ધર્મતેજ

હનુમાનજી તો બુદ્ધિમાનોના અગ્રણી ગણાય છે…

અલૌકિક દર્શન -ભાણદેવ

(ગતાંકથી ચાલુ)
કોઈ પણ ધર્મના કોઈ પણ તત્ત્વને યથાર્થત: સમજવાનો પ્રસત્ન કર્યા વિના તેની હાંસી ઉડાવવી કે તેની ટીકા કરવી તે ડહાપણનું લક્ષણ નથી.

  1. હનુમાનજી:
    પરંપરાગત માન્યતા અને ‘રામાયણ’નું વર્ણન એવું છે કે હનુમાનજી વાનર હતા. હનુમાનજીનાં ચિત્રો અને મૂર્તિઓમાં તેમને પૂંછડીવાળા પણ દર્શાવવામાં આવે છે. આ મુદ્દાને અનુલક્ષીને એવી ટીકા કરવામાં આવે છે કે હિન્દુઓ વાનરદેવ – (MONKEY GOD)ની પૂજા કરે છે.

શું હનુમાનજી વાનર હતા? વાનર માનવની જેમ વાત કરી શકે? વાનર ભગવાન રામની સેવા કરી શકે? હનુમાનજી તો બુદ્ધિમાનોના પણ અગ્રણી ગણાય છે – ‘‘बुद्धिमतां वरिष्ठः’છે, તો તેઓ વાનર કેવી રીતે હોઈ શકે?

સત્ય એ છે કે હનુમાનજી વાનર (MONKEY) ન હતા.તે કાળે દક્ષિણ ભારતમાં ‘વાનર’ નામની એક માનવજાતિ વસતિ હતી. જેમ આર્ય, દ્રવિડ આદિ માનવજાતિઓ છે, તેમ વાનર પણ એક માનવજાતિ હતી. હનુમાનજી આ વાનરજાતિના અગ્રણી હતા. તેમણે ભગવાન શ્રીરામને ભગવદવતાર તરીકે ઓળખ્યા, પોતાનું જીવન તેમની સેવામાં સમર્પિત કર્યું અને તેઓ રામની સેવા અને રામના સ્મરણ દ્વારા રામમય બની ગયા, દેવત્વની ભૂમિકામાં આરૂઢ થયા. આમ હનુમાનજીનો જન્મ વાંદરાઓની જાતિમાં થયો નથી, પરંતુ ‘વાનર’ નામની માનવજાતિમાં થયો છે.

‘વાનર’ શબ્દના સાદૃશ્યને નિમિત્ત બનાવીને કવિઓએ કવિકલ્પનાથી તેમને વાનરશરીરધારી દર્શાવ્યા છે એ તો કવિનો વિનોદ છે, કાવ્યચમત્કૃતિ છે. ભક્તો પોતાના ઈષ્ટદેવને મજાક પણ કરે છે. આજે પણ હનુમાનજીના ભક્તો હનુમાનજીને ‘લંગડેજી’ કહીને સંબોધે છે, તેવો જ આ એક વિનોદ છે.

જો આપણે આ તથ્યને સ્મરણમાં રાખીએ તો સ્પષ્ટ થશે કે હિન્દુ વાનરદેવ – (MONKEY GOD)ની પૂજા કરે છે તેમ કહેવું બરાબર નથી.

  1. ગણપતિજી :
    ગણપતિજીનું મસ્તક હાથીના મસ્તક જેવું છે. હિન્દુ પરંપરામાં ગણપતિજીની પૂજા અને તેમનું સ્મરણ તો સર્વપ્રથમ જ થાય છે. આ પરંપરાને અનુલક્ષીને વિરોધીઓ એવી ટીકા કરે છે કે હિન્દુઓ હાથીદેવ (Elephant GOD)ની પૂજા કરે છે.
    હિન્દુઓ મૂર્ખ પ્રજા નથી અને ઋષિઓ દૃષ્ટિહીન પુરુષો ન હતા. આર્ષદૃષ્ટિથી જે દર્શન થયા તે દર્શન પ્રમાણે તેમણે લખ્યું છે – કહ્યું છે.

