ધર્મતેજ

ચિંતન : અપેક્ષિત પરિણામ ન હોય તોપણ તેની સ્વીકૃતિ માટેની સલાહ છે…

  • હેમુ ભીખુ

નિયતિ-પ્રયત્ન- સંયોગ
પુરુષાર્થનું પરિણામ એ બાબતને આધારિત હોય છે કે તે શેના દાયરામાં આવે છે – નિયતિ, પ્રયત્ન કે સંયોગ. નિયતિ એટલે વિધાતા દ્વારા નક્કી થયેલ બાબત, પ્રયત્ન એટલે પુષાર્થના પ્રકારના પ્રભુત્વવાળી સ્થિતિ અને સંયોગ એટલે એક કરતાં વધારે સમીકરણથી સ્થાપિત થતી બાબત.

Also read : ભજનનો પ્રસાદ : બ્રહ્માનંદસ્વામી: શકવર્તી સાંસ્કૃતિક સંપદાના અર્થપૂર્ણ ઉદ્ગાતા

નિયતિને ઈશ્વર-ઈચ્છા પણ કહી શકાય, પ્રારબ્ધ કે નસીબ પણ કહી શકાય. અહીં પરિણામ, પૂર્વના કોઈ કર્મને આધારે ઉદ્ભવતું હોય છે. ક્યારેક આ પ્રકારના કર્મ પૂર્વ જન્મનાં પણ હોઈ શકે. અહીં કાર્ય અને પરિણામ વચ્ચેનો સંબંધ સ્થાપિત કરવો મુશ્કેલ હોય છે, જેને કારણે પરિણામ શેને આધારે સ્થાપિત થયું છે તે નક્કી નથી થઈ શકતું. કોઈ જાણમાં ન આવે એવાં પરિબળ પુષાર્થનાં પરિણામને અસર કરે છે. આ પ્રકારની સ્થિતિમાં, ઘણા પ્રયત્નોને અંતે સફળતા ન પણ મળે કે આકસ્મિક સફળતા પણ મળી જાય, ઝીણવટતાપૂર્વક કરેલું આયોજન વ્યર્થ બની રહે અને અજાણતામાં લેવાયેલો નિર્ણય પરિણામ આપે, બુદ્ધિપૂર્વકનું પ્રયોજન કામ ન આપે અને રમતમાત્રમાં ઇચ્છિત પ્રાપ્ત થઇ જાય.

એમ કહેવાય છે કે ભારતનો ખેડૂત પ્રારબ્ધવાદી છે. ભારતના ખેડૂત નસીબને આધારે જીવન જીવતો હોય છે. તેના પુષાર્થનું પરિણામ વરસાદ પર અવલંબે છે. વરસાદ યોગ્ય હોય તો પણ ક્યાંક પાકની અંદર જીવાત પડી જાય. વાસ્તવમાં તો એમ લાગે છે કે ભારતનો સમગ્ર સમાજ જાણે પ્રારબ્ધમાં માને છે. ધાર્મિક વિચારધારાને આધારે આ યોગ્ય પણ. જ્યારે ગીતામાં એમ કહેવામાં આવ્યું હોય કે, `તારો અધિકાર કર્મમાં છે, તેના ફળમાં નહીં’, ત્યારે સ્વાભાવિક છે કે વ્યક્તિ ઈશ્વર-ઈચ્છા પર આધાર રાખે. આમાં કંઈ ખોટું પણ નથી. આ સત્ય વિધાન છે. સમજવાની વાત એ છે કે પુષાર્થ તો ચાલુ રહેવો જ જોઈએ. અહીં પ્રયત્ન માટેની મનાઈ નથી, અપેક્ષિત પરિણામ ન હોય તોપણ તેની સ્વીકૃતિ માટેની સલાહ છે. અહીં નિષ્ક્રિયતાની વાત નથી, ઈચ્છા-અપેક્ષાને સંયમિત કરવાની વાત છે. અહીં કાર્ય અટકાવી દેવાની વાત નથી, નિર્લેપતા, તટસ્થતા અને સાક્ષીભાવથી જીવન વ્યતીત કરવાની વાત છે.

Also read : શિવ રહસ્ય : આપણી દીકરીને આ દેવર્ષિએ ભ્રમિત કરી દીધી છે, તેમને કઠોરથી કઠોર દંડ આપવામાં આવે

સૃષ્ટિનાં ઘણાં સમીકરણો ધ્યાનમાં નથી આવતાં હોતાં. લાખ સાવચેતી પછી પણ કુદરતી આફતમાં ઘણું નુકસાન થઈ જાય. રસ્તાની બાજુમાં શાંતિથી ઊભા હોઈએ તો પણ કારની ટક્કર વાગી જાય. અચાનક માંદગી આવી જવાથી અગત્યનું આયોજન અટકી પડે. કોઈપણ દેખીતાં કારણ વગર એવી મુશ્કેલ પરિસ્થિતિ ઊભી થાય કે જેનું નિવારણ લગભગ અસંભવ હોય. નિયતિ દ્વારા આવાં કેટલાક નિર્ણયો લેવાતાં હોય છે જેના `કારણા’ માનવીની પહોંચની બહારના વિસ્તારમાં હોય છે. માનવીના અભિમાનને નિયંત્રિત કરવા માટે આ જરૂરી પણ છે.

