે કબીર જુગત ભાણ.. મારી હેલી રે ..
કઠણ રે પંથ આ વૈરાગના રે….0

અમૃત તરવેણીના ઝરણા ઝરે, માંઈ રતન મણી પ્રકાશ,
કહત કબીર ધરમ દાસકો, ફીર તો મિલન કેરી આશ – મારી હેલી રે ..
કઠણ રે પંથ આ વૈરાગના રે….0

કબીરસાહેબનું આ પદ અનેક લોકભજનિકોમાં કંઠોપકંઠ સચવાતું રહીને અનેક પાઠાંતરો સાથે ગવાતું આવ્યું છે. હેલી પ્રકારની આત્મજ્ઞાનની સાધના દર્શાવતી રચનાઓની પરંપરા આદિસંત કબીરસાહેબથી શરૂ થઈ હોવાનું મનાય છે. સિંધ પ્રદેશના ભાણસાહેબે પોતાના શિષ્ય હંસદાસને ઉદ્ેશીને કેટલીક હેલી રચનાઓ આપી છે. રાજસ્થાનમાં કબીરસાહેબના નામાચરણથી આઠેક તથા સુખદેવ, ઈસરરામ ભટ્ટ અને રામકૃષ્ણનાં નામાચરણો સાથે કેટલીક હેલી રચનાઓ ખૂબ જ ગવાય છે.

પ્રેમલક્ષ્ણા ભક્તિનાં અનેક પદોમાં ‘હેલી’ શબ્દનો પ્રયોગ
આત્માને કે સુરતાને પોતાની સખી-સાહેલી માનીને તથા આત્માનુભવથી થતા અહર્નિશ આનંદ માટે વપરાતો રહ્યો છે. અંતરતમ
ચેતના, અનરાધાર વર્ષા, સુરતા કે આત્મા,કૂટ-ગૂઢ સાધનાત્મક પ્રહેલિકા કે સમસ્યા,અવળવાણી, ઉલટવાણી, કોયડો, સાધનાત્મક રહસ્યાત્મક પ્રશ્ન અને તેના ઉત્તર …. એમ અનેકવિધ અર્થો હેલી શબ્દ માટે સાંપડે છે.

કબીરસાહેબ પોતાના શિષ્ય ધરમદાસજીને શીખામણ અને સાધનાનું માર્ગદર્શન આપતાં કહે છે કે આ વૈરાગ્યનો માર્ગ અતિશય કઠિન છે, આ રસ્તા પર કોઈ વીરલા સાધક સંત જ પહોંચી શકે છે. તમારી સુરતાને ધીરે ધીરે ઊંચી ચડાવતા રહીને, ગગનમંડળમાં-શૂન્ય શિખર સુધી પહોંચાડજો. જ્યાં આપણા પરમ પ્રિયતમ પરમાત્મા-પિયુજીનો વાસ છે. તમારા આત્માનુભવથી જાણી લેજો કે આ ધરતી અને આકાશ, પુરુષ અને પ્રકૃતિ તથા સંસારની આ સૃષ્ટિનું સર્જન ક્યાં બીજમાંથી થયું છે? ક્યાં બુંદમાંથી થયું છે?

સલીલબુંદ એટલે લીલા વિલાસયુક્ત, સુંદર, મનોહર, સ્વચ્છંદ અને સૌંદર્યમય બીજમાંથી પરમાત્માની ઈચ્છાથી સ્વયંભૂ રીતે અલીલ-જળમાંથી આ ધરતીનું સર્જન થયું, એમાં શ્વાસ-ઉચ્છવાસની રમણામાંથી ચૈતન્ય એવી જીવસૃષ્ટિનું પ્રાકટય થયું. પરમેશ્વરે પોતે પોતાની લીલારમણા માટે આ સર્જન ર્ક્યું છે. જેમ રાત્રિનો અંધકાર સૂર્યના પ્રકાશમાં સમાઈ જાય છે-વિલીન થઈ જાય છે એમ સૂર્ય પણ આકાશમાં વિલીન થઈ જાય, આકાશ સમાઈ જશે શૂન્ય તત્ત્વમાં. એવા શૂન્ય શિખર પર પોતાની સુરતાની યાત્રા કરીને તમારે પહોંચવાનું છે. આ અગમ-અગોચર પ્રદેશને જોયા વિના સઘળા વાતો કરે છે અને ફોગટના ફેરા ફરતા રહે છે, એમાંથી બચનારા- સ્વયં અનુભૂતિ કરનારાને જ વીરલા સંત કહી શકાય.

અખંડ જ્યોતિના ઉજ્જવળ પ્રદેશમાં જે સ્થાને હંસોરાજા સાચાં મોતીડાંનો ચારો ચરે છે એવા માનસરોવરમાં તમે સ્નાન કરી લેશો તો કાળદેવતા પણ તમારો પલ્લો પકડી નહીં શકે. વેદ- શાસ્ત્રો-પુરાણોમાં જે કહેવાયું છે તેનો અનુભવ કરનારા તો ચાલ્યા ગયા, માત્ર તેમના શબ્દો જ રહ્યા છે, એ શબ્દોની પાછળ જે સાધના છુપાયેલી છે એનો અણસાર સહુ કોઈને નથી આવતો, એ તો કોઈ જોગ-જુગતિ જાણનારા સિદ્ધ-સાધક જ એને યુક્તિથી પામી શકે છે. જ્યાં સદૈવ અમૃત ત્રિવેણી વહેતી રહે છે,જ્યાં કરોડો સૂર્યના જેવા મણિ-રત્નોનો દિવ્ય અંજવાસ છે ત્યાં જો તમે પહોંચી શકો તો આપણું મિલન ત્યાં થશે. આવા મેળાપની હું આશા રાખું છું…

આપણ વાંચો : અલખનો ઓટલો : ગુરુ મારા ચીચૂડો કીધો રે તમે સાબદો રે…..

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button