ગણપતિ પૃથ્વી પર વસતા કોઈ માનવપુરુષ નથી. ગણપતિ દેવજગતના એક દેવ છે. દેવજગત એક સૂક્ષ્મ લોક છે, પારલૌકિક સૃષ્ટિ છે. પારલૌકિક સૃષ્ટિમાં બધું પૃથ્વી પ્રમાણે જ હોવું જોઈએ તેમ નથી. આપણી પૃથ્વી બ્રહ્માંડનું કેન્દ્ર નથી અને માનવજાતિ અસ્તિત્વની સર્વોચ્ચ સૃષ્ટિ નથી. માનવજાતિથી ઉચ્ચતર દેવ, ગંધર્વ, ક્ધિનર આદિ સૃષ્ટિઓ પણ છે જ. આ ઉચ્ચતર માનવેતર સૃષ્ટિની વ્યવસ્થા માનવસૃષ્ટિ પ્રમાણે જ થાય તેવું નથી. પૃથ્વી જેમ બ્રહ્માંડનું કેન્દ્ર નથી, તેમ માનવસૃષ્ટિ પણ સર્વ પ્રકારની સૃષ્ટિનું કેન્દ્ર નથી. માનવથી ઉચ્ચતર સૃષ્ટિઓ પણ છે અને માનવથી ભિન્ન જીવનપદ્ધતિઓ પણ છે. દેવસૃષ્ટિ એક ઉચ્ચતર સૃષ્ટિ છે અને ભિન્ન સૃષ્ટિ પણ છે. ગણપતિજી દેવસૃષ્ટિના એક દેવ છે. ગણપતિજી શિવ અને પાર્વતીજીના પુત્ર છે. ગણપતિજી દેવસૃષ્ટિના એક દેવ છે. ગણપતિજી શિવ અને પાર્વતીજીના પુત્ર છે. તેમનું એક વિશિષ્ટ સ્વરૂપ છે. આર્ષદ્રષ્ટાઓએ સૂક્ષ્મ જગતમાં તેમનાં તે રૂપે દર્શન કર્યાં છે અને જે આર્ષદ્રષ્ટિથી જોયું તે લખ્યું છે.

આમ ગણપતિના મુખનું સ્વરૂપ હાથીના મુખને મળતું આવે તો તેમાં અસંભવિત કશું નથી અને અજુગતું પણ કંઈ જ નથી. સૂક્ષ્મ જગતનાં ધોરણો પૃથ્વીલોકનાં અને માનવસૃષ્ટિનાં ધોરણોને અનુરૂપ જ હોય તેવું આવશ્યક નથી. અને અનિવાર્ય તો નથી જ.

ગણપતિ એક ઉચ્ચ કોટીના દેવ છે અને તેમની પૂજા તે હાથીદેવ (Elephant GOD)ની પૂજા છે તેમ કહેવું તે દેવસૃષ્ટિની મહત્તાને અવગણવા બરાબર છે.

  1. વૃક્ષપૂજા:
    હિન્દુ ધર્મમાં તુલસી, પીપળો, વડ આદિ વૃક્ષોને પવિત્ર વૃક્ષો માનવામાં આવે છે. પીપળાના માધ્યમથી પિતૃઓને જળ આપવામાં આવે છે. તુલસીનાં પર્ણ દ્વારા વિષ્ણુપૂજન અને બિલ્વપત્ર દ્વારા શિવપૂજન કરવામાં આવે છે.

આ પરંપરાનું નિરીક્ષણ કરીને હિન્દુઓ પર એવો આક્ષેપ કરવામાં આવે છે કે વૃક્ષપૂજકો છે.

સત્ય એ છે કે હિન્દુઓ પરબ્રહ્મનું ચિંતન કરનારા અને રામ, કૃષ્ણ, શિવ અને શક્તિનું પૂજન કરનારા છે, હિન્દુઓ વૃક્ષપૂજકો નથી.

હિન્દુ પીપળે પાણી રેડે છે તે વસ્તુત: પિતૃઓને જળ આપવાની ઘટના છે. હિન્દુઓ પીપળાની પૂજા કરે છે તે વસ્તુત: પીપળાના માધ્યમ દ્વારા પિતૃઓની પૂજા કરવામાં આવે છે.

જેમ દેવોની સૃષ્ટિ છે, તેમ પિતૃઓની પણ સૃષ્ટિ છે. પિતૃઓનાં બે સ્વરૂપ છે: પિતૃદેવો અને સ્વપિતૃઓ. પિતૃદેવો તે દેવોની જ એક કક્ષા છે અને સ્વપિતૃઓ એટલે પોતાનાં મૃત સગાંસંબધીઓ સ્થૂળ ચક્ષુઓથી દૃષ્ટિગોચર થાય તેટલી જ દુનિયા સાચી અને અન્ય કશું નથી એ માન્યતા ભ્રામક છે. આ સૃષ્ટિ અપરંપાર છે. સ્થૂળ દૃષ્ટિથી તો ઘણું ઓછું જોઈ શકાય છે. સ્થૂળ જગતની પાછળ સૂક્ષ્મ જગત પણ છે. આ સૂક્ષ્મ જગતનાં નિયમો, વિધિવિધાનો છે જ.