પ્રયત્ન શ્રેણીના પરિણામમાં કાર્ય અને પરિણામ વચ્ચેનું સમીકરણ સરળતાથી સમજી શકાય એવું હોય છે. અહીં જેમ પુષાર્થ વધુ તીવ્ર તેમ પરિણામની શક્યતા વધુ. અહીં પુષાર્થ જેમ વધુ આયોજન પૂર્વકનો તેમ ઇચ્છિત પરિણામની શક્યતા વધુ. અહીં જેટલું કામ કરવામાં આવે, જેવું કામ કરવામાં આવે, તેના પ્રમાણમાં પરિણામ પ્રાપ્ત થાય. અહીંયા મહેનતુને લાભ થાય અને આળસુને ગેરલાભ. અહીં જેવો પુષાર્થ તેવું પરિણામ. અહીં કોઈને કોઈ પણ પ્રકારની ફરિયાદ માટે અવકાશ ન હોય. જેવું કરો તેવું પામો, જેવું વાવો તેવું લણો – જેવી બાબતો અહીં સાર્થક થતી જણાય. `સુતેલા સિંહના મુખમાં હરણ પ્રવેશે નહીં’, જેવી પુષાર્થને પ્રોત્સાહન આપતી બાબતો આ શ્રેણીમાં આવે. આ એક એ પ્રકારની વાસ્તવિકતા કહેવાય જેને આધારે માનવીને પુષાર્થ કરવાનું કારણ મળી રહે. પરિણામ પ્રાપ્ત કરવું હોય તો પુષાર્થ તો જરૂરી છે.

Also read : આવતીકાલે છે ગુરુ પુષ્ય નક્ષત્ર યોગ: ભગવાન વિષ્ણુ અને દેવગુરુ બૃહસ્પતિની કૃપા ભરશે ધનનાં ભંડાર…

સંજોગ એ એવી પરિસ્થિતિ છે કે જેમાં અન્યનું પુષાર્થ કે અન્યનું પ્રારબ્ધ જે તે વ્યક્તિના પુષાર્થ પર અસર કરે. જો કે આ શ્રેણીની પરિસ્થિતિને પણ કેટલાંક લોકો પ્રારબ્ધની શ્રેણીમાં જ મૂકે છે, તો પણ થોડી ભિન્નતા છે. પ્રારબ્ધ’માં વ્યક્તિના પહેલાનાં કર્મ અસર છોડી જાય જ્યારેસંજોગ’માં અન્ય વ્યક્તિ કે અન્ય પરિસ્થિતિને કારણે ઉદ્ભવતી ઘટના પરિણામને અસર કરે. કોઈ સ્પર્ધામાં પ્રથમ સ્થાને આવવા માટે વ્યક્તિએ બહુ મહેનત કરી હતી, પણ અન્ય વ્યક્તિની વધુ મહેનતને કારણે પદક અન્ય કોઈને મળે. આમાં વ્યક્તિની `નિયતિ’માં ખોટ ન હતી અને તેનાં પ્રયત્ન પણ યોગ્ય માત્રાના – યોગ્ય પ્રકારના હતાં. અહીં ઇચ્છિત પરિણામ પ્રાપ્ત ન થવાના કારણમાં અન્ય સક્ષમ વ્યક્તિની હાજરી તથા તેનો પુષાર્થ હતાં. સંસારમાં આકાર લેતી આ સામાન્ય ઘટના છે.

બધું જ નથી સ્વયં વ્યક્તિના હાથમાં, નથી ઈશ્વર દ્વારા બધું નિર્ણિત થતું, કે નથી અન્ય પરિસ્થિતિ દ્વારા બધાનો આખરી નિર્ણય લેવાતો. પરિસ્થિતિ પ્રમાણે અંતિમ પરિણામ સ્થાપિત થાય છે. જરૂરી નથી કે કોઈ એક પરિણામમાં કોઈ એક `નિયતિ – પ્રયત્ન – સંયોગ’ દ્વારા જ આખરી સ્થિતિ નિર્ધારિત થાય. બની શકે કે દરેક પરિણામમાં કંઈક નિયતિને આધારિત હોય, કંઈક પ્રયત્નના પ્રકારને આધારિત હોય અને કંઈક અન્ય પરિસ્થિતિ દ્વારા નિર્ધારિત થતું હોય.

Also read : સારંગપ્રીતઃ શ્રદ્ધા અંતિમ લક્ષ્યની ગીતા મહિમા –

જિંદગીમાં કોઈપણ બાબતને એટલી સ્પષ્ટતાથી શ્વેત-શ્યામમાં વિભાજિત નથી કરી શકાતી. અહીં લગભગ દરેક `શક્તિ’નું વર્ચસ્વ હોય છે – દરેક પ્રકારની શક્તિનું વર્ચસ્વ હોય છે. બધાના સમન્વયથી જ જિંદગી નિર્ધારિત થતી હોય છે. આ જિંદગીનું સત્ય પણ છે અને આ જિંદગીનો આધાર પણ છે. જિંદગીની મજા પણ આને કારણે છે અને જિંદગીમાં ઉભરતી પ્રેરણાનો સ્ત્રોત પણ આ જ છે. કઈ બાબત ક્યારે પ્રભુત્વ ધરાવશે તે કહી નથી શકાતું. તેથી જ માનવીનો અધિકાર માત્ર કર્મમાં છે. પરિણામની અપેક્ષા રાખ્યા વગર, શ્વાસ ચાલુ છે ત્યાં સુધી નિયત કર્મ કરવાનું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button