મોક્ષ માટે મરવાની જરૂર નથી, મોક્ષ એ આંતરિક પરિવર્તનનું નામ છે…

માનસ મંથન -મોરારિબાપુ
‘રામચરિતમાનસ’માં ગોસ્વામીજીના મોક્ષ વિશે કેવા વિચારો છે? આપણને ધર્મગુરુ સમજાવે છે, ધર્મગુરુ એ વિશે કહે છે, પરંતુ તત્ત્વત: મોક્ષ છે શું ? જો કે આપ સૌ મને નિરંતર સાંભળનારા જાણો છો કે વ્યક્તિગતરૂપે હું મોક્ષવાદી નથી. મારી પોતાની મોક્ષમાં કોઈ રુચિ નથી કે આપણે મોક્ષ પ્રાપ્ત કરીએ. આપણી માન્યતા એવી છે કે, જીવાત્માનો મોક્ષ થઇ જાય તો આખરે એ જનમ-મરણના ચક્કરમાંથી છૂટી જાય. મોક્ષમારગનો એક બહુ મોટો પક્ષ આપણા અધ્યાત્મમાં છે, પરંતુ મારી રુચિ ખાસ કરીને મોક્ષપરક નથી.
એક સંતે તો ‘મોક્ષ’ શબ્દના બે અક્ષરોમાંથી એક-એક અક્ષરનું જુદું જુદું અર્થઘટન કરીને મોક્ષની બહુ જ સરળ પરિભાષા દર્શાવી છે. ‘મો’નો અર્થ એ મહાત્માએ બતાવ્યો છે, મોહ. અને ‘ક્ષ’ નો અર્થ છે ક્ષય, નાશ થવો. આપણા જીવનમાં શ્રવણથી, મનનથી, નિદિધ્યાસનથી એમ કોઈપણ રીતે ક્રમશ: મોહનો નાશ થઇ જાય એ અવસ્થાને મોક્ષ કહે છે. મારાં ભાઈ-બહેનો,મોક્ષ પામવા માટે મરવું જરૂરી નથી, અવશ્ય, મરણ બાદ મોક્ષની ઉપલબ્ધી બતાવવામાં આવી છે, પરંતુ આપણે મરીએ તો જ મોક્ષ પ્રાપ્ત થાય એ આવશ્યક નથી. જીવતા જીવનમાં ક્રમશ: જાગૃતિ આવે અને મોહ ક્ષય થવા લાગે, મોહની માત્રા ઘટવા લાગે અને એક સમય એવો આવે કે મોહ રહે જ નહિ, ત્યારે સમજવું એ માણસ જીવિત છે, છતાં પણ નિર્વાણરૂપ છે, મોક્ષરૂપ છે. એટલા માટે આપણી પરંપરામાં સદગુરુને પણ મોક્ષરૂપ માનવામાં આવે છે.
મારાં ભાઈ-બહેનો ,એકવીસમી સદીનાં વૈરાગ્યનો અર્થ છે, માલિક બનવાનું છોડો, માળી બનવાનું શરૂ કરો. આપણે ઘરના માલિક નથી, આપણે ઘરના માળી છીએ. પત્નીના માલિક ન બનો, માળી બનો. બાળકોના માલિક ન બનીએ. એ આપણા નાનકડા બાગનાં ફૂલો છે, આપણે એના માળી બનીએ. તમારી પાસે બહુ મોટું મકાન હોય તો તમને મુબારક. પરંતુ જયારે સમજમાં આવે ત્યારે એ બધું છોડીને ભાગવાનું નથી.માલિક, બુદ્ધિ છોડવી હોય તો વૈરાગ્ય જરૂરી છે. વૈરાગ્યનો મતલબ છે માલિકભાવ છૂટે. બધા કામકાજ કરો. તમારા નામે ઇન્કમટેક્ષ ભરો. તમારી કંપની હોય, તમે જે કરતા હો એ બધું કરો. પરંતુ સાચા ધર્મનું ફળ જો વૈરાગ્ય હોય, તો વૈરાગ્યનો અર્થ છે કે, આપણે માલિક ન બનીએ. માલિકભાવ દુ:ખી કરે છે.
આ મારું અને આ તારું માયા છે અને માયાથી મુક્ત થવું એ મોક્ષ છે. એ કઠિન છે. તમારી પાસે કોઈ ચીજ હોય, એને બહુ જ જતનપૂર્વક જાળવી હોય, પરંતુ જો ક્યારેક કોઈને આપવી પડે અને મારાપણાં છૂટી જાય તો ધીરે ધીરે મોક્ષ છે. મારાપણાંનું બંધન જ મોહબંધન છે. મોહનો ક્ષય મોક્ષ છે. જેમ જેમ જાગૃતિ વધે અને મારાપણાંનો ક્ષય થવા લાગે તેમ એ મોક્ષની યાત્રા છે. મોક્ષ કોઈ હાઉસિંગ સોસાયટી નથી. મોક્ષ ભીતરી પરિવર્તન છે. આંતરિક બદલાવનું નામ મોક્ષ છે.
સત્સંગ કરતા કરતા, સત્સંગ દ્વારા વિવેક પ્રાપ્ત કરીને, સાવધાની અને જાગૃતિથી પાંચ વસ્તુની માત્રા ઓછી થવા લાગે, તો સમજવું મોક્ષ મળી રહ્યો છે. કેવળ પાંચ વસ્તુ. પહેલું,ઘરમાં ઘણી બધી વસ્તુઓ હોય,બધું હોય, છતાં પણ ઘણી વસ્તુઓ-ઘણા પદાર્થો પ્રત્યે ધીમેધીમે આપણા મનની આસક્તિ ઓછી થવા લાગે તો એ મોક્ષની યાત્રાનો આરંભ છે. તમને દિલથી એવું લાગે કે, હવે, મારા રૂમમાં આ બધી વસ્તુની જરૂર નથી. દુનિયાને સાદગી બતાવવા નહીં, દિલનો અવાજ સાંભળતાં એવું લાગે. એક અવસ્થા સાધકના મનમાં આવે છે ત્યારે એને ઘણી બધી વસ્તુઓ બોજારૂપ
લાગે છે.