મૃત સગાંસંબંધીઓને શ્રાદ્ધાદિ ક્રિયાઓ દ્વારા તૃપ્તિ ને શાંતિ મળે છે અને તેમની ઉર્ધ્વગતિમાં તે ક્રિયા દ્વારા સહાયતા મળે છે તે એક સત્ય છે. નરી આંખે જોઈ શકાતું નથી, પરંતુ આર્ષદ્રષ્ટાઓએ આર્ષદ્રષ્ટિથી જોયેલું આ એક સત્ય છે. પીપળાના માધ્યમ દ્વારા પિતૃઓને જલાંજલિ આપવાની ક્રિયા સૂક્ષ્મ જગતના દર્શન પર પ્રતિષ્ઠિત એક સાચી ક્રિયા છે. તે ઘટના દ્વારા પિતૃઓને શાંતિ – તૃપ્તિ મળે છે તે એક સત્ય છે આ જલાંજલિ આપવાની ક્રિયા પીપળાના માધ્યમ દ્વારા કરવામાં આવે છે. તેની પાછળ પણ સૂક્ષ્મ દર્શનનો આધાર છે. પિતૃઓને જલાંજલિ પીપળા દ્વારા અપાય છે, લીમડા દ્વારા નહીં, કારણ કે પીપળો તે માટેનું યોગ્ય માધ્યમ છે. આ એક સત્ય છે, જે સૂક્ષ્મ દર્શન પર પ્રતિષ્ઠિત છે.

તુલસીપત્ર દ્વારા વિષ્ણુપૂજન, બિલ્વપત્ર દ્વારા શિવપૂજન, રક્તવર્ણનાં પુષ્પો દ્વારા ગણપતિપૂજન – આ પરંપરા આપણા આર્ષદ્રષ્ટાઓના ગહન દર્શન પર પ્રતિષ્ઠિત છે. તે પરંપરાઓ પાછળ સૂક્ષ્મ દર્શન છે. તેમને કપોળકલ્પિત ગણીને તેમને હાસ્યસ્પદ ગણવાને માર્ગે જવા જેવું નથી. આ મૂલ્યવાન પરંપરા જાળવી રાખવા જેવી છે.

આમ હિન્દુ ધર્મમાં પીપળો, તુલસી, બિલ્વ આદિ વૃક્ષોને પવિત્ર ગણવામાં આવે છે અને તેમના માધ્યમ દ્વારા કે તેમના દ્વારા દેવોની પૂજા અને પિતૃઓનું તર્પણ કરવામાં આવે છે, તેના પરથી હિન્દુઓને વૃક્ષપૂજકો કહેવા તે બરાબર નથી. વૃક્ષોમાં ગુપ્ત રહેલા સત્ત્વને હિન્દુઓએ જોયું છે અને તે સત્ત્વ જોઈને તેઓએ વૃક્ષને આદર આપ્યો છે અને તેમના માધ્યમ દ્વારા દેવો અને પિતૃઓ સુધી પોતાની મનોભાવના પહોંચાડી છે.

વડ-પીપળાની ડાળી તોડવી નહીં, સોમવારે બિલ્વપત્ર તોડવાં નહીં, અમાવસ્યાના દિવસે લીલા વૃક્ષને કાપવું નહીં, સૂર્યાસ્ત પછી વૃક્ષનાં પાન કે ફૂલ તોડવાં નહીં – બધી પરંપરા દ્વારા વૃક્ષરક્ષાની જ ભાવના પ્રગટે છે અને તેથીયે વિશેષ તો બુદ્ધિને પણ અગમ્ય એવું દર્શન પણ અભિવ્યક્ત થાય છે. ‘ગીતા’માં ભગવાન શ્રીકૃષ્ણે પીપળાને પોતાનું સ્વરૂપ ગણ્યો છે તેની પાછળ કોઈક સૂક્ષ્મ દર્શન છે જ.

‘अश्वत्थः सर्ववृक्षाणां|’

  • गीता – १०-२६
    ‘બધાં વૃક્ષોમાં હું પીપળો છું.’
    આમ, હિન્દુ ધર્મમાં વૃક્ષો પ્રત્યે આદરભાવ વ્યક્ત થાય છે. પીપળાના વૃક્ષ દ્વારા પિતૃતર્પણ થાય છે, તુલસીપૂજા, બિલ્વપૂજા અને પુષ્પો દ્વારા ભગવાનનું પૂજન થાય છે તે સાચું છે, પરંતુ તેટલા પરથી એવું વિધાન તારવામાં આવે કે હિન્દુઓ વૃક્ષપૂજકો છે તો તે વિધાન સત્ય નથી જ.
    (ક્રમશ:)

આપણ વાંચો : અલૌકિક દર્શન : વિષ્ણુ જેમ પરમોચ્ચ તત્ત્વ છે,

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button