બીજું, વસુ. વસુ એટલે કે પૈસા. ‘હવે ઘણું બધું કમાઈ લીધું. હવે કમાવાની ઈચ્છા નથી’ એવું સ્વાભાવિક થાય. અને હોય તો વહેંચવાની ઈચ્છા થઇ જાય. કોઈ બહુ જ કમાતા હોય તો હું બહુ ખુશ થાઉં છું. હું ધનની ટીકા કરનારો સાધુ નથી. ખૂબ કમાઓ, તમારો એ અધિકાર છે, પરંતુ એમાં ઘણાનો ભાગ છે. ધનસંગ્રહની વૃત્તિ ધીમે ધીમે ઓછી થવી જોઈએ.
ત્રીજું, વિષય છોડવો નહીં, વિષયો પ્રત્યે ધીરે ધીરે ઉદાસીનતા આવી જાય. આપણે ભૂખ્યાં છીએ, દૂધપાક આપણને બહુ પ્રિય છે અને દૂધપાક પીરસ્યો છે, પીરસનારાએ પણ પ્રેમથી પીરસ્યો છે અને એક પ્યાલો,બીજો પ્યાલો, એમ વધારે પી લઈએ, પરંતુ વધુ પીધા પછી ઊલ્ટી થઇ જાય, વમન થઇ જાય! પાંચ મિનિટ પહેલાં જે દૂધપાકમાં આપણે આસક્ત હતા, પરંતુ ઊલ્ટી થઇ ગઈ,તો એ જ બે મિનિટમાં પેટમાં જઈને બહાર નીકળી ગયો ! પછી બહાર નીકળેલો એ દૂધપાક આપણને ઊબકો ચડાવે છે, કારણ કે વધારે થઇ ગયો છે. વધુ પ્રમાણમાં કોઈ પણ વસ્તુ વિષ બની જાય છે. અમુક સમયે આપણને એવી રુચિ થાય છે કે, આપણી આજુબાજુ ઘણા બધા લોકો હોય. આ વ્યક્તિઓની ભીડમાંથી પણ ધીરેધીરે લુબ્ધતા મિટવી જોઈએ. ભીડમાંથી સંબંધ છૂટે એવી મનોદશા મોક્ષ છે. ભીડ રાગ-દ્વેષની સૃષ્ટિ સર્જે છે.
પાંચમું, વધારે પડતા વિચારોથી મુક્તિ. જયારે તમને અને મને બેઠાંબેઠાં વધુ પડતા વિચારો ન આવે તો સમજવું કે આપણે મોક્ષ તરફ જઈ રહ્યાં છીએ. મોક્ષને માટે મરવું જરૂરી નથી. મોક્ષ આંતરિક બદલાવ છે, મોહનો ક્ષય એટલે મોક્ષ. એક દીકરી સાસરે જાય છે ત્યારે એને એક બીજો બાપ મળે છે. અહીં,લગ્નમાં પણ મોક્ષનો ઉપદેશ અપાય છે. મેં ઘણીવાર કહ્યું છે કે દીકરી બાપનું ઘર છોડે છે ત્યારે સજેલા શણગારમાં એનો સન્યાસ છે. સાસુઓને મારી પ્રાર્થના છે કે કોઈ દીકરી સાસરે આવે ત્યારે એ બાપના ઘરેથી કેટલું લાવી એ ન જોશો, કેટલું છોડીને આવી એ જોજો. આ બધા મોક્ષના જુદા જુદા રૂપ છે. આપણે મોક્ષને દેશાંતર માની લીધું છે ! એને દેશાંતર ન માનો, એ ભીતરી બદલાવ છે. સ્વામી શરણાનંદજી તો કહેતા, તમે મરી જાઓ અને તમારી વાસના બચે તો એ મોત છે. અને તમે ભલે લાખ વર્ષ જીવો, પણ તમારી વાસના ખતમ થઇ ગઈ તો એ
મોક્ષ છે.
એક અસાધ્ય રોગ લાગુ પડ્યો હોય અને કોઈ ડોક્ટરના ઈલાજથી એ બિલકુલ નિર્મૂળ થઇ જાય તો એ માણસ રોગથી મોક્ષ મેળવી ગયો ગણાય.એવી જ રીતે આપણા જીવનમાં ઘણા માનસિક રોગ લાગુ પડ્યા છે. એમાં કોઈ બુદ્ધપુરુષ વૈદનાં રૂપમાં મળી જાય અને આપણી બીમારીઓને ઓછી કરી દે તો આપણે મોક્ષ પામ્યા એમ કહેવાય.
મારા શ્રાવક ભાઈ-બહેનો, ધીરે ધીરે કથા સાંભળીને, સત્સંગ કરીને જાગૃતિથી તમારો લોભ દૂર થવા લાગે, આપણી કામવાસના ઓછી થાય, આપણો ક્રોધ ઓછો થાય તો સમજવું મોક્ષ તરફ આપણી ગતિ છે. હરિનામ આ વિકારોમાંથી છોડાવીને મોક્ષ આપે છે.
આપણ વાંચો : માનસ મંથન : આપણામાં પ્રેમના અંકુર ફૂટે તેની ને પ્રેમ પ્રગટે તેની નિશાની શી ?